તેમણે કેરલા સરકારની સ્ટાર્ટઅપ નીતિની પ્રશંસા કરી હતી ત્યારે રાજ્ય કૉન્ગ્રેસે એને નકારી કાઢી હતી.
શશી થરૂર
કેરલા કૉન્ગ્રેસનો એક વર્ગ શશી થરૂરની તાજેતરની હરકતોથી ખૂબ જ નારાજ હોવાનું કહેવાય છે. તેમણે કેરલા સરકારની સ્ટાર્ટઅપ નીતિની પ્રશંસા કરી હતી ત્યારે રાજ્ય કૉન્ગ્રેસે એને નકારી કાઢી હતી. ત્યાર બાદ તેમણે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી
કૉન્ગ્રેસના ડૂબતા જહાજમાંથી કૂદકા મારીને નાસી રહેલા નેતાઓમાં હવે તિરુવનંતપુરમના સંસદસભ્ય શશી થરૂરનો વારો છે? શશી થરૂર સામાન્ય રીતે તેમની ભાષા કે અઘરા શબ્દો કે કોઈ પુસ્તકને લઈને ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે તેઓ તેમની ટ્વિટર પોસ્ટ અને બયાનોનાં અર્થઘટનો તેમ જ શંકા-કુશંકાઓનો વિષય બન્યા છે. ત્યાં સુધી કે તેમણે પ્રતિક્રિયા આપીને રહસ્યમય રીતે પૂછ્યું પણ છે કે મારી કઈ વાતનો રાજકીય વિવાદ છે?
ADVERTISEMENT
તાજેતરમાં શશી થરૂરે એક ટ્વીટ પોસ્ટ કરી હતી એના પરથી દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે તેઓ કૉન્ગ્રેસમાં તેમની ભૂમિકાને લઈને ખુશ નથી અને કૂદકો મારવાની તૈયારી કરી રહ્યા છે. વાંકદેખ્યાઓ તો શશી થરૂર અને BJP વચ્ચેની ‘મીઠાશ’ પણ શોધી રહ્યા છે.
તેમણે તાજેતરમાં એક લેખમાં કેરલામાં મુખ્ય પ્રધાન પિનરઈ વિજયનની લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ સરકારની આર્થિક નીતિઓનાં વખાણ કર્યાં હતાં. એ પછી તેમણે વડા પ્રધાન મોદીની અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતની પ્રશંસા કરી હતી. બાકી હોય એમ તેમણે કેન્દ્રના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ અને બ્રિટનના વેપારપ્રધાન જોનાથન રેનોલ્ડસ સાથે સેલ્ફી ખેંચાવીને એને પોસ્ટ કર્યો હતો. એમાં પાછું એક અંગ્રેજી ક્વોટેશન પોસ્ટ કર્યું હતું જેણે તર્કવિતર્કોની હવા આપી હતી : જ્યાં અજ્ઞાન જ સુખ હોય ત્યાં બુદ્ધિશાળી હોવું મૂર્ખામી છે.
વાસ્તવમાં ૨૩ ફેબ્રુઆરીએ જ શશી શરૂરે કહ્યું હતું કે હું કૉન્ગ્રેસમાં છું, પરંતુ જો પાર્ટીને મારી જરૂર નથી તો મારી પાસે પણ એક વિકલ્પ છે. જોકે તેમણે પક્ષ બદલવાની અફવાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ભલે મતભેદ હોય, પણ તેઓ એવું માનતા નથી.
શશી થરૂરે આ મુદ્દા પર ‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ના મલયાલમ પૉડકાસ્ટ પર લાંબી વાત કરી હતી. એમાં તેમણે તેમની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘હું હંમેશાં ક્લાસિક ઉદારવાદી રહ્યો છું. હું સાંપ્રદાયિકતાનો વિરોધ કરું છું અને આર્થિક વિકાસની સાથે સામાજિક ન્યાયમાં વિશ્વાસ રાખું છું.’
શું તેઓ BJP સાથે જોડાશે? આ સવાલનો જવાબ શશી થરૂરે પોતે જ આપ્યો હતો, ‘ના, દરેક પક્ષની પોતાની માન્યતાઓ અને ઇતિહાસ હોય છે. જો તમે બીજા પક્ષની માન્યતાઓ અપનાવી ન શકો તો એની સાથે જોડાવું યોગ્ય નથી. મને એ ઉચિત લાગતું નથી.’
પાછળથી શશી થરૂરે પત્રકારોને કહ્યું હતું કે ‘તમે બધાએ પૉડકાસ્ટ સાંભળ્યું છે. એમાં શું વિવાદ હતો? હું હજી પણ વિવાદને સમજી શકતો નથી... હવે તમે આખું પૉડકાસ્ટ સાંભળ્યું છે તો તમારો પ્રશ્ન શું છે? મને જવાબ આપવામાં આનંદ આવશે. એ એક પૉડકાસ્ટ છે. જીવન અને સુખની પ્રાપ્તિ વિશે ૪૫ મિનિટની વાતચીત હતી. એમાં કોઈ રાજકીય વિવાદની વાત નથી.’
શશી થરૂરે વિવાદને ઠંડો પાડવા માટે એ પણ પુષ્ટિ કરી હતી કે તેઓ શુક્રવારે પાર્ટીની બેઠકમાં ભાગ લેશે, જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હશે. શુક્રવારે પાર્ટીની બેઠક બોલાવવામાં આવી છે, હું ત્યાં બધા સાથે રહીશ એમ શશી થરૂરે કહ્યું હતું.
કેરલા કૉન્ગ્રેસનો એક વર્ગ શશી થરૂરની તાજેતરની હરકતોથી ખૂબ જ નારાજ હોવાનું કહેવાય છે. તેમણે કેરલા સરકારની સ્ટાર્ટઅપ નીતિની પ્રશંસા કરી હતી, જ્યારે રાજ્ય કૉન્ગ્રેસે એને નકારી કાઢી હતી. ત્યાર બાદ તેમણે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં તેમની બેઠકો પછી શશી થરૂરે વિવાદ ન ઉઠાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી સાથે મારી સારી વાતચીત થઈ હતી. અખબારમાં પ્રકાશિત થયેલા લેખને લઈને જે વિવાદ ઊભો થઈ રહ્યો છે એ બિનજરૂરી છે.’
શશી થરૂર તેમના સ્પષ્ટ અભિપ્રાયો માટે જાણીતા છે. ૨૦૨૨માં કૉન્ગ્રેસ અધ્યક્ષની ચૂંટણી યોજાઈ ત્યારે તેમણે ગાંધી પરિવારના ફેવરિટ મલ્લિકાર્જુન ખડગે સામે ઉમેદવારી કરી હતી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી દરમ્યાન તેમણે કહ્યું હતું કે આ તેમની છેલ્લી સંસદીય ચૂંટણી હશે.
‘ધી ઇન્ડિયન એક્સપ્રેસ’ સાથે વાત કરતાં શશી થરૂરે કહ્યું હતું કે મારી પોતાની પાર્ટીમાં કેટલાક લોકો મારો વિરોધ કરે છે, પરંતુ હું ભારત અને કેરલાના ભવિષ્ય માટે બોલું છું. જોકે શશી થરૂર કહે છે કે તેઓ કૉન્ગ્રેસ પ્રત્યે વફાદાર છે અને જરૂર પડે તો પક્ષમાં મોટી ભૂમિકા ઇચ્છે છે.
