ગણપતમાં ઍક્શન મોડમાં જોવા મળશે ટાઇગર શ્રોફ
ગણપતમાં ઍક્શન મોડમાં જોવા મળશે ટાઇગર શ્રોફ
પૂજા એન્ટરટેઇનમેન્ટ અને ગુડ કંપનીના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી ઍક્શન ફિલ્મ ‘ગણપત - પાર્ટ ૧’માં ટાઇગર શ્રોફ જોવા મળશે. જૅકી ભગનાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મને વિકાસ બહલ ડિરેક્ટ કરશે. આ ફિલ્મને એકથી વધુ પાર્ટમાં બનાવવામાં આવશે. આ ફિલ્મમાં કોરોના વાઇરસ બાદના એરાને અલગ જ રીતે દેખાડવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ટાઇગર ડાયલૉગ બોલે છે કે ‘જબ અપન ડરતા હૈ ના તબ અરન બહોત મારતા હૈ.’ આ ફિલ્મ વિશે ટાઇગર શ્રોફે કહ્યું હતું કે ‘મેં અત્યાર સુધીને જે પણ ફિલ્મો કરી છે એના કરતાં આ મારા માટે એકદમ અલગ ફિલ્મ છે અને એનું કારણ આ પાત્ર છે. વિકાસ અને જૅકી સાથે ઘણી વાતચીત બાદ સ્ક્રિપ્ટ અને એનો સ્કેલ ખૂબ જ અદ્ભુત લાગી રહ્યો છે. આ ફિલ્મની હું રાહ જોઈ રહ્યો છું. હું પહેલી વાર જૅકી અને વિકાસ સાથે કામ કરી રહ્યો છું અને એ માટે હું ખૂબ જ ઉત્સાહિત પણ છું.’
જૅકી ભગનાણીની અક્ષયકુમાર સાથે ‘બેલ બૉટમ’ પણ આવી રહી છે. આ નવી ફિલ્મ વિશે જૅકીએ કહ્યું હતું કે ‘હું ટાઇગરને એક ગ્લોબલ સ્ટાર તરીકે જોઉં છું. તેનામાં ખૂબ જ ટૅલન્ટ છે અને તેની આ અનોખી ટૅલન્ટ જ તેને લોકો કરતાં અલગ બનાવે છે. તેની ઍક્શનમાં એક ઇન્ટરનૅશનલ ફ્લેવર હોય છે જેથી દરેક દેશના દર્શકોને એ પસંદ પડે છે. મને ખાતરી છે કે વિકાસ અને ટાઇગરનું કૉમ્બિનેશન એક અલગ જ પ્રકારની ઍક્શન લઈને આવશે.’
આ ફિલ્મનું શૂટિંગ 2021ના મધ્યમાં શરૂ કરવામાં આવશે. એટલે કે ટાઇગર તેની ‘હીરોપંતી 2’ અને ‘બાગી 4’નું શૂટિંગ પૂરું કરે ત્યાર બાદ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મને ડિરેક્ટ કરનાર વિકાસ બહલે કહ્યું હતું કે ‘ટાઇગર સાથે કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું. આ એક ફ્યુચરિસ્ટિક વર્લ્ડની સ્ક્રિપ્ટ છે અને એથી એના સ્કેલની ફિલ્મ બનાવવી ખૂબ જ ચૅલેન્જિંગ છે. જોકે ટાઇગર અને જૅકી જેવા પાર્ટનરને કારણે અમે આ ફિલ્મને એક નવી ઊંચાઈએ પહોંચાડી દઈશું.’

