મોટા ભાગના લોકોને લાગે છે કે તેઓ વજન ઓછું કરશે એટલે ફૅટી લિવર જતું રહેશે, પણ એ પૂર્ણ સત્ય નથી. એના માટે ઇન્ફ્લમેશન પણ દૂર કરવું જરૂરી છે. અને નિયમબદ્ધ જીવન જીવવું પડશે. આ બધી બાબતોનું ધ્યાન રાખીશું તો જ ફૅટી લિવરથી મુક્તિ શક્ય બને છે
ફૅટી લિવરમાંથી મુક્ત થવા માટે ફક્ત વજન ઉતારવું પૂરતું નથી
ડૉક્ટર જ્યારે કહે કે તમે પેટની સોનોગ્રાફી કરાવી લો અને નિદાનરૂપે તમને ફૅટી લિવર છે એવું સાબિત થાય ત્યારે મોટા ભાગે ડૉક્ટર પણ દરદીને એક જ સલાહ આપીને ભગાડી દે છે કે પહેલાં વજન ઓછું કરો તો બધું ઠીક થશે. જોકે વજન ઓછું કરવાથી ફૅટી લિવર જશે એ અધૂરી સમજણ છે. ઘણા લોકો આ સલાહનું આંધળુ અનુકરણ કરે છે જેને કારણે વ્યક્તિના સ્નાયુ ઘટી જાય છે, શરીરમાંથી ફૅટ જતી નથી. વેઇટલૉસ અને ફૅટલૉસનો સાચો અર્થ અહીં સમજવો જરૂરી છે ત્યારે ફૅટી લિવર જેવી તકલીફ દૂર થઈ શકે, પણ એ પહેલા ટૂંકમાં સમજી લો કે ફૅટી લિવર છે શું અને એ થવા પાછળનાં કારણો કયાં-કયાં છે.
ફૅટી લિવરમાં થાય શું?
ADVERTISEMENT
માનવશરીરમાં ફૅટ્સ અલગ-અલગ ભાગમાં જમા થતી હોય છે. જો આ ફૅટ લિવર એટલે કે યકૃત પર જમા થાય તો એ અવસ્થાને ફૅટી લિવર કહે છે. આમ તો આ તકલીફ જે લોકો દારૂ પીતા હોય તેમને થવાની શક્યતા ઘણી છે, પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી જે લોકો દારૂ નથી પીતા તેમનામાં પણ આ રોગ જોવા મળે છે, જેને નૉન-આલ્કોહૉલિક ફૅટી લિવર ડિસીઝ કહે છે. આ રોગ મુખ્યત્વે ખોટી જીવનશૈલી, વજન વધવું, અનિયમિત આહાર, ડાયાબિટીઝ કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે થાય છે. મહત્ત્વનું એ છે કે આ રોગની શરૂઆતના તબક્કામાં સામાન્ય રીતે કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતાં નથી એટલે એને સાઇલન્ટ ડિસીઝ પણ કહેવાય છે. જે કારણોસર આ રોગ થાય છે એ કારણોને સમજીને એના પર કામ કરવાથી ફૅટી લિવર દૂર થાય છે.
વેઇટલૉસ નહીં, ફૅટલૉસ
વેઇટલૉસ અને ફૅટલૉસ બન્ને સાંભળવામાં એકસરખાં લાગે છે, પરંતુ શરીરમાં થતા ફેરફારોની દૃષ્ટિએ બન્ને વચ્ચે મોટો તફાવત છે એ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ ધ્વનિ શાહ કહે છે, ‘વેઇટલૉસનો અર્થ શરીરનું કુલ વજન ઓછું થવું છે. વજન જ્યારે ઘટે છે ત્યારે માત્ર ચરબી જ નહીં, એની સાથે શરીરનું પાણી અને મસલ્સ પણ ઘટે છે. ઓછી કૅલરીવાળો ખોરાક લેવાથી કે યોગ્ય પ્રોટીન અને
સ્ટ્રેન્ગ્થ-ટ્રેઇનિંગ વગર માત્ર કાર્ડિયો કરવાથી વેઇટલૉસ થાય છે, જેનાથી શરીર નબળું પડી શકે છે. બીજી બાજુ ફૅટલૉસનો અર્થ શરીરમાંથી માત્ર વધારાની ચરબી ઓછી થવી છે. આ પ્રક્રિયામાં મસલ્સ સુરક્ષિત રહે છે. યોગ્ય માત્રામાં પ્રોટીન જે તમને પચી શકે, સંતુલિત આહાર અને વેઇટ-ટ્રેઇનિંગ દ્વારા ફૅટલૉસ થાય છે. આનાથી શરીર મજબૂત થાય છે, મેટાબૉલિઝમ સુધરે છે અને શરીરનો આકાર વધુ ટોન્ડ દેખાય છે. જોકે આ ફૅટલૉસ માટેના ઉપાયો વ્યક્તિગત હોય છે, બધાને એકસરખા લાગુ પડતા નથી. સમજવાનું એ છે કે ફૅટી લિવર જેવો રોગ જાડા હોવાને કારણે તો થાય જ છે, અત્યંત દૂબળા લોકોને પણ થાય છે. એટલે અહીં સમજવાનું એ છે કે એનો ઉપાય ફક્ત વજન ઉતારવું ન હોઈ શકે.’
એક બીજી ભૂલ તરફ આંગળી ચીંધતાં ધ્વનિ શાહ કહે છે, ‘લિવર પર ફૅટ જમા થાય એટલે લોકો ખોરાકમાં ફૅટ્સ બંધ કરી દે છે. આવું ન કરવું. ઊલટું હેલ્ધી ફૅટ્સ ફૅટી લિવરથી છુટકારો પામવા માટે મદદરૂપ સાબિત થયા છે. ઘી, કોપરું જેવી હેલ્ધી ફૅટ્સ સદંતર બંધ કરવી મૂર્ખામી છે. તમારા શરીરને માફક આવે એટલું અને ભૂખ લાગી હોય એટલું જ ખાવું અત્યંત જરૂરી છે. આ વાત લોકો સમજતા નથી એટલે ફૅટી લિવર જતું નથી.’
ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને લિવર
શરીરમાં જ્યારે શુગરનું પ્રમાણ સતત વધારે રહે છે ત્યારે ઇન્સ્યુલિન હૉર્મોન યોગ્ય રીતે કામ કરી શકતું નથી એ વાત સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, ‘આના કારણે શરીર વધારાની શુગરને ચરબીમાં ફેરવીને લિવરમાં જમા કરવાનું શરૂ કરે છે. જો તમે માત્ર કૅલરી ઘટાડીને વજન ઓછું કરો, પણ આહારમાં રિફાઇન્ડ શુગર અને સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સ ચાલુ રાખો તો ઇન્સ્યુલિનનું સ્તર ઊંચું જ રહેશે અને લિવરમાં ચરબી જમા થવાની પ્રક્રિયા પૂરી રીતે અટકશે નહીં. વળી ફૅટી લિવર માત્ર ચરબી જમા થવાની સમસ્યા નથી, આગળ જતાં એ લિવરમાં સોજો ઉત્પન્ન કરે છે. વધારાની ચરબીને કારણે લિવરના કોષોમાં ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે જે લિવરના કોષોને નુકસાન પહોંચાડે છે. જો માત્ર વજન ઘટે પણ શરીરમાં જન્ક ફૂડ, પ્રોસેસ્ડ આહાર કે સ્ટ્રેસના કારણે ઇન્ફ્લમેશન ચાલુ રહે તો લિવરના કોષોનું ડૅમેજ અટકતું નથી. આ બાબત ખાસ સમજવા જેવી છે. શુગરને કારણે ઇન્સ્યુલિન કામ ન કરી શકે અને લિવરમાં ચરબી જમા થાય. વધારાની ચરબીથી લિવરમાં સોજો આવે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધુ બગડે. આમ આ એક એવું વિષચક્ર બની જાય છે જ્યાં એક સમસ્યા બીજી સમસ્યાને વધારે છે.’
ફૅટી લિવર મટાડવા માટે શું કરવું?
શુગર અને કાર્બોહાઇડ્રેટ્સ પર નિયંત્રણ લાવવું. આહારમાંથી ખાંડ, ગળ્યાં પીણાં, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ સંપૂર્ણપણે બંધ કરવાં જેથી ઇન્સ્યુલિનનું સ્તર નીચું આવે.
ઍન્ટિ-ઇન્ફ્લમેટરી આહાર લેવો. લીલાં શાકભાજી, હળદર, ઑમેગા 3 ફૅટી ઍસિડયુક્ત આહાર જેમાં અળસી, અખરોટ આવે અને ઍન્ટિ-ઑક્સિડન્ટથી ભરપૂર ખોરાક લેવો જે લિવરનો સોજો ઘટાડે.
નિયમિત વ્યાયામ કરવો. કસરત કરવાથી સ્નાયુઓ શુગરનો ઉપયોગ કરવા લાગે છે જેનાથી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી સુધરે છે અને લિવર પરનું દબાણ ઘટે છે.
શરીરની ઘડિયાળ પર કામ કરો. તમારા સૂવાના અને ઊઠવાના સમયને નિયત કરો. રાત્રે વહેલા સૂઓ અને સવારે વહેલા ઊઠો. એટલું જ નહીં, ખાવાનો સમય નિયત કરો. શરીરની ઘડિયાળ જેની ઠીક છે તેનું શરીર પણ ઘણું તંદુરસ્ત રહે છે.
સ્ટ્રેસ મૅનેજ કરતાં શીખો. સ્ટ્રેસ ક્યારેય ઘટવાનું નથી. એ રહેશે, પણ એ તમારા પર કેવી અસર કરે છે એ સમજવું જરૂરી છે. તમારા શરીરને કે મનને એ ખરાબ કરે એ હદે એને તમારા પર હાવી ન થવા દો.
આ બધું કરતાં-કરતાં એટલે કે એક વ્યવસ્થિત જીવન જીવશો ત્યારે એની બાય-પ્રોડક્ટરૂપે તમારું વજન ઘટશે; પરંતુ વજન ઘટાડવા માટે ખોટા પ્રયત્નો કરશો તો એમાં કદાચ વજન તો ઘટશે, પરંતુ ફૅટી લિવર નહીં જાય.
