Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

ઓડકાર કેમ આવે છે?

Published : 07 September, 2026 04:12 PM | Modified : 07 September, 2026 04:13 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જમ્યા પછી એકાદ ઓડકાર સામાન્ય છે, પણ વારંવાર ઓડકાર આવવો શું કોઈ તકલીફ છે કે માત્ર ટેવ? નવજાત શિશુથી લઈને વડીલો સુધી ઓડકાર કેમ આવે છે અને એને કેવી રીતે નિયંત્રિત કરવા એ જાણીએ ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ પાસેથી

ઓડકાર કેમ આવે છે?

ઓડકાર કેમ આવે છે?


નવજાત બાળક દૂધ પીધા પછી ઓડકાર લે એ તેના પાચન માટે સામાન્ય ગણાય છે, પરંતુ જેમ ઉંમર વધે એમ આ પ્રમાણ કુદરતી રીતે ઘટતું જાય છે. આમ છતાં ઘણા પુખ્ત લોકો અને વડીલોમાં જમ્યા પછી વારંવાર કે મોટેથી ઓડકાર કાઢવાની ફરિયાદ જોવા મળે છે. શું પેટમાં ગૅસ ભરાવો જ એનું એકમાત્ર કારણ છે કે પછી એ અજાણતાં પડેલી માનસિક ટેવ હોઈ શકે? કોને ઓડકાર વધુ આવે છે અને એને કેવી રીતે ઘટાડી શકાય? આ તમામ સવાલોના જવાબો સમજીએ ડૉ. એલ. એચ. હીરાનંદાની હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી અને હેપેટૉલૉજી વિભાગનાં ડિરેક્ટર ડૉ. ગીતા મલકન-બિલ્લા પાસેથી.

ઓડકાર ક્યારે આવે?



ઓડકાર ત્યારે આવે છે જ્યારે આપણે ગળેલી હવા અથવા પાચન દરમ્યાન બનતો ગૅસ પેટમાં ભેગો થાય છે. પેટ ભરાતાં ગૅસનો બબલ ઉપરની તરફ ખસે છે અને મોઢા દ્વારા બહાર નીકળે છે. આ જ પ્રક્રિયાને આપણે ઓડકાર આવવો કહીએ છીએ. ઓડકાર આવવાનું એક સામાન્ય કારણ જમતી વખતે કે પીતી વખતે હવા ગળી જવું છે. ઝડપથી ખાવું, જમતી વખતે વાત કરવી અને ચ્યુઇંગ-ગમ ચાવવી જેવી આદતોમાં વધુ હવા પેટમાં જઈ શકે છે. કાર્બોનેટેડ ડ્રિન્ક્સમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પણ પેટમાં ગૅસ છોડે છે. લૅક્ટોઝ ઇનટૉલરન્સ ધરાવતા લોકોને દૂધથી ગૅસ થઈ શકે છે અને એને કારણે પણ ઓડકાર આવી શકે છે.  


નવજાત બાળકને ઓડકાર વધારે કેમ આવે?

નવજાત બાળકોને દૂધ પીતી વખતે હવા ગળવાની શક્યતા વધારે હોય છે. ખાસ કરીને બૉટલથી દૂધ પીતી વખતે અથવા બાળકનું લૅચિંગ યોગ્ય ન હોય ત્યારે વધુ હવા અંદર જઈ શકે છે. આ ઉપરાંત બાળકની પાચનક્રિયા હજી પરિપક્વ થઈ રહી હોય છે અને તેનું પેટ પણ નાનું હોય છે. એથી પેટ ભરાતાં ઉપર રહેલો ગૅસનો બબલ સરળતાથી ઉપરની તરફ ખસે છે અને બાળક ઓડકાર લે છે. ઉંમર વધતાં બાળક વધુ કાર્યક્ષમ રીતે ખાવા-પીવાનું શીખે છે, પાચનતંત્ર પરિપક્વ થાય છે અને પેટનું કદ પણ વધે છે. એથી સામાન્ય રીતે ઓડકાર આવવાનું પ્રમાણ ઘટે છે.


કોને વધુ ઓડકાર આવી શકે?

ઉતાવળે જમવાની ટેવ ધરાવતા લોકો અથવા જમતી વખતે સતત વાતો કરતા લોકોમાં ઓડકાર વધુ જોવા મળી શકે છે, કારણ કે આ દરમ્યાન તેઓ ખોરાકની સાથે વધુ હવા ગળી જાય છે. આ ઉપરાંત સોડા, બિઅર કે અન્ય કાર્બોનેટેડ ડ્રિન્ક્સ વધુ પીનારા લોકો તેમ જ સ્મોકિંગ કરનારા લોકોમાં પણ ઓડકાર વધી શકે છે. ચિંતા કે માનસિક તનાવ દરમ્યાન કેટલાક લોકો અજાણતાં વારંવાર લાળ અને હવા ગળતા હોય છે. આ સ્થિતિને એરોફેજિયા કહેવામાં આવે છે અને એ ઓડકારનું કારણ બની શકે છે. ઍસિડ રિફ્લક્સ (GERD)ની તકલીફ હોય તેમને પણ ઓડકાર આવી શકે છે. જોકે GERD ઓડકારનું સામાન્ય કારણ નથી. સામાન્ય રીતે જરૂર કરતાં વધુ ખાઈ લેવાથી પણ પેટ ભરાઈ જાય છે અને અંદર રહેલો ગૅસનો બબલ ઉપરની તરફ ખસે છે જેને કારણે ઓડકાર આવે છે.

જમ્યા પછી એકાદ ઓડકાર આવે તો ચિંતા નહીં

જમ્યા પછી ક્યારેક ઓડકાર આવવો સામાન્ય છે. ખાસ કરીને કાર્બોનેટેડ ડ્રિન્ક પીધા પછી અથવા વધારે ખાઈ લીધા પછી ઓડકાર આવે અને એની સાથે કોઈ અન્ય તકલીફ ન હોય તો એને સામાન્ય પ્રક્રિયા તરીકે જોઈ શકાય. જોકે કેટલાક લોકોમાં વારંવાર ઓડકાર આવવો માત્ર પેટમાં ગૅસ હોવાને કારણે નહીં પરંતુ એક પ્રકારની આદત બની શકે છે.

પેટ ફૂલેલું લાગે એટલે ઓડકાર કાઢવાની આદત પડી શકે

કેટલાક દરદીઓને પેટ ફૂલેલું લાગે છે અને ઓડકાર આવ્યા પછી રાહત અનુભવાય છે. જો ઓડકાર ન આવે તો તેમને અસ્વસ્થતા લાગે છે. તેથી તેઓ જાણીજોઈને ઓડકાર કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે. શરૂઆતમાં વ્યક્તિને ખ્યાલ હોય છે કે તે આવું કરી રહી છે, પરંતુ સમય જતાં આ વર્તન એટલું આદતી બની શકે છે કે પછી વ્યક્તિ અજાણતાં પણ વારંવાર ઓડકાર લેતી રહે છે. આવા કિસ્સામાં દરદીની તપાસ અને જરૂરી ઇન્વેસ્ટિગેશન કર્યા પછી તેમને સ્થિતિ વિશે સમજાવવું અને આશ્વાસન આપવું જરૂરી છે. સાથે જ વારંવાર ઓડકાર કાઢવાની આદતને રોકવા માટે વ્યક્તિએ સભાન પ્રયાસ કરવો પડે છે.

