Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > શું તમને પણ જમણી અને ડાબી બાજુ સમજવામાં લોચો પડે છે?

શું તમને પણ જમણી અને ડાબી બાજુ સમજવામાં લોચો પડે છે?

Published : 22 October, 2026 12:39 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કોઈ કહે કે જમણી બાજુ વાળો અને તમે ડાબી બાજુ ગાડી ઘુસાવી દો કે પછી ડાબી બાજુ જવાનું હોય પણ રિક્ષાવાળાને કહો કે જમણી બાજુ લઈ લો જેવી ભૂલો ઘણી જ સામાન્ય છે.

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)

પ્રતીકાત્મક તસવીર (એઆઈ)


રિક્ષામાં બેઠા હો ત્યારે...

ભાઈ, જમણી બાજુ વાળી લો...



અરે! અરે! આમ ક્યાં જાઓ છો? મેં કહ્યું જમણી બાજુ વાળી લો.


મૅડમ! જમણી બાજુ જ તો વાળ્યું છે.

ઓહ સૉરી... મારો અર્થ એમ હતો કે ડાબી બાજુ વાળી લો...


આવું આપણા બધા સાથે થાય છે. આમ તો નાના હતા ત્યારે આપણે બધા જ શોધી ચૂક્યા છીએ કે જમણી બાજુ કઈ અને ડાબી બાજુ કઈ, પણ આપણામાંથી કેટલાય એવા છે કે KBCના એક કરોડના પ્રશ્નનો જવાબ આપી શકે, પરંતુ જમણું-ડાબું પૂછીએ તો લોચો પડે. વળી હંમેશાં એ તકલીફ નથી થતી. ક્યારેક ગૂંચવાઈ જવાય અને ક્યારેક ફટ દઈને જવાબ આપી શકાય. થોડું ધ્યાન આપવું પડે બસ. આપણામાંથી કેટલાક તો એવા છે જેમને દિશાઓની વાત કરીએ તો જાણે કે તેમનું મગજ જ બહેર મારી જાય. રસ્તો પૂછે કોઈ અને આપણે કહીએ કે આગળથી ડાબી બાજુએ ચોથી શેરીમાં જમણેથી વળશો તો ડાબા હાથે ચોથું મકાન. આ સાંભળીને જ તે પાણીમાં બેસી જશે અને કહેશે કે ગૂગલ મૅપ ખોલી આપો એના કરતાં. ઘણા લોકો એવા પણ છે કે ગૂગલ મૅપમાં વૉઇસ ચાલુ હોય અને બોલે કે ટેક રાઇટ તો મૅપ જુએ કે આ જ બાજુ છેને! ફક્ત રાઇટ સાંભળીને રાઇટ લેવાનો કૉન્ફિડન્સ ન આવે. આવું કેમ છે અને એની પાછળ શું જવાબદાર છે એ આજે સમજવાની કોશિશ કરીએ.

સંશોધન

દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ આ મુદ્દે થોડા વધુ ઊંડા જઈ રહ્યા છે અને સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આવું છે કેમ? આમ તો ડાબી અને જમણી બાજુ વચ્ચે કન્ફ્યુઝન થવું ખૂબ જ સામાન્ય બાબત છે, જે બુદ્ધિ સાથે બિલકુલ સંબંધિત નથી. અતિશય બુદ્ધિશાળી અને સફળ લોકોમાં પણ આ સમસ્યા જોવા મળે છે. કેટલાક લોકો માટે ડાબે અને જમણે ઓળખવું એટલું જ સરળ છે જેટલું ઉપર અને નીચે ઓળખવું, પરંતુ એક નોંધપાત્ર લઘુમતીને આ સમજાતું નથી. તાજેતરના એક અભ્યાસ મુજબ લગભગ છમાંથી એક વ્યક્તિ આ તફાવત કરવામાં મુશ્કેલી અનુભવે છે. ૨૦૨૦માં નેધરલૅન્ડ્સના ડચ લોકો પર થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે લગભગ ૧૫ ટકા લોકો ડાબા અને જમણાને ઓળખવાની વાત આવે ત્યારે પોતાને અસમર્થ ગણાવે છે. એટલું જ નહીં, બાકી બચેલા લોકોમાંથી ૪૩ ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કોઈ નિશાનીના આધારે ઓળખે છે કે ડાબી બાજુ કઈ અને જમણી બાજુ કઈ. જેમ કે લખવાવાળો હાથ, કાંડાઘડિયાળ કે વીંટી કયા હાથમાં છે એ તેઓ જોઈ લે છે. આમ નિર્ણય લેવા માટે તેમને આવી મદદ જરૂરી થઈ પડે છે. આમ જોવા જઈએ તો ૫૮ ટકા જેટલા લોકોને ડાબું-જમણું સમજાતું નથી.

કેમ ઊભું થાય છે કન્ફયુઝન?

ઉપર અને નીચે કે આગળ અને પાછળ ઓળખવું મગજ માટે સરળ છે, કારણ કે ઉપર કે નીચે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા નક્કી થાય છે. બાકી આગળ કે પાછળની વાત કરીએ તો આપણું મોં અને આંખો જે તરફ હોય એ આગળનો ભાગ છે, પરંતુ ડાબું અને જમણું એ સપ્રમાણ એટલે કે બન્ને તરફ એકસરખું હોય છે. આપણું શરીર બહારથી ડાબી અને જમણી બન્ને બાજુથી સરખું દેખાય છે એટલું જ નહીં, એની અંદરની સિસ્ટમ પણ બન્ને તરફ એકસરખી છે. આ વિશે વાત કરતાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘શરીરને વચ્ચેથી કાપવામાં આવે તો બન્ને તરફ એકસરખાં અંગ અને એકસરખી રચના જોવા મળે. મગજે ડાબી-જમણી બાજુ નક્કી કરવા માટે ઘણી બધી વિગતો એકસાથે પ્રોસેસ કરવી પડે છે. જેમ કે દૃશ્ય, સંવેદના, ભાષા તથા નામ. મગજને જ્યારે આ બધી પ્રક્રિયાઓ ક્ષણવારમાં કરવી પડે છે ત્યારે સિગ્નલમાં શૉર્ટ-સર્કિટ કે વિલંબ થાય છે. ડાબી અને જમણી બાજુ એકબીજાની સાપેક્ષ છે. જો કોઈ વ્યક્તિ તમારી સામે ઊભી હોય તો તમારો જમણો હાથ એ તેનો ડાબો હાથ બનશે. જ્યારે કોઈને કહેવામાં આવે કે ‘ડાબી બાજુ વળો’ ત્યારે મગજે પોતાને અથવા સામેની વ્યક્તિને માનસિક રીતે ફેરવીને દિશા નક્કી કરવી પડે છે. આ પ્રક્રિયામાં મગજનો પરાઇટલ લોબ નામનો ભાગ વપરાય છે. જો આ ન્યુરોલૉજિકલ પ્રોસેસિંગમાં સહેજ પણ ખચકાટ થાય તો કન્ફ્યુઝન ઊભું થાય છે.’

થાય છે શું?

ડાબું અને જમણું માત્ર એક દિશા જ નથી, એક શબ્દ કે લેબલ પણ છે. મગજને માત્ર દિશા જ નથી અનુભવવાની, પરંતુ એ દિશાને સાચા શબ્દ સાથે જોડવાની પણ છે એમ સમજાવતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘અમુક લોકોનું મગજ દિશા સાચી સમજી લે છે, પરંતુ મુખમાંથી બોલતી વખતે કે મનમાં શબ્દ વિચારતી વખતે ‘ડાબું’ અને ‘જમણું’ લેબલ
અરસ-પરસ બદલાઈ જાય છે. ઘણા લોકો નાનપણથી ડાબી-જમણી બાજુ ઓળખવા માટે માનસિક યુક્તિઓ પર નિર્ભર હોય છે. જેમ કે જે હાથ વડે લખીએ છીએ એ જમણો હાથ અથવા જે હાથમાં ઘડિયાળ પહેરી છે એ ડાબો હાથ. જ્યારે પણ ઉતાવળમાં કે અચાનક નિર્ણય લેવાનો હોય ત્યારે આવી યુક્તિઓ વાપરવાનો સમય નથી મળતો, જેને કારણે વ્યક્તિ મૂંઝાઈ જાય છે.’

મગજ સાથેનો સંબંધ

જ્યાં સુધી દિશાની સમજ કે
જમણા-ડાબાની સમજની વાત છે તો આ કામ હિપ્પોકૅમ્પસમાં થાય છે એ વિશે સમજાવતાં ડૉ. કૃતિ મહેતા કહે છે, ‘જે મોટા નકશાઓ હોય એ મગજના હિપ્પોકૅમ્પસમાં નાની-નાની ગ્રીડસેલ્સમાં અંકિત થાય છે. તમને યાદ હોય તો મોટું ડ્રૉઇંગ કરતી વખતે એ ડ્રૉઇંગને નાનાં ખાનાંઓમાં વિભાજિત કરીને એને દોરતા, જેથી દોરવું સરળ પડે. એ નાનું ખાનું એક ગ્રીડ સમજો. એ જ રીતે મોટા નકશાઓ મગજમાં સંગ્રહ થાય છે, જેને લીધે આ મૅપ ડાયનૅમિક બની જતો હોય છે. પરિસ્થિતિ પ્રમાણે આ ગ્રીડ્સ બદલાતી રહે છે તેથી નકશા બદલાતા રહે છે અને મૂંઝવણ ઊભી થાય છે. માણસની મૂવમેન્ટ જેટલી વધુ એટલી ઝડપથી આ નકશાઓ બદલાય છે. એને લીધે તમને ધ્યાન હોય તો ખૂબ ગોળ-ગોળ ફરીએ કે આમથી તેમ ભાગતા હોઈએ ત્યારે દિશાભાન હલી જતું હોય છે. એકસાથે ઘણીબધી માહિતીઓ એકઠી થઈ જતી હોય કે એકસાથે ઘણાબધા કમાન્ડ ભેગા થઈ ગયા હોય ત્યારે પણ દિશાભાન પર અસર પડે છે. જેમ કે તમને કોઈ કહે કે આગળથી જમણી બાજુ વળી જજો અને પછી ત્રીજી ગલીમાં ડાબી બાજુ જઈને જમણા હાથે ચોથી દુકાન આવી જશે તો તમે ભયંકર ગૂંચવાઈ જઈ શકો છો.’

ધ્યાનને કારણે ઉત્પન્ન
થતી તકલીફ

આવાં કન્ફ્યુઝનો બધી બાબતોમાં થતાં નથી. લખતી વખતે, કામ કરતી વખતે, ઘડિયાળ કાંડે બાંધતી વખતે તમે વિચારતા નથી કે કયો હાથ વાપરું? પેન ઉપાડો તો તમે જે હાથે લખતા હો એ જ હાથ ઊપડે. એમાં એવું નથી થતું કે જમણો હાથ ઉપાડું કે ડાબા? જમતી વખતે રોટલી તોડતી વખતે બીજો હાથ આગળ નથી જ આવતો. જગ્યા અને પરિસ્થિતિ આપણને મૂંઝવે છે. આ સિવાય તમે જ્યારે ધ્યાન નથી આપતા કે તમારું ધ્યાન વહેંચાયેલું હોય ત્યારે મૂંઝવણ થાય છે. રિક્ષાવાળાને ખોટો રસ્તો આપણે ત્યારે સૂચવીએ છીએ જ્યારે રિક્ષામાં ફોન પર હોઈએ કે ત્યાં બેઠાં-બેઠાં પણ મગજ કશે બીજે ભમતું હોય. આમ ધ્યાન નથી એટલે જમણું-ડાબું સમજાતું નથી. એમાં મૂંઝવણ થાય છે. આ પ્રૉબ્લેમ ફોકસનો છે. વ્યક્તિ જેવું ધ્યાન આપે એટલે તરત જ સમજી જાય કે તે ભૂલ કરી રહી છે. આમ જે વ્યક્તિને દિશાની તકલીફ થાય છે તેને ઇલાજની જરૂર નથી હોતી. તેઓ થોડું ધ્યાન આપે તો તેમની તકલીફ દૂર થઈ જાય છે. વધુ તકલીફ હોય તો નિશાનીઓનો સહારો લઈ શકાય છે.

 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 12:39 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK