મારી માનસિક બીમારી દરમ્યાન દીપિકા પાદુકોણે મને સપોર્ટ કર્યો હતો: યો યો
તસવીર સૌજન્ય: ફેસબુક
સિંગર યો યો હની સિંહે જણાવ્યું છે કે હું જ્યારે માનસિક બીમારીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે દીપિકા પાદુકોણે મને સપોર્ટ કર્યો હતો. હની ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયો હતો. તે દોઢ વર્ષ સુધી ઘરની બહાર નીકળ્યો નહોતો. એ વિશે હની સિંહે કહ્યું કે ‘એ ખૂબ કપરો સમય હતો. લોકોને મારી ઈર્ષા થતી હતી કે તેણે નાની ઉંમરમાં આટલી બધી સિદ્ધિ કેવી રીતે મેળવી લીધી. અન્ય મુદ્દાઓ પણ હતા. સાથે જ હું આલ્કોહૉલિક પણ બની ગયો હતો. હું ઊંધી નહોતો શકતો. અતિશય કામ કરતો હતો. ધીમે-ધીમે એ બીમારીએ ગંભીર સ્વરૂપ લઈ લીધું હતું. કંઈક ખોટુ થઈ રહ્યું છે એ સમજવામાં મને ચાર મહિના લાગી ગયા હતા. એ ખૂબ અઘરો સમય હતો અને મને નથી લાગતું કે એમાં કંઈ છુપાવવાની જરૂર છે. આ જ સંદેશ હું મારાં તમામ ભાઈઓ-બહેનોને આપવા માગું છું. લોકો મને પૂછતા હતા કે આટલાં વર્ષથી તું ક્યાં હતો? એથી મારા ફન્સૅને એ બાબત જણાવવી મને અગત્યની લાગે છે. હું અસ્વસ્થ હતો, હવે સ્વસ્થ છું.’
દીપિકા પાદુકોણે ડૉક્ટર સૂચવ્યો હતો એ વિશે હની સિંહે કહ્યું હતું કે ‘અમે ચારથી પાંચ ડૉક્ટર્સ અને દવા પણ બદલી હતી. હું એ પણ જાણતો હતો કે ટ્રીટમેન્ટ દરમ્યાન હું ડ્રિન્ક નહીં કરી શકું અને એ મારા માટે ખરાબ હોઈ શકે છે. દીપિકાએ તેની ફૅમિલીના નવી દિલ્હીના ડૉક્ટર પાસે જવાની સલાહ આપી હતી. મારી સ્થિતિ વિશે હું પૂરી દુનિયાને જણાવવા માગું છું, ના કે મારા સ્પોક્સપર્સનના માધ્યમથી. મારી લાઇફના એ ૧૮ મહિના ખૂબ અઘરા હતા. હું કોઈની પણ સાથે વાત કરવાની સ્થિતિમાં નહોતો. એવી અફવા હતી કે હું કોઈ રિહેબ સેન્ટરમાં છું. જોકે હું નોએડાના મારા ઘરમાં જ હતો. વાસ્તવિકતા એ હતી કે હું માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હતો. મારી સાથે વિચિત્ર ઘટનાઓ ઘટતી હતી. દવાની પણ કોઈ અસર નહોતી થતી.’


