શામ્ભવીને તેના આ દોસ્ત પર આંધળો વિશ્વાસ હતો, પરંતુ કોણ જાણે કેમ આજે શિવે તેની મદદ કરવાની ના પાડી એટલું જ નહીં, શામ્ભવી પણ ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગઈ.
ઇલસ્ટ્રેશન
શામ્ભવી સાથે ઝઘડીને છૂટા પડ્યા પછી શિવને એક મિનિટ પણ ચેન ન પડ્યું. તેણે આખો દિવસ ઑફિસમાં વિતાવ્યો, પણ દસ-દસ મિનિટે તે ફોન ચેક કરતો રહ્યો. તેને ખાતરી હતી કે દર વખતની જેમ આ વખતે પણ શામ્ભવી તરત જ ફોન કરશે. સામાન્ય રીતે એવું જ થતું. રિસાઈને ગયેલી શામ્ભવી ગુસ્સામાં ચાલી તો જતી, પણ શિવ વગર તેને પણ બેચેની થવા લાગતી. છેક સ્કૂલથી શરૂ કરીને આજ સુધી એ બન્ને વચ્ચેના ઝઘડા સાવ બાલિશ અને નકામા જ હતા! શામ્ભવી હંમેશાં શિવ પાસે પોતાનું ધાર્યું કરાવતી... એના ઊલટા-સીધા અર્થ વગરના પ્લાન્સ મોટા ભાગે તો શિવ ફૉલો કરતો. બન્ને ક્યાંક ફસાય કે મુશ્કેલી થાય તો બહાર કાઢવાનું કામ શિવનું જ હતું. શામ્ભવીને તેના આ દોસ્ત પર આંધળો વિશ્વાસ હતો, પરંતુ કોણ જાણે કેમ આજે શિવે તેની મદદ કરવાની ના પાડી એટલું જ નહીં, શામ્ભવી પણ ગુસ્સે થઈને ત્યાંથી નીકળી ગઈ.
આવું પહેલી વાર થયું હતું! શિવ પોતાના મનને જુદી-જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરતો રહ્યો. શામ્ભવીએ અચાનક અનંતની મદદ માગવાની વાત કરી એનાથી મને ઈર્ષા થઈ? શિવે પોતાના જ મનને પૂછ્યું, શામ્ભવી અનંતની નજીક જઈ રહી છે એનાથી મને શામ્ભવીને ખોવાનો અહેસાસ થઈ રહ્યો છે? હું તેના વગર જીવી શકું એમ નથી - એ વાત શામ્ભવીને કહેતાં મને શેનો ડર લાગે છે? મારી પાસે પૈસા નથી એનો? અનંતની સરખામણીએ હું શામ્ભવીને એ લાઇફસ્ટાઇલ નહીં આપી શકું એટલા માટે હું તેને પ્રપોઝ કરતાં અચકાઉ છું? શિવ કોણ જાણે ક્યાંય સુધી પોતાના મન સાથે સવાલ-જવાબ કરતો રહ્યો અને શામ્ભવીના ફોનની પ્રતીક્ષા કરતો રહ્યો...
ADVERTISEMENT
શિવથી છૂટી પડીને શામ્ભવીએ અનંતને ફોન લગાવ્યો. અનંત તેના પિતાની સામે શામ્ભવી સાથે વાત ન કરી શક્યો એથી વધુ નિરાશ થયેલી શામ્ભવીએ પિતા સાથે સીધી વાત કરી. કમલનાથે તેના તમામ સવાલોના જવાબ આપવાનું વચન આપ્યું એ પછી પિતા-પુત્રી વચ્ચે વાત થઈ. એ જ રાત્રે રાધા ઘેર પાછી ફરી. આ આખા દિવસની ઇમોશનલ ખેંચાખેંચ વચ્ચે શામ્ભવીના મનમાંથી શિવ સાથે સવારે થયેલી દલીલ અને મનદુઃખ ભુલાઈ ગયાં! એનો આખો દિવસ એક પછી એક સિલસિલાબંધ ઘટનામાં પૂરો થયો એટલે શિવ સાથે વાત કરવાની તેને તક જ ન મળી.
શામ્ભવીનાં સુખ અને દુઃખ બન્નેનો સૌથી પહેલો સહભાગી શિવ જ હતો એટલે જ્યારે રાધા ઘેર પાછી ફરી ત્યારે શામ્ભવીને સૌથી પહેલો વિચાર શિવનો આવ્યો!
‘કેમ? સૉરી કહેતાં જોર આવે છે?’ શામ્ભવીનો ફોન શિવે પહેલી જ રિંગમાં ઉઠાવ્યો. વિડિયો કૉલ પર દેખાતા શામ્ભવીના ચહેરા પર અને અવાજમાં જે ખુશી હતી એ સાંભળીને શિવને લાગ્યું કે અનંતે તેની મદદ કરી હશે ને શામ્ભવી હવે અનંતની વધુ નજીક પહોંચી ગઈ. પોતાનાથી એક ડગલું વધુ દૂર થઈ ગઈ... આવું બધું વિચારી રહેલા શિવે કંઈ જવાબ ન આપ્યો એટલે શામ્ભવીએ ફરી કહ્યું, ‘સંભળાય છે?’
‘હંમમ્...’ શિવે માત્ર હોંકારો ભણ્યો. તે સ્ક્રીન પર દેખાતી શામ્ભવીને જોઈ રહ્યો.
‘મારી પાસે એક સુપર સરપ્રાઇઝ છે.’ શામ્ભવીએ કહ્યું. શિવનું હૃદય થડકારો ચૂકી ગયું, ક્યાંક એન્ગેજમેન્ટની તારીખ તો નક્કી નહીં થઈ ગઈ હોયને! તેનાં મન અને મગજ ફક્ત એક જ દિશામાં વિચારી શકતાં હતાં. શિવ ચૂપ રહ્યો એટલે શામ્ભવીએ આગળ કહ્યું, ‘મા પાછી આવી ગઈ છે.’ કહેતાં-કહેતાં શામ્ભવીની આંખો ભીની થઈ ગઈ.
શિવને થયું કે તે હાથ લંબાવીને સ્ક્રીન પર દેખાતી શામ્ભવીની આંખો લૂછી નાખે. તેણે આંગળીઓ લંબાવીયે ખરી. ‘વૉટ?’ હવે શિવના અવાજમાં પણ એક સુખદ આશ્ચર્ય ઉમેરાયું, ‘રાધાઆન્ટી...’ તે સામે દેખાતી શામ્ભવીને જોઈ રહ્યો.
‘હા! બાપુએ મને બધું કહી દીધું. એ રાત્રે શું થયું હતું, માએ શું કામ જેલમાં રહેવું પડ્યું, મને કેમ વિદેશ મોકલી... બધું જ. મોહિનીએ અમારા ઘરને-અમારા પરિવારને બરબાદ કરી નાખ્યા.’ કહેતાં-કહેતાં શામ્ભવી પોતાના અવાજમાં વીતેલાં વર્ષોના વિરહની પીડા છુપાવી ન શકી, ‘મોહિનીના બૉયફ્રેન્ડ પર ગોળી મેં ચલાવી હતી.’ શામ્ભવીએ કહ્યું. શિવ ડઘાયેલી સ્થિતિમાં તેને જોતો રહ્યો. શામ્ભવીએ લગભગ પંદર મિનિટ સુધી આખી કથા શિવને સંભળાવી ત્યાં સુધી શિવ મટકુંય માર્યા વગર તેને સાંભળતો રહ્યો. પછી શામ્ભવીએ કહ્યું, ‘...ને અનંત સાથે પણ બ્રેકઅપ થઈ ગયું છે.’
‘હેં?!’ શિવને લાગ્યું કે જાણે તેની પ્રાર્થના કબૂલ થઈ ગઈ, ‘અનંત સાથે બ્રેકઅપ થઈ ગયું?’ પૂછતી વખતે એના ચહેરા પર ઘણું રોકવા છતાં સ્મિત આવી ગયું.
‘હં...’ શામ્ભવી હસી, ‘એ બરાબર સંભળાયું તને!’ તેણે કહ્યું, ‘મને ખબર છે, અનંત નથી ગમતો તને.’
‘મારે ક્યાં લગન કરવાં છે?’ શિવનો અસલ મિજાજ પાછો આવી ગયો. તેના ચહેરા પર સ્મિત જોઈને શામ્ભવીના ચહેરા પર પણ સ્મિત આવી ગયું. શિવે મજાક કરી, ‘મારે લગન કરવાં હોય તોય તે થોડો પરણે મને?’ તે હસ્યો, ‘પણ આ ભાગી જશે એ તો મને ખબર જ હતી.’
શિવને હસતો જોઈને શામ્ભવી પણ હસવા લાગી, શિવે કહ્યું, ‘તારી જોડે કોઈ ટકે જ નહીં.’
‘તું ટકીશ?’ શામ્ભવીએ પૂછ્યું. તેની આંખો જોઈને શિવને લાગ્યું કે જાણે તેણે વીજળીનો લાઇવ વાયર પકડી લીધો હોય. તેના આખા શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. શામ્ભવી જાણે ફોનમાંથી ત્રાટક કરતી હોય એમ તેણે પૂછ્યું, ‘બોલ! તું ટકીશ કે છોડી દઈશ મને?’ શામ્ભવી ઇમોશનલ થઈ ગઈ, ‘મને ખબર છે, શિવ. હું થોડી વિચિત્ર છું. જિદ્દી, વિઅર્ડ... ઇમ્પલ્સિવ, ચક્રમ છું હું. સાચું કહું તો બાળપણથી એક તું જ છે જેણે મારા બધા ઉધામા સહન કર્યા છે. કેવી-કેવી જગ્યાએ તને ફસાવ્યો છે મેં...’ શામ્ભવીના ચહેરા પર સ્મિત હતું ને આંખોમાં પાણી, ‘મારા માટે સ્કૂલમાં સસ્પેન્શન સહન કર્યું છે, કૉલેજમાં એક પેપર નહોતો આપી શક્યો, છ મહિના બગડ્યા તારા...’ કહેતાં-કહેતાં તેની આંખો ફરી ભીની થઈ.
‘ઇટ્સ ઓકે, યાર...’ શિવ એટલું જ કહી શક્યો.
‘તારી કેટલી ગર્લફ્રેન્ડ સાથે દોસ્તી તોડાવી છે મેં! બધાને ફેસબુક પર બ્લૉક કરાવ્યા. ઇન્સ્ટામાં જવાબ નહોતી આપવા દેતી... કેટલી દાદાગીરી કરી છે તારા પર.’ શામ્ભવીની આંખો ભરાઈ આવી, ‘પણ તેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી. મેં આજે પણ તારી સાથે ખરાબ વર્તન કર્યું...’
શિવને થયું કે જો તે સામે ઊભી હોત તો તેને બાહુપાશમાં લઈ લેત, ‘છોડ હવે!’ અનંત સાથેના બ્રેકઅપના સમાચાર સાંભળીને શિવનો મૂડ અને મિજાજ બન્ને બદલાઈ ગયા હતા, ‘હું ટેવાઈ ગયો છું તારી દાદાગીરીથી. હવે તો તું મારી સાથે સારી રીતે વાત કરેને તો મને એવું લાગે કે કંઈ ગરબડ છે...’ તે હસ્યો, ‘રાધાઆન્ટી પાછાં આવી ગયાં! તારી જિંદગીના બધા સવાલના જવાબ મળી ગયા તને.’ શિવની આંખો પણ ભીની થઈ ગઈ, ‘એથી વધારે શું જોઈએ, શૅમ! આઇ ઍમ વેરી હૅપી ફૉર યુ.’ શામ્ભવી જોઈ શકી કે શિવ પૂરી શિદ્દતથી કહી રહ્યો હતો.
‘અનંત સાથે એન્ગેજમેન્ટ ન થઈ... એ સાંભળીને તું ખુશ થયો, હેંને?’ શામ્ભવીના સવાલથી ફરી એક વાર શિવને ઝણઝણાટી થઈ ગઈ. તે ચૂપ રહ્યો. શામ્ભવીએ પૂછી નાખ્યું, ‘જવાબ આપને, ઇડિયટ!’
‘શું જવાબ આપું?’ શિવને સામે દેખાતી શામ્ભવીની આંખો આજે બદલાયેલી લાગતી હતી.
‘તું કેમ કોઈ દિવસ મારી સાથે દિલ ખોલીને વાત નથી કરતો?’ શામ્ભવી જાણે શિવના મનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી.
‘દિલ ખોલીને?’ શિવને લાગ્યું કે શામ્ભવી આખી વાતને કોઈ દિશામાં દોરી રહી છે, પણ ધારી લેવાને બદલે તેણે આજે શામ્ભવીને જ બોલવા દીધી, ‘તું જે પૂછે એ બધું તો કહું છું તને.’ તેણે કહ્યું.
‘હા, પણ પૂછવું શું કામ પડે? તારે મને કંઈ પૂછવું પડે છે?’ શામ્ભવીએ કહ્યું, ‘હું તો તને બધું જ કહું છું. મારાં સુખ, મારાં દુઃખ, મારો ગુસ્સો પણ નથી છુપાવતી તારાથી, પણ તું કોઈ દિવસ...’ શામ્ભવી ચૂપ થઈ ગઈ. બન્ને વચ્ચે ખાસ્સી ક્ષણો મૌન છવાયેલું રહ્યું. બન્ને એકબીજા સામે જોતાં રહ્યાં. શું કહેવું, શું ન કહેવું એની ગડમથલમાં શિવ આંખો મીંચીને શામ્ભવીના શબ્દોની પ્રતીક્ષા કરતો રહ્યો, બીજી તરફ શામ્ભવી પોતાની વાત કઈ રીતે કહેવી એ માટે શબ્દો ગોઠવતી રહી. અંતે તેણે મૌન તોડ્યું, ‘અનંત સાથે કોઈ અટૅચમેન્ટ નહોતું. ઇટ વૉઝ જસ્ટ...’ તેને શબ્દો સૂઝ્યા નહીં. શિવ તો પણ કંઈ બોલ્યો નહીં એટલે શામ્ભવીએ કહ્યું, ‘બાપુએ મળવાનું કહ્યું, મેં મળી લીધું.’
‘આ બધું ન થયું હોત તો તું પરણી ગઈ હોત તેને?’ શિવે પૂછ્યું.
શામ્ભવીએ આજે પહેલી વાર શિવની આંખોમાં જોવાને બદલે નજર ઝુકાવી દીધી, ‘કોને ખબર!’ શામ્ભવીએ પૂરી પ્રામાણિકતા સાથે કહ્યું, ‘ના પાડવાનું કોઈ કારણ નહોતું.’ ક્ષણભર ચૂપ રહીને તેણે નજર ઉઠાવી શિવ તરફ જોઈને ઉમેર્યું, ‘હવે લાગે છે કે હા પાડવાનું પણ કોઈ કારણ નહોતું.’ તેણે કહ્યું, ‘આઇ ડિડ નૉટ લવ હિમ.’
‘ને તોય... તેની સાથે જીવવા તૈયાર થઈ ગઈ તું?’ શિવની આંખોમાં પહેલી વાર ફરિયાદ દેખાઈ, ‘પ્રેમ નહોતો તોય લગ્ન કરવાની હા પાડી દીધી?’
‘લગ્નની ક્યાં હા પાડી મેં?’ શામ્ભવીએ બચાવ કર્યો, નજર ઝુકાવીને કહ્યું, ‘હું તો બસ ટ્રાય કરતી હતી...’
‘તારી આ જ વાત નથી ગમતી મને. દરેક વસ્તુમાં ટ્રાયલ ઍન્ડ એરર ન હોય, શામ્ભવી. આ જિંદગીનો સવાલ છે. જોઈ લઈશું, થઈ જશે... આવો બેદરકાર ઍટિટ્યુડ ક્યાં સુધી રાખીશ?’ શિવથી કહેવાઈ ગયું, ‘તારી દરકાર તો નથી જ કરતી, બીજા કોઈની લાગણીનીય દરકાર નથી કરતી તું.’ શિવનો ચહેરો લાલ થઈ ગયો.
‘કોની લાગણી? તારી?’ શામ્ભવીએ ત્રીજી વાર એવો સવાલ પૂછ્યો જેનાથી શિવ પોતાની લાગણી પર કાબૂ ન રાખી શક્યો. તેની આંખમાંથી આંસુ નીકળી ગયાં. શામ્ભવી આ સાવ જુદા, નવા જ શિવને જોતી રહી.
‘હા... મારી લાગણી.’ શિવે આખરે કહી જ નાખ્યું, ‘અનંત સાથે લગ્ન નક્કી કરતી વખતે એક વાર પણ મારો વિચાર ન આવ્યો તને? બાળપણથી મેં એક જ વ્યક્તિને મારી જીવનસાથી તરીકે જોઈ છે. એ વ્યક્તિનું નામ શામ્ભવી છે. સુખમાં, દુઃખમાં, સારી-ખરાબ પરિસ્થિતિમાં હસતાં-રડતાં એક જ ચહેરો મારી નજર સામે રહ્યો છે એ ચહેરો તારો છે, શૅમ.’ શિવની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં, ‘તું જે રીતે ઊછરી છે, જે લાઇફસ્ટાઇલ જીવે છે એ મારી પાસે નથી. બસ, એ કારણે મેં તને કોઈ દિવસ કહ્યું નથી. મને ખબર છે કે કમલનાથ અંકલ કોઈ દિવસ મને અપ્રૂવ નહીં કરે, પણ મારે તને એટલું તો કહેવું જ છે કે તું મારી જિંદગીમાં હોય કે ન હોય, હું હંમેશ તારી જિંદગીમાં-તારા સુખમાં, તારા દુઃખમાં, તારી સમસ્યામાં, તારી સાથે, તારે માટે ઊભો જ હોઈશ. તારે માટે હું હોઉં કે ન હોઉં, પણ મારે માટે તારા સિવાય કોઈ નથી, શૅમ. આઇ મીન ઇટ.’ શિવથી ડૂસકું મુકાઈ ગયું.
‘તું રડે છે?’ શામ્ભવીએ પૂછ્યું. સામે ફોન પર રડતો શિવ થોડો ફની દેખાતો હતો.
‘ના.’ શિવે ફરીથી ડૂસકું ભરતાં કહ્યું. શામ્ભવી હસી પડી.
‘તું મારા પર હસે છે?’ શિવથી પુછાઈ ગયું.
‘હા...’ શામ્ભવીએ કહ્યું, ‘આટલી સાદી વાત કહેવામાં આટલો સમય લગાડ્યો તેં? ત્રણ શબ્દો કહેવાના હતા, આઇ લવ યુ...’ શામ્ભવીએ કહ્યું, ‘આટલીબધી માથાકૂટ ક્યાં કરવાની હતી, સ્ટુપિડ!’
‘તું ના પાડી દે તો?’ શિવના ચહેરા પર શામ્ભવીને ખોવાનો ભય અત્યારે પણ દેખાતો હતો, ‘આ દોસ્તી પણ તૂટી જાય.’ શિવ સહેજ સ્વસ્થ થયો હતો, ‘આઇ કાન્ટ અફૉર્ડ ટુ લૂઝ યુ, શૅમ. તને ખોઈને મારી જિંદગીનો કોઈ અર્થ જ ન રહે.’
‘ને હું તને ખોઈને જીવી શકું?’ શામ્ભવીએ કહ્યું. શિવને જાણે રોમ-રોમ દીવા થઈ ગયા. શામ્ભવી કહેતી રહી, ‘મને તો એમ કે તને તો મારામાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. મારા જેવી વિચિત્ર, મગજની ફરેલી, વિઅર્ડ અને જિદ્દી છોકરીને તારા જેવો સમજદાર, ઠરેલ અને મૅચ્યોર છોકરો પ્રેમ કરે.’ શામ્ભવી સહેજ અટકી, ‘આઇ કાન્ટ બિલીવ.’ શામ્ભવીએ કહ્યું.
‘તું જેવી છે એવી... મને બહુ જ ગમે છે.’ આટલું કહીને શિવ ચૂપ થઈ ગયો. બને જણ ફોનના બે છેડે એકબીજાના મનની, હૃદયની વાત સમજવાનો-સાંભળવાનો પ્રયત્ન કરતાં રહ્યાં. એ રાત્રે બન્ને જણે ખૂબ વાતો કરી-કરતાં રહ્યાં.
lll
છેલ્લાં કેટલાંય વર્ષોથી એકબીજાથી જુદાં રહેલાં પતિ-પત્ની આજે વર્ષો પછી એક બેડરૂમમાં એકબીજાની સાથે હતાં. રાધાને સમજાતું નહોતું કે તે કઈ રીતે વાતની શરૂઆત કરે...
‘હું અહીં સોફા પર સૂઈ જઈશ...’ રાધાએ કહ્યું. કમલનાથ હસી પડ્યા. રાધા સહેજ ઝંખવાઈ ગઈ.
