Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > A Tribute: વહેતા સમયને ફ્રેમમાં જડી ઇતિહાસને ફોટોગ્રાફમાં રજૂ કરતા રઘુ રાયની વિદાય

A Tribute: વહેતા સમયને ફ્રેમમાં જડી ઇતિહાસને ફોટોગ્રાફમાં રજૂ કરતા રઘુ રાયની વિદાય

Published : 29 April, 2026 12:59 PM | Modified : 29 April, 2026 03:28 PM | IST | Mumbai
Avaneesh Bhatt | gmddigital@mid-day.com

રાય ભોપાલ ગૅસ દુર્ઘટના વખતે ત્યાં ગયા હતા ત્યારે તેમણે ઝેરી મિથેન ગૅસથી મરણ પામેલી દીકરીને દાટતા પહેલાં છેલ્લી વાર પંપાળતા બાપનો હાથ અને મૃત બાળકના ચહેરાનો ફોટો લીધો હતો. બાળકની આંખ ઝેરી ગૅસની અસરથી સુજી ગઈ છે અને ભુખરી થઈ ગઈ છે.

રઘુ રાય, તેજીલી આંખોથી કચકડામાં સમય જીવતો રાખનારા તસવીરકાર - સૌજન્યઃવિક્રમજીત કાકતી , વિકિમિડિયા કોમન્સ

Exclusive

રઘુ રાય, તેજીલી આંખોથી કચકડામાં સમય જીવતો રાખનારા તસવીરકાર - સૌજન્યઃવિક્રમજીત કાકતી , વિકિમિડિયા કોમન્સ


કી હાઇલાઇટ્સ

  1. રઘુ રાય (1942- 2026) હાલમાં પાકિસ્તાનમાં આવેલા પંજાબનાં ઝંઘ પ્રાંતમાં જન્મ્યા હતા.
  2. અત્યંત અંગત જીવન જીવતા હોવાથી ઇન્ટરવ્યુ આપી પોતાના કસબ વિશે અવતરણ આપતાં વિધાનો ન કરતા
  3. કોઈ પણ ઇનામ અકરામ તેમણે કરેલા કામના ઉદાત્ત સ્તરને ન્યાય ન આપી શકે.

1970ના દાયકામાં વડોદરા શહેરની ગલીખૂંચીમાં એક અનોખું યુગલ અમને સૌને દેખાયા કરતું: એક સિત્તેરેક વર્ષનો અંધ મુસલમાન પુરૂષ અને પાંત્રિસ-ચાળીસ વર્ષની માનસિક રીતે અસ્થિર હિંદુ સ્ત્રી. બન્ને રસ્તા પર જ રહેતા, અને શહેરની ફરસાણ-મિઠાઈની દુકાનોના આધારે પેટ ભરતા. મુસલમાન પુરૂષ અંધ તો હતો જ, પણ એના પગે કાંઈક ખોડ પણ હતી. પગે પાટા-કોથળી બાંધેલા રહેતા. પેલી સ્ત્રી એ પુરૂષને નાની ઠેલણગાડીમાં બેસાડી ઘસડ્યા કરતી; એને કોળિયા ભરાવતી; સેવા કરતી. હસી હસીને એવા વાતોએ વળગેલા રહેતા કે જોનારને પ્રશ્ન થાય કે આ બન્ને શું વાતો કરતા હશે? અને સૌથી મોટો પ્રશ્ન તો એ થતો કે આ બન્નેને નિયતીએ કઈ કળ ચાંપી ભેગા કર્યા હશે?

