નૉર્થ કોરિયાએ ટૂરિસ્ટો માટે દરવાજા ખોલીને પાછા તરત બંધ કરી દીધા, પણ... : સગવડો અને સુવિધાઓનો અભાવ, અનેક જાતનાં નિયંત્રણો, સરમુખત્યાર શાસન ધરાવતા આ દેશને ટૂરિઝમ માટે ડેવલપ કરવામાં ઘણા પડકારો છે
કિમ જૉન્ગ ઉન
૬ માર્ચે સમાચાર આવ્યા હતા કે ‘નૉર્થ કોરિયાએ ટૂરિઝમ પુનઃ ખોલ્યા પછી થોડાં જ અઠવાડિયાં બાદ ફરી રોક લગાવી દીધી છે. સમાચારમાં વધુમાં જણાવ્યું હતું કે ‘નૉર્થ કોરિયાની ટૂર્સ ઑર્ગેનાઇઝ કરતી કંપનીઓએ સોશ્યલ મીડિયા દ્વારા જાહેર કર્યું છે કે હાલે રાસન (ઉત્તર કોરિયાનું એક શહેર) બંધ કરી દેવામાં આવ્યું છે, એ વિશેની વિશેષ માહિતીઓ અમે આપતાં રહીશું. એક ટૂર-ઑપરેટરે તો એમ પણ લખ્યું હતું કે મારી સલાહ છે કે જ્યાં સુધી તેઓ પાસે ફર્ધર ઇન્સ્ટ્રક્શન ન આવે ત્યાં સુધી ટૂર-બુકિંગ ન કરવું. જોકે એક ટૂર-ઑપરેટર દેશની રાજધાની પ્યૉન્ગયાંગમાં ૬ એપ્રિલના યોજાનારી મૅરથૉન માટે ઇન્ટરનૅશનલ ટૂરિસ્ટો, દોડવીરોનું બુકિંગ કરી રહ્યા છે. પરંતુ ખરેખર શું થઈ રહ્યું છે? એન્ટ્રી કેમ બંધ કરી? ફરી ખૂલશે કે નહીં? ખૂલશે તો ક્યારે? એ દરેક બાબત અત્યારે અવઢવમાં છે.
વેલ, એમ તો કિમ જૉન્ગ ઉને પાંચ વર્ષ બાદ તેની માલિકીના દેશના (હા, તે પોતાને આ ભૂમિનો ઓનર જ માને છે) દરવાજા કેમ ખોલ્યા? કયા દેશના નાગરિકો અલાઉડ છે? વીઝા માટે શું નિયમો છે? પર્યટકો DPRK (ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑફ કોરિયા)નાં કયાં ક્ષેત્રોમાં જઈ શકશે? એવી એકેય પૉલિસી પણ ક્યાં સ્પષ્ટ છે.
ADVERTISEMENT
ખેર, એ માટે તો વેઇટ ઍન્ડ વૉચ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. નીતિઓની સ્પષ્ટતા કરવા સાથે કિમભાઈએ સહેલાણીઓને DPRK ફરવા બોલાવવા માટે આ મુદ્દાઓ ઉપર પણ શીઘ્ર ઍક્શન લેવી પડશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર - અન્ય સાઉથ એશિયાઈ દેશોની સામે સ્થાનિકોમાં ચોસન નામે ઓળખાતા આ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ નબળું છે. રાજધાની પ્યૉન્ગયાંગ સિવાય દેશના અન્ય ભાગોમાં માળખાકીય સુવિધાનો પણ અભાવ છે. સૌથી પહેલી વાત કરીએ વીજળીની. તો હજી ત્યાં સપ્લાય-પદ્ધતિનો જૂનો ઢાંચો જ ચાલે છે. ખૂબ અંતરિયાળ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટી પહોંચી જ નથી અને જ્યાં છે ત્યાં જરૂરિયાત પૂરતી મળતી નથી. આ કારણે અહીં કોઈ ઇન્ડસ્ટ્રીનો વિકાસ નથી થયો. વિશેષ રોજગાર ક્રીએટ થયા નથી. એક ઇન્ટરનૅશનલ સર્વે કહે છે કે ૨૦૨૦માં દેશની ૬૦ ટકા વસ્તી ગરીબીરેખાની નીચે જીવતી હતી.
હા, રેલવે પ્રમાણમાં વિકસિત છે. હાઈ-સ્પીડ રેલ પણ છે, પરંતુ સડક પરિવહન બહુ જ સીમિત છે. આવી અછત ઉપરાંત ટૂરિસ્ટો રહી શકે એવી સુવિધાયુક્ત હોટેલો પણ ક્યાં છે?
પરમાણુ હથિયારનો પાવર ધરાવનાર આ દેશનો નાગરિક ૨૧મી સદીમાં પણ આવી મૂળભૂત જરૂરિયાતથી વંચિત રહ્યો. કેમ? કારણ કે દેશની મોટા ભાગની રેવન્યુ ઍટમ એનર્જી બનાવવામાં ખર્ચાઈ ગઈ. જડબેસલાક આર્મી સર્વિસ ઊભી કરવામાં ખર્ચાઈ ગઈ. બે વર્ષ પહેલાંના આંકડા કહે છે કે ૧ લાખ ૨૦ હજાર ૫૩૮ સ્ક્વેર કિલોમીટર ધરાવતા આ દેશ પાસે વિશ્વનું ફોર્થ લાર્જેસ્ટ સૈન્ય બળ છે. દેશની કુલ બે કરોડ ૬૩ લાખની વસ્તીમાં ૭૬ લાખ સ્થાનિકો આર્મી સર્વિસમાં છે. બીજી રીતે ઍનૅલિસિસ કરીએ તો ૧૭થી ૫૪ વર્ષની ઉંમર ધરાવતી દર પચીસમાંથી એક વ્યક્તિ સૈન્ય સાથે સંકળાયેલી છે. પરમાણુ હથિયાર ડેવલપ કરવાની શાસકની જીદને લીધે અનેક દેશો સાથે સંબંધ બગડી ગયા. વિકાસ અટકી ગયો. નોકરીઓ ઊભી ન થઈ. પ્લસ યુવાધન સૈન્યમાં જોડાઈ જવાથી, સરકારી તિજોરી ખાલી થઈ જવાથી વિવિધ ક્ષેત્રોમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ થયાં જ નહીં.

ટ્રાન્સપોર્ટેશન અને ઈઝી ઍક્સેસ -
અત્યારે નૉર્થ કોરિયા જવા માત્ર બે જ એન્ટ્રી પૉઇન્ટ છે. બીજિંગ અને હૉન્ગકૉન્ગ. સાંભળ્યું છે રશિયાની ટ્રાન્સ-સાઇબિરિયન રેલ એ દેશ સુધી એક્સટેન્ડ થઈ છે, પરંતુ યાત્રાળુઓ એ માધ્યમનો ઉપયોગ કરી શકે છે કે નહીં એની ખબર નથી. દેશની એકમાત્ર કમર્શિયલ ઍરલાઇન ‘ઍર ક્રોયો’ અહીંની ઍરફોર્સ મૅનેજ કરે છે. એની પાસે ૩/૪ જ પૅસેન્જર વિમાનો છે, એ પણ ખખડી ગયેલાં. એમાં સહેલાણીઓને લાવવા-લઈ જવા એ જ મોટું રિસ્ક છે. બીજું, આખા દેશમાં કાર પણ ઓછી છે. મહત્તમ લોકલ લોકો આવવા-જવા સાઇકલનો ઉપયોગ કરે છે. અન્ય ઇમ્પોર્ટન્ટ વાત, અત્યારે નૉર્થ કોરિયાએ ટૂર ઑર્ગેનાઇઝ કરવાની આખી જવાબદારી જૂજ ટૂર-ઑપરેટરોને જ આપી છે. પર્યટકોને લાવવા, ફરાવવા, રાખવા, જમાડવા, પાછા લઈ જવાની બધી જવાબદારી તેમની. અફકોર્સ, સ્ટ્રિક્ટ્લી સરકારી નિયમોને આધીન. પરંતુ એ કારણે તેઓ મનફાવે એમ ચાર્જ કરી શકે. ટ્રાવેલર્સે મોંમાગ્યા દામ ચૂકવવા જ પડે. દુનિયાના પ્રવાસીઓને આકર્ષવા ટૂર-કૉસ્ટનો મેઇન રોલ રહે છે. અત્યારે તો વીઝા પ્રોસેસિંગ પણ એ ટૂર કંપની થ્રૂ કરાવવાની છે.
હૉસ્પિટાલિટીનો ન્યુનતમ અનુભવ - તાનાશાહ કિમભાઈ એવા અતરંગી છે કે ક્યારે દુનિયા સાથે છેડો ફાડી નાખે અને કોની સાથે જોડાય એ કળી ન શકાય. ભલે અહીં પહેલાં પણ લિમિટેડ ટૂરિઝમ હતું, પણ પાંચ વર્ષ પહેલાં અચાનક સહેલાણીઓ માટે તેમણે નો એન્ટ્રી કરી દીધી. હવે વિચાર કરો છેલ્લાં વર્ષોમાં ટૂરિઝમ ક્ષેત્રે કેટલી ક્રાન્તિ આવી છે. અહીં તો સાવ સામાન્ય સુવિધાઓની પણ અછત છે ત્યાં પર્યટનના લેટેસ્ટ ટ્રેન્ડ તો કઈ રીતે સેટ થવાના. વળી અહીં યુવાનોને પોતાની મેળે રોજગાર સિલેક્ટ કરવાની છૂટ નથી, નોકરી બદલવાની છૂટ નથી, એવામાં હૉસ્પિટાલિટીનો અનુભવ હોય એવા લોકો ક્યાંથી લાવવાના કે રાતોરાત ઊભા કરવાના? અને ફૅસિલિટી જ ન મળે ત્યાં કયો ટૂરિસ્ટ જવાનું પસંદ કરે.
ફૂડ ઍન્ડ એન્ટરટેઇનમેન્ટ - ધ ડર્ટી પિક્ચર ફિલ્મનો પેલો આઇકૉનિક ડાયલૉગ છેને, ‘ફિલ્મેં સિર્ફ તીન ચીઝોં સે ચલતી હૈં, એન્ટરટેઇનમેન્ટ... એન્ટરટેઇનમેન્ટ... એન્ટરટેઇનમેન્ટ...’ એ જ રીતે ટૂરિઝમ ત્રણ મેઇન પિર્લસ પર ચાલે છે - ફૂડ, ફન ઍન્ડ ફ્રીડમ. ફૂડની વાત કરીએ તો તેઓ સામ્યવાદી ફન્ડા ફૉલો કરતા હોવાથી ખૂબ મિનિમલિઝમમાં માને છે. ગુડ, બહુ સરસ... પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર ઓછામાં ઓછી વસ્તુથી ચલાવવાનો નિયમ ખરાબ નથી. એટલે લોકલ્સ ફક્ત કિમચી, નૂડલ્સ જેવી ડિશ અને લક્ઝરી તરીકે સોજુ (બિયર)થી હૅપી રહે એમાં દુનિયાને વાંધો નથી પણ દુનિયાના ખૂણે-ખૂણેથી આવતા લોકોને પણ ફક્ત આ જ ખાણું મળે, એ જ ખાવું પડે એ વાત તો ડાઇજેસ્ટ ન થાયને ભઈલા. અરે, અહીં વિવિધ ડિશ બનાવી પણ ક્યાંથી શકાય, કારણ કે અહીં ખેતીની ઊપજ પણ ઓછી છે. ઍનિમલ્સ થોડાં છે. વસ્તીની દૃષ્ટિએ ખાદ્ય ઉત્પાદન એટલું ઓછું છે કે નૉર્થ કોરિયાએ નાગરિકોને પૂરતું અન્ન મળે એ માટે અન્ય દેશો પર આધાર રાખવો પડે છે. ભારતથી પણ અનેક પ્રકારની ખાદ્ય સામગ્રી અહીં એક્સપોર્ટ થાય છે.

વળી વેજિટેરિયન ટ્રાવેલરનું શું? એમાંય ગુજરાતીઓ શું ખાશે હેં બકા? (થેપલાં, ખાખરા લઈ જવાશે કે નહીં એય વીઝા પૉલિસીમાં નક્કી નથી થયું)
હવે વાત કરીએ ફન અને એન્ટરટેઇનમેન્ટની, તો મિસ્ટર જૉન્ગ એટલા નવરા છે કે તેમણે અહીંની ફૅશન-ઇન્ડસ્ટ્રી પર પણ પોતાનું નિયંત્રણ રાખ્યું છે. અમુક પ્રકારનાં કપડાં નહીં પહેરવાનાં, હેરસ્ટાઇલ નહીં કરવાની વગેરે. જોકે એનાથી સહેલાણીઓને કોઈ ફરક નથી પડતો. એ તો અમે એટલે લખ્યું કે જો આવા પણ નિયમ હોય તો ફન અને એન્ટરટેઇનમેન્ટમાં કેવા કડક નિયમો હોય એ સમજી શકો. કળા, સંગીત, સ્ક્લ્પ્ચર બધે જ ઉન દેવતાના કુટુંબનાં ગીતો ગવાય છે, મૂર્તિઓ ઘડાય છે, ચિત્રો બનાવાય છે. ટેલિવિઝન, ઇન્ટરનેટ પણ સાહેબના કન્ટ્રોલમાં છે. ક્લબ્સ, નાઇટલાઇફ કલ્ચર ડેવલપ નથી થયાં. હા, થોડા અમ્યુઝમેન્ટ પાર્ક છે. એ જ રીતે સ્કીઇંગ, હાઇકિંગ, ફુટબૉલ અને અન્ય આઉટડોર રમતો પૉપ્યુલર છે અને સ્થાનિકો એ રીતે મનોરંજન મેળવે છે, પણ આ પ્રવૃત્તિમાં ટૂરિસ્ટ કેટલો ઇન્વૉલ્વ થઈ શકે એ ક્લિયર નથી. શૉપિંગ, મૉલ્સ, થિયેટર છે પણ લિમિટેડ. એમાં ટૂરિસ્ટ જઈ શકે, પરંતુ ગાઇડરૂપી કૅમેરાની નિગરાની હેઠળ.
હવે વાત કરીએ ફ્રીડમની તો અહીં પૅકેજ્ડ ટૂર્સનું જ ચલણ છે. ટૂર-ગાઇડ ૨૪ કલાક તમારી સાથે રહે. આગળ કહ્યું એમ, તેઓ આપે એ જ હોટેલ્સમાં રહેવાનું, એ જ ખાવાનું અને કહે ત્યાં જ ફરવાનું. પોતાની રીતે ક્યાંય જવાની છૂટ નહીં. આખા દિવસની ટૂર પૂરી થઈ ગયા પછી પણ તેઓ તમારી સાથે હોટેલમાં રહે. અરે, રાત્રે તમારે અમસ્તી લટાર મારવા જવું છે કે કોઈ વખત આઇટનરી પ્રમાણે ન જઈ જાતે ફરવું છે તો સૉરી, નૉટ અલાઉડ. એ જ રીતે ફોટોગ્રાફ્સ પણ તેઓ કહે ત્યાં જ પડાય, ગમે ત્યાં નહીં. ઇન્ટરનેટની તો વાત જ ભૂલી જવાની અને અમુક જગ્યાએ સિગ્નલ પકડાય તો સરકારે જે અલાઉડ કરી હોય એ જ સાઇટ ઓપન થાય. સોશ્યલ મિડિયા સ્ટ્રિક્ટ્લી નો. અને તમે કોઈને કૉલ કરો તો એ પણ મોટા ભાગના મૉનિટર્ડ. થોડા દિવસ પહેલાં જ બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઑસ્ટ્રેલિયાના પર્યટકો નૉર્થ કોરિયાના ચાર દિવસના પ્રવાસે ગયા હતા. એમાંથી એક વ્યક્તિ જણાવે છે : ‘એ સ્કૂલ પિકનિક પર ગયા હોઈએ એવો અનુભવ હતો.’ સ્થાનિકો સાથે વાત કરવાનો મોકો મળે જ્યારે ગાઇડ કહે ત્યાં. જોકે નૉર્થ કોરિયાના નાગરિકો એટલી દહેશત અને દબાણમાં ઊછર્યા હોય છે કે તેઓ સ્વભાવે શરમાળ અને અંતર્મુખી હોય. અજાણ્યા સાથે વાત કરવામાં તો ઠીક, સ્માઇલ કરવામાં પણ તેમને ડર લાગે કે તેમના હાઈનેસ નારાજ થઈ જશે તો?

દરેક દેશના નિયમો હોય, સંસ્કૃતિ હોય, સભ્યતા હોય. સહેલાણીઓએ એનું પાલન કરવું જ જોઈએ એની ના નહીં. ચાલો, સગવડો ઓછી છે, પર્યાયો સીમિત છે તો મિનિમલ ટૂરિઝમ કે નૅચરલ ટૂરિઝમ તરીકે પ્રમોટ કરી દેશનું પ્રવાસન ડેવલપ કરો એ ઠીક છે; પરંતુ વિઝિટરની દરેક હિલચાલ, દરેક ક્રિયા કોઈ કન્ટ્રોલ કરે એ ટૂરિઝમ કઈ રીતે ચાલે નૉર્થ કોરિયન મોગૅમ્બો ભાઈ?
સુરક્ષા નો સવાલ
કોઈક દેશમાં આતંકવાદીઓનો ડર હોય એ સમજ્યા, પણ અહીં આર્મીમેનોનો ખૌફ છે. જો કોઈ પણ વ્યક્તિ સ્થાનિક હોય કે ટૂરિસ્ટ, તેની વાતો-વર્તન સંદેહજનક લાગે તો સિપાહીઓને તેમને ત્યાં ને ત્યાં જ હિરાસતમાં લેવાની અનુમતિ છે અને જો એવું થાય તો પછી પર્યટકોએ શું કરવું એની કોઈ ગાઇડલાઇન્સ નથી. યુનાઇટેડ નેશન્સના માનવઅધિકાર પંચના નિયમો તો તાનાશાહ ઘોળીને પી ગયા છે. અરે, નૉર્થ કોરિયા એટલું રિજિડ છે કે અન્ય દેશોના રાજદ્વારીઓ પણ તેમના દેશ વિશે જાણી ન જાય એટલે તેમની એમ્બેસીઓ ચીન અથવા હૉન્ગકૉન્ગમાં રાખી છે. જોકે ઇન્ડિયા સાથે થોડા સંબંધો હોવાથી આપણા રાજદૂત પ્યૉન્ગયાંગમાં રહે છે.
અહીં જવું જ હોય તો...
વિપરિત સંજોગો હોવા છતાંય નૉર્થ કોરિયા જવું જ છે તો સ્કી રિસૉર્ટ માસિક્રિયોંગ, પ્યોહુંઆ બૌદ્ધ મંદિર, કોએસોંગ હિસ્ટોરિકલ સ્મારક, યુનેસ્કો હેરિટેજ કોગુરિયો ગ્રેવયાર્ડ અને પ્યૉન્ગયાંગ જેવી ટૂરિસ્ટ પ્લેસ છે.
નૉર્થ કોરિયા લઈ જતી એક ટૂર-કંપનીએ એની આઇટનરીમાં ચોખ્ખું લખ્યું છે કે જો તમને ચૉકલેટ કે ફળો ખાવાની હૅબિટ છે તો કૅરી વિથ યુ


