Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > ઇન્ડસ્ટ્રીમાં બાથરૂમ, તેની સ્વચ્છતા અને એનર્જી કેમ મહત્ત્વની?

ઇન્ડસ્ટ્રીમાં બાથરૂમ, તેની સ્વચ્છતા અને એનર્જી કેમ મહત્ત્વની?

Published : 05 October, 2026 07:30 PM | IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

માનવ શરીરની વાત કરીએ તો શરીરમાં જે નકામું છે એ બહાર નીકળવું જરૂરી છે. શરીરનું એલિમિનેશન સિસ્ટમ નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કે શરીરમાંથી કચરો બહાર નીકળે છે એટલે એલિમિનેશન ખરાબ છે.

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)


ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...

વાસ્તુની વાત આવે એટલે ઘણી વાર આપણે ઘર, ઑફિસ, મુખ્ય દરવાજો, કિચન કે બેડરૂમની દિશા વિશે વિચારીએ છીએ. પરંતુ એક એવી જગ્યા છે જે દરેક ઘર, ઑફિસ કે ઔદ્યોગિક એકમનો જરૂરી હિસ્સો હોવા છતાં વાસ્તુની ચર્ચામાં ઘણી વખત અવગણાઈ જાય છે અને એ છે બાથરૂમ. ખાસ કરીને ઔદ્યોગિક અને કમર્શિયલ પ્રૉપર્ટીમાં બાથરૂમને લઈને એક પ્રકારનો ભય જોવા મળે છે. કોઈ ચોક્કસ જગ્યાએ બાથરૂમ હોય એટલે તેને સમસ્યાનું મૂળ માની લેવું, તેને તરત હટાવવાની કે તોડવાની સલાહ આપવી જેવી માન્યતાઓ પણ જોવા મળે છે. પરંતુ Conscious Vaastuનો અભિગમ થોડો અલગ છે. બાથરૂમની જરૂર હોય તો તે હોવો જ જોઈએ. પહેલેથી બાથરૂમ છે તો તેની યોગ્ય જાળવણી કરવી જોઈએ. અને જો તે કોઈ અપ્રિફર્ડ જગ્યાએ હોય તો માત્ર એ એક કારણને આધારે આખી પ્રૉપર્ટીને દોષિત ઠેરવવાને બદલે સમગ્ર પ્રૉપર્ટીની રચના અને ઉપયોગને સમજવો જરૂરી છે.



બાથરૂમ એટલે પ્રૉપર્ટીની એલિમિનેશન સિસ્ટમ


માનવ શરીરની વાત કરીએ તો શરીરમાં જે નકામું છે એ બહાર નીકળવું જરૂરી છે. શરીરનું એલિમિનેશન સિસ્ટમ નકામા પદાર્થોને બહાર કાઢવાનું કામ કરે છે. આપણે ક્યારેય એવું નથી કહેતા કે શરીરમાંથી કચરો બહાર નીકળે છે એટલે એલિમિનેશન ખરાબ છે. ઊલટાનું, યોગ્ય એલિમિનેશન સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ જ વાતને પ્રૉપર્ટી સાથે સરખાવી શકાય


પ્રૉપર્ટી અંદર લે છે, પ્રક્રિયા કરે છે અને પછી જે નકામું છે એને બહાર કાઢે છે. આ રિલીઝ સિસ્ટમમાં બાથરૂમ અને ડ્રેનેજની મહત્વની ભૂમિકા છે. એટલે બાથરૂમને માત્ર ‘નકારાત્મક જગ્યા’ તરીકે જોવાને બદલે તે જે કામ માટે બનાવવામાં આવ્યો છે એ કામ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં એ સમજવું વધારે જરૂરી છે. લીક થતો નળ, બ્લૉક ડ્રેઇન અને દુર્ગંધને અવગણશો નહીં. બાથરૂમની સમસ્યા ઘણી વખત તેની દિશા કરતાં તેની સ્થિતિમાં વધુ છુપાયેલી હોય છે. નળ સતત ટપકતો હોય તો પાણીનો બિનજરૂરી પ્રવાહ ચાલુ રહે છે. Conscious Vaastu®ના દૃષ્ટિકોણથી આવો સતત અને અનાવશ્યક પ્રવાહ ઘરમાં કે કાર્યસ્થળના વાતાવરણ પર નકારાત્મક અસર કરી શકે છે.

