બધાં છાપાંએ કહ્યું એમ ૧૯૧૩માં? ના રે ના, ૧૮૬૮માં, ઘણાખરા મુસાફરો રાબેતા મુજબ નીચી મૂંડી કરીને સ્ટેશન તરફ જતા હતા. ત્યાં એકાએક ફટાકડા ફૂટવાના અવાજ આવ્યા. આકાશમાં ઊડતાં દેખાયાં હવાઈ અને રામબાણ.
૧૮૬૮માં બનેલો પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ.
એપ્રિલ ૫, ૨૦૨૬. મુંબઈની વેસ્ટર્ન રેલવેના એલ્ફિન્સ્ટન રોડ, સૉરી, પ્રભાદેવી સ્ટેશન પર મુસાફરોની આવનજાવન શરૂ થઈ ગઈ હતી. ઘણાખરા મુસાફરો રાબેતા મુજબ નીચી મૂંડી કરીને સ્ટેશન તરફ જતા હતા. ત્યાં એકાએક ફટાકડા ફૂટવાના અવાજ આવ્યા. આકાશમાં ઊડતાં દેખાયાં હવાઈ અને રામબાણ. સ્ટેશન પાસેના રસ્તા પર ફટાકડાની લૂમ પર લૂમ ફૂટવા લાગી. આ બધું શા માટે થઈ રહ્યું છે એની ચિંતા કરવાનો સમય ઘણાખરા મુસાફરો પાસે નહોતો. કેટલાકે વિચાર્યું : હશે કોઈ શેઠિયાનો વરઘોડો કે કોઈ રાજકારણી નેતાનો જન્મદિવસ. પણ ના, કારણ કંઈક જુદું હતું. ૨૦૨૫ના ડિસેમ્બરની ૩૧ તારીખે શરૂ થયેલું કામ આજે પૂરું થયું હતું. એ કામ કરતા કૉન્ટ્રૅક્ટરે પહેલેથી જ ફટાકડા લાવી રાખ્યા હતા જ્યારે આ કામ પૂરું થાય ત્યારે ફોડવા માટે. અને એ કામ હતું એલ્ફિન્સ્ટન બ્રિજનો રેલવેલાઇન પરનો સ્ટીલનો બ્રિજ તોડવાનું. એ કામનો ખર્ચ? ફક્ત પાંચ કરોડ રૂપિયા.
બીજા દિવસે મુંબઈના એકેએક અખબારે સમાચાર ચમકાવ્યા : ૧૯૧૩માં બંધાયેલા એલ્ફિન્સ્ટન બ્રિજને તોડવાનું કામ પૂરું થયું. એક-બે અખબારે તો આ જાણે કોઈ મોટું યુદ્ધ હોય એમ એક-એક મિનિટે શું-શું બન્યું એનો રસઝરતો અહેવાલ છાપ્યો. બધાં અખબારોએ એકઅવાજે કહ્યું કે ૧૯૧૩માં બંધાયેલા આ બ્રિજનું નામ મુંબઈના ગવર્નર લૉર્ડ જૉન એલ્ફિન્સ્ટનના માનમાં પાડવામાં આવેલું તો કોઈકે લખ્યું કે ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના માનમાં બ્રિજને આ નામ અપાયું હતું.
હવે હકીકત એ છે કે એલ્ફિન્સ્ટન અટક ધરાવતા એક નહીં પણ બે ગવર્નર મુંબઈને મળ્યા હતા. એમાં પહેલા તે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન. ૧૭૭૯ના ઑક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ, ૧૮૫૯ના નવેમ્બરની ૨૦ તારીખે અવસાન. ૧૮૧૯થી ૧૮૨૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર રહ્યા. માત્ર મુંબઈ શહેરમાં જ નહીં, આખા મુંબઈ ઇલાકામાં તેમણે ગુજરાતી-મરાઠી જેવી સ્થાનિક ભાષાઓમાં, પણ અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલો શરૂ કરાવી. એ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ માટે સ્થાનિક ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યાં. બીજાં અનેક લોકોપયોગી કામો કર્યાં. ગવર્નરના પદેથી નિવૃત્ત થયા પછી સ્વદેશ પાછા ગયા અને હિન્દુસ્તાનનો વિસ્તૃત ઇતિહાસ લખવાના કામમાં એવા ડૂબી ગયા કે એક નહીં બે વખત હિન્દુસ્તાનના વાઇસરૉય થવાની ઑફર આવી ત્યારે સવિનય પાછી વાળી. એક જમાનામાં આખા મુંબઈ ઇલાકામાં અગ્રણી ગણાતી ધોબીતળાવ પાસે આવેલી એલ્ફિન્સ્ટન સ્કૂલ અને કાલા ઘોડા પાસે આવેલી એલ્ફિન્સ્ટન કૉલેજ સાથે તેમનું નામ સાંકળવામાં આવ્યું.
