ફાયરિંગની આ ઘટના મંગળવારે મધરાતની આસપાસ બની હતી. CCTV કૅમેરાના ફુટેજમાં દેખાય છે કે બાઇક પર આવેલા બે જણે ઑફિસની સામે જ બાઇક રોકી હતી
બાઇક પર આવેલા હુમલાખોરોએ કરેલા ફાયરિંગની ઘટના CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી.
બદલાપુર નગરપાલિકાની ચૂંટણી ૨૦ ડિસેમ્બરે યોજાવાની છે. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પવન વાળેકરે ઝુકાવ્યું છે. મંગળવારે મોડી રાતે મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ તેમની ઑફિસ પર ફાયરિંગ કર્યું હતું અને નાસી ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં ઑફિસનો સિક્યૉરિટી ગાર્ડ ઘાયલ થયો હોવાનું જણાઈ આવ્યું છે. વળી બુધવારે સાંજે જ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પ્રચારસભા હતી ત્યારે એની આગલી રાતે જ આવી ફાયરિંગની ઘટના બનતાં પોલીસ સાબદી થઈ ગઈ હતી અને સભા માટે ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ફાયરિંગની આ ઘટના મંગળવારે મધરાતની આસપાસ બની હતી. CCTV કૅમેરાના ફુટેજમાં દેખાય છે કે બાઇક પર આવેલા બે જણે ઑફિસની સામે જ બાઇક રોકી હતી. ડ્રાઇવર અને પાછળ બેસેલી વ્યક્તિએ હેલ્મેટ પહેરી હોવાથી બન્નેના ચહેરા CCTV કૅમેરાના ફુટેજમાં દેખાતા નથી. બાઇક રોકાતાં જ પાછળ બેસેલા હુમલાખોરે તેની પાસેની ગનથી ઑફિસની દિશામાં ૪ ગોળી ફાયર કરી હતી. ફાયરિંગનો અવાજ સાંભળીને સિક્યૉરિટી ગાર્ડ બહાર આવતાં તે પણ હુમલાખોરની ગોળીનો ભોગ બન્યો હતો. તરત જ હુમલાખોરો બાઇક પર નીકળી ગયા હતા. એ વખતે ઑફિસમાં હાજર રહેલા પદાધિકારીઓ તરત જ હુમલાખોરોની પાછળ દોડ્યા હતા અને તેમને પકડી લેવાની કોશિશ કરી હતી, પણ તે બન્ને બાઇક પર નાસી ગયા હતા.


