Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ‘ખિચડી’ની પોતાની એક અલગ દુનિયા છે, જેની કરન્સી છે હાસ્ય

‘ખિચડી’ની પોતાની એક અલગ દુનિયા છે, જેની કરન્સી છે હાસ્ય

Published : 09 November, 2023 02:02 PM | IST | Mumbai
JD Majethia

પાકિસ્તાન અને હિન્દુસ્તાનના જન્મ પછી ‘ખિચડી’એ જન્મ કરાવ્યો છે પાનથૂકિસ્તાન નામના દેશનો, જેની વિઝિટ લેવા માટે તમને પાસપોર્ટ-વિઝા કે પછી ફ્લાઇટની મોંઘીદાટ ટિકિટની જરૂર નથી પડવાની

આજના સમયમાં જો સૌથી સહેલું કંઈ હોય તો એ છે રડાવવું કે હસાવવું, પણ જો સૌથી વધારે અઘરું હોય તો એ છે કોઈને હસાવવું. અમે એને માટે પ્રયાસ કર્યા છે અને એ પ્રયાસને તમે સફળ બનાવશો એની અમને ખાતરી છે.

આજના સમયમાં જો સૌથી સહેલું કંઈ હોય તો એ છે રડાવવું કે હસાવવું, પણ જો સૌથી વધારે અઘરું હોય તો એ છે કોઈને હસાવવું. અમે એને માટે પ્રયાસ કર્યા છે અને એ પ્રયાસને તમે સફળ બનાવશો એની અમને ખાતરી છે.


બધા અમને પૂછે છે કે આ ‘ખિચડી’ થિયેટર પર શું કામ, આ મૂવીમાં એવું તે શું છે કે તમે આ પિક્ચર દિવાળી ટાઇમે, આવો મોટો ક્રિકેટ વર્લ્ડ કપ ચાલે છે એની વચ્ચે લઈને આવ્યા. તો હું તમને થોડું પાછળ લઈ જવાની કોશિશ કરીશ. તમે મારા આર્ટિકલ વાંચ્યા છે, કોવિડ સમયના મારા આર્ટિકલ તમને યાદ હોય તો તમને ખબર હશે કે અલ્ટિમેટલી અમારી એક જ મકસદ હોય છે, એક જ ઇચ્છા હોય છે કે આપણે એવું કરીએ જે લોકોના જીવનમાં, રોજબરોજની લાઇફમાં જે માહોલ છે એ વધુ સારો બને, સ્ટ્રેસ-ફ્રી થાય અને આનંદથી, હસીખુશીથી સાથે રહે. કોવિડની વાત પર ફરી પાછો આવું તો એ સમયે યુનાઇટેડ ઑર્ગેનાઇઝેશનની પણ વાત એ જ હતી કે કોવિડ તો જતો રહેશે, પણ એની અસરના ભાગરૂપે લોકો વચ્ચે ડિપ્રેશનનું પ્રમાણ વધશે તો એની વચ્ચે એક વાત હતી કે આપણે આટલા વખત વર્ષોથી મનોરંજન આપ્યું છે અને એની સામે આપણને આટલો પ્રેમ અને રિસ્પેક્ટ મળ્યાં છે તો આપણે એ જ દિશાને વધારે આગળ લઈ જઈએ અને નવેસરથી આપણા દર્શકો સાથે સંબંધનો તાર જોડીએ, જેથી એ લોકો હળવાફૂલ થાય અને બધાને ખુશી મળે. હવે તમને કહી દઉં કે અમારે માટે અમારા બધા પ્રેક્ષકો એ માત્ર ઑડિયન્સ નથી, પણ અમારે માટે એ સૌ અમારી ફૅમિલી જ છે એટલે વિચાર ચાલતાં-ચાલતાં આગળ વધ્યા અને અમારા મનમાં એક વાત સ્પષ્ટ થઈ કે સ્વજનોને આપણે હળવાશ આપવી હોય તો કશુંક એવું કરવું જોઈએ જે તેમને સ્ટ્રેસમાંથી મુક્તિ આપે, તેમના જીવનમાંથી ડિપ્રેશન નીકળી જાય અને એ વાતોની વચ્ચે જ વિચાર આવ્યો કે ‘ખિચડી’ અને અમને થયું કે આ બેસ્ટ વાત છે, આપણે ‘ખિચડી’ વિશે જ વિચારવું જોઈએ અને એ જ વખતે મારા પાર્ટનર, ફ્રેન્ડ અને ‘ખિચડી’ના જનક એવા આતિશ કાપડિયાએ એક વનલાઇન સંભળાવી. જો તમે ટ્રેલર જોયું હોય તો એ વનલાઇન એમાં વાપરી છે.


