પ્રાઇસની દૃષ્ટિએ રીઝનેબલ એવા આ કૉફી હાઉસમાં ફુલ ફૅમિલી સાથે જઈને ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટ્રાય કરવું જોઈએ
નમઃ બેન્ગલુરુના બેન્ને ઢોસા અને એની ગોલી ભજી ટ્રાય કરવાનું ચૂકતા નહીં
આજકાલ બેન્ને ઢોસા બહુ ચાલ્યા છે. જોકે મેં તો ત્રણ-ચાર મહિના પહેલાં જ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરાં બ્રાહ્મણીમાં જઈને તમને બેન્ને ઢોસાનો આસ્વાદ કરાવ્યો હતો, પણ એ પછી રામેશ્વરમના બેન્ને ઢોસાની મેં બહુ વાતો સાંભળી. આ રામેશ્વરમની હવે તો મુંબઈમાં ઘણી બ્રાન્ચ થઈ ગઈ છે. એક બ્રાન્ચ મારા ઘર પાસે જુહુમાં પણ ખૂલી છે. મારે ત્યાંથી અવારનવાર પસાર થવાનું બને અને હું જોઉં કે સાલ્લું મસ્તમજાનું વેઇટિંગ હોય અને લોકો પોતાનો વારો આવે એની રાહ જોતા બહાર ઊભા હોય. મને થાય કે આ રામેશ્વરમમાં બેન્ને ઢોસા ટ્રાય કરવા જવું જોઈએ, પણ મોકો મળે નહીં. એમાં એક વખત હું મારા લોખંડવાલા કૉમ્પ્લેક્સના ઘરથી ચાર બંગલા તરફ જતો હતો ત્યાં મેં રસ્તામાં નમઃ બેન્ગલુરુ કૉફી હાઉસનું મોટું બોર્ડ જોયું. બહારથી ઇમ્પ્રેસ થઈ જવાય એવું ઍમ્બિયન્સ હતું. મેં મનોમન નક્કી કર્યું કે આ જગ્યાનું નામ બેન્ગલુરુ કૉફી હાઉસ અને જે રામેશ્વરમમાં મારે જવું હતું એ પણ બૅન્ગલોરની. બસ, તો આપણે આ જગ્યાએ જવાનું બને છે. આમ પણ છેલ્લા થોડા સમયથી મારા પર એવો આક્ષેપ થવા માંડ્યો હતો કે હું આખો દિવસ બહાર જ રહું છું અને ફૅમિલીને ટાઇમ નથી આપતો. બસ, નિર્ણય કરી લીધો કે એક દિવસ કિચન બંધ રાખીને ઘરથી સાતસો-આઠસો મીટર દૂર આવેલી આ રેસ્ટોરાંમાં આપણે જમવા પહોંચી જવું.
હું, મારી વાઇફ, મારો દીકરો અને તેની ફિયૉન્સે અમે બધાં ગયાં; પણ માર્યા ઠાર. આ રામેશ્વરમ કૅફેની લાઇનથી બચીને નીકળ્યો ત્યાં અહીં લાંબી લાઇન. અરે, આ રેસ્ટોરાં શરૂ થયાને હજી તો મહિનો પણ નથી થયો ત્યાં લાઇન. પણ શું થાય, પહોંચી ગયા હતા એટલે વેઇટિંગમાં નામ લખાવીને અમે રાહ જોવા માંડ્યા. લગભગ ત્રીસેક મિનિટ પછી અમારો વારો આવ્યો.
રેસ્ટોરાંમાં અમુક સીટ બેસવા માટે હતી તો અમુક ઊભા રહીને જમવા માટેની જગ્યા હતી. અંદરનું ઍમ્બિયન્સ પણ અદ્ભુત હતું. અહીં સેલ્ફ-સર્વિસ સિસ્ટમ છે. કિઓસ્ક લગાવેલું હોય. ત્યાં એક છોકરી મદદ માટે ઊભી હતી. અમે તો ઑર્ડર આપવાનો શરૂ કર્યો. ઇડલી, મેદુવડાં અને પ્લેન ઘી બેન્ને ઢોસા, ઘી પોડી બેન્ને ઢોસા, ઘી પોડી મસાલા બેન્ને ઢોસા એમ ૩ ઢોસા. આ ઉપરાંત ગોલી-ભજી જોયાં, જે ફોટોમાં નાનાં ગોળ બટાટાવડાં જેવાં લાગતાં હતાં. એનો ઑર્ડર આપ્યો અને સાથે પાઇનૅપલ શીરો, મૈસૂર બરફી, ત્રણ ફિલ્ટર કૉફી અને એક કોલ્ડ કૉફીનો પણ ઑર્ડર આપ્યો. મારે ક્યાં પૈસા આપવાના હતા. ‘મિડ-ડે’ મને ખાવાના પૈસા આપે છે અને મારે ખાવાનું હતું.
રેસ્ટોરાંમાં અંદર જાતજાતનાં કાઉન્ટર હતાં. એમાં એક કાઉન્ટર પર ઢોસા, એકમાં વડાં-ઇડલી, એકમાં કૉફી અને એકમાં રાઇસ અને ડિઝર્ટ મળે. નસીબજોગે અમને ઊભા રહેવાનું ટેબલ મળી ગયું. હું અને મારો દીકરો અમાત્ય બધું લેવામાં લાગ્યા અને બે બૈરાંએ કાઉન્ટર સાચવી રાખ્યું. ઇડલી એકદમ સૉફ્ટ હતી તો મેદુવડાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સૉફ્ટ હતાં. બેન્ને ઢોસા એકદમ જાડો અને ક્રિસ્પી હતો. તમને દેખાવે એ બહુ નાનો લાગે અને મનમાં થાય કે એકથી શું થવાનું, પણ આ નાનકડો ઢોસો એકદમ જાડો હોય છે. એકમાં જ તમારું પેટ ભરાઈ જાય. ઢોસા સાથે લાલ ચટણી અને કોપરાની ચટણી હતી તો સાથે સાંભાર હતો. આ બધું જોઈએ એટલી વાર મળે. સાવ નાના પેપરના કપમાં એ આપે એટલે અમે તો પહેલેથી જ ત્રણ-ચાર કપ સાંભાર માગી લીધો જેથી ઘડી-ઘડી લેવા જવું ન પડે.
બેન્ને ઢોસા એક નંબર હતો, પણ મારો જીવ અટક્યો હતો પેલાં ગોલી-ભજીમાં કે એ શું છે? એ ભજિયાં જેવી વરાઇટી હતી. મેં એનાં બે ફાડિયાં કર્યાં તો અંદરથી સફેદ કલરનું લિક્વિડ જેવું નીકળ્યું અને ખાવામાં મજા આવી ગઈ. બસ, મને આઇકૉનિક આઇટમ મળી ગઈ. તમે બીજી બધી વરાઇટી ક્યાંય પણ ખાશો તો ચાલશે, પણ તમારે નમઃ બેન્ગલુરુમાં આ ગોલી ભજી ખાવા જવું જ જોઈએ. ઍનીવે, બાકીની બધી આઇટમો પણ બહુ સરસ હતી. પાઇનૅપલ શીરો એટલે આમ તો આપણો રવાનો શીરો, પણ એમાં સહેજ પાઇનૅપલ હતું અને ખૂબબધા કાજુની સાથે સહેજ કેસર પણ હતું. મૈસૂર પાક તો એવો સૉફ્ટ કે હોઠથી ભાંગી જાય અને ફિલ્ટર કૉફી એકદમ ઑથેન્ટિક.
નમઃ બેન્ગલુરુ થોડી હાઈ-એન્ડ રેસ્ટોરાં કહી શકાય, પણ એની સૌથી સારી વાત જો કોઈ હોય તો એ કે અમારા ૪ જણ વચ્ચે ૧૦૦૦ રૂપિયાની આસપાસ બિલ આવ્યું. માથાદીઠ બસ્સો-અઢીસો રૂપિયા તો આજના સમયમાં સાવ નૉર્મલ કહેવાય એટલે મારું માનવું છે કે સારું અને ઑથેન્ટિક ફૂડ અને રીઝનેબલ હોવાને કારણે નમઃ બેન્ગલુરુ કૉફી હાઉસમાં ફૅમિલી સાથે એક વાર અચૂક જવું જોઈએ.
