Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > યુદ્ધભૂમિઓ પર પાંગરેલી શૌર્યગાથાઓના ઇતિહાસને નજરોનજર માણવાનું ટૂરિઝમ

યુદ્ધભૂમિઓ પર પાંગરેલી શૌર્યગાથાઓના ઇતિહાસને નજરોનજર માણવાનું ટૂરિઝમ

Published : 23 February, 2025 04:32 PM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ૭૭મા આર્મી દિને ભારતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી ‘રણભૂમિ-ઍપ’ અને ‘ભારત રણભૂમિ દર્શન’ વેબસાઇટ લૉન્ચ કરી છે.

લદ્દાખમાં જ્યાં યુદ્ધો થયાં હતાં એ ગલવાન ઘાટી અને કારગિલની યુદ્ધભૂમિ પર લોકો જઈ શકશે.

કવર સ્ટોરી

લદ્દાખમાં જ્યાં યુદ્ધો થયાં હતાં એ ગલવાન ઘાટી અને કારગિલની યુદ્ધભૂમિ પર લોકો જઈ શકશે.


રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ૭૭મા આર્મી દિને ભારતના સમૃદ્ધ ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી ‘રણભૂમિ-ઍપ’ અને ‘ભારત રણભૂમિ દર્શન’ વેબસાઇટ લૉન્ચ કરી છે. એમાં નાગરિકો મુલાકાત લઈ શકે અને ઇતિહાસ જાણી શકે એવાં ૭૭ શૌર્યસ્થળો શૉર્ટલિસ્ટ કર્યાં છે. આ પહેલ માત્ર સૈન્યના ઇતિહાસને ઉજાગર કરવા માટે જ નહીં; રાષ્ટ્રપ્રેમ, ઐતિહાસિક જાગૃતિ અને સ્થાનિક વિકાસ માટે પણ મોટી તક ઊભી કરી રહી છે

દેશ નાનો હોય કે મોટો; પછાત, વિકાસશીલ હોય કે વિકસિત; ટકી રહેવા માટે યુદ્ધની નિયતિ ટાળી નથી શકતો. સદીઓથી એવાં યુદ્ધોની ગાથા સાંભળવાનું આપણને સૌને ગમે છે. યુદ્ધગાથાઓ ખરેખર તો માત્ર ગાથાઓ નથી હોતી, એ પુરાવા હોય છે કે અસ્તિત્વની લડાઈમાં આપણે હજી પણ દુશ્મન સામે ટકી શક્યા છીએ. તેમને પડકાર ફેંકી શકીએ છીએ અને તેમની સામે જીતનો ઝંડો લહેરાવી શકીએ છીએ. માટે જ આજે પણ પાઠ્યપુસ્તકોમાં વર્ષોજૂનાં ઐતિહાસિક યુદ્ધોની વાતો અને દેશના શૂરવીરોની ગાથા સંભળાવીને પોતાના યુવાધનને પાશેર લોહી ચડાવી શકાય છે.



યુદ્ધ કોઈને ગમતું નથી, પરંતુ એ જ યુદ્ધોમાં મળેલા વિજયની વાતો, એ યુદ્ધમાં બનેલી ઘટનાઓની તવારીખો, એ યુદ્ધમાં આપણા નૌજવાનોએ દર્શાવેલી જાંબાઝીની વાતો કોઈ પણ દેશભક્તની છાતી ગર્વથી ગજગજ ફુલાવે એ સ્વાભાવિક છે. તમે જોયું હોય તો છેલ્લા એક દાયકામાં આવી જ શૌર્યગાથાઓ ફિલ્મજગતમાં ખૂબ સરાહના પામી છે. આતંકવાદ સામેના વિજયની વાત હોય કે પાડોશી દેશોની લુચ્ચી હરકતોને પાઠ ભણાવવા માટેનું યુદ્ધ હોય કે વળતા જવાબ સમી સર્જિકલ સ્ટ્રાઇક હોય, આપણા જવાનોએ દુશ્મનોને ઢેર કઈ રીતે કર્યા એ ઘટનાઓને થોડી ફિલ્મી ઢબે સિનેમાના પડદે જોવા માત્રથી રગરગમાં દેશભક્તિનું ઘોડાપૂર ઊમટે છે.


સિક્કિમના નાથુલા પાસ પાસે આવેલી ઇન્ડિયા-ચાઇના બૉર્ડર. 


જેમ એન્ટરટેઇનમેન્ટ જગતમાં શૌર્યગાથાઓ હિટ થઈ રહી છે એમ હવે કદાચ ટૂરિઝમમાં પણ આ નવો ટ્રેન્ડ શરૂ થાય તો નવાઈ નહીં. એનું કારણ એ છે કે જો તમને શૌર્યગાથાઓ ગમતી હોય તો હવે એને વધુ નજીકથી જોવા, જાણવા અને સમજવાનો મોકો મળે એમ છે. ફિલ્મી પડદે કારગિલનું યુદ્ધ લડતા હીરોને જોવામાં જો જબ્બર શૂરાતન ચડતું હોય તો હકીકતમાં એ જગ્યાએ જ્યાં યુદ્ધ લડાયું હતું એ રણભૂમિ પર કદમ માંડવાનો રોમાંચ કેવો હશે? જો આ રણભૂમિ જોવાની ઇચ્છા થઈ આવે તો હવે ભારતમાં એ રણભૂમિનું ટૂરિઝમ શરૂ થવાનું છે. એમાં તમે રિયલ રણભૂમિ પર જઈને એ સમયે શું અને કેવી રીતે બન્યું હતું એ ગૌરવશાળી ઇતિહાસને વાગોળવાનો મોકો મળે એમ છે. દેશને ગૌરવ અપાવવા માટે શહીદી વહોરનારા સૈનિકોનાં સ્મારકોને અને જે-તે યુદ્ધની તવારીખોને સમજાવતાં મ્યુઝિયમોમાં ફરવાનો મોકો મળી શકે છે.

કચ્છનું સરદાર પોસ્ટ  યુદ્ધસ્મારક.

અત્યાર સુધી તો જૂજ સ્થળો જ એવાં હતાં જ્યાં રૂબરૂ જઈને આપણે એ ઐતિહાસિક ભૂગોળને જાણી-સમજી શકતા હતા. આવા પ્રકારના પ્રવાસનને વૈશ્વિક સ્તરે બૅટલફીલ્ડ ટૂરિઝમ અથવા વૉર ટૂરિઝમ નામ આપવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે ફ્રાન્સના નૉર્મન્ડી, અમેરિકાના ગેટીસબર્ગ અને રશિયાના સ્ટૅલિનગ્રાડ જેવાં સ્થળો પ્રખ્યાત હતાં, પણ હવે હરખની વાત એ છે કે ભારતે પણ ‘ઐતિહાસિક યુદ્ધોની શૌર્યગાથાઓ’ લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવી છે. આ એવી જગ્યાઓ છે જ્યાં ભારત પોતાનું સાર્વભૌમત્વ જાળવવા માટે અનેક કપરાં યુદ્ધો લડ્યું છે.

૭૭મા આર્મી ડેએ ૭૭ સ્થળો

ગયા મહિને ૧૫ જાન્યુઆરીએ ભારતે ૭૭મો નૅશનલ આર્મી ડે ઊજવ્યો. સામાન્ય રીતે આ દિવસ દિલ્હીમાં જ ઊજવાતો હોય છે, પરંતુ આ વખતે પુણેમાં એની ઉજવણી થઈ. ભારત સ્વતંત્ર થયા પછીના ૭૭મા આર્મી દિને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે ‘રણભૂમિ-ઍપ’ અને ‘ભારત રણભૂમિ દર્શન’ વેબસાઇટ લૉન્ચ કરી હતી.

ભારતીય સંરક્ષણ વિભાગના અથાગ પ્રયત્નથી આ બે નવતર પ્રયોગ થયા છે. ભારત રણભૂમિ દર્શન વેબસાઇટ દ્વારા ભારતીય સેના જે ઐતિહાસિક લડાઈઓ લડી હતી એ જગ્યાની મુલાકાત હવે વિશ્વભરના પ્રવાસીઓ લઈ શકશે. હાલમાં આ ઍપમાં આવાં ૭૭ સ્થળોએ કેવાં-કેવાં યુદ્ધો લડાયાં, એ વખતે શું થયેલું એના ટૂંકા ઇતિહાસ સાથેની તમામ માહિતી જાણવા મળે છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ અને ઘુમરી પાસે ઝોઇલા વૉર મેમોરિયલ.

બૅટલફીલ્ડ ટૂરિઝમનો નવો યુગ

બૅટલફીલ્ડ ટૂરિઝમ એક એવી પહેલ છે જેનો ઉદ્દેશ પર્યટનને પ્રોત્સાહન આપીને સરહદી વિસ્તારોમાં સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવાનો છે. આવું ટૂરિઝમ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા ઉપરાંત આર્થિક વિકાસને પણ વેગ આપવા માટે એક નિર્ણાયક પગલું સાબિત થઈ શકે છે. આજ સુધી ભારતનાં હિલસ્ટેશન અને અન્ય ફરવાલાયક સ્થળોની તો મુલાકાત લેવાતી જ હતી, એની સાથે ધાર્મિક સ્થળોનું પ્રવાસન પણ ભારતીય સરકારે લોકો માટે ખુલ્લું મૂક્યું છે. એવામાં પ્રવાસન ઉદ્યોગમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું છે જે હવે બૅટલફીલ્ડ ટૂરિઝમના કે વૉર ટૂરિઝમના નામે ઓળખાય છે ત્યારે એ પ્રવાસન ક્ષેત્રે અનેક નવી તકો ઊભી કરશે એવી આશા સેવાઈ રહી છે.

ઉરીની સર્જિકલ સ્ટ્રાઇક

ભારતીય સરહદીય વિસ્તારો બરફાચ્છાદિત છે જ્યાંના માઇનસ ટેમ્પરેચર પર જવું સામાન્ય લોકો માટે લગભગ અશક્ય જ હોય છે, પણ જ્યારે પ્રવાસન ખાતા દ્વારા આવી પહેલ થાય છે ત્યારે ત્યાં જવા માટે યોગ્ય માર્ગદર્શન મળે છે. એ ઉપરાંત આવા વિસ્તારો પર કડક સિક્યૉરિટી પણ જોવા મળે છે. એક સામાન્ય નાગરિક માટે આવો અનુભવ માત્ર એક ફિલ્મી કલ્પના જેવો જ લાગતો હોય ત્યાં હવે એને ખરેખર અનુભવવું શક્ય બને છે. વર્ષો સુધી જ્યાં આપણે આપણા વીર જવાનોના કિસ્સા-કહાણીઓ ફક્ત કિતાબોમાં જ ભણતા આવ્યા હોઈએ અને વીર ગાથાઓ શહાદતથી ખરડાયેલી હોય ત્યાં સાચુકલા જવાનો, સાચુકલી સરહદો અને સાચેસાચી યુદ્ધભૂમિ તો સામાન્ય નાગરિકોને કેટલું જોમ ચડાવે? આવાં સ્થળોની મુલાકાત ન કેવળ પ્રવાસન અને ઉદ્યોગ માટે જરૂરી છે, પણ રાષ્ટ્રપ્રેમને વેગ આપવા માટે પણ એક મહત્ત્વનું પાસું સાબિત થાય એમ છે.

એ સિવાય આવાં સ્થળોએ જવાની પરમિશન સામાન્ય રીતે સહેલાઈથી મળતી નથી ત્યારે આવી ઍપ્લિકેશન્સ આ વ્યૂહાત્મક સ્થળોની મુલાકાત લેવા માટે પરમિટ મેળવવા સહિત મુસાફરી કરવાના આયોજનને પણ સરળ બનાવે છે, જેમાં સ્થાનિક અધિકારીઓ સાથે સહયોગ કરીને, ભારતીય સેના મુલાકાતીઓ માટે જરૂરી એવી આ વિસ્તારોની ઑપરેશનલ તૈયારીઓ સુનિશ્ચિત કરે છે. આને લીધે આવા મુશ્કેલ પ્રદેશોમાં સૈનિકો દ્વારા સામનો કરવામાં આવતા દરેક પડકારોને વધુ સારી રીતે સમજી શકાય છે અને સાથોસાથ સામાન્ય જનતા ખરા અર્થમાં ભારતના લશ્કરી વારસાને પ્રોત્સાહન આપે છે.

રણભૂમિ દર્શન ઍપના મુખ્ય ચાર સ્તંભો

રણભૂમિ દર્શન ઍપનો સૌથી પહેલો મુખ્ય હેતુ એ છે કે લોકો ઘેરબેઠાં ભારતની સરહદો પર બનેલી ઐતિહાસિક ઘટનાઓને જાણી શકે. આ ભારતીય આર્મીનાં પરાક્રમોનું એક એવું કમ્પાઇલેશન છે જે દરેક સરહદની આગવી મુશ્કેલીઓને પાર કરીને કઈ રીતે આપણું સૈન્ય બેમિસાલ છે એનો પરચો આપે છે. આ સાથે ઍપમાં સમાવાયેલાં ૭૭ સ્થળોએ પ્રવાસન માટેની અનુકૂળ સુવિધા વિકસાવવામાં આવી રહી છે. જિજ્ઞાસુ પ્રવાસીઓ સ્થળોની મુલાકાત લેતી વખતે ત્યાં રહી શકે એ માટેની અનુકૂળ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. મોટા ભાગના સરહદી વિસ્તારો એવા છે જ્યાં પહોંચવાનું પણ અઘરું છે એટલે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમ્યુનિકેશન સરળ બને એની સુવિધા વિકસાવવામાં આવી રહી છે. ભારતની આર્મી કેટલી વિષમ પરિસ્થિતિમાં દેશની રક્ષા કરે છે એ વાતનો ફર્સ્ટ હૅન્ડ અનુભવ આપતો પ્રવાસ બને એવી તૈયારીઓ ચાલી રહી છે.

અંતે એ વાતની ના નહીં કે બૅટલફીલ્ડ ટૂરિઝમ એ પ્રવાસન સંશોધનમાં વિકસતું ક્ષેત્ર છે, પણ આમ જુઓ તો એ એક રીતનું ‘ડાર્ક ટૂરિઝમ’ પણ માનવામાં આવે છે. અંતે તો એ માનવજીવનના ઇતિહાસમાં લખાયેલાં એવાં કાળાં પાનાંઓ છે જેની શાહી કોઈ ને કોઈના રક્તથી સીંચાયેલી છે. દુર્ઘટનાઓ અને શહીદીના અંતે જ યુદ્ધભૂમિનાં સ્મારકો બનતાં હોય છે. આશા તો એવી રાખીએ કે આવાં ઓછામાં ઓછાં સ્થળો આપણી પાસે હોય અને એ સ્થાને વધુ ને વધુ સુંદર, ખુશહાલ સ્થળો આપણા ભારતની ભૂગોળમાં અવતરતા રહે.

કયાં મુખ્ય સ્થળોની શૌર્યગાથાઓ છે?

અગાઉ કહ્યું એમ રણભૂમિ દર્શન ઍપમાં ભારતીય સેના દ્વારા લડાયેલી લડાઈઓનાં ૭૭ શૌર્ય ગંતવ્ય સ્થાનોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાંથી અમુક સ્થળો ખૂબ પ્રખ્યાત છે. જેમ કે

પૂર્વીય સરહદ પર ભારત-ચીન સીમા પર આવેલાં શૌર્ય ગંતવ્ય સ્થાનો

ગલવાન ખીણ (લદ્દાખ) – નજીકના ભૂતકાળમાં ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે ગલવાન રિવર વૅલીમાં એક રોડના કન્સ્ટ્રક્શન બાબતે ઊભી થયેલી સરહદીય અથડામણનું સ્થળ.

ડોકલામ (સિક્કિમ-ભુતાન સરહદ) – ડોકલામ તિબેટ, ભુતાન અને સિક્કિમના ત્રિ-સંગમ પર આવેલું છે. એની ઉત્તરમાં ચુમ્બી ખીણ (તિબેટ), દક્ષિણમાં હા ખીણ (ભુતાન) અને પૂર્વમાં સિક્કિમ (ભારત) છે. આ જગ્યા સિલિગુડી કૉરિડોરની નજીક હોવાથી એની મુખ્ય ભૂમિ ભારતને એના ઉત્તરપૂર્વીય પ્રદેશ સાથે જોડતો એક મહત્ત્વપૂર્ણ ભૂમિમાર્ગ છે. સિલિગુડી કૉરિડોર એની સાંકડી પહોળાઈને કારણે ભારત માટે એક સંવેદનશીલ બિંદુ માનવામાં આવે છે, જે એને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બનાવે છે. ડોકલામ ચીન અને ભુતાન વચ્ચેની ડિસપ્યુટેડ સરહદ માનવામાં આવે છે. ૨૦૧૭માં અહીં ભારત અને ચીનની ટક્કર થયેલી એ માટેનું મહત્ત્વનું સ્થળ. આ લડાઈ ૭૩ દિવસ ચાલી હતી.

૧૯૬૨માં થયેલી લડાઈઓ

રેજાંગ લા (લદ્દાખ) – ૧૯૬૨માં થયેલા સીનો-ઇન્ડિયન યુદ્ધમાં આ સ્થળે લગભગ ૧૨૦માંથી ૧૧૪ જેટલા જવાનો શહીદ થયા હતા અને ભારતીય જવાનોએ ચીનના ૧૩૦૦થી વધુ જવાનોને મોતને ઘાટ ઉતારેલા તેમની શૌર્યગાથા વર્ણવતું ઐતિહાસિક સ્થળ.

કિબીથુ & બુમ લા (અરુણાચલ પ્રદેશ) – ભારતની સીનો-ઇન્ડિયન વૉરમાં અગત્યની ગણાતી બુમ લા પાસ વૉરમાં ૧૯૬૨માં ભારત-ચીન સેનાઓ વચ્ચેની મહત્ત્વની અથડામણનાં સ્થળો.
કાશ્મીર & લદ્દાખમાં આવેલાં સ્થળો

સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર સિયાચીન ગ્લૅસિયર વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર ગણાતી આ યુદ્ધભૂમિ એના ભૌગોલિક સ્થાનને લીધે પણ ખાસ અગત્યની મનાય છે. ૧૯૮૪થી શરૂ થયેલી આ સરહદી લડાઈમાં ભારતીય જવાનો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં આજે પણ દેશની રક્ષા કરે છે.

સૌથી અઘરી ગણાતી કારગિલની ઐતિહાસિક લડાઈ (દ્રાસ, બટાલિક, ટોલોલિંગ, ટાઇગર હિલ)

૧૯૯૯માં થયેલી આ વૉરમાં ભારતીય લાઇન ઑફ કન્ટ્રોલ પર પાકિસ્તાની સેનાની અચાનક ઘૂસણખોરીને લીધે ઊભી થયેલી ઇમર્જન્સીમાં ભારતીય ઍર ફોર્સ અને ભારતીય સેના દળે સાથે મળીને ઑપરેશન વિજય હાથ ધર્યું હતું. બે મહિના અને ત્રણ અઠવાડિયાં ચાલેલા આ યુદ્ધમાં ભારતે કારગિલ પર વિજય મેળવ્યો હતો.

સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલું ઉરી આ શહેર ભારત અને પાકિસ્તાન વચ્ચેની વિવાદિત સરહદ લાઇન ઑફ કન્ટ્રોલ (LOC)ની ખૂબ નજીક છે. કાશ્મીરી, પહાડી અને પશ્તુન પરંપરાઓના પ્રભાવ સાથે, વૈવિધ્યસભર સાંસ્કૃતિક મિશ્રણ ધરાવતું ઉરી એક મનોહર સ્થળ રહ્યું છે. આમ છતાં ૧૯૬૫થી વિવાદમાં ઘેરાયેલું આ સ્થળ ૨૦૧૬માં ભારતીય આર્મી પર થયેલા પાકિસ્તાની મિલિટન્ટ હુમલાને લીધે ફરી ચર્ચામાં આવેલું. એના પગલે સરકારે બીજા દિવસે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક પણ કરી હતી.

પશ્ચિમી સરહદ પર આવેલાં સ્થળો :

લૉન્ગેવાલા (રાજસ્થાન) : ૧૯૭૧ના યુદ્ધનું પ્રખ્યાત સ્થળ. આ જગ્યા પશ્ચિમી સરહદ પર થયેલું પહેલું ભારત-પાકિસ્તાન યુદ્ધ માનવામાં આવે છે. આ લડાઈ મુખ્યત્વે થાર રણમાં લડાયેલી જેમાં પાકિસ્તાનના પ્રમાણમાં મોટા એવા સૈન્ય સામે ભારતીય જવાનો લડ્યા હતા.

પૈંગોંગ ત્સો (લદ્દાખ)  : ભારત-ચીન સરહદ પાસે આવેલું આ સરોવર બન્ને બાજુના સૈન્યોના તણાવ માટે જાણીતું છે.

બુકિંગ માટે શું કરવું?

ભારત રણભૂમિ દર્શન ઍપ્લિકેશન દ્વારા ઐતિહાસિક યુદ્ધભૂમિઓ અને સરહદી વિસ્તારોની મુલાકાતો બુક કરવા માટે પગલાં અનુસરો :

ઍપ ડાઉનલોડ કરો : તમારા મોબાઇલ ડિવાઇસના ઍપસ્ટોરમાંથી ભારત રણભૂમિ દર્શન ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો.

સ્થળોનું અન્વેષણ કરો : ગલવાન ખીણ, ડોકલામ અને અન્ય ઐતિહાસિક મહત્ત્વનાં વિવિધ સ્થળો જોવા માટે ઍપ્લિકેશન દ્વારા બ્રાઉઝ કરો.

તમારું ગંતવ્ય સ્થાન પસંદ કરોઃ તમે મુલાકાત લેવા માગો છો એ સ્થાન પસંદ કરો. આવશ્યકતા તપાસો ઃ પસંદ કરેલા સ્થાન માટે જરૂરી કોઈ પણ ચોક્કસ આવશ્યકતા હોય તો એ અથવા કોઈ વિશિષ્ટ પરવાનગીઓની સમીક્ષા કરો.

તમારી મુલાકાત બુક કરો : તમારી મુલાકાત બુક કરવા માટે ઍપ્લિકેશનની સૂચનાઓનું પાલન કરો જેમાં જરૂરી પરમિટ માટે અરજી કરવાનો સમાવેશ થઈ શકે છે.

તમારી સફરની યોજના બનાવો : રહેઠાણ અને સ્થાનિક માર્ગદર્શિકાઓ સહિત તમારી મુસાફરીની યોજના બનાવવા માટે ઍપ્લિકેશનનાં સંસાધનોનો ઉપયોગ કરો.

વધુ માહિતી માટે અને ઍપ્લિકેશનને ઍક્સેસ કરવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો : https://bharatrannbhoomidarshan.gov.in

ગુજરાતની જગ્યા સમાવાઈ છે રણભૂમિ દર્શનમાં

ભારતની પશ્ચિમી સરહદે આવેલા ગુજરાતનો ઇતિહાસ મુખ્યત્વે વેપાર અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, પણ આ સાથે એનું ભૌગોલિક સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે, કારણ કે એનો ખાસ્સો એવો ભાગ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે. રણભૂમિ ઍપમાં નીચે જણાવેલાં આવાં પાંચ મુખ્ય સ્થળોનો સમાવેશ થયો છે.

કચ્છનું રણ, સઈ ગામ રણ અને કોટેશ્વર : ૧૯૬૫ની ૯ એપ્રિલે કચ્છના રણમાં પાકિસ્તાની આર્મીએ કચ્છ પર આક્રમણ કરીને ત્યાંના પોલીસ-સ્ટેશનને કબજે કરેલું જેના પગલે બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ એટલે કે BSFનો જન્મ થયો હતો. ૧૯૬૫નું કંજરકોટ યુદ્ધ જેને ‘કચ્છના રણના યુદ્ધ’ તરીકે પણ ઓળખવામાં આવે છે એ ત્યારે શરૂ થયું હતું જ્યારે પાકિસ્તાનના સિંધુ રેન્જર્સે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદિત પ્રદેશ કચ્છના રણમાં કંજરકોટ પર કબજો કર્યો હતો. ભારતીય દળોએ તેમના કમાન્ડરોના નેતૃત્વ હેઠળ પાકિસ્તાનના આક્રમણને પાછું ખેંચવામાં નોંધપાત્ર સંકલ્પ અને દૃઢ નિશ્ચય દર્શાવ્યો હતો. નિર્ણાયક કાર્યવાહીની શ્રેણીમાં ભારતીય સૈનિકોએ મુખ્ય સ્થાનો ફરીથી કબજે કર્યાં હતાં.

ભુજ : ભારત-પાકિસ્તાનના ત્રીજા યુદ્ધ તરીકે ઓળખાતું કચ્છની ભૂમિ પર ૧૯૭૧માં લડાયેલું આ યુદ્ધ રણની લડાઈઓ માટે મહત્ત્વપૂર્ણ છે. ૧૯૭૧ની ૮ ડિસેમ્બરે સેબર જેટ્સના એક સ્ક્વૉડ્રને ભુજમાં ભારતીય વાયુસેનાની હવાઈ પટ્ટી પર ૧૪ જેટલા બૉમ્બ ઝીંકીને એને નકામી કરી દીધેલી. એને લીધે આપણાં લડાકુ વિમાનો ઉડાન નહોતાં ભરી શક્યાં. આવા સમયે ટૂંક સમયમાં જ BSF સાથે મળીને ભુજના માધોપુરના ગ્રામજનો જેમાં મોટા ભાગે મહિલાઓ હતી તેમણે હવાઈ પટ્ટીનું સમારકામ કરીને દેશપ્રેમનું અવિસ્મરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

લખપત કિલ્લો : લખપત એક સમયે સમૃદ્ધિ અને વેપારનું કેન્દ્ર માનવામાં આવતું હતું. આશરે ૨૦૦ વર્ષથી વધુ જૂના લખપત કિલ્લાએ ભારતની પશ્ચિમી સરહદોની રક્ષા કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આજે એ ગુજરાતના સમૃદ્ધ સૈન્ય અને દરિયાઈ ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે.

શૌર્ય ગંતવ્ય સ્થાનોની સૂચિ 

જમ્મુ અને કાશ્મીર  : ગુરેઝ સેક્ટર, બનગુસ વૅલી, અરુ વૅલી, યુસ્માર્ગ વૅલી, વર્મન વૅલી, ચંદીગ્રામ, કૅરેન, માચિલ, ટિટવાલ, બારામુલ્લા, ઉરી.

હિમાચલ પ્રદેશ  : સ્પીતી વૅલી, કિનૌર વૅલી, કલ્પા વૅલી, સંગલા વૅલી.

રાજસ્થાન  : લોંગેવાલા, તનોટ, રામગઢ, સુંદ્રા, ગડ્રા રોડ, ભકાસાર.

ગુજરાત : કોટેશ્વર, સુઈ ગામ રણ પ્રદેશ, કચ્છ રણ પ્રદેશ, લખપત, ભુજ.

લદ્દાખ : ગલવાન વૅલી, કારગિલ, સીયાચીન બેઝ કૅમ્પ, કારાકોરમ પાસ, પેનગોગ સો, ડૅમચોક, પેડ્યુમ વૅલી, હનલે, ચૂસુલ, હન્દર, તાક્શી, ટુર્ટુક, ટાસ્કિંગ, પનામિક.

સિક્કિમ : ડોકલામ, ગુરુડોંગમાર, થાન્ગુ પ્રદેશ, લા ચુંગ, ગેઝિંગ, યુકશોમ, ઈસ્ટ સિક્કિમ પ્રદેશ.

અરુણાચલ પ્રદેશ  : તવંગ, વલોન્ગ, દીરંગ, બુમ લા, સુનગેસ્તર, ઝેમીઠંગ, ગોરસમ, લૂમ્પો, બોમદિલા, લોહિત, કમેન્ગ રીજન, બિશુમ વૅલી, દિબાંગ રીજન, અનીની, મેનચૂકયા રીજન, સિયાંગ રીજન, ઇંગકીઓંગ, ગેલિન્ગ, અપર સુબનસિરી વૅલી, સારી ચુ વૅલી, તુતિંગ વૅલી.

ઉત્તરાખંડ : લીપુલેખ પાસ, પીઠોરઘર, હર્સિલ સેક્ટર, માના સેક્ટર, મલારી સેક્ટર, કુમાઓન રીજન, ધારચૂલા, ગંજી.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2025 04:32 PM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK