ચા, ઉકાળા કે કોઈ મસાલેદાર ચટપટી વાનગીમાં આદુ વગર સ્વાદને વધારવો કરવો ઇમ્પૉસિબલ છે એમ કહીએ તો ખોટું નથી.આદુ નાખતી વખતે આપણે છાલને કચરો સમજીને કાઢી નાખીએ છીએ, પણ ડાયટિશ્યન અને હેલ્થ-એક્સપર્ટ્સે એના પણ ફાયદાઓ ગણાવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
એના હેલ્થ-બેનિફિટ્સ તો છે જ અને સાથે એમાંથી રૂમ-ફ્રેશનર તથા જંતુનાશક દવા પણ બને છે
ચા, ઉકાળા કે કોઈ મસાલેદાર ચટપટી વાનગીમાં આદુ વગર સ્વાદને વધારવો કરવો ઇમ્પૉસિબલ છે એમ કહીએ તો ખોટું નથી. આદુ નાખતી વખતે આપણે છાલને કચરો સમજીને કાઢી નાખીએ છીએ, પણ ડાયટિશ્યન અને હેલ્થ-એક્સપર્ટ્સે એના પણ ફાયદાઓ ગણાવ્યા છે. આદુની સાથે એની છાલ પણ શરીર માટે એટલી જ ગુણકારી છે. આદુ તાજું અને સ્વચ્છ હોય તો એની છાલ ખાવાથી કોઈ સમસ્યા થતી નથી. ખાસ કરીને સૂપમાં નાખીને એને ખાઈ શકાય છે. જો આદુની છાલ રેસાવાળી હોય અથવા આદુ ઑર્ગેનિક રીતે ઉગાડવામાં ન આવે તો એમાં કરેલા દવાના છંટકાવને દૂર કરવા એની છાલને દૂર કરવી પડે છે.
પેટની સમસ્યામાં ફાયદો આપે
આદુની છાલમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્યને ફાયદા આપે છે. એમાં બળતરા વિરોધી અને ઍન્ટિમાઇક્રોબ્યલ ગુણધર્મો છે જે પાચનક્રિયાને સરળ બનાવવાનું અને રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે. આદુની છાલ પોષક તત્ત્વોથી સમૃદ્ધ હોવાથી એને ફેંકવી ન જોઈએ. શિયાળામાં આદુનું સેવન ભલે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે, પણ ઉનાળામાં પણ એ આરોગ્યપ્રદ છે. ઉનાળામાં વધુ ગરમીને કારણે પાચનસંબંધિત સમસ્યાઓ થતી હોય છે અને ઘણી વાર મસાલેદાર આહારનું સેવન કરવાથી ઍસિડિટીની તકલીફ થાય છે. તેથી જો આદુની છાલનું સેવન કરવામાં આવે તો ઍસિડિટીની સમસ્યા રહેતી નથી. એ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. આદુની છાલ પેટની તકલીફોને શાંત કરે છે અને સાથે આંતરડાંની હેલ્થને સુધારવામાં પણ મદદ કરે છે.
આટલું ધ્યાન રાખજો
જો તમે આદુની છાલનું સેવન કરો છો તો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. બજારમાંથી આદુ લઈ આવીને એને સરખી રીતે ધોવું અને ઑર્ગેનિક આદુ હોય તો જ એની છાલનું સેવન કરવું જોઈએ. કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરેલું આદુ ઘરમાં લાવીને ધોશો તો પણ એમાં થોડી દવા તો રહેતી જ હોય છે. તેથી આવી છાલને ખાવી ન જોઈએ અને આદુને પણ છાલ ઉતારીને પછી ઉપયોગમાં લેવું. જેને છાશવારે પાચન સંબંધિત સમસ્યા થતી હોય તેને આદુની છાલ ભારે પડી શકે છે. એટલે કે એ પચવામાં થોડી મુશ્કેલ હોય તો વધુ સમસ્યા થઈ શકે એમ હોવાથી એનું સેવન ટાળવું જોઈએ.
ઉધરસમાં લાભકારી
સીઝન બદલાય એટલે શરદી અને ઉધરસ થવી બહુ જ કૉમન છે. આમ તો આદુ અને એની છાલના ગુણધર્મો એકસમાન હોય છે તેથી એની છાલને ફેંકવા કરતાં એને ઉધરસની દવા તરીકે પણ યુઝ કરી શકાય. ઉધરસ હોય તેને આદુની છાલ તડકામાં સૂકવીને મધ સાથે એક ચમચી રાત્રે લેવાથી ફાયદો થાય છે. આદુની છાલ નાખીને ચા બનાવવામાં આવે તો ફ્લુમાં પણ આરામ મળે છે. આદુની જેમ એની છાલનું સેવન પણ માપમાં કરવું જોઈએ, નહીં તો બીજી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આમ તો આદુની છાલને સૂકવ્યા બાદ એને સ્ટોર કરીને કોઈ શાકમાં નાખીને પણ ખાઈ શકાય છે.
અન્ય ઉપયોગ પણ ખરા
આદુની છાલથી રૂમ-ફ્રેશનર પણ બનાવી શકાય. આ માટે એની છાલને પાણીમાં નાખીને ઉકાળી લેવાની અને એમાં લીંબુ નાખીને ફરીથી એક વાર ઉકાળવું. પછી એ પાણીને ઠંડું કરીને એક બૉટલમાં ટ્રાન્સફર કરી દેવું અને એ પાણીને સ્પ્રે કરીને રૂમમાં ફ્રેશનર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. બાથરૂમ અને સિન્કની દુર્ગંધને દૂર કરવામાં આ પાણીનો ઉપયોગ કરી શકાય.
આદુની છાલનો ઉપયોગ જંતુનાશક દવારૂપે પણ કરી શકાય છે. સામાન્યપણે આપણે છોડને જીવજંતુથી બચાવવા માટે બજારમાંથી મળતાં પેસ્ટિસાઇડ્સ નાખીએ છીએ. એને બજારમાંથી લેવા કરતાં આદુની છાલનું પાણી અથવા એને સૂકવીને બનાવેલો પાઉડર માટીમાં મિક્સ કરીને નાખશો તો એ પેસ્ટિસાઇડનું જ કામ કરશે.