ચૌદહ અગસ્ત કો પાકિસ્તાન આઝાદ હુઆ, પંદ્રહ અગસ્ત કો હિન્દુસ્તાન આઝાદ હુઆ ઔર સોલહ અગસ્ત કો પાનથૂકિસ્તાન આઝાદ હુઆ એટલે આ અમે એક કાલ્પનિક દેશ બનાવ્યો છે. આ કાલ્પનિક દેશની સફરમાં તમને બહુ મજા આવવાની છે એની ગૅરન્ટી હું આપું છું. અહીં હું તમને એક નાનકડું ઉદાહરણ આપું છું.



તમારે જો અબ્રૉડ ફરવા જવું હોય તો એને માટે તમારે મોંઘીદાટ ટિકિટ લેવી પડે, વિઝા લેવા પડે, હોટેલ-બુકિંગ અને બીજી બધી પ્રોસેસ પણ કરવી પડે અને પછી એ દેશ જોવા માટે ખૂબ બધા દિવસો આપવા પડે, પણ અહીં પાનથૂકિસ્તાન એક એવો દેશ છે જ્યાં જવા માટે તમારે નજીકમાં નજીકના થિયેટર સુધી જ જવાનું છે અને સામાન્ય કહેવાય એવી ૧૫૦-૨૦૦ રૂપિયાની ટિકિટ લેવાની છે. કોઈ વિઝાની કે પાસપોર્ટની જરૂર નથી અને બસ, થિયેટર પર જઈને તમારે હાસ્યની દુનિયામાં વિહરવાનું છે. અરે, હું તો તમને કહીશ કે પાનથૂકિસ્તાનની સફર દરમ્યાન અમે તમને સ્વિટ્ઝરલૅન્ડ પણ લઈ જઈશું, આપણા ગુજરાતીના ફેવરિટ એવા ગુજરાતના માંડવીના કચ્છનો દરિયાકિનારો પણ લઈ જઈશું, તો સાથોસાથ તમને વાઇટ ડિઝર્ટની મજા પણ કરવા મળશે. તમે ‘ખિચડી’માં એવા ગુજરાતને જોશો, ત્યાંની બ્યુટી જોશો અને એની સાથોસાથ તમે એ આખું વાતાવરણ માણશો જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. હું તો કહીશ કે તમે જોયાં ન હોય એવાં-એવાં લોકેશન ગુજરાતનાં અહીં જોવા મળશે જે જોઈને તમે એના પ્રેમમાં પડી જશો. હું તો કહીશ કે વિદેશનાં રમણીય લોકેશન કરતાં આપણા ગુજરાતનાં લોકેશન વધારે ખૂબસૂરત છે.


પાનથૂકિસ્તાન નામના આ દેશની સાથોસાથ ‘ખિચડી’નાં એ બધાં આઇકૉનિક પાત્રો પણ તમને મળવાનાં છે જે પાત્રોએ તમારું આટલાં વર્ષો સુધી મનોરંજન કર્યું છે. આ બધાં પાત્રો અહીં એક નવી જ ઊંચાઈએ પહોંચે છે એ પણ તમને કહી દઉં. તેમનાં તોફાનો પણ એ સ્તરનાં છે અને તેમની મસ્તીઓ પણ એ જ લેવલ પર પહોંચી છે. તેઓ ભગા પણ એવા વાળે છે જે જોઈને હસવું કે રડવું એની કલ્પના ન થઈ શકે અને એ જ બધા આખી વાતનું સોલ્યુશન કરે ત્યારે તેમને ભેટવું કે પછી તેમને માટે ઊભા થઈને તાળીઓ પાડવી એ પણ તમને સમજાશે નહીં, પણ સરવાળે તમને ‘ખિચડી’ની એ આખી ટીમ પેટ પકડીને હસાવશે અને મન મૂકીને પ્રેમ પણ કરાવશે.

આજ સુધી એવું હતું કે તમે ‘ખિચડી’નાં આ બધાં આઇકૉનિક પાત્રોને ઘરમાં બેસીને જોતા અને પરિવારના ત્રણ-ચાર લોકો વચ્ચે તમે એની મજા માણતા, પણ આ વખતે એ હવે બદલાવાનું છે. હવે તમારે એ પાત્રોને ૫૦૦-૭૦૦ની ઑડિયન્સ સાથે માણવાનાં છે અને એક વાત કહીશ કે બેચાર વ્યક્તિ બેઠી હોય ત્યારે અને ૫૦૦ લોકો સાથે થિયેટરમાં બેઠા હોઈએ ત્યારે હસવાની મજા સાવ બદલાઈ જાય. આ જે હાસ્ય છે એ ચેપી છે. હા, ખરેખર એ ચેપી છે.


સમૂહમાં બેઠા હો અને એ સમયે એકને હસવું આવે એટલે બીજા ચાર હસે અને બીજા ચાર હસે એટલે બીજા ચાલીસ પણ ખડખડાટ હસવા માંડે. ‘ખિચડી’ આ હસવાની જે રાઇડ છે એ રાઇડને ચલાવવાનું કામ કરે છે એમ કહું તો સહેજ પણ ખોટું નહીં કહેવાય. તમે સાંભળ્યું હશે કે સ્ટેડિયમમાં મૅચમાં મેક્સિકન વેવ પ્રસરી ગયો. બસ, એવો જ મેક્સિકન વેવ ‘ખિચડી’ આખા થિયેટરમાં પ્રસરાવી દેશે એની હું તમને ખાતરી આપું છું. જ્યાં જુઓ ત્યાં લોકો ખડખડાટ હસતા હશે અને જ્યાં નજર કરશો ત્યાં તમને લોકોના ચહેરા પર શાંતિ જોવા મળશે. આ જે અનુભવ છે એ અનુભવ તમને ત્યારે જ થશે જ્યારે તમે થિયેટરમાં જઈને એનો અનુભવ કરશો. આ જ અનુભવ છે એ અનુભવ માટે, ‘ખિચડી’ બનાવવા માટે જે સાધનસામગ્રી જોઈતી હોય, જેની જરૂર પડી હોય એ બધેબધું અમે તમારે માટે લાવ્યા છીએ.

આજકાલ છેને આપણે ત્યાં લોકોને સિનેમા જોવા જવાનું ત્યારે જ ગમે છે જ્યારે તે એનો લહાવો લઈ શકે, જેને માટે એક સરસ શબ્દ એ લોકો વારંવાર બોલે છે. એક્સ્પીરિયન્સ. ફિલ્મ જોવાનો એક્સસ્પીરિયન્સ લેવાની આ જે વાત છે એને હું એક ડગલું આગળ લઈ જઈને કહીશ કે ‘ખિચડી’ તમારા માટે એક એવો એક્સ્પીરિયન્સ હશે જે તમે આજીવન યાદ રાખશો અને તમારી સાથે તમારી આખી ફૅમિલી પણ યાદ રાખશે. આ જ તો કારણ છે કે હું કહેતો આવ્યો છું કે તમને ‘ખિચડી’ જોવાનું વધારે સરળ કરવું હોય અને તમે તમારી સંસ્થા, ક્લબ, મંડળ જો કોઈને આ ફિલ્મ દેખાડવા માગતા હો તો એક કામ કરજો. આ આર્ટિકલ સાથે જે મારો મેઇલ-આઇડી આવે છે એના પર મને તમારા મોબાઇલ નંબર મોકલી દેજો, અમારી ટીમ તમને કૉન્ટૅક્ટ કરશે અને આ બધું હું શું કામ કરું છું ખબર છે, માત્ર તમારે માટે.

હું ઇચ્છું છું કે મારો ભાઈ, મારાં ભાભી, મારાં અન્કલ-આન્ટી અને મારા ભત્રીજા-ભાણેજો સાથે મળીને તેમના આ જેડીએ જે ગિફ્ટ મોકલી છે એને માણે, મન મૂકીને હસે અને પ્રેમથી બધાને હાસ્યની ખુશી આપે. આજના સમયમાં જો સૌથી સહેલું કંઈ હોય તો એ છે રડાવવું કે હસાવવું, પણ જો સૌથી વધારે કંઈ હોય તો એ છે કોઈને હસાવવું. અમે એને માટે પ્રયાસ કર્યા છે અને એ પ્રયાસને તમે સફળ બનાવશો એની અમને ખાતરી છે.

મળીએ ‘ખિચડી’ની બીજી વાતો સાથે આવતા ગુરુવારે, પણ એ પહેલાં જો કોઈને કંઈ જાણવું હોય, કહેવું હોય કે પૂછવું હોય તો મને અત્યારે જ મારા આ ‘મિડ-ડે’ના મેઇલ-આઇડી પર ઈ-મેઇલ કરી દેજો.

કિસી કો પતા ભી નહીં ચલેગા...

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2023 02:02 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK