ઘરની સફાઈ દરમ્યાન નીકળતાં પિત્તળ, તાંબા અને સ્ટીલનાં જૂનાં વાસણોને ભંગારમાં આપવાને બદલે થોડી ક્રીએટિવિટી વાપરીને એનો હોમ ડેકોરમાં ઉપયોગ કરી શકાય છે. કોઈ પણ વધારાના ખર્ચ વિના ઘરના ખૂણાઓને વિન્ટેજ અને આકર્ષક બનાવવાની સરળ રીતો જાણીએ
જૂનાં વાસણોથી ઘરને આપો રૉયલ અને ટ્રેન્ડી લુક
ઘરના સ્ટોરરૂમમાં કે માળિયામાં જૂના જમાનાનાં પિત્તળ, તાંબા કે સ્ટીલનાં વાસણો પડેલાં જ હોય છે. સમય જતાં આ વાસણોનો રોજિંદા વપરાશમાં ઉપયોગ બંધ થઈ જાય છે અને એ ધૂળ ખાતાં રહે છે. મોટા ભાગે લોકો આવાં વાસણોને ભંગારમાં વેચી દેતા હોય છે અથવા બદલામાં નવી વસ્તુઓ લઈ લેતા હોય છે, પણ હાલના ઇન્ટીરિયર ટ્રેન્ડમાં વિન્ટેજ અને ટ્રેડિશનલ વસ્તુઓની ખૂબ ડિમાન્ડ છે. થોડી સૂઝબૂઝ અને અપસાઇક્લિંગના આઇડિયા અપનાવીને એક પણ રૂપિયો ખર્ચ્યા વગર જૂનાં વાસણોથી તમારા ઘરને એકદમ નવો, ટ્રેન્ડી અને રૉયલ લુક આપી શકો છો.
પિત્તળ અને તાંબાના ઘડાનો પ્લાન્ટર તરીકે ઉપયોગ
મોટા ભાગનાં ઘરોમાં પિત્તળ કે તાંબાના જૂના ઘડા, બેડાં અથવા મોટા લોટા મળી જતાં હોય છે. આ વાસણોને સાફ કરીને એમાં ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવી શકાય છે. મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ કે એરેકા પામ જેવા છોડ આ ધાતુનાં વાસણોમાં ખૂબ જ સુંદર દેખાય છે. લિવિંગરૂમના કોઈ ખાલી ખૂણામાં કે બાલ્કનીમાં આ પ્લાન્ટર મૂકવાથી તરત જ રૉયલ અને એથ્નિક વાઇબ્સ આવે છે. જો વાસણ પર થોડો કાટ કે ડાઘ હોય તો લીંબુ અને મીઠાથી ઘસીને એને ફરીથી ચમકાવી શકાય છે.
જૂની થાળીની વૉલ આર્ટ
નકશીકામ કરેલી જૂની પિત્તળની થાળીઓ કે ટ્રે દીવાલની સજાવટ માટે બેસ્ટ ઑપ્શન છે. લિવિંગરૂમની મેઇન દીવાલ પર અલગ-અલગ સાઇઝની ત્રણથી પાંચ થાળીને એક ચોક્કસ પૅટર્નમાં લગાવી શકાય છે. જો થાળી સાદી હોય તો એના પર ઘરમાં પડેલા ઍક્રિલિક કલરથી મંડલા આર્ટ કે વારલી પેઇન્ટિંગ પણ કરી શકાય છે. મોંઘું વૉલ પીસ ખરીદવાને બદલે આ દેશી અને ક્રીએટિવ વૉલ આર્ટ ઘરને એક અલગ જ ઓળખ આપે છે.
સ્ટીલ અને પિત્તળના ડબ્બામાંથી ઑર્ગેનાઇઝર
રસોડામાં વપરાતા જૂના સ્ટીલ કે પિત્તળના નળાકાર ડબ્બા, બરણીઓ કે ગ્લાસને સ્ટડી ટેબલ અથવા ડ્રેસિંગ ટેબલ પર ઑર્ગેનાઇઝર તરીકે વાપરી શકાય છે. એમાં પેન, પેન્સિલ, મેકઅપ બ્રશ કે કાતર જેવી નાની વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી શકાય છે. સ્ટીલના ડબ્બાને થોડો ટ્રેન્ડી લુક આપવા માટે એના પર જૂની સાડીની લેસ, શણની દોરી કે કપડાના ટુકડા વીંટાળી શકાય છે.
મોટી કઢાઈમાંથી ફ્લોટિંગ ઉરલી
તહેવારો કે ખાસ પ્રસંગોએ ઘરના પ્રવેશદ્વાર પાસે પાણી ભરેલી ઉરલી મૂકવાનો ટ્રેન્ડ છે. બજારમાંથી નવી ઉરલી ખરીદવાને બદલે ઘરમાં પડેલા પિત્તળ કે તાંબાના જૂના મોટા તાંસળા, કઢાઈ કે પહોળા વાસણનો ઉપયોગ કરી શકાય છે. એમાં પાણી ભરીને તાજાં ફૂલોની પાંદડીઓ અને તરતા દીવા મૂકવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આકર્ષક બને છે.
જૂની કીટલી અને લોટામાંથી ટેબલ-લૅમ્પ અથવા શો-પીસ
જૂની ઍલ્યુમિનિયમની કે પિત્તળની ચાની કીટલી અત્યારે કૅફે અને રેસ્ટોરાં ડેકોરમાં ખૂબ જ પ્રચલિત છે. આવી જૂની કીટલીને સાફ કરીને સેન્ટર ટેબલ કે બુકશેલ્ફ પર શો-પીસ તરીકે મૂકી શકાય છે. એમાં સૂકાં ફૂલો કે આર્ટિફિશ્યલ વેલ મૂકવાથી એ એકદમ ઍન્ટિક પીસ જેવો દેખાવ આપે છે. આ ઉપરાંત જૂની ગળણી કે કાણાવાળા સ્ટીલના વાસણની અંદર ફેરી લાઇટ્સ મૂકીને એને રાત્રે લૅમ્પની જેમ પણ વાપરી શકાય છે જે દીવાલ પર સુંદર પ્રકાશની પૅટર્ન બનાવે છે.
કિચન ગાર્ડન માટે સ્ટીલનાં વાસણો
જો સ્ટીલનાં તપેલાં, કુકર કે ડબ્બા તળિયેથી ઘસાઈ ગયાં હોય અથવા તૂટી ગયાં હોય એને ફેંકી દેવાને બદલે બાલ્કની કે ટેરેસ ગાર્ડનમાં કૂંડા તરીકે વાપરી શકાય છે. વાસણના તળિયે નાનાં કાણાં પાડીને, એમાં માટી ભરીને ફુદીનો, કોથમીર, તુલસી કે નાના ફૂલ-છોડ ઉગાડી શકાય છે. ધાતુનાં આ વાસણો વધુ ટકાઉ સાબિત થાય છે.