તામિલનાડુમાં ફરીથી ભાષાનો વિવાદ
આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં તામિલનાડુમાં ફરી એક વાર ભાષાનો વિવાદ સળગ્યો છે. ૨૦૨૦માં જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણનીતિ અનુસાર ત્રણ ભાષા ભણાવવાનો તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિનની સરકારે ઇનકાર કરી દીધો છે અને કેન્દ્ર પર ત્રણ ભાષાની નીતિ લાગુ ન કરવા બદલ તેમને બ્લૅકમેઇલ કરવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. સ્ટૅલિને કેન્દ્રની BJP સરકાર પર હિન્દી ભાષા લાદવાનો અને ભંડોળ રિલીઝ ન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
સત્તાધારી AIADMKએ ત્રિભાષાની ફૉર્મ્યુલાને નકારી કાઢી છે અને દ્વિભાષાની નીતિ અપનાવવાની વાત કરી છે. દક્ષિણી રાજ્યમાં ભાષાનો વિવાદ નવો નથી. ત્રિભાષાને લઈને કેન્દ્ર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
આ વિવાદ કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદનથી ભડક્યો છે. તેમણે થોડા દિવસ પહેલાં વારાણસીમાં કહ્યું હતું કે ‘તામિલનાડુએ ભારતીય બંધારણ અનુસાર ચાલવું પડશે અને ત્રિભાષા નીતિ કાયદાનો એક ભાગ છે. જ્યાં સુધી તામિલનાડુ ત્રિભાષી નીતિ સ્વીકારશે નહીં ત્યાં સુધી રાજ્યને કેન્દ્ર પાસેથી શિક્ષણ સંબંધિત ભંડોળ નહીં મળે.’
આ પછી તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને કહ્યું કે ‘તામિલ લોકો બ્લૅકમેઇલિંગ અથવા ધમકીઓને સહન કરશે નહીં. જો રાજ્યને શિક્ષણ માટે ભંડોળથી વંચિત રાખવામાં આવશે તો કેન્દ્રને તામિલો તરફથી ભારે વિરોધનો સામનો કરવો પડશે.’
ત્રિભાષા નીતિ ૧૯૬૮થી ચાલી આવે છે અને એનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ત્રણ ભાષાઓમાં શિક્ષિત કરવાનો છે : રાજ્યની પ્રાદેશિક ભાષા અથવા માતૃભાષા, હિન્દી અને અંગ્રેજી. બિનહિન્દી રાજ્યો માટે હિન્દી, હિન્દી રાજ્યો માટે કોઈ પણ દક્ષિણ ભારતીય ભાષા. આ ફૉર્મ્યુલા ૧૯૮૬ અને ૨૦૨૦ની રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં પણ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ દરેક રાજ્યએ એને અલગ રીતે લાગુ કરી હતી.
દક્ષિણ ભારતમાં, ખાસ કરીને તામિલનાડુમાં ત્રિભાષાની ફૉર્મ્યુલાને લઈને વિરોધ છે. આની પાછળનું મુખ્ય કારણ હિન્દી લાદવાનો ડર છે. તામિલનાડુએ હંમેશાં હિન્દીને ફરજિયાત બનાવવાનો વિરોધ કર્યો છે. તેઓ માને છે કે આ નીતિ હિન્દીના વર્ચસ્વને પ્રોત્સાહન આપશે અને તેમની માતૃભાષા (તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ)ને નુકસાન પહોંચાડશે. ૧૯૩૭ અને ૧૯૬૫માં તામિલનાડુમાં હિન્દીવિરોધી આંદોલનો થયાં હતાં. ત્યાર બાદ ત્યાંની સ્કૂલોમાં હિન્દીને ફરજિયાત બનાવવામાં આવી નહોતી.
એટલે આ વિવાદ જોખમી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સકારાત્મક વલણ જાળવી રાખવું જોઈએ. શિક્ષણનું ભંડોળ રોકી દેવાથી મામલો વધુ બગડશે. કેન્દ્ર સરકારે ‘એક દેશ, એક ભાષા’ની મમત છોડીને શિક્ષણના મામલે રાજ્યોની સ્વાયત્તતાનું સન્માન કરવું જોઈએ.