કોમી રમખાણો માટે જાણીતા વડોદરાની આ હિંદુ-મુસલમાન વચ્ચેના સ્નેહની વાર્તા લોકોમાં ચર્ચાવા લાગી. સ્થાનિક છાપાંમાં છપાયેલા ફોટોગ્રાફ્સ અને લેખ દિલ્હીમાં રાષ્ટ્રીય પખવાડિક ઇંડિયા ટૂડેના તંત્રી સુધી પહોંચ્યા, અને તેમણે વડોદરા જેવા ઉંઘરેટા શહેરમાં પોતાનો ફોટોગ્રાફર મોકલી આપ્યો. એ મુસલમાન વૃધ્દ અને હિંદુ સ્ત્રીની અનોખી પ્રેમકથા રૂંવા ઊભા કરી દે એવા બ્લૅક-વ્હાઈટ ફોટોગ્રાફ્સમાં ઇંડિયા ટૂડેમાં છપાઈ, લેખનું શિર્ષક હતું: Age and Innocence. સાથે નોંધ હતી: વડોદરાની ગંદી ગલીઓમાં આ બન્ને અંતરમાં હમેશ માટે કંડારાઈ જાય એવો માનવતાની મીઠો અને અજોડ સંબંધ જીવી રહ્યા છે.  (નીચે પ્રકાશિત તસવીર લખનારે પોતાની પાસે સાચવેલા મૅગેઝીનમાંથી સ્કેન કરી મોકલી આપી છે.)




થોડા વખત પછી, પાકિસ્તાનમાં કોઈ દાંતનાં ડૉક્ટરને ત્યાં પોતાનો વારો આવે ત્યાં સુધી સમય પસાર કરવા માટે ટેબલ પર પડેલાં જૂનાં મૅગેઝિન ફંફોસતો માણસ ઇંડિયા ટૂડેનો પેલો અંક જોઈ સ્તબ્ધ થઈ ગયો. એ દોડતો ઘરે ગયો અને પોતાનાં ભાઈઓને સમાચાર આપ્યા: હમારે અબ્બુ હિંદુસ્તાનકે બડૌદા શહરમેં ઝિંદા હૈ! હમે થા કે વહ બટવારે કે દંગોમેં મારે ગયે!

એ લોકો વડોદરા આવી પહોંચ્યા, પોતાનાં અબ્બુને અને ત્રીસ વર્ષ સુધી એ માણસ સાથે દીકરી કે પત્ની જે કહો તે થઈને રહેતી સ્ત્રીને પોતાની સાથે પાકિસ્તાન લઈ ગયા. 


આ મુસલમાન વૃદ્ધ અને હિંદુ સ્ત્રીની કથાને વાચા આપતા ફોટોગ્રાફ્સ લીધા હતા ઇંડિયા ટૂડેના ફોટોગ્રાફર રઘુ રાયે. રઘુ રાયનું નામ આવે એટલે બધાંને ભોપાલ ગૅસ દુર્ઘટના વિશેનાં ફોટોગ્રાફ્સ યાદ આવે જ, પણ વડોદરાની આ ઝળઝળિયા લાવી દે એ વાત બહુ ઓછા જાણતા હશે. હકિકત છે કે રઘુ રાયે ભારતના ધબકતા જીવનનાં એક પણ પાસાને પોતાના કૅમેરામાંથી જોવાનું બાકી નથી રાખ્યું: દિલ્હી, મુંબઈ, કલકત્તા, વારાણસી જેવા શહેરોની નાડ; બાંગ્લાદેશનું લોહિયાળ સ્વાતંત્ર્ય અને નિરાશ્રિતોની પીડા; કુંભના મેળાના રંગો; તાજ મહેલનું અપ્રતિમ સૌંદર્ય; દરેક વડા પ્રધાનની જીવનચર્યા, વિશેષ ઇંદિરા ગાંધીની વિવિધ શૈલી; ચૂંટણીનો સમય કે તહેવારો. એવું કહી શકાય કે પચાસ વર્ષની કારકીર્દીમાં આપણા દેશને કઈ રીતે દેખવો એ આપણને રઘુ રાયે પોતાની તસવીરોથી શીખવ્યું છે. 

રઘુ રાય (1942- 2026) હાલમાં પાકિસ્તાનમાં આવેલા પંજાબનાં ઝંઘ પ્રાંતમાં જન્મ્યા હતા અને એન્જિનિયરિંગનું ભણતર નેવે મૂકી, 23 વર્ષની ઉમરે ફોટોગ્રાફર બનવા નીકળી પડ્યા. મોટા ભાઈ એસ. પૉલ પ્રેરણાસ્રોત બન્યા. મોટા ભાઈ કે બહેન રસ્તો ચિંધે, પણ પછી જગત નાના ભાંડરડાથી મોટાને ઓળખે એનું આ ઉત્તમ ઉદાહરણ. એસ. પૉલ (1930-2017) પણ જાણીતા ફોટોગ્રાફર અને મોટા ગજાનાં જ,એમાં મીનમેખ નહીં,પણ લોકોમાં રઘુ રાયનું નામ તેમના કામનાં વ્યાપને કારણે વધારે જાણીતું. એક કારણ એસ. પૉલના વ્યક્તિત્વનું પણ ખરું, પર્ફેક્શનીસ્ટ હોવાથી ધીમું અને ઓછું કામ કરતા; અત્યંત અંગત જીવન જીવતા હોવાથી ઇન્ટરવ્યુ આપી પોતાના કસબ વિશે અવતરણ આપતાં વિધાનો ન કરતા; ક્યારેય પોતાનાં ફોટોગ્રાફ્સનાં પુસ્તકો ન છપાવ્યા. રઘુ રાય સાવ વિરૂધ્દ પ્રકૃતિના. નાની ઉમરે જગવિખ્યાત ફોટોગ્રાફર હેન્રી કાર્તિયર બ્રેસોંની નજરે ચઢ્યા અને માર્ગદર્શન મેળવ્યું. ૧૯૭૭માં બ્રેસોંએ મૅગ્નમ ફોટો એજન્સીને સૂચવ્યું કે રાયને સભ્યપદ આપવું. મૅગ્નમનું સભ્યપદ જગવિખ્યાત બનવા માટેની ટિકીટ. પાછું વાળીને જોવાનો અવસર રઘુ રાયના જીવનમાં ક્યારેય ન આવ્યો.

રાય કઈ રીતે વ્યાપક જીવનની તસવીરો લઈ શક્યા? તેમણે એક મુલાકાતમાં ક્હયું હતું કે હું કોઈ બનાવ બન્યો હોય તો એ સ્થળે પહોંચ્યા પછી ફોટોગ્રાફરનું કામ શરૂ ન કરતો. ટ્રેનમાં, ટૅક્સીમાં, રીક્ષામાં કે બળદગાડામાં, બનાવનાં સ્થળથી નજીક કે દૂર, હું સતત કૅમેરા સાથે તૈયાર રહેતો; રસ્તા, સમગ્ર વિસ્તાર, આડાઅવળાં લોકો, આખી યાત્રા,આ બધું હું કૅમેરામાં કેદ કરતો જ રહેતો; હું સતત ફોટોગ્રાફર જ બની રહેતો.

રાય ભોપાલ ગૅસ દુર્ઘટના વખતે ત્યાં ગયા હતા ત્યારે તેમણે ઝેરી મિથેન ગૅસથી મરણ પામેલી દીકરીને દાટતા પહેલાં છેલ્લી વાર પંપાળતા બાપનો હાથ અને મૃત બાળકના ચહેરાનો ફોટો લીધો હતો. બાળકની આંખ ઝેરી ગૅસની અસરથી સુજી ગઈ છે અને ભુખરી થઈ ગઈ છે. આ ફોટોગ્રાફ બહુ જાણીતો થયો, જેને ઘટનાનો defining photograph કહેવાય એવું હ્રદયદ્રાવક ચિત્ર હતું. ગૅસના કારણે માના પેટમાં બાળકનું મૃત્યુ થવાથી ગર્ભપાત કરી બહાર કાઢેલા ત્રણ અર્ધવિક્સિત બાળશરીરનો ફોટોગ્રાફ જોઈ કંપારી છૂટી જાય. લોકોએ તેમને આવા ફોટોગ્રાફ અંગેની નૈતિકતા પ્રશ્નો પૂછ્યા હતા: આવી અત્યંત દૂ:ખની ક્ષણેને પણ તમે તમારા વ્યવસાયનો ભાગ બનાવી? રઘુ રાયે આડકતરા જવાબમાં કહ્યુ હતું કે જે તે સમયની તસવીર લેવી એટલા માટે મહત્ત્વની છે કે શબ્દોથી લખાયેલા ઇતિહાસનું વારંવાર અર્થઘટન થઈ શકે, પણ એક વાર લેવાયેલી તસવીરને કોઈ થોડા વખત પછી બીજું રૂપ ન આપી શકે. રઘુ રાય થોડાં થોડાં વર્ષોનાં અંતરે બાર વાર ભોપાલ ગયા અને દુર્ઘટનાની વિસ્તાર-રેખાને કાળજીપૂર્વક કંડારતા રહ્યા. 

બાંગ્લાદેશના નિરાશ્રીતોની તસવીરો લીધા પછી તેમને 1972માં પદ્મશ્રી અપાયો. ફ્રાંસની સરકારે તેમને 2009માં ઓર્ડર ઑફ આર્ટ્સ ઍન્ડ લેટર્સથી નવાજ્યા. કોઈ પણ ઇનામ અકરામ તેમણે કરેલા કામના ઉદાત્ત સ્તરને ન્યાય ન આપી શકે.

1990માં સત્તર વર્ષનો એક છોકરો ઊનાળાની રજામાં ગીર ફરવા ગયો હતો. હાથમાં નાનો આગ્ફામૅટિક કૅમેરા. જંગલમાં જીપગાડી એક જગ્યાએ ઊભી રહી. બસો ફૂટ દૂર બે-ત્રણ સિંહો આરામ ફરમાવતા હતા. સાથેના ગાઈડે બધાંને એક જમીન પર કરેલી લીટીની આગળ ન જવા કહ્યું. છોકરાએ જોયું કે થોડે દૂર, ઝાડ નીચે, ત્રણ-ચાર જણા ઊભા હતા. એ લોકોએ મોટો કૅમેરા અને કૅમેરા ગોઠવવાનું સ્ટૅન્ડ કાઢ્યું. અને સિંહોની તસવીર લેવા માંડ્યા. છોકરો પોતાનો નાનો કૅમેરા લઈ એ લોકોની નજીક ગયો. એને છાપાં વાંચવાની ટેવ એટલે એણે સફેદ ટી-શર્ટ, જીન્સ, અને માથે પહોળી છાપરીવાળી ગોળ ટોપી પહેરેલા માણસને ઓળખી કાઢ્યો: આ તો રઘુ રાય! એના નાનાં કૅમેરાથી દૂર બેઠેલા સિંહોના ફોટોગ્રાફ તો આવે એમ ન હતું. એ મસમોટા કૅમેરામાંથી તાકતા, પોતાનાં કામમાં તન્મય રઘુ રાયના ફોટોગ્રાફસ લેવા લાગ્યો. રઘુ રાયે અછડતી નજર કરી પણ પોતાનું કામ કરતા રહ્યા. કલાક પછી છોકરો રઘુ રાય પાસે ગયો અને ઓટોગ્રાફ માગ્યો. તેમણે હસીને કહ્યું, ‘Why do you want my autograph? There is no difference between you and me. You are starting out and I have been doing this for thirty years, that’s all.’ વાત સાવ ખોટી નીકળી. માત્ર ત્રીસ વર્ષ ફોટોગ્રાફી કરવાથી રઘુ રાય બનાતું હોત તો એ છોકરાને પણ દુનિયા ઓળખતી હોત. એ છોકરો એટલે આ લખનાર પોતે. રઘુ રાયની શું નમ્રતા! તેમણે પોતાની અદ્-ભૂત શક્તિ અને પ્રતિભાને માત્ર વર્ષોના અભ્યાસમાં ખપાવી દીધી, અને એ પણ લબરમૂછિયા છોકરા પાસે!

અવનીશ ભટ્ટ મુંબઈ સ્થિત ફોટોગ્રાફર છે અને મુંબઈની શ્રીમતી મણિબેન એમ. પી. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કરે છે. તેઓ અનુવાદક અને લેખક પણ છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 03:28 PM IST | Mumbai | Avaneesh Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK