શૂટિંગમાંથી નાઇટ-બ્રેક લઈને તેમણે ક્વિક પાર્ટી સેલિબ્રેટ કરી હતી
સંજય લીલા ભણસાલીની બર્થ-ડે પાર્ટીમાં આલિયા-રણબીર-વિકીની જમાવટ
બૉલીવુડના ટોચના ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ૨૪ ફેબ્રુઆરીએ ૬૨મી વર્ષગાંઠ હતી. સંજય લીલા ભણસાલીએ આ દિવસનું સેલિબ્રેશન પોતાની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’નાં કલાકારો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે કર્યું હતું. આલિયાએ આ ઉજવણીની તસવીરો શૅર કરીને લખ્યું હતું કે તેઓ બધાં શૂટિંગમાંથી બ્રેક લઈને પાર્ટી સેલિબ્રેટ કરી રહ્યાં છે. સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’ આ વર્ષે ક્રિસમસના સમયે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. વિકી કૌશલ આ ફિલ્મમાં પહેલી વખત સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે, જ્યારે આલિયા ભટ્ટ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં અને રણબીર ‘સાંવરિયા’માં તેમની સાથે કામ કરી ચૂક્યાં છે.
આ ઉજવણીની તસવીરો શૅર કરતાં આલિયાએ લખ્યું, ‘સેલિબ્રેશન માટે નાઇટ-શૂટિંગમાંથી ક્વિક બ્રેક લીધો. હૅપી બર્થ-ડે જાદુગર સર... અને ગંગુબાઈને પણ ત્રણ વર્ષની શુભકામનાઓ. ‘છાવા’ની સફળતા માટે વિકી કૌશલને પણ શુભેચ્છા. ચાલો હવે પાર્ટી પૂરી કરીએ અને પાછાં શૂટિંગ પર લાગીએ.’ સંજય લીલા ભણસાલીના જન્મદિવસે તેમની સિરીઝ ‘હીરામંડી’ની અભિનેત્રીઓ સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા અને અદિતિ રાવ હૈદરીએ પણ સોશ્યલ મીડિયા પર તેમને શુભેચ્છા આપી હતી.

