૨૦૨૫ના નવા વર્ષે ટેક્નૉલૉજીના મિની મિનિસ્ટર્સ એવા આ આલ્ફા જનરેશનની સ્પીડી લાઇફથી તમારું મગજ ચકરાવે ચડી જાય તો જાતને કહેજો
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫ના નવા વર્ષની સવારે જો તમે કોઈ ચાર-પાંચ વર્ષના બાળકને અત્યંત સરળતાથી મોબાઇલની સ્ક્રીનને સ્વાઇપ કરતાં જુઓ તો સમજી જજો કે તમે આલ્ફા જનરેશનને જોઈ રહ્યા છો.
છેલ્લા દાયકામાં જન્મેલી પેઢીને આલ્ફા જનરેશન નામ આપ્યું છે. Gen Z પછીની આ પેઢી એ Gen Alpha. ગ્રીક મૂળાક્ષરોનો પ્રથમ અક્ષર છે Alpha. એના પરથી આ નામ આપવામાં આવ્યું છે, કારણ કે ટોટલ ડિજિટલ જમાનામાં જન્મનારી આ પ્રથમ પેઢી છે. કટિંગ-એજ ટેક્નૉલૉજીની આ પેઢી ૨૦૨૫માં બે બિલ્યનની સંખ્યાને આંબી જશે અને એની સૌથી મોટી વસ્તી ભારતમાં હશે. સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા, ઑનલાઇન શૉપિંગ અને ઑનલાઇન ફૂડ ડિલિવરી વગરની દુનિયા આ પેઢીએ જોઈ જ નથી. તેમને માટે લૅન્ડલાઇન અને ટચસ્ક્રીન વગરના ફોન મ્યુઝિયમની આઇટમ્સ છે. વાઇફાઇ અને AI વગરની તેમની દુનિયા એટલે જાણે આપણી લાઇટ વગરની, ફાનસ અને મીણબત્તીની દુનિયા. પોતાનાં કપડાં તથા હેરસ્ટાઇલ કોઈ ઍપમાં પોતાની અદ્દલ ઇમેજને જોઈને પોતે જ નક્કી કરશે. ન્યુ યૉર્ક, લંડન અને સિડનીમાં રહેતાં સગાંસંબંધીઓ સાથે ઝૂમ મીટિંગમાં કેમ જોડાવું એ તમને શીખવતાં-શીખવતાં પોતે સ્કૂલ-કૉલેજના ફ્રેન્ડ્સ સાથે ગૂગલ-મીટમાં પિકનિક પ્લાનિંગની વાતો પણ કરશે, સાથે જ Chat GPT પાસેથી પોતાના પ્રોજેક્ટ માટેની સ્ક્રિપ્ટ પણ તૈયાર કરાવશે. મલ્ટી-ટાસ્કિંગ તેમની રૂટીન લાઇફ હોય છે.
તમે ગંભીર થઈને ક્યારેક ભારતીય સંસ્કાર અને ફૅમિલી વૅલ્યુઝની વાત કરશો તો બીજા દિવસે સવારે એટલી જ સરળતાથી પ્રાર્થના ગાઈ તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પાછા સાંજે દોસ્તો સાથે પાર્ટીમાં જશે અને તમે કંઈ કહેવા જશો તો તરત હસીને કહેશે, પાપા ડોન્ટ પ્રીચ મી. યુટ્યુબ અને નેટફ્લિક્સમાં રમમાણ આલ્ફા જનરેશન રામાયણ પર પણ પ્રશ્ન પૂછી તમને કન્ફ્યુઝ કરી દેશે. ઇન્સ્ટાગ્રામ પર કબીરના દોહાની ફ્યુઝન ટ્યુનમાં રીલ બનાવી હજારો લાઇક્સ પણ મેળવશે. રોજ જિમમાં જઈને ઘરે આવતાં તમને કહેશે પણ ખરા, ‘મૉમ -ડેડ, યુ ડોન્ટ ટેક કૅર ઑફ યૉર સેલ્ફ.’ આમ પ્રેમથી ટોકે ત્યારે તમને પણ સામે પ્રેમ ઊપજે. રસ્તા પર કાગળનો ટુકડો નાખવા ન દે ત્યારે કે છીંક આવે ને તરત ટિશ્યુ ધરી દે ત્યારે કે ઘરના કોઈ પ્રસંગનું ગ્લોબલ સ્ટાઇલમાં પણ ઇન્ડિયન ટચથી પર્ફેક્ટ પ્લાનિંગ કરી તમને હળવાફૂલ કરી દે ત્યારે તેમના પ્રત્યે જરૂર પ્રેમ ઊપજે છે.
ADVERTISEMENT
૨૦૨૫ના નવા વર્ષે ટેક્નૉલૉજીના મિની મિનિસ્ટર્સ એવા આ આલ્ફા જનરેશનની સ્પીડી લાઇફથી તમારું મગજ ચકરાવે ચડી જાય તો જાતને કહેજો, ‘ચિલ કર યાર.’
- યોગેશ શાહ