બીજા તે જૉન એલ્ફિન્સ્ટન, તેરમા અને છેલ્લા લૉર્ડ એલ્ફિન્સ્ટન. આ લૉર્ડસાહેબનો જન્મ ૨૩ જૂન ૧૮૦૭, અવસાન ૧૯ જુલાઈ ૧૮૬૦. કહેવાય છે કે જુવાનવયે રાણી વિક્ટોરિયા અને આ એલ્ફિન્સ્ટનસાહેબ પ્રેમમાં પડેલાં અને એટલે તેમને મદ્રાસ (ચેન્નઈ)ના ગવર્નર બનાવીને ગ્રેટ બ્રિટનની બહાર મોકલી દેવાયેલા. ૧૮૪૫માં પાછા ગ્રેટ બ્રિટન. એટલું જ નહીં, રાણી વિક્ટોરિયાના ખાસ મદદગાર તરીકે નિમણૂક મેળવી. ફરી એ જ પ્રેમપ્રકરણ. એટલે તેમને મોકલી દીધા મુંબઈના ગવર્નર તરીકે. ૧૮૫૩ના ડિસેમ્બરની ૨૬ તારીખથી ૧૮૬૦ના મે મહિનાની ૧૧મી સુધી તેઓ મુંબઈના ગવર્નરપદે રહ્યા. એટલે કે ૧૮૫૭ના સ્વતંત્રતા-સંગ્રામ વખતે તેઓ મુંબઈના ગવર્નર હતા. કંપની સરકારે જેમની નિમણૂક કરી હોય એવા તેઓ મુંબઈના છેલ્લા ગવર્નર. ૧૮૫૮માં હિન્દુસ્તાનમાં તાજનું રાજ સ્થપાયું એટલે તેમના પછીના ગવર્નરોની નિમણૂક ગ્રેટ બ્રિટનનાં રાણી કે રાજા કરતાં.
એલ્ફિન્સ્ટન બ્રિજના તોડકામના સમાચાર છાપતી વખતે એક પણ અખબારને એવો સવાલ ન થયો કે જો આ બ્રિજ ૧૯૧૩માં બંધાયો હોય તો એની સાથે ૧૮૬૦માં મૃત્યુ પામેલા ગવર્નર એલ્ફિન્સ્ટનનું નામ ૫૩ વરસ પછી શા માટે જોડવામાં આવે? હા, ઓગણીસમી સદીમાં ગવર્નરો કે બીજા ઊંચા હોદ્દાના અંગ્રેજોનાં નામ જાહેર સ્થળો સાથે જોડાતાં ખરાં, પણ એ કાં તેમના મુંબઈમાંના શાસનકાળ દરમ્યાન કે છેવટે તેમના જીવનકાળ દરમ્યાન.
અલબત્ત, મુંબઈનાં બીજાં ત્રણ જાહેર સ્થળો સાથે ગવર્નર લૉર્ડ એલ્ફિન્સ્ટનનું નામ જોડાયેલું હતું, પણ તેમની હયાતી દરમ્યાન. આજે આપણે જેને હૉર્નિમન સર્કલ કહીએ છીએ એનું આગલું નામ હતું એલ્ફિન્સ્ટન સર્કલ. બીજું, ડિલાઇલ રોડના ઉત્તર છેડાથી પરળ રોડ સુધી જતા રસ્તાને એલ્ફિન્સ્ટન રોડ નામ આપવામાં આવેલું. ૧૮૫૩માં મુંબઈમાં ટ્રેન શરૂ થઈ એ પછી ઘણાં સ્ટેશનોનાં નામ એની નજીકના કોઈ રસ્તા પરથી પાડવામાં આવ્યાં. જેમ કે ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ, સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન. એવી જ રીતે એલ્ફિન્સ્ટન રોડ નજીક આવેલા BCCI રેલવે (આજની વેસ્ટર્ન રેલવે)ના એક સ્ટેશનનું નામ પડ્યું એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન. ૧૮૬૭ના એપ્રિલ મહિનાની ૧૨ તારીખે BCCI રેલવે કંપનીએ વિરાર અને બૅકબે સ્ટેશનો વચ્ચે પહેલી લોકલ ટ્રેન દોડાવી. એ વખતે એ લાઇન પર જે ૧૦ સ્ટેશન હતાં એમાં એલ્ફિન્સ્ટન રોડનું નામ જોવા મળતું નથી. દાદર પછી સીધું ગ્રાન્ટ રોડ સ્ટેશનનું નામ જોવા મળે છે. એટલે ૧૮૬૭માં પણ એપ્રિલની ૧૨ તારીખ પછી ક્યારેક એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન બંધાઈને શરૂ થયું હશે. અલબત્ત, રસ્તાનું નામ ‘એલ્ફિન્સ્ટન રોડ’ પહેલાં પડ્યું હશે અને પછી એના પરથી સ્ટેશનનું નામ પડ્યું હશે. વિદાય લઈ ચૂકેલા ગવર્નરનાં નામ આપવાનો ચાલ એ વખતે હતો. જ્યાં દેખાય ત્યાંથી અંગ્રેજોનાં નામ હટાવવાનો વાયરો વાયા પછી એ સ્ટેશનનું નામ પડ્યું છે પ્રભાદેવી.
૨૦૨૬ની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન બ્રિજ તોડવામાં આવ્યો એ પહેલાંના એના ફોટો જોઈએ તો એ બ્રિજ આખો પથ્થરનો બાંધેલો હતો એવું જણાશે. હવે વીસમી સદીની શરૂઆતમાં તો આવા પથ્થરના બ્રિજ બનતા નહીં, સ્ટીલના ગર્ડર અને પિલરના બ્રિજ બનતા. અલબત્ત, એવા પુલ બાંધવાની સામગ્રી ગ્રેટ બ્રિટનથી લાવવામાં આવતી. જોકે ૧૯મી સદીમાં જે પુલ બંધાયા એ બધા જ પથ્થરના હતા. ગોળાકાર કમાનો, જાડી-મજબૂત દીવાલો, નીચે આવેલા રસ્તા પરથી પુલ પર જવા માટેનાં પથ્થરનાં સીધાં પગથિયાં વગેરે એની નજરે ચડે એવી લાક્ષણિકતાઓ. પથ્થરના બાંધેલા પુલની નીચેથી ટ્રેન અને ઉપર પથ્થરના પુલ પરથી બીજાં વાહનો અને રાહદારીઓની આવનજાવન થતી હોય તો એ સમજી શકાય એમ છે.
પણ વેઇટ અ મિનિટ. ૨૦૨૬ની શરૂઆતમાં આ પુલ તોડ્યો ત્યારે એક કોતરેલો પથ્થર, એક તકતી મળી આવી છે એનું શું? એ પથ્થર પર કોતર્યું છે : GIPR 1913 CONTRACTOR BOMANJI RUSTOMJI. એનો અર્થ એવો ન થાય કે ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવેએ આ બ્રિજ ૧૯૧૩માં બંધાવ્યો હતો અને એ બાંધવા માટેના કૉન્ટ્રૅક્ટર હતા બમનજી રુસ્તમજી. એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં બંધાયો હતો એ અંગે આનાથી વધુ સચોટ પુરાવો બીજો કયો હોઈ શકે?
આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે કેટલીક કાનૂની બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. રેલવેલાઇન પર બ્રિજ બાંધવાનું કામ મ્યુનિસિપાલિટીનું કે બીજી કોઈ સરકારી એજન્સીનું, પણ પુલનો જેટલો ભાગ રેલવેની હદ પરથી પસાર થતો હોય એટલો ભાગ બાંધવાનો અને એની જાળવણી કરવાનો ખર્ચ હંમેશ માટે રેલવેએ ભોગવવાનો. બ્રિટિશ શાસન દરમ્યાન આપણા દેશમાં રેલવેની માલિકી ખાનગી કંપનીઓની હતી, જ્યારે પુલોનું બાંધકામ PWD જેવી સરકારી એજન્સીઓ કરતી એટલે આવી વ્યવસ્થા થઈ હોય. હવે જ્યારે આ બ્રિજનો અસલનો ટ્રેનના પાટા પરથી પસાર થતો પથ્થરનો ભાગ તોડીને એની જગ્યાએ સ્ટીલના ગર્ડર-થાંભલા વગેરે બેસાડ્યા ત્યારે એ કામ રેલવેની હદમાં થયેલું એટલે એનો ખર્ચ એ વખતની GIP રેલવેએ ભોગવ્યો હોય. એ જમાનામાં ખાનગી માલિકીની રેલવે કંપનીઓ આવાં કામોમાં માત્ર પોતાના હિસ્સાની જ નોંધ રાખતી. એટલે આ પથ્થર એટલું જ જણાવે છે કે આ પુલનો સ્ટીલનો ભાગ GIP રેલવેએ ૧૯૧૩માં બંધાવેલો. બ્રિજમાં વપરાયેલા સ્ટીલના એક ગર્ડર પર આ પ્રમાણે લખેલું જોવા મળે છે : ‘P & W MacLellan Ltd., Glasgow’. એનો અર્થ તો એટલો જ થાય કે ટ્રેનના પાટા ઉપરથી પસાર થતા બ્રિજના ગર્ડર આ કંપનીએ બનાવેલા, આખો બ્રિજ નહીં. આ બ્રિજ તોડ્યો ત્યારે પણ એનો બાકીનો ભાગ પથ્થરનો જ હતો. એ જમાનામાં ગ્લાસગોની આ એક ઘણી જાણીતી કંપની હતી અને હિન્દુસ્તાનની ઘણી રેલવે કંપનીઓને એ સ્ટીલનો સામાન પૂરો પાડતી હતી.
પણ એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહીં પણ ૧૮૬૮માં બંધાઈ રહ્યો હતો એનો ખાતરીભર્યો પુરાવો તો આ લખનારને જોવા મળેલી એક નાનકડી ચબરખી આપે છે. કોઈ અખબારી કે સરકારી અહેવાલના ઉતારા જેવી આ ચબરખીમાં નીચે પ્રમાણે લખ્યું છે (જુઓ સાથેનો ફોટો):
The over-bridges opened for traffic at the following dates and at the expenditure named against each: -
Carnac Bridge, October 16th, 1868 ............Rs. 2,33,487
Elphinstone Bridge, November 3rd, 1868 Rs. 2,13,239
Masjid Bridge, November 28th, 1868 ........Rs. 1,91,793
Total Rs. 6,38,519
એટલે કે પથ્થરનો એલ્ફિન્સ્ટન બ્રિજ ૧૯૧૩માં નહીં પણ ૧૮૬૮માં બંધાયો હતો ઇતિ સિદ્ધમ. આજે એ બ્રિજ તોડવાનો ખર્ચ પાંચ કરોડ રૂપિયા જેટલો થયો, જ્યારે ૧૮૬૮માં એ બ્રિજ બાંધવાનો ખર્ચ થયો હતો રૂપિયા ૨,૩૩,૪૮૭. અલબત્ત, એ વખતે આખો બ્રિજ પથ્થરનો જ બનેલો હતો, કર્નાક બ્રિજ અને મસ્જિદ બ્રિજની જેમ. હકીકતમાં ૧૯મી સદીમાં મુંબઈમાં બધા બ્રિજ પથ્થરના જ બનતા. સ્ટીલના બ્રિજ વીસમી સદીમાં બંધાવા લાગ્યા.
એટલે કે ૨૦૨૬ના એપ્રિલની પાંચમી તારીખે જે બ્રિજ તોડવામાં આવ્યો એ ૧૯૧૩માં નહીં, ૧૮૬૮માં બંધાયો હતો અને મુંબઈના ૩ જૂનામાં જૂના બ્રિજમાંનો એક હતો.
આવતે શનિવારે લઈશું મુંબઈના બીજા કોઈ બ્રિજની મુલાકાત.