ઓડકાર રોકવાના વ્યવહારુ ઉપાયો

જો વારંવાર ઓડકાર આવવાની ટેવ પડી ગઈ હોય તો કેટલીક રોજિંદી આદતોમાં ફેરફાર કરીને એને ઘટાડવામાં મદદ મળી શકે છે.
ખાવા-પીવાની સાચી રીત : ખોરાક ધીમે-ધીમે અને મોઢું બંધ રાખીને ચાવો. જમતી વખતે વાતો કરવાનું ટાળો. સ્ટ્રોનો ઉપયોગ બંધ કરો અને સોડા કે અન્ય કાર્બોનેટેડ ડ્રિન્ક્સનું પ્રમાણ ઘટાડો.
શારીરિક આદતો : ચિંતા કે તનાવ હોય ત્યારે તમે સામાન્ય કરતાં વધુ લાળ કે હવા ગળી રહ્યા છો કે નહીં એના પર ધ્યાન આપો, કારણ કે આવી સ્થિતિમાં અજાણતાં હવા ગળવાની આદત વધી શકે છે. ખાસ કરીને કસરત કરતી વખતે કે ગભરામણ થાય ત્યારે મોઢાથી શ્વાસ લેવાને બદલે નાકથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરો. જમતી વખતે વાંકા વળીને બેસવાને બદલે સીધા બેસો, જેથી પેટમાં હવા ફસાવાની શક્યતા ઓછી રહે. ઢીલાં ડેન્ચર્સ હોય તો એને સરખાં કરાવવાં જોઈએ, જેથી ખાતી વખતે વધારાની હવા અંદર ન જાય.
જમ્યા પછીની કાળજી : જમ્યા પછી તરત સૂઈ જવાને બદલે થોડું હળવું ચાલવું. સાથે જ પેટ અને કમર પર દબાણ ન આવે એ માટે ખૂબ ટાઇટ કપડાં કે બેલ્ટ પહેરવાનું ટાળવું.
ઓડકારની તીવ્ર ઇચ્છા થાય ત્યારે શું કરવું?
જ્યારે પણ ઓડકાર લાવવાની તીવ્ર ઇચ્છા થાય ત્યારે કેટલીક સરળ રીતો અજમાવી શકાય છે.
દાંત ભેગા રાખો : બન્ને જડબાંના દાંત એકબીજા સાથે અડાડીને રાખો અથવા દાંત વચ્ચે નાની સ્ટિક કે ચમચી પકડી રાખો. આનાથી મોઢું ખોલીને હવા અંદર ખેંચવાની પ્રક્રિયા અટકાવવામાં મદદ મળે છે.
નાકથી ઊંડા શ્વાસ લો : દાંત બંધ રાખીને નાક વાટે પેટથી ધીમા અને ઊંડા શ્વાસ લો. આ ડાયાફ્રેગ્મેટિક બ્રીધિંગની રીત છે. એનો હેતુ ઝડપથી હવા ગળી જવાની અને ઓડકાર લાવવાની પૅટર્નને ધીમે-ધીમે બદલવાનો છે.
દિવસમાં થોડી વાર સભાનપણે આ પદ્ધતિની પ્રૅક્ટિસ કરવાથી અજાણતાં હવા ગળી જવાની અને વારંવાર ઓડકાર લાવવાની આદતને ધીમે-ધીમે ઘટાડવામાં મદદ મળી શકે છે.

ક્યારે ડૉક્ટર પાસે જવું?

સામાન્ય રીતે ઓડકાર આવવા સામાન્ય છે, પરંતુ જો ખાટા કે વધુ પડતા ઓડકાર સાથે નીચેનાં લક્ષણો દેખાય તો એ પાચનતંત્રની ગંભીર સમસ્યા હોવાની ચેતવણી હોઈ શકે છે અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બને છે.
છાતીમાં ખૂબ બળતરા થવી : વારંવાર અથવા અસહ્ય ઍસિડિટી થવી અને હાર્ટબર્ન થવું.
પેટમાં સખત દુખાવો : પેટમાં સતત અથવા તીવ્ર દુખાવો રહેવો.
ખાવામાં તકલીફ પડવી : ખોરાક ગળવામાં કે ખાવામાં અગવડ અનુભવવી.
વજન ઘટવું : કોઈ કારણ વગર અચાનક વજન ઓછું થઈ જવું.
જો આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો એને નજરઅંદાજ કર્યા વગર યોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ.
દરેક ઓડકારને બીમારી સાથે જોડવાની જરૂર નથી. ક્યારેક એ પેટ ભરાવાની કે હવા ગળી જવાની સામાન્ય પ્રક્રિયા હોય છે, જ્યારે કેટલાક કિસ્સામાં વારંવાર ઓડકાર કાઢવાની આદત બની જાય છે. આવી સ્થિતિમાં કારણ સમજવું, જરૂરી તપાસ કરાવવી અને ખાવા-પીવાની તથા શ્વાસ લેવાની આદતોમાં સભાન ફેરફાર કરવો મહત્ત્વનો છે.

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 04:13 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK