Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > સ્ટ્રેસ-બસ્ટર બની શકે છે બ્લુ માઇન્ડ થેરપી વર્કિંગ પ્રોફેશનલ્સ માટે

સ્ટ્રેસ-બસ્ટર બની શકે છે બ્લુ માઇન્ડ થેરપી વર્કિંગ પ્રોફેશનલ્સ માટે

Published : 20 March, 2026 11:39 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

તમે ક્યારેય નોંધ્યું છે કે આખા અઠવાડિયાના થાક પછી જ્યારે કોઈ પ્રોફેશનલ વ્યક્તિ વીક-એન્ડમાં દરિયાકિનારે જાય છે કે રિવરફ્રન્ટ પર બેસે છે ત્યારે થોડા સમય પૂરતી ચિંતાઓ જાણે છૂમંતર થઈ જાય છે? જો આવું થાય તો તમારી બૉડી બ્લુ માઇન્ડ થિયરીને અપનાવી રહી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સોમવારથી શનિવાર સુધી ડેડલાઇન્સ, બૅક-ટુ-બૅક મીટિંગ્સ, ઝૂમ કૉલ્સ અને સતત લૅપટૉપની બ્લુ લાઇટ સામે બેસી રહેતા આજના વર્કિંગ પ્રોફેશનલ્સ માટે બર્નઆઉટ એક કડવી વાસ્તવિકતા છે. આ ભાગદોડમાં આપણું મગજ સતત ચિંતા અને સ્ટ્રેસમાં રહે છે. ઑફિસથી ઘરે આવ્યા પછી પણ મગજમાં પેન્ડિંગ કામના વિચારો ચાલતા હોય છે. આટલા માનસિક ભાર વચ્ચે પણ જ્યારે આપણે વેકેશનમાં કોઈ દરિયાકિનારે જઈએ છીએ, હોટેલના સ્વિમિંગ-પૂલમાં પગ બોળીને બેસીએ છીએ કે માત્ર નદીના વહેતા પાણીને જોઈએ છીએ ત્યારે બધું જ સ્ટ્રેસ પળવારમાં ક્યાં ગાયબ થઈ જાય છે એ વિચાર્યું છે? આ કોઈ મૅજિક નથી પણ સાયન્સ છે. જાણીતા મરીન બાયોલૉજિસ્ટ ડૉ. વૉલેસ જે. નિકોલ્સે આ સ્થિતિને બ્લુ માઇન્ડ તરીકે ઓળખાવી છે. આ થેરપી વ્યક્તિના મગજ પર કઈ રીતે કામ કરે છે અને એ રાહત કઈ રીતે આપે છે એ વિશે એક્સપર્ટ પાસેથી સમજીએ.

શું છે આ થિયરી?



બ્લુ માઇન્ડ થિયરીને સરળ ભાષામાં સમજાવતાં સ્પિરિચ્યુઅલ સાઇકોલૉજિસ્ટ ઝીલ જોબનપુત્રા જણાવે છે, ‘કૉર્પોરેટ વર્લ્ડમાં પ્રોફેશનલ્સ સતત રેડ માઇન્ડ મોડમાં જીવે છે. રેડ માઇન્ડ એટલે એવી સ્થિતિ જ્યાં મગજ સતત કામના પ્રેશર અને ડેઇલી ટાર્ગેટ પૂરા કરવાની ચિંતામાં જ હોય છે. ઘરે આવ્યા પછી પણ ઑફિસના કામની ચિંતામાં પર્સનલ ટાઇમ પણ વેડફી નાખે છે. ઘણા બિઝનેસમેન એ સ્વીકારે પણ છે કે મોટા બિઝનેસ આઇડિયાઝ શાવર લેતી વખતે કે સ્વિમિંગ-પૂલ પાસે બેઠા હોઈએ ત્યારે આવે છે. જ્યારે આપણે પાણીની આસપાસ હોઈએ છીએ ત્યારે મગજ રિલૅક્સ ફીલ કરે છે. પાણીની આસપાસ, એના સ્પર્શ અને અવાજથી ચિંતામુક્ત ફીલ થાય એનો અર્થ એ છે કે તમારું માઇન્ડ બ્લુ માઇન્ડ થિયરીને ફૉલો કરે છે. સ્ક્રીનની બ્લુ લાઇટ આંખો અને મગજને થકવે છે, જ્યારે કુદરતી પાણીનો વાદળી રંગ અને એની ગતિશીલતા મગજને શાંત કરે છે. પાણી માત્ર હાઇડ્રેશન મેઇન્ટેન કરવા માટેનું સાધન નહીં પણ એક એવી ઇન્વિઝિબલ થેરપી છે જે તેમને તનાવના વમળમાંથી બહાર કાઢે છે.’


થેરપી પાછળનું વિજ્ઞાન

બ્લુ માઇન્ડ થેરપી પાછળના વિજ્ઞાનને સમજાવતાં ઝીલ કહે છે, ‘દરિયાની લહેરો કે વહેતા પાણીની આસપાસ રહેવાથી હવામાં નેગેટિવ આયન્સ ઉત્પન્ન થાય છે. આ આયન્સ આપણા શરીરમાં સ્ટ્રેસ-હૉર્મોન્સને ઘટાડે છે અને ફીલ ગુડ હૉર્મોન્સને પ્રમોટ કરે છે. પાણીનો અવાજ બહાર થઈ રહેલા અને મનની અંદર ચાલી રહેલા ઘોંઘાટને ઓછો કરીને આપણને અજાણતાં મેડિટેશન જેવી સ્થિતિમાં લઈ જાય છે અને આ જ કારણ છે કે જ્યારે દરિયાકિનારો વિઝિટ કરીએ ત્યારે એવું લાગે જાણે આપણે આપણી જાત સાથે ચિંતામુક્ત થઈને ટાઇમ સ્પેન્ડ કરીએ છીએ. આ વાંચીને ઘણા લોકોને એવું લાગશે કે થેરપી માટે ગોવા કે મૉલ્દીવ્ઝ જવું પડશે, પણ હકીકત તો એ છે કે પાણીના નાના સ્રોત પણ મગજ પર સમાન અસર કરી શકે છે. તમારા એરિયાની આસપાસ આવેલી નદી, તળાવ કે ચેકડૅમ અથવા નજીકમાં આવેલા સ્વિમિંગ-પૂલ પાસે જઈને અડધો કલાક શાંતિથી બેસો. પાણીનો અવાજ તમારા મગજ માટે મેડિટેશન જેવું કામ કરશે. ઘરે સ્નાન કરતી વખતે માઇન્ડફુલ બેધિંગ કરો. એટલે પાણીના સ્પર્શ અને એના અવાજ પર ધ્યાન આપો. ગરમ પાણી સ્નાયુઓનો તનાવ દૂર કરે છે, જ્યારે ઠંડું પાણી મગજને અલર્ટ અને ઉત્સાહિત કરે છે. લિવિંગ રૂમ કે ઑફિસ-ડેસ્ક પર નાનો ઇલેક્ટ્રિક ફાઉન્ટન રાખી શકાય. પાણીનો અવાજ માનસિક શાંતિ માટે સારો ગણવામાં આવે છે. જો તમે ઘરની બહાર ન જઈ શકો તો હાઈ ક્વૉલિટી હેડફોન્સમાં વરસાદ, ધોધ કે દરિયાની લહેરોનો અવાજ સાંભળો. વિઝ્યુઅલ્સ માટે હાઈ ડેફિનિશન વિડિયો જુઓ. પાણીનાં દૃશ્યો જોવાથી પણ મગજમાં પૉઝિટિવ હૉર્મોન્સ રિલીઝ થાય છે અને તમારા માઇન્ડને રિલૅક્સેશન થેરપી મળે છે. જ્યારે તમે એકદમ ચિંતામાં કે બર્નઆઉટ ફીલ કરો ત્યારે તાત્કાલિક મોઢું ધોવું. પાણીનો અવાજ અને સ્પર્શ ઇમર્જન્સી મેન્ટલ ફર્સ્ટ એઇડ તરીકે કામ કરશે.’


આ ઍક્ટિવિટી બહુ કામની છે

જે લોકોની લાઇફસ્ટાઇલ બહુ હેક્ટિક છે તેમના માટે વૉટર-પેઇન્ટિંગ બેસ્ટ સ્ટ્રેસ-બસ્ટર ઍક્ટિવિટી છે. માત્ર પાણી અને બ્રશ લઈને કોરા કાગળ પર લીટા કરો. પાણી સુકાવાની સાથે તમારા વિચારો પણ શાંત થતા જશે અને માઇન્ડ રિલૅક્સ થશે. આ એક પ્રકારની માઇન્ડફુલનેસ ઍક્ટિવિટી છે.

આપણે ગ્રીનરીમાં ચાલવા જઈએ છીએ, પણ બ્લુ સ્પેસ વૉક એટલે કે પાણીની આસપાસ ચાલવું વધુ અસરકારક છે. જો તમારી આસપાસ નાનોઅમથો ફાઉન્ટન કે તળાવ હોય તો ત્યાં સ્પીડમાં ચાલવાને બદલે એકદમ ધીમેથી ચાલો અને પાણીના અવાજને ફીલ કરો. આનાથી તમારી નર્વસ સિસ્ટમ શાંત થશે.

પાણી પીતી વખતે એને માત્ર તરસ છુપાવવાનું સાધન ન ગણવાને બદલે ગ્લાસ પકડો ત્યારે પાણીની ઠંડક અનુભવો અને દરેક ઘૂંટડો નીચે ઊતરે એના પર ફોકસ કરો. આ બે મિનિટનું મેડિટેશન તમારા મગજને રીસેટ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2026 11:39 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK