ઘરની શાંતિ જેને અતિ પ્રિય છે એવો જાણીતો ટીવી-ઍક્ટર હર્ષદ ચોપડા ૪૨ વર્ષની ઉંમરે સિંગલ છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં જન્મેલો કમ્પ્યુટર એન્જિનિયર હર્ષદ કઈ રીતે મુંબઈ પહોંચ્યો અને કઈ રીતે ટીવી- ઇન્ડસ્ટ્રીનું એક અત્યંત જાણીતું નામ બન્યો એ આજે જાણીએ
હર્ષદ ચોપડા
ઘરની શાંતિ જેને અતિ પ્રિય છે એવો જાણીતો ટીવી-ઍક્ટર હર્ષદ ચોપડા ૪૨ વર્ષની ઉંમરે સિંગલ છે. મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં જન્મેલો કમ્પ્યુટર એન્જિનિયર હર્ષદ કઈ રીતે મુંબઈ પહોંચ્યો અને કઈ રીતે ટીવી- ઇન્ડસ્ટ્રીનું એક અત્યંત જાણીતું નામ બન્યો એ આજે જાણીએ એટલું જ નહીં, દરેક હિરોઇન સાથે તેની કેમિસ્ટ્રી કઈ રીતે જામે છે એ ભેદ પણ આપણે તેની પાસેથી જાણીશું
મુંબઈ શહેરમાં હજારો લોકો ઍક્ટર બનવા આવે છે. દરેક વ્યક્તિને આ કામની ઝાકઝમાળ અને પૉપ્યુલારિટી આકર્ષે છે, પરંતુ આ કામમાં જરૂરી પરિશ્રમ અને મુશ્કેલી વિશે ભાગ્યે જ કોઈ સમજતું હોય છે. વાત છે ૨૦૦૬ આસપાસની. ‘ઝી સિનેસ્ટાર કી ખોજ’માં હાર્યા પછી અને ગ્રૅસિમ મિસ્ટર ઇન્ડિયા સ્પર્ધામાં પણ હારી ગયા પછી એ સમયે પુણેથી મુંબઈ આવેલા હર્ષદ ચોપડાને કોઈ અંદાજ નહોતો કે તે શું કરશે કે જીવન હવે કઈ દિશામાં લઈ જવું. એક ઑડિશન આવેલું એ આપ્યું અને તે સિલેક્ટ થઈ ગયો. ઝી ટીવી એ સમયે ‘મમતા’ નામે એક શો બનાવી રહ્યું હતું જેમાં એક સાઇડ રોલમાં હર્ષદને મોકો મળ્યો હતો. પહેલા જ ઑડિશનને ક્રૅક કરવાની ખુશી આસમાને હતી. એ સમયને યાદ કરતાં ૪૨ વર્ષનો હર્ષદ કહે છે, ‘મને લાગ્યું કે બસ, હવે તો હું હીરો બની ગયો, સેટ પર હું બબ્બર શેરની જેમ એન્ટ્રી મારીશ, એવી ગર્જના કરીશ કે લોકો જોતા રહી જાય. હું જમીનથી ચાર નહીં, આઠ ડગલાં ઉપર ચાલતો હતો. ચાલતો પણ નહોતો, ઊડતો હતો. જોકે જેવો કૅમેરા સામે આવ્યો અને મેં શૉટ આપ્યો તો બધા હસવા લાગ્યા મારા પર. આખા યુનિટ સામે મારી ખિલ્લી ઊડી. હું પાણી-પાણી થઈ ગયો. મને થયું કે આ ધરતી અહીં ફાટી જાય અને હું અંદર સમાઈ જાઉં. એ દિવસે મને સમજાયું કે આ કામ જેટલું ધારીએ છીએ એટલું સહેલું નથી. જે વિશ્વને આપણે બહારથી જોઈએ છીએ એ ખૂબ જુદું હોય છે અને અંદર જઈએ, કામ કરીએ ત્યારે સમજાય કે કેટલું અઘરું છે આ. આજે લગભગ ૨૦ વર્ષ થવામાં છે એ વાતને, પણ એ દિવસે કામે મને જે સમજાવેલું એ હજી સુધી હું ભૂલ્યો નથી. આજે પણ સેટ પર પ્રેપરેશન વગર હું કોઈ દિવસ જતો નથી. મને મારી તૈયારી કરવા જોઈએ જ. હું સમય લઈશ, પણ તૈયારી વગર સેટ પર ચાલી જાઉં એવું શક્ય જ નથી. મારા માટે આ અતિ સિરિયસ જૉબ છે. આજે પણ દરેક સીન માટે ખૂબ મહેનત કરવામાં વિશ્વાસ રાખું છું. આ કામ મજાક નથી, વર્ષોથી કરીએ છીએ એટલે થઈ જશે એવું જરાય નથી. ઊલટું એવું છે કે એને કારણે વધુ મહેનત કરવી પડે છે. પણ હું ખુશ છું કે આ પ્રોફેશનનો અત્યંત જરૂરી લેસન મને જીવને પહેલા દિવસે જ શીખવી દીધો.’
ADVERTISEMENT
મારવાડી પરિવારના હર્ષદની કામની શરૂઆત ‘મમતા’ સિરિયલથી થઈ, પરંતુ ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’થી એ લોકોના દિલ પર રાજ કરવા લાગ્યો હતો. એ સિરિયલમાં પ્રેમ જુનેજાના પાત્રને પ્રેક્ષકોએ અઢળક પ્રેમ આપ્યો. ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’માં કૅડેટ અલી બેગના પાત્રને યુવાનોએ ખૂબ પસંદ કર્યું હતું. ‘તેરે લિએ’માં પણ તેને લોકોએ ખૂબ પસંદ કર્યો. ‘કહાની હમારે મહાભારત કી’માં તેણે અર્જુનનું પાત્ર નિભાવ્યું હતું. આ સિવાય ‘દિલ સે દી દુઆ... સૌભાગ્યવતી ભવ’, ‘હમસફર્સ’, ‘બેપનાહ’, ‘અંબર ધારા’, ‘ધર્મપત્ની’ જેવી સિરિયલોમાં પણ તેણે કામ કર્યું હતું. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં અભિમન્યુ બિરલા ‘અભિ’ના પાત્રને પણ લોકોએ અઢળક પ્રેમ આપ્યો. છેલ્લે ‘બડે અચ્છે લગતે હૈં 4’ માં તેણે રિષભ કપૂરનું પાત્ર ભજવ્યું હતું.
બાળપણ ગોંદિયામાં
મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની બૉર્ડર પર આવેલા ગોંદિયા જિલ્લામાં હર્ષદનો જન્મ થયો. પિતા રેલવેના રોડ કૉન્ટ્રૅક્ટર તરીકે કાર્યરત હતા. મમ્મી હાઉસવાઇફ હતાં અને હર્ષદથી નાની એક બહેન હતી. હર્ષદ ભણવામાં હોશિયાર બાળક. ખાસ કરીને મૅથ્સ અને ફિઝિક્સ સાથે તેને પ્રેમ હતો. સમાજવિદ્યાનો વિષય તેને બોજ લાગતો. ઇતિહાસની તારીખો અટપટી લાગતી અને ભૂગોળમાં બધું ગોળ-ગોળ થઈ જતું વર્તાતું. પોતાના બાળપણ વિશે વાત કરતાં હર્ષદ કહે છે, ‘મને મારું બાળપણ ફરીથી જીવવું છે, કારણ કે મને લાગે છે કે મેં કશું કર્યું જ નથી. હું એ પ્રકારનો બાળક હતો જેની પાસે પોતાનો કોઈ વિચાર જ નહોતો. તેને બેસવાનું કહે તો તે બેસી જાય અને કશે પણ મોકલે તો જતો રહે. કામ સોંપે એટલું કરે પણ કોઈ ઇચ્છા કે કોઈ તોફાન કે મસ્તી જેવું કંઈ જ નહીં. મને કશી જ ખબર પડતી નહોતી. હું આજ્ઞાકારી હતો, કારણ કે મારી પાસે મારો કોઈ વિચાર જ નહોતો. મારા પેરન્ટ્સને ખરેખર મારી ચિંતા હતી કે આનું શું થશે? આ છોકરો કંઈ કરી શકશે કે નહીં? એકદમ નાનો હતો ત્યારે એક વિચાર આવેલો કે ઍક્ટર બનવું છે, પણ હું જે સેટ-અપમાં હતો એ જગ્યાએ એ વિચાર હાસ્યાસ્પદ હતો. એ વિચારને ત્યાં જ નકારી કાઢવામાં આવ્યો. નાનો છોકરો તરંગી બનીને પણ જે બોલે છે એ પણ તેમને સ્વીકાર્ય નહોતું, કારણ કે એ શક્ય જ નહોતું.’
મૉડલિંગની શરૂઆત
બારમા ધોરણમાં સારા ટકા આવ્યા એટલે હર્ષદને પુણેની કૉલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ઍડ્મિશન મળી ગયું. એ પણ તેણે વિચાર્યું નહોતું. એ દિવસો યાદ કરતાં હર્ષદ કહે છે, ‘મુંબઈ આવતાં પહેલાં એક પડાવની મને ખૂબ જરૂર હતી. ખૂબ સારું થયું કે હું પુણે ગયો. મને યાદ છે કે પુણે પહોંચીને હું એક દિવસ સાઇકલ ચલાવતો હતો અને મારી આજુબાજુ બધા લોકો ઊભા રહી ગયા અને હું એકલો આગળ નીકળી ગયો. આગળ પોલીસે મને ઊભો રાખ્યો. તો મને ખબર જ ન પડી કે મારો વાંક શું છે. એ દિવસે મને સિગ્નલનો કન્સેપ્ટ ખબર પડ્યો. અમારે ત્યાં એવું કશું હતું જ નહીં. હવે વિચારો, આ પરિસ્થિતિમાં ચાર વર્ષ પુણે રહીને એન્જિનિયરિંગ કર્યું તો થોડો તૈયાર થયો હોઉં એમ લાગ્યું. વળી જ્યારે પુણે હતો ત્યારે પરિવારમાં થોડી ક્રાઇસિસ આવી ગઈ હતી જેને કારણે મારે કમાવું પડે એમ જ હતું. હું એન્જિનિયરિંગ ક્યારે પૂરું કરું અને કમાવાનું ક્યારે શરૂ કરું. એટલે મેં એક જિમમાં રિસેપ્શનિસ્ટનું કામ પણ કર્યું. ધીમે-ધીમે ત્યાંથી મને
નાનું-મોટું મૉડલિંગનું કામ મળવા માંડ્યું. એક દિવસના ૩૦૦૦ રૂપિયા મળતા, જે એ સમયે ઘણા ગણાતા.’
કરીઅર
એન્જિનિયરિંગ પત્યું ત્યારે હર્ષદ રિયલિટી શો ‘ઝી સિનેસ્ટાર કી ખોજ’ માટે તે મુંબઈ આવ્યો, પણ હારી ગયો. એ પછી મિસ્ટર ઇન્ડિયામાં ભાગ લીધો અને એ પણ હારી ગયો. એ સમયને યાદ કરતાં હર્ષદ ચોપડા કહે છે, ‘મને એ સમયે કોઈ આઇડિયા નહોતો કે હું શું કરીશ, કઈ રીતે આગળ વધીશ. મેં અહીં રેન્ટ પર ઘર લઈ લીધું એમ વિચારીને કે હવે તો મુંબઈ જ રહીશું, અહીં જ કામ કરીશું; કારણ કે હું તો સ્પર્ધા જીતવા જ આવ્યો હતો અને મેં એવું વિચાર્યું જ નહીં કે જો નહીં જીતું તો શું? પણ ભોળાના ભગવાન હોય એમ મને એક ટીવી-શો મળી ગયો. ન મળ્યો હોત તો મારું શું થાત મને નથી ખબર. એ શોમાં મારી ઇમ્પ્રેશન એવી પડી કે આને ઍક્ટિંગ કંઈ ખાસ આવડતી નથી. મેં એ ઇમ્પ્રેશન બદલવા માટે ખૂબ મહેનત કરી, પણ પરિણામ આવ્યું નહીં. એ પછી મને ‘લેફ્ટ રાઇટ લેફ્ટ’ શો મળ્યો જેમાં લોકોને લાગ્યું કે આને કંઈક તો આવડે છે. યુવાનોમાં આ શો પૉપ્યુલર હતો. અને એ પછી આવ્યો શો ‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ જે રોલ અઘરો હતો મારા માટે પણ એ જ્યારે લૉન્ચ થયો ત્યારે મને લાગ્યું કે બસ, આ શો મને લઈ જશે ઉપર. અને થયું પણ એવું જ.’
પ્રસિદ્ધિ
એક સામાન્ય છોકરામાંથી જ્યારે વ્યક્તિ પૉપ્યુલર બને, તેને લોકો ઓળખવા લાગે, તેના જીવનમાં ‘ફૅન્સ’ નામનો શબ્દ આવે તો આ જે બદલાવ છે એને કઈ રીતે જીવ્યો તમે? આ પ્રશ્નનો જવાબ આપતાં હર્ષદ ચોપડા કહે છે, ‘ટીવી-ઍક્ટર્સના જીવનમાં એક મુશ્કેલી છે, તેમના કામના કલાકો. અમે ૧૨-૧૮ કલાક ફક્ત કામ કરતા હોઈએ છીએ. અમારા જીવનમાં શનિ-રવિ કે વાર-તહેવાર જેવું કશું હોતું નથી. દરરોજ સવારે ઊઠો અને કામ પર જાઓ. આવો અને સૂઈ જાઓ. ૨૦૦૮થી ૨૦૧૦ આ ત્રણ વર્ષ તો મને દિવસ-રાત પણ ખબર નથી એમ કહું તો અતિશયોક્તિ નથી. એ સમયે તમે પૉપ્યુલર થઈ રહ્યા છો, લોકો તમને પસંદ કરી રહ્યા છે એ ફક્ત જાણી શકાય; પણ અનુભવવા માટે તમારે બહાર જવું પડે જેના માટે સમય જ નથી. દરેક ઍક્ટરને એ ગમતું હોય છે કે તે પબ્લિક પ્લેસ પર જાય અને લોકો તેને ઓળખે, પણ મને એ સુખ ઘણું મોડું મળ્યું અને એનું કારણ ફક્ત મારી વ્યસ્તતા હતી. જોકે એક બીજું કારણ એ છે કે હું કામ વગર બહાર જવાનું ટાળું છું. હું ખૂબ સરળ વ્યક્તિ છું. મને ઘરમાં શાંતિ મળે છે. હું પહેલેથી જ એવો છું. ટીવી કે પૉપ્યુલર હોવાને કારણે હું એવો નથી બન્યો. હું ઘરની બહાર ત્યારે જ નીકળું છું જ્યારે કામ માટે જવાનું હોય. બાકી હું ભલો અને મારું ઘર ભલું.’
કેમિસ્ટ્રી
હર્ષદ ચોપડાનું ફીમેલ ફૅન-ફૉલોઇંગ જબરદસ્ત રહ્યું છે. એટલું જ નહીં, તેણે જેટલા શોઝ કર્યા એ બધામાં લીડ તરીકે તેની અને હિરોઇન વચ્ચેની કેમિસ્ટ્રી બધાને ખૂબ ગમી છે. જે પણ છોકરી સાથે તે કામ કરે એ જોડી હંમેશાં વખણાઈ છે. જેમ કે અદિતિ ગુપ્તા, જેનિફર વિન્ગેટ, પ્રણાલી રાઠોડ, શ્રુતિ ઝા, અનુપ્રિયા કપૂર, શિવાંગી જોશી બધાં જ સાથે હર્ષદની કેમિસ્ટ્રી વખાણવામાં આવી છે. એની પાછળનો રાઝ શું છે એ જણાવતાં હર્ષદ ચોપડા કહે છે, ‘‘કિસ દેશ મેં હૈ મેરા દિલ’ સિરિયલ બાલાજી ટેલિફિલ્મ્સની હતી. મને આ રોલને સમજવામાં, આત્મસાત્ કરવામાં અમુક અડચણો આવી રહી હતી. લેખક કંઈક કહી રહ્યા હતા, ડિરેક્ટર કંઈ બીજું અને ક્રીએટિવ કંઈક ત્રીજું. મને લાગતું હતું કે આમાંથી હું શું કરું? એ પછી મારી મીટિંગ મૅડમ (પ્રોડ્યુસર એકતા કપૂર) સાથે ફિક્સ કરવામાં આવી. હું તેમને મૅ’મ કહીને જ બોલાવું છું. નામ લેવાની હિંમત આજની તારીખે પણ નથી. તે જે પણ બોલે એ તમારા માટે એક પાઠ હોય, એક મોટું લર્નિંગ હોય છે. તેમણે મને કહ્યું હતું કે કેમિસ્ટ્રી એ બે માણસો વચ્ચેની કમ્ફર્ટ નથી, એ બે માણસો વચ્ચેની ડિસકમ્ફર્ટ છે. એ દેખાય ત્યારે સ્ક્રીન પર સારી કેમિસ્ટ્રી બને. મેં આ વાતને એક જીવનના પાઠની જેમ સમજી લીધું. જો મારી કેમિસ્ટ્રી લોકોને ગમતી હોય તો એનું કારણ આ પાઠ છે જે મને તેમણે શીખવ્યો.’
અંગત જીવન
હર્ષદ ચોપડા પોતાના પિતા અને બહેન સાથે રહે છે. તેણે લગ્ન કર્યાં નથી. લગ્ન કરવાં નથી કે કરવાં છે એ બન્નેમાંથી કોઈ વાત પર તે સ્થિર થયો નથી. થવાનાં હશે તો થઈ જશે અને એ માટે કશું કરવું નથી એમ માનીને તે ચાલી રહ્યો છે. પોતાના જીવનનું દુખ જણાવતાં હર્ષદ કહે છે, ‘હું પુણે ભણવા ગયો અને પછી મુંબઈ આવ્યો ત્યારે લગભગ ૬ વર્ષથી ઘરેથી દૂર હતો. એક વખત મારું કામ ચાલવા લાગ્યું ત્યારે મમ્મી-પપ્પા અને બહેન અહીં આવી ગયાં. એ સમયે મારું ખૂબ કામ ચાલતું હતું. એના થોડા સમય પછી મમ્મીને કૅન્સર થયું. એ સમયે હું મારા કામને જુદી રીતે જોઈ શક્યો. આ કામને કારણે મમ્મીનો જેટલો અને જેવો ઇલાજ કરાવવો જોઈતો હતો એ હું કરાવી શક્યો એટલો મને સંતોષ છે. પણ તેને અમે બચાવી ન શક્યા. તે જતી રહી. તેના દુઃખમાં હું તેની સાથે હતો, પણ મને તેની સાથે સુખની પળો ન મળી શકી. એને જુદી રીતે જોઉં તો લાગે કે એ પળોમાં હું વ્યસ્ત ન હોત, કામ ન કરતો હોત તો તેનો ઇલાજ કેવી રીતે કરાવત? મમ્મીના ગયા પછીનો સમય મારા માટે ઘણો અઘરો હતો, પણ હું માનું છું કે મા પોતાનાં બાળકોને છોડીને જતી નથી. એ હંમેશં મારી સાથે જ છે.’
જલદી ફાઇવ
બકેટ-લિસ્ટ - મને ખૂબ-ખૂબ કામ કરવું છે. સારું કામ કરવું છે. એના સિવાય બીજા કોઈ પ્લાન નથી.
પ્રસિદ્ધિનું મહત્ત્વ કેટલું? - મને મળેલી પ્રસિદ્ધિ એ ખરેખર ભગવાનની કૃપા જ છે. એમાં મેં કશું કર્યું નથી. મારો એમાં કોઈ રોલ જ નથી. હું ખરેખર આજે જે પણ છું, લોકોએ મને જે પ્રેમ આપ્યો છે એ ફક્ત ઈશ્વરીય કૃપા જ કહી શકાય.
અફસોસ - વ્યસ્તતાને કારણે પરિવારને સમય ઓછો આપી શકવાનો અફસોસ છે મને. ખાસ કરીને દુઃખમાં હું તેમની સાથે હતો, પણ સુખમાં પણ રહેવું હતું.
ડર - ‘નૉટ બીઇંગ રેડી’નો ડર છે મને. કોઈ પણ કામ માટે હું હંમેશાં ભરપૂર તૈયારી કરું છું. મને કોઈ દિવસ સેટ પર અધૂરી તૈયારી સાથે જવું ગમે નહીં. એને કારણે રાત-રાતભર હું સૂઈ ન શકું એવું બને. હું એ બાળક છું જે એક્ઝામ પહેલાં નર્વસ થાય, ઉજાગરા કરે અને એક્ઝામ આપે ત્યારે તેનું રિઝલ્ટ સારું જ હોય.
પ્રથમ પ્રેમ - શૉટપુટ થ્રો, હૅમર થ્રો, ડિસ્કસ થ્રો જેવી રમતો મારો પહેલો પ્રેમ હતો. હું નાનો હતો ત્યારે સવારે ૪ વાગ્યે ઊઠીને રમવા જતો.