ડ્રેઇન બ્લૉક હોય અને કચરો કે ગંદું પાણી યોગ્ય રીતે બહાર ન નીકળે તો તેને માત્ર પ્લમ્બિંગની સમસ્યા માનીને છોડી દેવી નહીં. જગ્યામાં જે બહાર જવાનું છે એ બહાર ન જાય તો એક પ્રકારની અટકાણ ઊભી થાય છે.
એ જ રીતે ક્યાંક પાણી ભરાઈને લાંબા સમય સુધી સ્થિર રહેતું હોય તો એ પણ યોગ્ય નથી. પાણીનો સ્વભાવ જ ગતિ કરવાનો છે. જ્યાં ગતિ અટકે ત્યાં સ્થિરતા અને ભેજની સમસ્યા ઊભી થઈ શકે છે. અને બાથરૂમમાંથી સતત દુર્ગંધ આવતી હોય તો એને કોઈ વાસ્તુદોષનું નામ આપતાં પહેલાં ડ્રેનેજ, વેન્ટિલેશન અને સફાઈની વ્યવસ્થા તપાસવી જોઈએ.
કારણ કે ઘણી વાર વાસ્તુનો ઉકેલ કોઈ જટિલ ઉપાયમાં નહીં, પણ સમસ્યાના મૂળ કારણને સમજવામાં હોય છે.
ફેક્ટરીમાં બાથરૂમ માત્ર બાથરૂમ નથી
ઔદ્યોગિક એકમોમાં આ મુદ્દો વધારે ગંભીર બની જાય છે.
ઘણી જગ્યાએ મુખ્ય ઑફિસ ખૂબ સુંદર રીતે જાળવવામાં આવે છે. રિસેપ્શન ચોખ્ખું હોય છે. મેનેજમેન્ટની કૅબિનની ખાસ કાળજી લેવામાં આવે છે. પ્રોડક્શન એરિયામાં પણ નિયમિત સફાઈ થતી હોય છે. પરંતુ જે બાથરૂમ કામદારો રોજ ઉપયોગમાં લે છે તેની સ્થિતિ ઘણી વખત એટલી સારી હોતી નથી.
ક્યાંક યોગ્ય વેન્ટિલેશન હોતું નથી, ક્યાંક પાણીની પૂરતી વ્યવસ્થા હોતી નથી, તો ક્યાંક નિયમિત સફાઈ થતી નથી. પરિણામે ભેજ, દુર્ગંધ અને ગંદકી જોવા મળે છે. અને પછી ઘણી વખત આ ગંદકી માટે કામદારોને જ જવાબદાર ઠેરવવામાં આવે છે.
બાથરૂમનો ઉપયોગ કામદારો કરે છે એટલે તે ગંદો થતો નથી. યોગ્ય સુવિધા, સફાઈ અને મેન્ટેનન્સની વ્યવસ્થા ન હોય એટલે તે ગંદો થાય છે.
આ વાતનો સંબંધ વ્યક્તિની સામાજિક કે વ્યવસાયિક સ્થિતિ સાથે નથી. એ જ બાથરૂમનો ઉપયોગ મેનેજર, માલિક, મુલાકાતી કે કામદાર કરે, જો સફાઈની વ્યવસ્થા યોગ્ય ન હોય તો બાથરૂમની સ્થિતિ ખરાબ થવાની જ છે.

સ્વચ્છતા એટલે સન્માન

કારખાનામાં કામ કરતા દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી, યોગ્ય ટૉઇલેટ, હાથ ધોવાની સુવિધા, વેન્ટિલેશન અને સ્વચ્છ વાતાવરણ મળવું એ કોઈ લક્ઝરી નથી. આ તો મૂળભૂત જરૂરિયાત છે. વાસ્તુને જો માત્ર દિશાઓ અને ઉપાયો પૂરતું ન રાખીને જગ્યામાં રહેતા અને કામ કરતા લોકોના અનુભવ સાથે જોડીને જોઈએ તો આ વાત વધુ સ્પષ્ટ બને છે.  એક સ્વચ્છ અને સુઘડ બાથરૂમ વ્યક્તિને સન્માનની લાગણી આપે છે. જ્યારે ગંદો, દુર્ગંધયુક્ત અને અવ્યવસ્થિત બાથરૂમ એક અલગ જ સંદેશ આપે છે — જાણે કાર્યસ્થળનો આ ભાગ મહત્વનો નથી. એટલે ઔદ્યોગિક બાથરૂમની જાળવણી માત્ર સફાઈનો મુદ્દો નથી. તે કર્મચારીઓના સન્માન, સ્વાસ્થ્ય અને સમગ્ર કાર્યસ્થળના વાતાવરણ સાથે પણ જોડાયેલો મુદ્દો છે.

વાસ્તુનો અર્થ જગ્યા સાથે સમજદારીપૂર્વક જીવવાનો પણ છે, Conscious Vaastuનો ઉદ્દેશ બાથરૂમ જેવી જરૂરી જગ્યાને દૂર કરવાનો નથી. હેતુ એટલો છે કે પ્રૉપર્ટીમાં જે બહાર નીકળવાનું છે તે યોગ્ય રીતે બહાર નીકળે અને આખી જગ્યા સ્વચ્છ, સ્વસ્થ અને સુખદ રહે.

આથી કોઈ બાથરૂમ જોઈને તરત ડરવાની કે તેને વાસ્તુદોષનું મૂળ માનવાની જરૂર નથી. પહેલાં એ જુઓ કે ત્યાં પાણી લીક તો નથી થતું? ડ્રેઇન બ્લૉક તો નથી? પાણી ભરાઈને રહેતું તો નથી? વેન્ટિલેશન પૂરતું છે? દુર્ગંધ તો નથી? સફાઈ નિયમિત થાય છે?

ઘણી વખત વાસ્તુનો સૌથી અસરકારક ઉપાય કોઈ મોંઘી ટ્રીટમેન્ટ કે જટિલ રેમેડી નથી હોતો.
ક્યારેક માત્ર એટલું સમજવું જરૂરી હોય છે કે જગ્યા જે કામ માટે બનાવવામાં આવી છે, એ કામ તે યોગ્ય રીતે કરી રહી છે કે નહીં.
ઔદ્યોગિક બાથરૂમને પણ આ જ દૃષ્ટિએ જોવાની જરૂર છે — ડરથી નહીં, સમજણથી; ઉપેક્ષાથી નહીં, સન્માનથી.

Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com

Whatsapp-channel Whatsapp-channel

05 October, 2026 07:30 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK