Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > રોજ ૨.૨૫ અબજ કપ કૉફી પીવાય છે વિશ્વમાં

રોજ ૨.૨૫ અબજ કપ કૉફી પીવાય છે વિશ્વમાં

Published : 23 November, 2023 02:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેટલાક લોકો માટે તો કૉફી વિના દિવસ ન ઊગે એવી હાલત હશે, પણ આ કૉફી ક્યારથી આપણા જીવનમાં આવી અને એનાં વિધવિધ સ્વરૂપો કઈ રીતે ચલણી બન્યાં એની ઐતિહાસિક વાતોની સફર કરીએ...

પ્રતીકાત્મક તસવીર

એસ્પ્રેસો ડે

પ્રતીકાત્મક તસવીર


પાણી પછી બીજા નંબરનું ફેમસ પીણું છે કૉફી. લગભગ ૭૦૦થી વધુ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ પીણું છેલ્લા એક સૈકામાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી ચૂક્યું છે. કેટલાક લોકો માટે તો કૉફી વિના દિવસ ન ઊગે એવી હાલત હશે, પણ આ કૉફી ક્યારથી આપણા જીવનમાં આવી અને એનાં વિધવિધ સ્વરૂપો કઈ રીતે ચલણી બન્યાં એની ઐતિહાસિક વાતોની સફર કરીએ...


ચા આપણું નૅશનલ પીણું છે. ઑફિશ્યલી નહીં પણ અનઑફિશ્યલી આપણે જેટલી માત્રામાં ચા કન્ઝ્યુમ કરીએ છીએ અને ઉગાડીએ છીએ એ જોતાં એને રાષ્ટ્રીય પીણાનું બિરુદ આપી જ શકાય. જોકે છેલ્લા કેટલાક દાયકાઓમાં જ્યારથી કૉફી ચેઇન રેસ્ટોરાંનો ટ્રેન્ડ આવ્યો છે ત્યારથી કૉફી પણ ટક્કર આપી રહી છે. ચેઇન કૅફેઝના ટ્રેન્ડે ભારતમાં કૉફીનું ચલણ વધાર્યું, પણ હજીયે ચાને ટક્કર આપી શકે એવું નથી બન્યું.



આજે ચા-કૉફીની વાતો ઉખેળવાનો હેતુ એ છે કે આજે અમેરિકા અને બીજા કેટલાક દેશો એસ્પ્રેસો ડે મનાવે છે. એસ્પ્રેસો એક પ્રકારનું કૉફીનું જ પીણું છે. અલબત્ત, એસ્પ્રેસો પીણું એટલું જૂનું નથી જેટલી કૉફી છે. બહુ ઓછા ભારતીયો વિવિધ રીતે બ્રુ કરીને પીવાતી કૉફીના શોખીન છે. આપણે ત્યાં ઇન્સ્ટન્ટ કૉફી અથવા તો ફિલ્ટર કૉફી જ વધુ પ્રચલિત છે. એનું કારણ પણ કદાચ એ છે કે કૉફીને બ્રુ કરવાનાં મશીનો મોંઘાં હોવાથી એ કૅફેઝ કે પબ્લિક આઉટલેટ્સ ધરાવતા લોકોને જ પોસાય છે.


જેમ વિશ્વભરમાં ચા પણ દૂધ વિનાની જ પીવાની વધુ ફેમસ છે એવું જ કૉફીનું પણ છે. જોકે ભારતીયોને બધામાં દૂધ વાપરવા જોઈએ. એટલે જ આપણે ત્યાં કૉફી પણ દૂધવાળી જ થઈ ગઈ છે. ડાઇવરિસર્ચના અભ્યાસ મુજબ ૨૦૨૧-’૨૨ના આંકડાઓ મુજબ અત્યારે વિશ્વમાં ૨.૨૫ અબજ કપ કૉફી રોજ પીવાય છે ત્યારે એ તો જાણવું બને છે કે આ કૉફીની શોધ કઈ રીતે થઈ અને એ કઈ રીતે ચલણમાં આવી.

કહાની કૉફી કી


કૉફીનાં બીનો ઉલ્લેખ ૧૦૦૦ વર્ષથીયે વધુ વર્ષથી થયો છે ને એ વખતે ઋષિમુનિઓ સજાગ રહેવા અને એકાગ્રતા લાંબો સમય ટકાવીને હોમહવન કરી શકાય એ માટે કૉફીનાં કાચાં ફળ ચાવી જતા હતા. બાકી કૉફીને પીણા તરીકે પીવાની શરૂઆત તેરમી સદીમાં ઇથિયોપિયામાં થઈ હોવાનું મનાય છે.

એક પ્રચલિત માન્યતા પ્રમાણે ઇથિયોપિયાનો કાલ્દી નામનો ભરવાડ પોતાની બકરીઓ ચરાવતો હતો. કેટલીક વાર તેની બકરીઓ ચરીને આવે ત્યારે અજબ ઉત્સાહમાં અને તરવરાટથી છલકાતી જોવા મળતી. ભરવાડને ખૂબ નવાઈ લાગતી. આમ થવા પાછળનું કારણ સમજવા તેણે ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી કે શું ખાવાને કારણે બકરીઓના વર્તનમાં આવું પરિવર્તન આવે છે? તેને જાણવા મળ્યું કે એક ખાસ છોડ પરનાં નાનાં લાલ ફળ ખાધા પછી બકરીઓમાં ઉત્સાહ સંચારિત થાય છે. પોતાની વાતની ચકાસણી કરવા કાલ્દીએ પોતે પણ એ નાનાં લાલ ફળ ખાઈને જોયાં અને પોતાનામાં પણ અલગ પ્રકારની ચેતના અનુભવી. પોતે કરેલી આ ખોજને બતાવવા થોડાં ફળોને લઈ તે પોતાના ગુરુ પાસે ગયો અને ખાધા પછીના વર્તનની સવિસ્તર વાત તેમને જણાવી. ફળ ખાધા પછીના વર્તનની વાત સાંભળીને સાધુએ એ ફળોને રાક્ષસી ફળ કહીને આગમાં નાખી દીધાં. જોકે થોડી જ વારમાં આગમાં પડેલાં ફળોને કારણે વાતાવરણમાં વિશિષ્ટ સુગંધ આવવા લાગી. એ સુગંધથી પ્રેરાઈને સાધુએ આગમાંથી ફળોને કાઢીને ઠંડાં કરવા માટે એને પાણીમાં નાખ્યાં. થોડીક જ વારમાં પાણી તપખીરિયા રંગનું થયું. એ પાણી ચાખ્યા બાદ એ સ્વાદિષ્ટ પણ લાગ્યું એટલે સાધુને એ લાલ ફળોનો વપરાશ કરી શકાય એવું લાગ્યું.

ઇથિયોપિયાની કાફા નામની જગ્યાએ આ બિયાં મળ્યાં હોવાની વાત હોવાથી કાફા એ કૉફીનું જનક હોવાનું મનાય છે.

ભારત કઈ રીતે આવી કૉફી?

ઇથિયોપિયામાંથી પંદરમી સદીની આસપાસ કૉફી ઇજિપ્ત અને યમનમાં આવી અને કૉફીના છોડ ત્યાં પણ મળી આવ્યા. ત્યાર બાદ સોળમી સદીમાં કૉફી મિડલ ઈસ્ટ, પર્શિયા, તુર્કી, નૉર્થ આફ્રિકા થઈને સત્તરમી સદી સુધીમાં ઇટલી, યુરોપ, ઇન્ડિયા અને છેવટે અમેરિકા પહોંચી. ૧૬૭૦ની આસપાસ ઇન્ડિયાથી મક્કા-મદીનાની હજ પર ગયેલા બાબા બુદાનને કૉફીનો સ્ફૂર્તિલો સ્વભાવ એટલો ગમી ગયો કે ત્યારના નિકાસ નહીં કરવાના આરબ કાયદાની વિરુદ્ધ જઈને કૉફીનાં સાત બી પોતાના પહેરણમાં છુપાવીને લાવ્યા અને પોતાના ચિકમંગલુરમાં આવેલા આશ્રમમાં ઉગાડ્યાં. દક્ષિણ ભારતમાં એ પછીથી કૉફીના વાવેતરનો વિકાસ થવા લાગ્યો. 

એસ્પ્રેસો ક્યારે જન્મી?

કૉફી બીન્સમાંથી એસ્પ્રેસો બનાવવાની શોધ ઇટલીમાં થઈ હતી. એસ્પ્રેસો બની એ પહેલાં કૉફી બ્રુ કરવાનું મશીન શોધાયું. લગભગ ૧૮૫૫માં એડોર્ડ નામના ફ્રેન્ચમૅને એક કલાકમાં ૨૦૦૦ કપ કૉફી બનાવે એવું મશીન શોધ્યું. એન્જેલો મોરિન્ડો નામના સંશોધકે એસ્પ્રેસો બનાવતું મશીન તૈયાર કરેલું અને પહેલી વાર ૧૯૦૧માં મિલાનમાં મળેલા વર્લ્ડ એક્સ્પોમાં લુઇગી બેઝેરાએ પહેલી વાર એસ્પ્રેસો કૉફી લોકોને પીવડાવેલી અને લોકો એના દીવાના બની ગયા.

કૉફી-શૉપની શરૂઆત

બહુ ઓછા લોકો જાણે છે કે આજના હૉટ કૉફી-શૉપ કલ્ચરનો કન્સેપ્ટ આરબોનો હતો. પંદરમી સદીમાં પહેલવહેલી વાર સિરિયાના દમાસ્કસમાં એક કૉફી-શૉપ ખૂલેલી. અહીં સાંજના સમયે મૌલાનાઓનાં પ્રવચનો ચાલતાં, કવિ અને શાયરોનાં સંમેલનો થતાં ને શતરંજ જેવી રમતો રમાતી. જોકે આ સાંજની મીટિંગોને પૉલિટિકલ રંગ મળવા લાગતાં એના પર થોડાક સમય માટે પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો.

યુરોપ, બ્રિટન, મિડલ ઈસ્ટ અને અમેરિકામાં કૉફી-શૉપનો પ્રવેશ ૧૬૫૦ની આસપાસ શરૂ થયો. કદાચ એ વખતે ખબર નહોતી કે માત્ર એન્ટરટેઇનમેન્ટના દૃષ્ટિકોણથી શરૂ કરવામાં આવેલી કૉફી-શૉપ આટલી હૉટ, હૅપનિંગ અને ઇનથિંગ બની જશે.

એ પછી પ્રયોગ થયો રેસ્ટોરાં-કમ-બારનાં લક્ષણો ધરાવતા કૉફી-હાઉસનો. એમાં કૉફી જેવા ગરમ પીણા સાથે હળવો ગરમ નાસ્તો મળતો હોવા છતાંય એ રેસ્ટોરાં કે બારથી એકદમ જુદું વાતાવરણ ધરાવતું. મિડલ ઈસ્ટ અને વેસ્ટર્ન એશિયાના ઘણા દેશોમાં કૉફી-હાઉસમાં ફ્લેવર્ડ તમાકુવાળા હુક્કા પણ સર્વ થતા. પહેલાંના સમયમાં કલ્ચરની દૃષ્ટિથી કૉફી-હાઉસનો એક સામાજિક મીટિંગ પૉઇન્ટ તરીકે પણ ઉપયોગ થતો. એમાં એકબીજાને મળવું કે જૂથમાં ચર્ચા કરવી કે પછી ફક્ત સમય વિતાવવો, વાંચવું કે લખવું, સંગીત વગાડવું કે આનંદ-પ્રમોદ કરવો વગેરે થતું. ધીરે-ધીરે આ કૉફી-હાઉસોનું આધુનિકીકરણ થવા લાગ્યું. ધંધાકીય મીટિંગો, ઇન્ફર્મેશનની આપ-લે, રીડિંગ પૉઇન્ટ અને મ્યુઝિકલ એન્વાયર્નમેન્ટ ઊભું થવા લાગ્યું. આજકાલ કૉફી-હાઉસમાં સાઇબર કૅફે તેમ જ વાઇ-ફાઇ જેવી સુવિધાઓ પણ હવે તો મળવા લાગી છે.

છેલ્લા એક દાયકામાં ભારતમાં કૉફીના રસિકોમાં ૮૦ ટકાની વૃદ્ધિ થઈ છે એનું શ્રેય વધતાઓછા અંશે કૉફી-શૉપના કલ્ચરને આપી શકાય.

આ જાણો છો?
સૌથી વધુ કૉફી ફિનલૅન્ડમાં પીવાય છે. અહીં વ્યક્તિદીઠ વર્ષે ૧૨ કિલો કૉફી ખપે છે.

એસ્પ્રેસો, કૅપુચીનો ને લાતેમાં શું ફરક?

આજકાલ મલ્ટિચેઇન કૅફેઝમાં જઈને મેનુમાં જાતજાતની કૉફીના નામ જોવા મળે છે ત્યારે અે દરેકમાં ફરક શું છે અે સમવો જરૂરી છે. દૂધ, કૉફી-બીન્સ, પાણી અને ફીણ એ બધાંના ક્લાસિક કૉમ્બિનેશનથી લગભગ ૨૬૦ જાતનાં કૉફી-ડ્રિન્ક્સ બને છે. જોકે આપણે ત્યાં  એસ્પ્રેસો, કૅપુચીનો, મોકા, કૅફે લાતે જેવા અમુક જ પ્રકાર વધુ પ્રચલિત છે. 
એસ્પ્રેસો : આ એક દૂધ વિનાની પ્યૉર કૉફી છે. એમાં ૩૦ મિલીલિટર પાણીમાં સાત ગ્રામ કૉફી-બીન્સનો અર્ક તૈયાર કરવામાં આવે છે. અર્ક ઉમેરીને સિંગલ શૉટ એટલે કે એક કપ કૉફી તૈયાર કરવા માટે થઈને મશીનમાં પ્રેશર અને ક્યારેક વરાળનો પ્રયોગ કરવામાં આવે છે.
અમેરિકાનો : એસ્પ્રેસોનું ડાયલ્યુટ કરેલું વર્ઝન એટલે અમેરિકાનો. એમાં એસ્પ્રેસો શૉટમાં ૨૧૦ મિલીલિટર પાણી ઉમેરીને એકદમ બ્લેન્ડ ડ્રિન્ક બનાવવામાં આવે.
કૅપુચીનો : એમાં મલાઈ વિનાનું દૂધ, દૂધનું ફીણ અને એસ્પ્રેસો એમ ત્રણ ચીજોનું સમભાગે મિશ્રણ હોય છે. આ ત્રણ ચીજોની વધઘટ કરીને કૅપુચીનોનો સ્વાદ ઍડ્જસ્ટેબલ હોય છે. ક્યાંક વધુ દૂધ મિક્સ કરીને માઇલ્ડ કૉફી બને છે તો કેટલીક વાર એમાં ચૉકલેટ, તજ, ઇલાયચી જેવી ફ્લેવર્સ પણ ઉમેરી શકાય છે. 
કૅફે લાતે : કૅપુચીનોની સરખામણીએ વધુ માત્રામાં દૂધ વપરાય એટલે કૅફે લાતે બને. ત્રણ ભાગ હૉટ મિલ્ક અને એક ભાગ એસ્પ્રેસોથી ઑથેન્ટિક કૅફે લાતે બને. એના પર દૂધનું ક્રીમવાળું ફીણ કૉફીને વધુ માઇલ્ડ બનાવે છે. 
ફ્રૅપે : આ એક આઇસી એસ્પ્રેસો છે. એમાં એકથી દોઢ ચમચી ઇન્સ્ટન્ટ કૉફીને બરફ તેમ જ મિલ્ક સાથે મેળવીને એકદમ હળવી કૉફી ફ્લેવર આવે છે. મિલ્કનું ફીણ બનવાને કારણે પણ અલગ જ ફ્લેવર આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2023 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK