આવી જ કોઈ ગણતરી સાથે અમને અમારા શોનું ટાઇટલ આફ્રિકાની અમારી ટૂર દરમ્યાન મળ્યું અને અમે એ નવા કૉમેડી શોનું નામ રાખ્યું ‘ખિચડી’ અને લોકોએ પણ એને વધાવી લીધું
ખિચડી કાસ્ટ
આવી જ કોઈ ગણતરી સાથે અમને અમારા શોનું ટાઇટલ આફ્રિકાની અમારી ટૂર દરમ્યાન મળ્યું અને અમે એ નવા કૉમેડી શોનું નામ રાખ્યું ‘ખિચડી’ અને લોકોએ પણ એને વધાવી લીધું
આપણે વાત કરીએ છીએ ‘ખિચડી’ની. ગયા ગુરુવારે તમને મેં કહ્યું એમ ‘ખિચડી’ ક્યાંક ને ક્યાંક પેલી બધી ચાલતી ટિપિકલ ડેઇલી સોપના રિવેન્જમાંથી જન્મી. એ દિવસોમાં ટિપિકલ ડેઇલી સોપ બહુ ચાલતી. આજે પણ ચાલે છે, પણ એ સમયે તો રીતસરનો રાફડો ફાટ્યો હતો. ઘરમાં કરોડો અને અબજોની જ વાતો ચાલતી હોય. ઝવેરીના શોરૂમમાં પેલા પૂતળા પર હોય એનાથી વધારે દાગીના પહેરીને ઘરની મહિલાઓ ઘરમાં આંટાફેરા કરતી હોય. રાતે કોઈ કપડાં ચેન્જ કરે નહીં ને દાગીના પણ ઉતારે નહીં. અમારી સાથે ને નાટકો કરતા એ બધા ટીવીના અલગ-અલગ કામમાં લાગી ગયા હતા. એ લોકો પણ એ જ કહે કે આવી જાવ તો ચૅનલોવાળા પણ કહે કે આવું કંઈક લઈ આવો, પણ અમને થતું કે આવું આપણાથી નહીં થાય. એ સમયે જે ડેઇલી સોપ ચાલતી હતી એનાથી કૉન્ટૅન્ટમાં ક્યાંય ચડિયાતી કહેવાય એવી ‘એક મહલ હો સપનોં કા’ તો આતિશ કાપડિયા વર્ષો પહેલાં કરી ચૂક્યો હતો એટલે અમને થતું હતું કે કંઈ નવું કરીએ અને એ નવું કરવાની જે ભાવના હતી એમાંથી ‘ખિચડી’નું સર્જન થયું.
કૅરૅક્ટર્સ બનાવ્યાં, વનલાઇન તૈયાર કરી અને એ પછી એપિસોડ તૈયાર કરીને ચૅનલને દેખાડ્યો. એપિસોડ જોઈને ચૅનલના બધેબધા ફ્લૅટ. હસી-હસીને બેવડ વળી ગયા. બધાને બહુ મજા આવી, પણ પ્રૉબ્લેમ એ આવ્યો કે આપણે આને ડેઇલી સોપ તરીકે નહીં લઈ જઈ શકીએ. કારણ પૂછ્યું તો ખબર પડી કે આવતા એક-દોઢ વર્ષના બધા ટાઇમ-સ્લૉટ પૅક છે એટલે કાં તો તમારે એટલી રાહ જોવી પડે અને ધારો કે એટલી રાહ જોઈએ ત્યાં કોઈ નવી વાતની કે સબ્જેક્ટની ડિમાન્ડ નીકળી જાય તો ફરી પ્રોજેક્ટ કાગળ પર રહી જાય.
ADVERTISEMENT
‘આપણે વીકલી શો કરીએ...’
અમે તૈયારી દેખાડી અને એ જ દરમ્યાન અમારા નાટકની ટૂર આફ્રિકા જવાની હતી. આફ્રિકા ટૂર પર અમે રવાના થયા ત્યારે એટલું નક્કી થયું હતું કે આપણે આ પ્રોજેક્ટ કરીએ છીએ, પણ એનું કોઈ નામ નહોતું અને અમારે આ પ્રોજેક્ટ માટે એક નામ આપવાનું હતું. અમે તો નીકળી ગયા આફ્રિકાની ટૂર પર. મને એ દિવસ આજે પણ યાદ છે. એ દિવસે અમે બસમાં હતા અને નાટકના શો માટે જતા હતા ત્યારે રસ્તામાં આ નામ સૂઝ્યું, ‘ખિચડી’ અને અમને એ નામ બહુ ગમી ગયું. નામમાં સત્ત્વશીલતા પણ હતી. તમે જુઓ, ખીચડી કોઈને નુકસાન ન કરે. એ બીમાર માણસ પણ ખાઈ શકે અને તંદુરસ્ત માણસની હેલ્થ માટે પણ બહુ સારી. નાના માણસનો રોજિંદો ખોરાક તો એની સામે મોટા માણસને પણ અમુક દિવસે તો એ ખાવા જોઈએ જ. તમે જ જુઓ, દરરોજ તમે મૅરેજમાં જમ્યા હો અને એવા ચાર-પાંચ દિવસ પસાર થયા હોય તો તમે જ સામે ચાલીને ઘરમાં કહી દો કે આજે ખીચડી બનાવજે. ખીચડી બનવામાં બહુ વાર પણ ન લાગે અને બહુ સામગ્રી પણ ન જોઈએ અને તમે જ્યારે પણ ખાઓ, એ તમને આનંદ આપે. ખીચડી સાથે કંઈ પણ તમે ખાઈ શકો. ભાજીનું શાક પણ ખાઈ શકાય અને બટાટાનું શાક પણ ચાલે. કઢી હોય તો પણ મજા આવે અને છાશ સાથે પણ ખાઈ શકાય. દૂધ સાથે પણ એ અવ્વલ લાગે તો દહીં સાથે પણ એ બહુ સરસ લાગે. સૌથી અગત્યની વાત, એ તમને દેશભરમાં બધી જગ્યાએ મળે.
‘ખિચડી’.
અમારા આ નવા શોમાં પણ આ બધા ગુણ હતા એટલે પછી અમે એનું નામકરણ પણ એ જ કરી નાખ્યું, ‘ખિચડી’. ‘ખિચડી’ની એક વાત કહું. શરૂઆતમાં એ તરત જ બધા વચ્ચે પકડાઈ નહોતી. બધાને એવું લાગતું કે આ શું ચાલે છે? વહુ કંઈ આવી થોડી હોય કે તે બાબુજીને ચા ન આપે? આવી વહુ કેવી જે આખો દિવસ ઘરમાં બેસી જ રહે છે અને આવો કેવો દીકરો જેને કોઈ કામધંધો જ નથી અને પોતાની
પત્નીની આજુબાજુમાં ફર્યા કરે છે, પણ ‘ખિચડી’ને સરસ રીતે વધાવી લેવાનું કામ સૌથી પહેલાં બાળકોએ કર્યું.
‘ખિચડી’ આવે એટલે તેઓ જોવા બેસી જાય અને પછી હસતાં હોય. માબાપને થતું કે આ શું ચાલે છે કે મારો દીકરો, મારી દીકરી આટલું હસે છે? એટલે પછી તેઓ પણ તેની સાથે બેસવાનું શરૂ કરે તો તેમને પણ પછી વાત સમજાવા લાગી, મજા આવવા લાગી અને એ પછી તો આખું ઘર સાથે બેસીને જોવા માંડ્યું અને પછી તો એ જે કૅરૅક્ટર્સ હતાં એ કૅરૅક્ટર્સ લોકોમાં પ્રિય થઈ ગયાં.
‘ખિચડી’ની પહેલી સીઝન આવી એ સમયે સોશ્યલ મીડિયા નહોતું. મોબાઇલ પણ નવા-નવા આવ્યા હતા, પણ બીજી સીઝન પછી ‘ખિચડી’નાં જે મીમ્સ બનવાનાં શરૂ થયાં એણે ‘ખિચડી’ને વધારે ને વધારે પૉપ્યુલર કરી. પહેલી સીઝન વખતે પણ મને યાદ છે કે ‘ખિચડી’ના ડાયલૉગ્સના એસએમએસ બનતા અને બધા એકબીજાને એ ફૉર્વર્ડ કરતા. ખાસ કરીને પ્રફુલ અને હંસાના જે ડાયલૉગ હતા એ તો બહુ એટલે બહુ પૉપ્યુલર થયા હતા અને પછી તો લોકો પણ બહુ ક્રીએટિવ બની ગયા. તેઓ પણ જાતે જ એવા ડાયલૉગ બનાવીને હંસાના મોઢે બોલાવે કે પ્રફુલ, આ એટલે... અને પછી પ્રફુલની સ્ટાઇલથી જ જવાબ આપે. બહુ મજા આવે જ્યારે તમારું કોઈ સર્જન, તમારું કોઈ સપનું છે એ લોકો પ્રેમથી, હર્ષપૂર્વક સ્વીકારે. હું કહીશ કે જો એ સમયે સોશ્યલ મીડિયા હોત કે પછી ‘ખિચડી’ થોડી મોડી આવી હોત તો એણે રીતસરનો તહેલકો મચાવી દીધો હોત અને એવું જ થયું.
કોરોના સમયે લોકડાઉનમાં ‘ખિચડી’ જે રીતે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ એ જોયા પછી અમને વધારે એવું લાગ્યું કે આ પાત્રો જો આટલાં વર્ષે પણ લોકો ભૂલ્યા ન હોય તો આપણે એના પર સિરિયસલી અને ઝડપથી કામ કરવું જોઈએ અને એ પછી કામ શરૂ થયું ‘ખિચડી-૨’નું વધારે ગતિ સાથે.
‘ખિચડી-૨’ આજે પણ અમુક સેન્ટરમાં બહુ સરસ રીતે ચાલે છે અને એ જ અમારા માટે ગર્વની વાત છે. પ્રમોશન દરમ્યાન તો અમે લોકોએ ‘ખિચડી’ અને એનાં કૅરૅક્ટર્સને મળતો પ્રેમ જોયો જ; પણ ફિલ્મ ચાલતી હોય એ દરમ્યાન પણ અમે લોકોને મળવા માટે થિયેટરમાં ગયા હતા, જ્યાં બધાને ફિલ્મ માણતા અને તેમને હસતા જોઈને બહુ મજા આવી. થયું કે ભગવાને આપણને આ જ કામ માટે મોકલ્યા છે. લોકોને ખુશ કરવા, તેમને મનોરંજન આપવા અને આજની ભાગદોડવાળી લાઇફમાં સ્ટ્રેસ ઓછું કરવા. મારે તમને એક વાત કહેવી છે. આજ સુધી મેં તમને ક્યારેય મારા હિતની વાત નથી કરી. મેં હંમેશાં તમને મારા ફૅમિલી મેમ્બર ગણ્યા છે એટલે કાયમ માટે હું તમારી સાથે વાત શરૂ કરતાં પહેલાં સજાગ રહેતો હોઉં છું કે ભૂલથી પણ મારા સ્વાર્થની વાત ન આવી જાય.
જો તમે હજી પણ ‘ખિચડી-૨’ ન જોઈ હોય તો એક વાર જઈને જોઈ આવજો અને જો તમને ખુશી ન મળે, મજા ન આવે, તમને હસવું ન આવે તો મને કહેજો. હું તમને ગૅરન્ટી સાથે કહું છું. આ કામ અમે તમારા માટે કર્યું છે અને એટલે જ આટલો લાંબો સમય નીકળી ગયો તો પણ વચ્ચે ક્યારેય ‘ખિચડી’ના નામને એનકૅશ કરવાનો એક પણ રસ્તો વિચાર્યો નહોતો. અમને ઘણા લોકો એવી સલાહ પણ આપતા હતા કે હવે તો ટાઇટલ વેચાય છે, લોકો જોવા આવશે જ. પણ ના, અમને એવી રીતે તમને થિયેટર સુધી બોલાવવા નહોતા; કારણ કે અમને પૈસા કમાવા ગમે, પણ કોઈને છેતરીને કે પછી કોઈની લાગણીનો ગેરલાભ લઈને નહીં. ખરેખર, એક વાર જઈને જોજો, બહુ મજા આવશે.