‘આપણે કંઈ હિન્દી સિરિયલનાં નવાં પરણેલાં પતિ-પત્ની નથી.’ કમલનાથે નજીક આવીને રાધાનો હાથ પકડ્યો, ‘તું પ્રત્યક્ષ રીતે રૂમમાં હાજર નહોતી પણ આ પલંગ પર મેં હંમેશાં તને મારી બાજુમાં જોઈ છે.’ તેમણે કહ્યું, ‘આ તારું ઘર છે રાધા, તારો રૂમ... અહીંની પ્રત્યેક ચીજ પર, મારા પર તારો અધિકાર છે.’ તેમણે રાધાને બન્ને ખભેથી પકડીને પોતાની નજીક ખેંચી. રાધા કોઈ પૂતળાની જેમ ખેંચાઈ આવી, ‘એકેએક ક્ષણ માટે હું તને ભૂલી નથી શક્યો. તું ત્યાં જેલમાં અગવડમાં જીવતી હોય ને હું અહીં એસીમાં, મેમરી ફોમના ગાદલા પર નિરાંતે ઊંઘી જતો હતો એમ માને છે? ના રાધા... જેટલા ઉજાગરા તેં કર્યા છે એટલા જ મેં કર્યા છે. જેટલા દિવસ તું આ ઘરની બહાર રહી છે એટલા દિવસ મેં તારા પાછા ફરવાની પ્રતીક્ષા કરી છે.’ આટલું સાંભળતાં જ રાધાએ પોતાના બન્ને હાથ કમલનાથની આસપાસ વીંટાળી દીધા. કમલનાથે તેને બાહુપાશમાં બાંધી લીધી. સદીઓ પછી મળેલા પ્રેમીઓની જેમ બન્ને જણ પોતાની ઉંમર ભૂલીને એકમેકમાં ખોવાઈ ગયાં.
lll
ભાઈની વાત સાંભળ્યા પછી ચિત્તુ ઊંઘી શક્યો નહીં. નિર્મલા અને અજિતાના વિચારોમાં તેણે ક્યાંય સુધી પડખાં ઘસ્યાં, પછી ઊભો થઈને બહાર વરંડામાં આવ્યો. વિશાળ કમ્પાઉન્ડમાં શાંત ઊભેલાં વૃક્ષોનાં પાંદડાં હળવા પવનમાં ફરફરતાં હતાં, આકાશમાં ચંદ્ર અને થોડાં વાદળો હતાં. પરસાળમાં સ્થિર હીંચકો પવનની હળવી થપાટથી વચ્ચે-વચ્ચે ઝૂલતો હતો...
ચિત્તુ પોતાના વીતેલા દિવસોને યાદ કરતો રહ્યો. ચિત્તુ આવી જ શાંત રાતોએ સાતારાથી મોટરસાઇકલ લઈને વાઈ જતો. નિર્મલાના ઘરનો પાછલો દરવાજો તે ખુલ્લો છોડી દેતી. મોટરસાઇકલ થોડે દૂર પાર્ક કરીને ચિત્તુ ચોરની જેમ લપાતો-છૂપાતો એ ઘરમાં દાખલ થતો. બન્ને જણ આખી રાત એકબીજા સાથે પ્રણય-પ્રચુર સમય વિતાવતાં... એ સમયને યાદ કરી રહેલા ચિત્તુને નિર્મલાની માંજરી આંખો, ગુલાબી હોઠ, ગોરો-ભોળો ચહેરો, માખણ જેવું શરીર, તેના દિલધડક વળાંકો અને ગૂંચળાવાળા સોનેરી વાળ નજર સામે દેખાવા લાગ્યા. તે પોતાની જાતને રોકી શક્યો નહીં. તેણે ડ્રાઇંગરૂમમાં જઈને ભીંત પર લગાવેલા કી-સ્ટૅન્ડમાં લટકતી ચાવીઓમાંથી એક ચાવી ઉપાડી. બહાર આવીને ઑટો ઓપનનું બટન દબાવ્યું. દૂર ઊભેલી એક ગાડીની લાઇટ્સ થઈ. ચિત્તુ દોડ્યો... ગાડીમાં બેસીને તેણે રિવર્સ લઈ ગાડી કમ્પાઉન્ડની બહાર કાઢી. તેણે વાઈ તરફ ગાડી મારી મૂકી.
(ક્રમશઃ)

