Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ૨૦૨૬માં ફૅશનનો મિજાજ બદલાશે : લેસ ઇઝ મોરને કહો અલવિદા આવશે લાઉડ લક્ઝરીનો જમાનો

૨૦૨૬માં ફૅશનનો મિજાજ બદલાશે : લેસ ઇઝ મોરને કહો અલવિદા આવશે લાઉડ લક્ઝરીનો જમાનો

Published : 01 January, 2026 11:29 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

નવું વર્ષ અને ફૅશનનો એક એવો અવાજ જે ગુંજશે પણ ખરો અને દેખાશે પણ ખરો. ૨૦૨૫માં તો લેસ ઇઝ મોરનો મંત્ર લોકપ્રિય થયો હતો પણ વર્ષ બદલાતાં ફૅશનનાં સમીકરણો પણ બદલાશે અને ટ્રેન્ડ પણ બદલાશે. આ વખતે કેવી ફૅશન ચર્ચામાં રહેશે એ જાણી લેજો

લાઉડ લક્ઝરીનો આવશે ટ્રેન્ડ

લાઉડ લક્ઝરીનો આવશે ટ્રેન્ડ


જો તમારું ન્યુ યર રેઝોલ્યુશન ત્રણ આઉટફિટને જ ફરી-ફરી પહેરવાનું બંધ કરવાનો હોય તો આ લેખ તમારા માટે જ છે. નવા વર્ષમાં ફૅશન ગિયર બદલી રહી છે ત્યારે આ વર્ષમાં સૉફ્ટ અને પેસ્ટલ કલર્સને બદલે બોલ્ડ, વાઇબ્રન્ટ અને લાઉડ કલર્સની ફૅશન આવશે એવો વરતારો ફૅશન એક્સપર્ટ આપી રહ્યા છે ત્યારે કેવા ટ્રેન્ડ્સ આવશે અને એ આવનારા ટ્રેન્ડ્સ મુજબ તમે એને અનુસરી શકો એ માટે વૉર્ડરોબમાં કેવા આઉટફિટ્સ હોવા જોઈએ એ જાણીએ.

બોલ્ડ કલર્સની બોલબાલા



સામાન્ય રીતે વાઇબ્રન્ટ કલર સ્પ્રિંગ એટલે કે વસંત ઋતુમાં વધુ જોવા મળતા હોય છે, પણ લેમન યલો, ફાયર રેડ, એમરલ્ડ ગ્રીન, ઇલેક્ટ્રિક બ્લુ, ઑરેન્જ અને નિયૉન શેડ્સ જેવા આત્મવિશ્વાસથી છલકતા રંગો આ વર્ષની ઓળખ બનશે. મિનિમલિઝમ મૉનોટોનસ બની ગયું હોવાથી લોકોને કંઈક અલગ અજમાવવાની આતુરતા રહેતી હોય છે. બોલ્ડ કલર્સ દરેક પર સૂટ નથી કરતા અને રોજિંદા જીવનમાં એ પહેરવા પ્રૅક્ટિકલ પણ નથી, પણ કોઈ કૅઝ્યુઅલ ઇવેન્ટમાં તમે આકર્ષણનું કેન્દ્ર બનવા માગતા હો તો આ બોલ્ડ ફૅશન સોશ્યલ મીડિયા પર તમારા ફોટોગ્રાફ્સમાં પણ જાન ફૂંકી દેશે.


લાઉડ લક્ઝરીનો આવશે ટ્રેન્ડ

અત્યાર સુધી ફૅશનમાં ક્વાયટ લક્ઝરીનો ટ્રેન્ડ હતો જેમાં બ્રૅન્ડ લોગો વગરનાં સાદાં પણ અત્યંત કીમતી કપડાં પહેરવામાં આવતાં હતાં. પરંતુ નવા વર્ષમાં આ ટ્રેન્ડ બદલાશે અને એને બદલે ‘લાઉડ લક્ઝરી`નો ક્રેઝ આવશે જેનો મૂળ સિદ્ધાંત છે બિન્દા શોકેસ કરવું. અહીં લેસ ઇઝ મોરનો મંત્ર નહીં ચાલે, મોર ઇઝ બ્યુટિફુલનો મંત્ર ટ્રેન્ડ કરશે. હેવી જ્વેલરી, ડ્રામેટિક ફેધર અને લેધરનો 
‘હેડ-ટુ-ટો’ લુક જોવા મળશે. એ સાબિત કરશે કે તમે લક્ઝરીને છુપાવવા નથી માગતા, જે આત્મવિશ્વાસ અને પ્રભાવનું પ્રતીક બનશે.


ટૅસલ્સ અને ફ્રિન્જ

ઘણા લોકો એવા હોય છે જે સાદગીસભર ચીજો કરતાં એવી વસ્તુ તરફ આકર્ષાય છે જે નજર ખેંચે અને ડ્રામા ઍડ કરે. ટૅસલ્સ અને ફ્રિન્જ એ જ ભૂમિકા ભજવે છે. તમારી મૂવમેન્ટ સાથે એ પણ હલે છે અને એ તમારા આઉટફિટ્સને જીવંત બનાવે છે. એટલે કપડાં ફક્ત દેખાવ પૂરતાં જ નથી હોતાં પણ તમારી મૂવમેન્ટ સાથે એનો ડ્રામા પણ અલગ ઇફેક્ટ સર્જે છે જે આંખોને જોવો ગમે છે. આને કારણે સામાન્ય આઉટફિટ પણ ખાસ લાગે છે અને લોકોની ભીડમાં તમને યુનિક બનાવે છે.

ટેક્સચરનું મિક્સ-મૅચ

૨૦૨૬માં એક જ પ્રકારના ફૅબ્રિક પર નિર્ભરતા નહીં રહે. હળવા-ભારે અને નરમ-કઠોર ફૅબ્રિકને સાથે કમ્બાઇન કરીને તૈયાર કરેલાં આઉટફિટ માર્કેટમાં દેખાશે. લેયર્સવાળું સ્કર્ટ, ફ્રિલ્સ અને પોમ- પોમ્સ જેવા એલિમેન્ટ્સ આ વખતે આકર્ષણનું કેન્દ્ર બનશે. બધું ગોઠવાયેલું નહીં પણ જાણી જોઈને ફ્રી સ્ટાઇલમાં ગોઠવેલો લુક વધુ યુનિક બનાવશે. આવી ફૅશન વધુ વ્યક્તિગત બનશે. આ ટ્રેન્ડ આપણને પોતાની રીતે સર્જનાત્મક બનવાની તક આપે છે જેમાં વિવિધ ફૅબ્રિક્સને ભેગાં કરી એક નવો અને અનોખો લુક તૈયાર કરી શકાય છે.

એવરગ્રીન ટ્રેન્ચ કોટ

ટ્રેન્ચ કોટ એવું આઉટફિટ છે જે ક્યારેય ફૅશનમાંથી બહાર જતું નથી પણ આ વર્ષે એ નવા અવતારમાં અને નવા અંદાજમાં જોવા મળશે. જૂના ક્લાસિક બેજ રંગના કોટની અંદર હવે બ્રાઇટ કલર્સની સાથે સિલ્ક અને લેધર જેવાં ટેક્સચર્ડ ફૅબ્રિક ઉમેરવામાં આવ્યાં છે. આ બતાવે છે કે ફૅશન હવે જૂનાને ફેંકી નથી રહી, એ જૂની રચનાને જાળવી રાખે છે. પરંતુ એમાં આધુનિક અભિવ્યક્તિ ઉમેરે છે. એટલે કે પરંપરા અને નવીનતા બન્ને સાથે ચાલે છે. પરિણામે કોટ લાંબા સમય સુધી ચાલે એવો રહે છે અને સાથે સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બને છે.

પાવર ડ્રેસિંગ

ઑફિસ માટેનાં કપડાં હવે માત્ર સાધારણ હોવાં જોઈએ એવી માન્યતા ખતમ થઈ રહી છે. હવે ૮૦ના દાયકાનું પાવર ડ્રેસિંગ ફરીથી ટ્રેન્ડ બનશે. મહિલાઓ માટેના સૂટ્સમાં મોટા શૉલ્ડર પૅડ્સ અને શર્ટની ઉપર વેસ્ટ કે જમ્પરનું લેયરિંગ પ્રોફેશનલ લુકને વધુ સ્માર્ટ અને આધુનિક બનાવે છે. શર્ટ પર વેસ્ટ કે જમ્પરનું લેયરિંગ એ બતાવે છે કે ફૉર્મલ ડ્રેસિંગ બોરિંગ કે નવી ચીજો સ્વીકારવા તૈયાર નથી એવું નથી. એમાં ક્રીએટિવિટી અને અવનવા પ્રયોગો થયા કરે છે. સૌથી અનોખો પ્રયોગ નેકટાઇથી બનેલા સ્કર્ટનો છે જે દર્શાવે છે કે કામનું સ્થળ પણ ફૅશનનું પ્રદર્શન બની શકે છે. ૨૦૨૬ની ફૅશન શૈલી એ બંધનોમાંથી મુક્તિ અને સ્વઅભિવ્યક્તિનો માર્ગ છે. એ આપણને શીખવે છે કે આપણો પહેરવેશ આપણી માનસિકતા, આત્મવિશ્વાસ અને બદલાતી દુનિયા સાથે કદમ મિલાવવાની તૈયારીનું પ્રતિબિંબ છે.

ઍક્સેસરીઝમાં પણ મોર ઇઝ મોર

૨૦૨૬માં ઍક્સેસરીઝની પસંદગીમાં પણ ‘મોર ઇઝ મોર`નો પ્રભાવ જોવા મળશે. મિનિમલિસ્ટિક જ્વેલરીને બદલે ચંકી ગોલ્ડ ચેઇન્સ, મોટા હૂપ્સ અને મલ્ટિ-લેયર્ડ નેકલેસ ટ્રેન્ડમાં રહેશે. ફુટવેઅરમાં પણ સાદગીને બદલે ડ્રામા જોવા મળશે. પ્લૅટફૉર્મ હીલ્સ, મેટાલિક ફિનિશ ધરાવતાં બૂટ્સ અને વાઇબ્રન્ટ કલરના સ્ટિલેટોસ આ વર્ષે વૉર્ડરોબની શાન વધારશે. ખાસ કરીને નિયૉન અને બોલ્ડ કલરનાં ફુટવેઅર ન્યુટ્રલ આઉટફિટ સાથે કૉન્ટ્રાસ્ટ ઊભો કરવા માટે બેસ્ટ રહેશે. ચશ્માંમાં ફ્રેમલેસ કે નાની ફ્રેમને બદલે ઓવરસાઇઝ્ડ વિન્ટેજ ફ્રેમ્સ અને કલર્ડ લેન્સ પાછા ફરશે. કૅટ-આઇ અને જ્યોમેટ્રિક શેપ્સ ચહેરાને એક અલગ જ પર્સનાલિટી આપશે. માઇક્રો બૅગ્સનો જમાનો હવે પૂરો થયો છે. ૨૦૨૬માં ઓવરસાઇઝ્ડ ટોટ બૅગ્સ અને ક્લચ જેમાં મેટાલિક ટેક્સચર, ફ્રિન્જ અથવા મોટા બ્રૅન્ડ લોગો હોય એ લાઉડ લક્ઝરીના ટ્રેન્ડને સાર્થક કરશે. જો તમે બોલ્ડ કપડાં પહેરવા માટે હજી તૈયાર ન હો તો માત્ર એક લાઉડ ઍક્સેસરી જેમ કે મોટાં ચશ્માં કે વાઇબ્રન્ટ બૅગ ઉમેરીને પણ તમે ૨૦૨૬ના ફૅશન ટ્રેન્ડ સાથે કદમ મિલાવી શકો છો.

Whatsapp-channel Whatsapp-channel

01 January, 2026 11:29 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK