કેન્દ્રીય ભારતમાં ૧૯મી સદી દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક આંદોલનો ઊભાં થયાં હતાં જેમણે એ સમયની રાજકીય અને ધાર્મિક રચનાઓને પડકારી હતી. ઉચ્ચ કુળ દ્વારા નીચા કુળના લોકોને મૂળભૂત અને સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવતા હતા.
પગથી માથા સુધી રામરામનાં ટૅટૂ કરાવતો અનોખો રામભક્ત રામનામી સમાજ
છત્તીસગઢના રામનામી સમાજના લોકો શરીરથી માથા સુધી રામરામનું ટૅટૂ કરાવે છે. આજે જ્યારે રાષ્ટ્રીય સ્તરે આ સમાજ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે ત્યારે જાણો કે રામની ભક્તિ કરવા માટે આ સમાજે કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે અને આજે સમાજના લોકો માટે રામની પરિભાષા શું છે
ભારતમાં ભગવાન રામ પ્રત્યેની ભક્તિ હજારો વર્ષોથી ચાલી આવતી એક ઊંડી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરા છે જે ધર્મ, સાહિત્ય અને લોકજીવનમાં ગાઢ રીતે વણાયેલી છે. રામનવમી જેવા પર્વ દરમિયાન આ ભક્તિ વિશેષરૂપે વ્યક્ત થાય છે જ્યાં લોકો રામના આદર્શ જીવન, ધર્મનિષ્ઠા અને ન્યાયપ્રિયતાને યાદ કરે છે. રામાયણ જેવાં મહાકાવ્યો દ્વારા રામને માત્ર ભગવાન તરીકે નહીં પરંતુ આદર્શ પુરુષ તરીકે પણ માનવામાં આવે છે અને સમગ્ર ભારતમાં વિવિધ પરંપરાઓ, રીતરિવાજો અને ભક્તિપ્રકારો દ્વારા તેમની ઉપાસના કરવામાં આવે છે. જોકે ભારતમાં એક એવો સમાજ રહ્યો છે જેને રામની ભક્તિ કરવાનો હક મેળવવા માટે લડવું પડ્યું હતું. ઇન્ટરનેટ અને ડિજિટલ મીડિયાને કારણે છત્તીસગઢના રામનામી સમાજ વિશે લોકોને ધીરે-ધીરે જાણ થઈ રહી છે. જાતિભેદ અને અસ્પૃશ્યતા જેવી બદીઓને કારણે આ સમાજના લોકોને મંદિરોમાં પ્રવેશ અને હિન્દુ દેવતાઓની પૂજા કરવાની મંજૂરી ન મળતાં શરૂ થઈ છત્તીસગઢના મહાનદી નજીકનાં અંતરિયાળ ગામોમાં એક નવા સમાજની રચના, જેને આજે લોકો રામનામીઓ તરીકે ઓળખે છે. તેમના આખા શરીર પર, કેટલાક કેસમાં પાંપણો પર પણ ભગવાન રામના નામનું ટૅટૂ હોય છે જેને અહીંની સ્થાનિક ભાષામાં ગોંદના, ગુજરાતીમાં છૂંદણાં કહેવાય છે. આવું કરીને તેઓ બતાવવા માગે છે કે ભગવાન સર્વવ્યાપી છે અને દરેક માટે ઉપલબ્ધ છે. કેવી રીતે થઈ આ સમાજની શરૂઆત અને કેટલી અનોખી રીતે એ રામની ભક્તિ કરે છે એના વિશે વિસ્તારથી વાત કરીએ.
ADVERTISEMENT
રામનામી સમાજની શરૂઆત
કેન્દ્રીય ભારતમાં ૧૯મી સદી દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક આંદોલનો ઊભાં થયાં હતાં જેમણે એ સમયની રાજકીય અને ધાર્મિક રચનાઓને પડકારી હતી. ઉચ્ચ કુળ દ્વારા નીચા કુળના લોકોને મૂળભૂત અને સામાન્ય હકોથી વંચિત રાખવામાં આવતા હતા. મોટા ભાગે નીચા કુળના લોકોને મંદિરમાં પ્રવેશ નિષેધ હતો. એવી જ ઘટનાથી રામનામી સમાજની શરૂઆત થઈ હતી. લોકકથા અનુસાર ચારપોરા ગામનો ચમાર જાતિના ખેડૂતનો પુત્ર પરસુરામ ભારદ્વાજ રામને ખૂબ માનતો હતો. બાળપણથી જ તે રામાયણની વાર્તાઓથી પ્રેરિત હતો. તેણે નાની ઉંમરે જ ખેતરમાં કામ કરવાનું શરૂ કર્યું અને ૧૨ વર્ષની ઉંમરે તેનાં લગ્ન થયાં હતાં. પરસુરામ પોતે વાંચતાં-લખતાં શીખ્યો હતો જેથી તે રામાયણની વાર્તાઓ સમજી શકે. એ સમયમાં તેને મંદિરમાં જવાની પરવાનગી નહોતી. એ સમયે તેણે શાંતિપૂર્વક બળવો કર્યો જેમાં તેણે પોતાના શરીર પર રામ નામનું ટૅટૂ કરાવ્યું હતું. આ ઘટનાને કારણે ઇતિહાસ આ સમાજને ભક્તિચળવળનો ભાગ માને છે જેમાં નિર્ગુણ એટલે કે મૂર્તિવિહીન ભગવાનની પૂજા થાય છે. ૧૮૯૦ની આસપાસની આ ઘટના છે. ઉચ્ચ કુળના લોકો દ્વારા નીચા કુળના લોકોના શરીર પર રામનામ હોવું જ ન જોઈએ એમ કહીને બ્રિટિશરોની કોર્ટમાં કેસ થયો. આ કેસમાં રામનામી સમાજની જીત થઈ હતી અને બધા લોકો પોતાના શરીર પર ટૅટૂ કરાવતા થઈ ગયા હતા. આ કહાની સ્થાનિકો દ્વારા જુદી રીતે પણ કહેવામાં આવે છે.

એક સ્થાનિક કથા મુજબ પરસુરામને કુષ્ઠરોગ થયો અને એ સમયના સામાજિક કલંકને કારણે તેણે સંન્યાસી જીવન અપનાવ્યું. આ દરમિયાન તેને એક સાધુ મળ્યો જેણે તેને આશીર્વાદ આપ્યા અને રામાયણ વાંચવાનું ચાલુ રાખવા કહ્યું. બીજા દિવસે સવારે પરસુરામે જોયું કે તેના શરીર પરથી રોગનાં બધાં નિશાન ગાયબ થઈ ગયાં છે અને એની જગ્યાએ ‘રામરામ’ શબ્દ તેની છાતી પર ટૅટૂરૂપે દેખાયો. આને ચમત્કાર માનવામાં આવ્યો અને ગામલોકો તેને પવિત્ર વ્યક્તિ તરીકે માનવા લાગ્યા. ત્યારથી તેણે રામાયણ અને રામનામના મહત્ત્વનો પ્રચાર શરૂ કર્યો. આવી રીતે રામનામી સમાજની શરૂઆત થઈ. ૧૦૦ કરતાં વધારે વર્ષથી આ સમાજના લોકો શરીર પર રામનામનાં ટૅટૂ કરાવે છે.
રામનામી સમાજની જીતની ગાથા
૧૯૧૦માં શરીર પર રામનામનાં ટૅટૂ કરવાની આ અનોખી પ્રથા અંગે અપરક્લાસ એટલે કે ઉચ્ચ કુળનાં હિન્દુ જૂથો રામનામી સમાજને કોર્ટમાં લઈ ગયાં, પરંતુ તેમણે કેસ જીતી લીધો અને પોતાના શરીર, કપડાં અને નિવાસસ્થાન પર રામનું નામ લખવાનો અધિકાર મેળવ્યો. રામનામીઓ કોઈ પણ સ્વરૂપમાં રામની ઉપાસના પર ભાર મૂકે છે, ભલે એ કેસરિયા વસ્ત્રોમાં હોય કે મુંડન કરેલા માથા સાથે હોય. તેઓ જેન્ડર-ઇક્વલિટીને પ્રાથમિકતા આપે છે અને પોતાને ઘૂંઘરૂ તથા મોરપીંછથી બનાવેલા મુકુટથી શણગારે છે. છત્તીસગઢમાં ઘૂંઘરૂ તેમનાં નૃત્યો અને ભજનપ્રદર્શનોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમનાં સફેદ વસ્ત્રો પર પણ રામનું નામ અલંકૃત કરવામાં આવે છે, જ્યારે તેમના માથાના શણગાર પરના મોરની પાંખોનું પૌરાણિક મહત્ત્વ છે.
રામના નામની જુદી ઓળખ
રામનામી સમાજમાં ટૅટૂમાં રામના નામના અલગ અર્થ છે. સમુદાયના સભ્યો માટે આ ‘રામ’ દશરથના પુત્ર માટે નથી, પરંતુ નિર્ગુણ ભગવાન માટે છે. તેથી તેઓ ‘રામ’ એકલા નહીં પરંતુ ‘રામ રામ’ કહે છે. આ સમાજમાં ટૅટૂ કરાવવાની કોઈ ચોક્કસ ઉંમર નથી. મોટા ભાગના લોકો બાળપણમાં અથવા લગ્ન પહેલાં ટૅટૂ કરાવે છે. સામાન્ય રીતે ૧૨-૧૩ વર્ષની ઉંમરે ટૅટૂ કરાવે છે. ટૅટૂની શાહી સ્થાનિક સામગ્રીથી જ બનાવવામાં આવે છે જેમાં કેરોસીનને માટીના ઘડામાં બાળવામાં આવે છે અને ત્યાર બાદ ઘડામાં જમા થયેલી મેષને શાહી તરીકે ઉપયોગ કરીને ટૅટૂ બનાવવામાં આવે છે. દરેક વ્યક્તિ સંપૂર્ણ શરીર પર ટૅટૂ કરાવતી નથી. કેટલાક માત્ર છાતી પર, જ્યારે કેટલાક માથાથી પગ સુધી ટેટૂ કરાવે છે. આ આધારે સમુદાયમાં ત્રણ પ્રકારનું સાંસ્કૃતિક વર્ગીકરણ થાય છે. માથાથી પગ સુધી ટૅટૂ કરાવતા લોકોને નખશિખ કહેવાય, માત્ર માથા પર કરાવતા લોકોને શિરોમણિ અને શરીર કે મોં સિવાયના અન્ય ભાગો પર ટૅટૂ કરાવતા લોકોને બદન તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. આ જ સમાજના અન્ય લોકો જે શરીર પર ટૅટૂ નથી કરાવતા તે રામનામી સમાજનાં અન્ય પાસાંઓ જેમ કે કપડાં પર રામનામ રાખવું, નિત્ય ભજન કે શાકાહાર અનુસરે છે. રામનામી પરંપરાગત રીતે સફેદ રંગનાં વસ્ત્રો પહેરે છે. સમુદાયનાં પુરુષો અને સ્ત્રીઓ બન્ને દ્વારા ઓઢણી પહેરવામાં આવે છે, જ્યારે અલ્ફી (શર્ટ જેવું વસ્ત્ર) મુખ્યત્વે પુરુષો માટે રાખવામાં આવે છે. શાહીમાં ડૂબાડેલા લાકડાના બ્લૉક દ્વારા કાપડ પર રામનામ છાપવામાં આવે છે.

