‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર બનેલી કથિત ‘કૉલર-પકડ’ ઘટના વિશે દિલીપ જોશીએ કરી સ્પષ્ટતા
દિલીપ જોશી
‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલ ચંપકલાલ ગડાનું પાત્ર ભજવતા લીડ ઍક્ટર દિલીપ જોશી અને નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચે જામી ગઈ હોવાની જે અફવા ફેલાઈ છે એ મુદ્દે દિલીપ જોશીએ એક નિવેદન બહાર પાડ્યું છે અને આ વાતને તેમણે ખોટી ગણાવી હતી. તેમણે નિવેદનમાં કહ્યું હતું કે...
હાલમાં ઊઠેલી અફવાઓ વિશે હું સ્પષ્ટતા કરવા માગું છું. મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં આવેલી વાતો સંપૂર્ણપણે ખોટી છે અને આવી વાતો કહેવામાં આવી રહી છે એ જોઈને મને ખરેખર દુ:ખ થાય છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જે મારા અને લાખો ચાહકો માટે ખૂબ જ અર્થપૂર્ણ છે અને જ્યારે લોકો એના વિશે પાયાવિહોણી અફવાઓ ફેલાવે છે ત્યારે એ માત્ર આપણને જ નહીં, પણ આપણા વફાદાર ચાહકોને પણ દુ:ખ પહોંચાડે છે.
ADVERTISEMENT
આટલાં વર્ષોથી ઘણા લોકોને ખૂબ જ આનંદ આપતી કોઈ વસ્તુ માટે નકારાત્મકતા ફેલાતી જોવાનું નિરાશાજનક છે. દર વખતે આવી અફવાઓ ઊડતી રહે છે અને દર વખતે એ કહેવું પડે કે આ અફવા ખોટી છે. આ ખૂબ જ કંટાળાજનક છે અને નિરાશાજનક પણ છે, કારણ કે એ ફક્ત આપણા વિશે નથી, એ બધા ચાહકો વિશે છે જેઓ આ શોને પસંદ કરે છે અને આવી વસ્તુઓ વાંચીને તેઓ નારાજ પણ થાય છે.
અગાઉ હું આ શો છોડી રહ્યો છું એવી અફવા આવી હતી એ પણ સંપૂર્ણપણે ખોટી હતી અને હવે એવું લાગે છે કે દર થોડાં-થોડાં અઠવાડિયે અસિતભાઈ અને આ શોને બદનામ કરવા માટે કોઈ નવી વાર્તા ઘડી કાઢવામાં આવે છે. આવી વાતો વારંવાર ઊડી રહી છે અને એ જોવું નિરાશાજનક છે. કેટલીક વાર મને આશ્ચર્ય થાય છે કે શું કેટલાક લોકો આ શોની સફળતાથી, ઈર્ષ્યાથી તો આવું નથી કરી રહ્યાને?
મને ખબર નથી કે આવી વાતો ફેલાવનારા કોણ છે, પણ હું આ તબક્કે એક વાત સ્પષ્ટ કહી દેવા માગું છું કે હું અહીં જ છું, આ શોનો ભાગ છું અને શો માટે સમાન પ્રેમ અને જુસ્સાથી દરરોજ કામ કરું છું અને હું બીજે ક્યાંય જવાનો નથી. હું આટલા લાંબા સમયથી આ અદ્ભુત પ્રવાસનો એક ભાગ રહ્યો છું અને હું એનો ભાગ બનીને જ રહીશ.
અમે બધા આ શોને બની શકે એટલો શ્રેષ્ઠ બનાવવાની અમારી પ્રતિબદ્ધતામાં એકસાથે ઊભા છીએ અને હું ઇચ્છું છું કે મીડિયા આવી વાતોને પ્રકાશિત કરતાં પહેલાં હકીકત જાણવાની થોડી તસ્દી લે. આપણે હકારાત્મકતા અને આનંદ પર ધ્યાન કેન્દ્રિત કરીએ જે આ શો ઘણાની જિંદગીમાં લાવે છે. હંમેશાં અમને ટેકો આપવા બદલ અમારા ચાહકોનો આભાર, જેઓ અમારા માટે વિશ્વ સમાન છે.