મમતાને પણ મહારાષ્ટ્રવાળી થવાનો ડર
હવે મમતા બૅનરજીને પણ ડર લાગે છે કે બંગાળમાં પણ મહારાષ્ટ્રવાળી થશે. ૨૦૨૬માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની યાદીમાં BJP ઘાલમેલ કરવા મથે છે એવો તેમણે આરોપ મૂક્યો છે. કલકત્તામાં પાર્ટી સંગઠનની બેઠકમાં મુખ્ય પ્રધાને કાર્યકરોને કહ્યું હતું કે ‘BJPએ મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણાની જેમ બંગાળ પર કબજો કરવા માટે મતદારયાદીમાં બહારના લોકોનાં નામો ઉમેરવાનું કાવતરું ઘડ્યું છે. મારી પાસે પુરાવા છે કે તેમણે હરિયાણા, ગુજરાત અને અન્ય સ્થળોએ રહેતા લોકોનાં નામ બંગાળના મતદારો તરીકે નોંધાવ્યાં છે.’
તેમણે પક્ષના કાર્યકરોને સક્રિય થવા અને મતદારયાદીમાં ગેરરીતિ પકડવા હાકલ કરીને કહ્યું હતું કે યાદીને સુધારવા માટે જરૂરી પગલાં ન લેવામાં આવ્યાં તો તેમની પાર્ટી ભારતના ચૂંટણીપંચ સામે ધરણાં પર બેસશે. અલબત્ત, BJPએ આ આરોપ ફગાવી દીધો છે અને કહ્યું છે કે મમતાની પાર્ટી ખુદ બનાવટી મતદારો ઊભા કરી રહી છે.
BJP પર વિપક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે ED, CBI અને આવકવેરા વિભાગ જેવી એજન્સીઓનો ઉપયોગ કરવાનો આરોપ મૂકતાં મમતાએ કહ્યું હતું કે ચૂંટણી પહેલાં તેઓ નક્કી કરે છે કે કોને જેલમાં મોકલવો, કોના પર આરોપ મૂકવો અને કોને ભ્રષ્ટ જાહેર કરવો.
કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગની તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે CBI દ્વારા પ્રાથમિક ભરતી કૌભાંડમાં ચાર્જશીટમાં તેમના ભત્રીજા અને તૃણમૂલ નેતાનું નામ લેવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર, હરિયાણા અને નવી દિલ્હી પછી પશ્ચિમ બંગાળ ત્રીજું રાજ્ય છે જ્યાં મતદારોની યાદીમાં ઘાલમેલનો આરોપ થયો છે. ચૂંટણીપંચે એની નિષ્પક્ષતા માટે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ. કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં મતદારયાદીમાં ઘાલમેલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો ત્યારે પંચે કહ્યું હતું કે એ લેખિતમાં જવાબ આપશે. એ વાતને ૨૦ દિવસ થઈ ગયા છે પણ હજી જવાબ આવ્યો નથી.
મહારાષ્ટ્ર અને હરિયાણાની મતદારયાદી સુપરત કરવા માટે કૉન્ગ્રેસે દિલ્હી હાઈ કોર્ટમાં કરેલી અરજીના જવાબમાં ચૂંટણીપંચે કહ્યું છે કે એ ત્રણ મહિના સુધીમાં આ બાબતે કાર્યવાહી કરશે. રાહુલ ગાંધી કે મમતા બૅનરજી જેવા વિપક્ષી નેતાઓ ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવે ત્યારે એને ટેક્નિકલ પ્રતિક્રિયામાં ગૂંચવી દેવાને બદલે પંચે દેશની જનતાને સીધી સ્પષ્ટતા કરવી જોઈએ જેથી લોકોનો વિશ્વાસ બની રહે. જોકે એવું થતું નથી એ એક દુખદ બાબત છે.