રામ ભજનની અનોખી પરંપરા
રામનામી સમાજ દ્વારા ‘બડા ભજન મેલા’ નામનો ત્રણ દિવસનો વાર્ષિક કાર્યક્રમ યોજાય છે, જે દર વર્ષે અલગ ગામમાં યોજાય છે. એનો હેતુ રામભક્તોને મળીને રામનામના સમૂહગાયનનો લાભ આપવાનો છે. આ મેળો જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં આવતી પોષ શુક્લ એકાદશી દરમિયાન થાય છે. મેળાની ખાસ વાત એ છે કે દર વર્ષે એ નવા ગામમાં આયોજિત થાય છે અને થોડા અપવાદોને છોડીને એ જ ગામમાં ફરી ક્યારેય મેળો યોજાયો નથી. રામનામીઓ માને છે કે એનાં બે કારણો છે. પહેલું તો એ પરસુરામનું માનવું હતું કે આ રીતે દૂરનાં ગામોમાં રહેતા લોકોને પણ મેળામાં આવવાની તક મળશે અને બીજું યજમાન ગામના અનુયાયીઓ ખાતરી કરી શકે કે બધા લોકોને ભોજન અને સંભાળ મળી રહે અને આર્થિક ભાર અલગ-અલગ ગામોમાં સમાન રીતે વહેંચાય. યજમાન ગામમાં ‘જૈત-ખંભ’ તરીકે ઓળખાતો એક થાંભલો ઊભો કરવામાં આવે છે જે દર્શાવે છે કે આ ગામમાં મેળો યોજાયો છે. ગામવાસીઓ દર વર્ષે આ થાંભલાને ફરી રંગે છે અને ત્યાં રામનામી ધ્વજ દર વર્ષે અથવા અનુકૂળ સમયે ફરકાવે છે. દર વર્ષે ઘણાં ગામો મેળો આયોજિત કરવા માટે અરજી કરે છે. જે ગામ અરજી સાથે સૌથી વધુ નારિયેળ મોકલે છે એ પસંદ થાય છે. રામનામી સમાજ મૂર્તિપૂજામાં વિશ્વાસ રાખતો નથી. તેઓ રામચરિતમાનસના પાઠ અને ભજન દ્વારા પ્રાર્થના કરે છે. તેઓ ગ્રંથના જાતિવાદી ભાગોની ટીકા પણ કરે છે અને ઘણી વાર એમાં કબીરના દોહા ઉમેરે છે. ભજન દરમિયાન તેઓ ઘૂંઘરૂનો ઉપયોગ કરે છે. આ તેમનું મુખ્ય સંગીત વાદ્ય છે. ભજન રાત્રે શરૂ થાય છે અને સવાર સુધી ચાલે છે. આ સમાજ જેન્ડર-ઇક્વલિટીમાં માને છે, દહેજ જેવી કુપ્રથાને વખોડે છે અને સાદા જીવનને અનુસરે છે. તેમના સમાજના આ ગુણોએ લોકોનું તેમની તરફ ધ્યાન ખેંચ્યું છે અને આ સમાજ વિશે વધુ ને વધુ લોકો જાણી રહ્યા છે.
વસ્તી કેટલી?
રામનામીઓ મુખ્યત્વે છત્તીસગઢમાં મહાનદી નદીના કિનારાનાં ગામોમાં રહે છે, પરંતુ કેટલાક અનુયાયીઓ મહારાષ્ટ્ર અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં પણ વસે છે. માનવામાં આવે છે કે એક સમયે તેમની વસ્તી લગભગ ૬ લાખ જેટલી હતી, પરંતુ હવે એ ઘટીને ૧ લાખ થઈ ગઈ છે અને કેટલાક અંદાજ મુજબ માત્ર ૨૦ હજાર જેટલા રામનામી બાકી રહ્યા છે. ૧૯૮૦ સુધી આ સમાજના લોકોને મંદિરમાં પ્રવેશ મેળવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. સમાજના જાતિભેદથી બચવા માટે કેટલાક લોકોએ શરીર પર રામનામ ટૅટૂ કરાવવાનું જ બંધ કરી દીધું તો કેટલાક લોકો શહેરોમાં આજીવિકા માટે જતા રહ્યા.
અન્ય ખાસ તહેવારો
બડા ભજન મેલા સિવાય વર્ષ દરમિયાન અન્ય ત્રણ પ્રસંગોએ આ સમાજની ખાસ ભજન સભાઓ યોજાય છે જેમાં ચૈત્ર નવરાત્રિ, શરદ નવરાત્રિ અને માઘ પૂર્ણિમાનો સમાવેશ થાય છે. એ સિવાય આ સમાજના લોકો માટે લગ્નો મોટો આર્થિક ભાર બને છે. આ ભાર ઘટાડવા માટે સમુદાયે મેળા દરમિયાન લગ્ન કરવાની પરંપરા શરૂ કરી છે. આ વિધિમાં મૂળભૂત વિધિઓનો સમાવેશ થાય છે જેમાં રામનામનો જાપ પણ થાય છે. આ લગ્નોમાં ભાગ લેતા તમામ લોકોને દહેજ ન માગવાનો અને ન સ્વીકારવાનો સંકલ્પ લેવડાવવામાં આવે છે.
