પૂરેપૂરી રૉયલ્ટી ચૂકવી દીધા પછી પણ પ્રોજેક્ટ બનતો નહોતો એટલે ધીરુબહેન મને ફોન કરીને આવું કહે. આવી ઈમાનદારી, આવી પ્રામાણિકતા આજના સમયમાં ક્યાં કોઈનામાં જોવા મળે છે?
ધીરુબહેન પટેલ સાથેની અંતિમ મુલાકાતનું સુખદ સંભારણું.
આપણે વાત કરીએ છીએ આપણી ગુજરાતીનાં બહુ લોકલાડીલા અને પ્રસિદ્ધ લેખિકા ધીરુબહેન પટેલની, તેમની નવલકથા ‘એક ડાળ મીઠી’ની અને નિયતિની. તમને કહ્યું એમ ધીરુબહેનની ઇચ્છા આ નવલકથા પરથી ફિલ્મ બનાવવાની હતી; પણ અમે તેમને સિરિયલ માટે સમજાવ્યાં, તેઓ માની ગયાં અને વાર્તા સાંભળીને જ એક મોટી ચૅનલે અમને શો માટે હા પાડી દીધી. પાઇલટ એપિસોડની તૈયારી કરવાની હતી અને એના માટે કાસ્ટિંગ કરવાનું હતું, પણ ત્યાં જ એવું બન્યું કે મારે આ આખા પ્રોજેક્ટમાંથી બે-ત્રણ મહિના કટ-ઑફ થઈ જવું પડ્યું.
બન્યું એમાં એવું કે સ્ટાર પ્લસ એક શો લાવતું હતું ‘સર્વાઇવલ’, જેના માટે મને એ લોકોએ એક કન્ટેસ્ટન્ટ તરીકે પસંદ કર્યો. આ જે શો છે અને એ શોમાં જે અનુભવો થયા હતા એની તો અલગ વાત કરવી જ પડે એવું મને લાગે છે. ‘સર્વાઇવલ’ મૂળ તો એક સ્વીડિશ રિયલિટી શો છે. એ ત્યાં એટલો પૉપ્યુલર થયો છે કે ન પૂછો વાત. ‘સર્વાઇવલ’ શો આપણે ત્યાં હિન્દીમાં ૨૦૧૨ના વર્ષમાં એક વાર બન્યો અને એ પછી સીધો આ શો ૨૦૨૧માં તમિલમાં બન્યો. આ શોના કેટલાક નિયમો છે. તમારે તમારી ફૅમિલીથી દૂર એક ટાપુ પર રહેવા માટે ચાલ્યા જવાનું. કોઈ પ્રકારનો તમારે દુનિયા સાથે સંપર્ક નહીં રાખવાનો અને સર્વાઇવ થવાનું. આ શોમાં હું પસંદ થયો એટલે એની થોડા દિવસની વર્કશૉપ અને એ પછી મારે જવાનું આવ્યું ફિલિપિન્સના કેરામોન નામના આઇલૅન્ડ પર. હું એ શોમાં રનર્સઅપ રહ્યો જે તમારી જાણ ખાતર. આ ટાપુ પર બે મહિના રહ્યો એ દરમ્યાન હું નિયમ મુજબ કોઈના પણ સંપર્કમાં નહોતો. ત્યાંથી પાછો આવ્યો ત્યારે મને મારા મિત્ર-કમ-પાર્ટનર એવા આતિશ કાપડિયાએ ‘એક ડાળ મીઠી’ શોમાં થયેલા અપડેટની બધી વાત કરી અને મને કાસ્ટિંગથી માંડીને પાઇલટ એપિસોડ સબમિટ થયો ત્યાં સુધીની બધી વાત ખબર પડી. અમે તો અમારા કામે લાગી ગયા અને વિધિએ પોતાનો ખેલ દેખાડ્યો.
ADVERTISEMENT
અમુક કારણોસર આ શો પોસ્ટપોન થયો અને પછી બસ એ પોસ્ટપોન જ થયા કર્યો. મને ધીરુબહેન ઘણી વાર પૂછતાં કે જમનાદાસભાઈ, હું આ શો જોઈને જઈશને? અને હું તેમને કહેતો કે હું કોઈ હિસાબે એને પડતો નહીં મૂકું, હું મારા પૂરા પ્રયત્નો કરતો રહીશ. પણ શું કહું, ધીરુબહેનની હયાતીમાં શો થયો જ નહીં; પણ હા, હું મહેનત કરતો રહ્યો. તેમને એક વાતનો બહુ અફસોસ હતો કે મેં તેમને પૂરું પેમેન્ટ કરી દીધું હતું. હા, રૉયલ્ટીના બધા પૈસા ચૂકવી દીધા હતા એટલે તેઓ મને ઘણી વાર કહેતાં પણ ખરાં કે તમે આ પૈસા પાછા લઈ લો અને ત્યારે હું કહેતો કે તમે તમારું કામ કરી લીધું છે; પણ મારું કામ બાકી છે એટલે તમે સહેજ પણ સંકોચ ન રાખો, બોજ નહીં માનો. મારે તમને બધાને પણ કહેવું છે કે આટલી ઈમાનદારી અને એ પણ બન્ને પક્ષે આજના સમયમાં બહુ ઓછી જોવા મળે છે.
થોડા સમય પહેલાં તેઓ મુંબઈથી અમદાવાદ શિફ્ટ થયાં અને એ પછી પણ અમે સંપર્કમાં રહ્યાં. હા, સંપર્ક અકબંધ રહ્યો એની પાછળનું કારણ પણ એ જ. મહિનામાં એકાદ વાર તો તેઓ અચૂક ફોન કરે, મારું કામ કેમ ચાલે છે એ પૂછે, મારી દીકરીઓના વિકાસ વિશે પૂછે, બા-બાપુજીના ખબરઅંતર લે અને પછી મારી પાસે ઉઘરાણી કરે.તમને થશે કે હમણાં તો મેં તમને કહ્યું કે મેં પૂરું પેમેન્ટ ચૂકવી દીધું હતું તો પછી તેઓ મારી પાસે ઉઘરાણી કઈ વાતની કરે? તો એ પણ કહીશ, પણ પછી. હા, તેમની ઉઘરાણી એક ક્રીએટિવ કામની જ હતી.
‘એક ડાળ મીઠી’ નવલકથાની વાત કરું તો તેમણે જ્યારે આ નવલકથા લખી એ સમયે એ બહુ આગળ હતી. અફકોર્સ, એ સમયને પણ તેમણે ન્યાય આપ્યો હતો, પણ સાથોસાથ વિચારોની દૃષ્ટિએ નવલકથા ઘણી આગળ હતી. આ નવલકથા એક સુંદર લવ-સ્ટોરી છે, પણ લવ-સ્ટોરીની સાથોસાથ એમાં આપણા સમાજમાં ચાલતા કુરિવાજોની પણ એમાં વાત હતી. સંસારમાં રહેલો કોઈ સૌથી મોટો કુરિવાજ હોય તો એ છે દહેજ. આ દહેજે કેટકેટલા સંસારો બરબાદ કર્યા છે. અરે, ધીરુબહેન સાથે મારે આ વિશે વાત થઈ ત્યારે ધીરુબહેને આ પ્રથા કેવી રીતે શરૂ થઈ એ આખી વાત પણ સમજાવી હતી. એ વાત જાણવા જેવી છે.
પહેલાંના સમયમાં દીકરીના લગ્નપ્રસંગે તેને સોનું અને બીજા જે દાગીના આપવામાં આવતાં એની પાછળ માબાપની એવી માનસિકતા હતી કે લગ્ન પછી દીકરીનો તેનાં માબાપના ઘરમાં કોઈ હક રહે નહીં. માબાપની ગેરહાજરીમાં પછી જે કંઈ હોય એ બધું ભાઈઓનું એટલે માબાપ પોતે જ પોતાના જીવતાં જ દીકરીને તેનો ભાગ આપી દેતાં અને તેને હસતા મોઢે વિદાય કરતાં. માબાપે શરૂ કરેલી આ સરસ મજાની વાત પછી તો પ્રથા બની ગઈ અને પછી તો દીકરાવાળાઓને એ હક લાગવા માંડ્યો અને એ લોકોએ માગણી શરૂ કરી દીધી કે અમે દીકરાને આટલો ભણાવ્યો છે, આટલો મોટો કર્યો છે તો તમે અમને શું આપશો? અરે, આવું તે હોતું હશે? હું તો કહીશ કે દીકરીનાં માબાપને છોકરાવાળાએ સામેથી આપવું જોઈએ અને શું કામ આપવું જોઈએ એવું કોઈ પૂછે તો મારી પાસે એનો જવાબ પણ છે.
તેઓ તમને આખેઆખી એક વ્યક્તિ આપી દે છે જે તમારા ઘરનાં તમામ કામ એવી રીતે કરે છે જાણે કે તમે જ તેનાં માબાપ છો. તે તમને સાચવી લે છે, છોકરાની જવાબદારી ઓછી કરે છે અને સૌથી મેઇન વાત, છોકરાનો વંશ આગળ વધારે છે. જો આ બધું વિચારો તો તમને સમજાય કે ખરેખર તો છોકરાવાળા છોકરી પક્ષના આભારી રહેવા જોઈએ અને તેમને સાચવવા જોઈએ. જોકે ઊલટું થયું અને દહેજ આપણે ત્યાં કુરીત બની ગઈ. આ દહેજે ખૂબબધી છોકરીઓનો ભોગ લીધો. કેટકેટલાં સુસાઇડ થયાં તો કેટલીયે છોકરીઓએ ડિવૉર્સ લીધા અને અનેક છોકરીઓએ આ બધી પીડાઓ સહન કરતાં-કરતાં પોતાનું આખું જીવન કાઢ્યું અને સંસાર નિભાવી લીધો. પેલું કહે છેને, પડ્યું પાનું નિભાવી લીધું જેવું. જોકે તમે જ કહો, શું એ સંસારમાં રહીને તે બીજા લોકોને ખુશ રાખી શકે? પહેલે પગલેથી જેણે ઘરમાં આ બધું જોયું હોય, અનુભવ્યું હોય તે છોકરી કેવી રીતે સુખ જોઈ શકે? માણી શકે? બહુ પીડાજનક અવસ્થા છે આ. આ છોકરીને ખરેખર એ વાતનો અફસોસ થવા લાગતો હોય છે કે પોતે શું કામ છોકરી બનીને જન્મી? તે ક્યારેય પછી ક્યાંય સંપૂર્ણ રીતે ભળી નથી શકતી. સમાજે આ દિશામાં ખરેખર કામ કરવાની જરૂર છે એવું મને અંગત રીતે લાગે છે.
‘એક ડાળ મીઠી’ને અનેક લોકો દહેજની વાર્તા કહે છે, પણ હું એને એક પ્રેમકથા કહું છું જેમાં વિલન છે એ દહેજ છે. અમે પણ એ જ દિશામાં કામ કર્યું છે અને ‘એક રીત જગત કી ઐસી હૈ’ને એ જ ઢાંચામાં તૈયાર કરી છે. અમારી આ સિરિયલ ઑન-ઍર થઈ એના પહેલા એપિસોડની પહેલી જ ફ્રેમમાં અમે ધીરુબહેન પટેલનો ફોટો દેખાડ્યો અને એ પછી ધીરુબહેન પટેલ પર એક નાનકડી સ્પીચ આપી, તેમણે કરેલાં કાર્યો વિશે વાત કરી અને આમ અમારી સિરિયલ દ્વારા તેમના પુનઃજન્મમાં અમે નિમિત બન્યા.


