અમેરિકાનું શૅરબજાર ૨૦ દિવસ પહેલાં સૌથી ઊંચી સપાટીએ હતું. અર્થવ્યવસ્થા સારી ગતિએ આગળ વધી રહી હતી અને દૂર-દૂર સુધી મંદીના કોઈ સંકેત નહોતા, પરંતુ હવે દરેક જગ્યાએ મંદીની વાત થઈ રહી છે
ડોનલ્ડ ટ્રમ્પ
માલસામાન પર ટૅરિફના મુદ્દે ‘જેવા સાથે તેવા’ની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની ધમકીના આઘાત-પ્રત્યાઘાત વચ્ચે ભારત સરકારે મોડે-મોડે મોઢું ખોલ્યું છે અને સાવધાનીપૂર્વક કહ્યું છે કે ટૅરિફ તેમ જ બિન-ટૅરિફ બાધાઓ દૂર કરવા માટે અને વેપાર સુધારવા માટે સરકાર અમેરિકા સાથે ચર્ચા કરી રહી છે.
જ્યારથી ટ્રમ્પે સત્તા સંભાળી છે ત્યારથી તેઓ વેપારના મુદ્દે ભારતને ‘ધમકી’ આપી રહ્યા છે અને હવે બીજી એપ્રિલથી પારસ્પરિક ટૅરિફ લગાવવાની જાહેરાત કરી છે ત્યારે ભારતમાં વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. આ અઠવાડિયે સંસદના સત્રમાં પણ વિરોધ પક્ષોએ સરકારની ચુપ્પી પર સવાલો ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ચિંતાનું મુખ્ય કારણ એ હતું કે એક અઠવાડિયા પહેલાં ટ્રમ્પે ચોંકાવનારું બયાન કર્યું હતું કે ટૅરિફના મામલે ભારતની ‘પોલ’ ખુલ્લી પાડી છે એટલે એ હવે એ ટૅરિફ ઘટાડવા તૈયાર થયું છે. ભારત સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નહોતી કે શું પોલ ખુલ્લી પડી છે અને એ કેવી રીતે ટૅરિફ ઓછાં કરવા સંમત થયું છે. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવાર્ડ લુટનિકે તો એવું પણ કહ્યું હતું કે અમેરિકન પેદાશો માટે ભારતના કૃષિ ક્ષેત્રએ દરવાજા ખોલવા પડશે.
ટ્રમ્પનું બયાન એવા વખતે આવ્યું હતું જ્યારે વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અમેરિકામાં હતા. તેઓ આ મુદ્દે મંત્રણાઓ કરીને પાછા આવ્યા છે અને હવે ઑટોમોબાઇલ, લેધર, ટેક્સટાઇલ, ઇલેક્ટ્રૉનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓ સાથે ચર્ચાવિચારણા કરીને આવતા અઠવાડિયે ફરીથી વૉશિંગ્ટન જઈ રહ્યા છે. આ સઘન બેઠકો સૂચવે છે કે બન્ને સરકારો કોઈક સમજૂતી પર આવવા મહેનત કરી રહી છે.
ગુરુવારે રાજ્ય કક્ષાના વાણિજ્ય પ્રધાન જિતિન પ્રસાદે લોકસભામાં લેખિત ઉત્તરમાં કહ્યું હતું કે ભારત સરકાર દ્વિપક્ષીય વેપારી સંબંધો મજબૂત કરવા માટે અમેરિકા સાથે ચર્ચા કરી રહી છે. કૉન્ગ્રેસી નેતા ગૌરવ ગોગોઈએ લોકસભામાં કહ્યું હતું કે વડા પ્રધાન જાતે જ વિદેશી વડાઓ સાથે મંત્રણા કરે છે અને તેમણે અમેરિકા સાથે શું સમજૂતી કરી છે કે ડોનલ્ડ ટ્રમ્પે આવું બયાન કરવું પડ્યું છે એ વિશે વડા પ્રધાને ગૃહમાં આવીને જાણ કરવી જોઈએ.
માત્ર ભારત જ નહીં, પૂરી દુનિયામાં અમેરિકાના ટૅરિફયુદ્ધને લઈને ચિંતા છે. કેટલાક નિષ્ણાતોએ સંભવિત વૈશ્વિક મંદીની ચેતવણી પણ આપી છે. એપ્રિલ મહિનાથી અમેરિકા જે રીતે ઊંચાં ટૅરિફ લાદવા જઈ રહ્યું છે એનાથી વૈશ્વિક વેપાર, પુરવઠાસાંકળો અને આર્થિક વૃદ્ધિમાં વિક્ષેપ ઊભો થવાની ચિંતા છે.
અમેરિકાનું શૅરબજાર ૨૦ દિવસ પહેલાં સૌથી ઊંચી સપાટીએ હતું. અર્થવ્યવસ્થા સારી ગતિએ આગળ વધી રહી હતી અને દૂર-દૂર સુધી મંદીના કોઈ સંકેત નહોતા, પરંતુ હવે દરેક જગ્યાએ મંદીની વાત થઈ રહી છે. મંદીનો ભય શૅરબજારને હચમચાવી રહ્યો છે. GDPના અંદાજો ઘટી રહ્યા છે.
ટ્રમ્પે પણ મંદીની શક્યતાને નકારી નથી. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી વર્ષમાં મંદીની અપેક્ષા રાખે છે તો તેમણે કહ્યું હતું, ‘મને આવી આગાહી કરવી ગમતી નથી. પરિવર્તનનો એક સમયગાળો હોય છે, એમાં થોડો સમય લાગે છે. તમારે જે યોગ્ય હોય એ કરવું પડશે, ભલે બજારને એ ગમતું ન હોય.’ તેમના નિવેદન બાદ સોમવારે શૅરબજાર તૂટી પડ્યું હતું.
ટૅરિફનું સમર્થન કરતી વખતે ડોનલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે એ ફુટબૉલ વર્લ્ડ કપને વધુ રોમાંચક બનાવશે. તેમણે કહ્યું કે ફુટબૉલ વિશ્વ કપના સહ-યજમાન કૅનેડા અને મેક્સિકો વચ્ચે રાજકીય અને આર્થિક તનાવ ટુર્નામેન્ટ માટે સારો રહેશે.
ભારતમાં પારસ્પરિક ટૅરિફ-યોજના લાગુ કર્યા પછી એનાં પરિણામ થોડા મહિનામાં દેખાશે. એ વાત સાચી છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ખૂબ જ ઊંચાં ટૅરિફ લાદે છે. બીજું, અમેરિકા-ભારત વેપાર ભારતની તરફેણમાં છે. આનું મુખ્ય કારણ એ છે કે ૧૯૯૦માં ભારતીય અર્થવ્યવસ્થા પ્રતિબંધોમાંથી બહાર આવ્યા પછી બન્ને દેશો વચ્ચે વેપાર ઝડપથી વધ્યો છે. ટ્રમ્પ એટલા માટે જ જીદ પર છે કે અમેરિકા એટલાં જ ટૅરિફ લાદશે જેટલાં ભારત લાદે છે. લાગતું નથી કે ટ્રમ્પ એમાં કોઈ છૂટ આપે. ભારત માત્ર કઈ વસ્તુઓ પર કેટલું ટૅરિફ લાદવું એની જ ચર્ચા કરી શકે એમ છે.
ટૅરિફયુદ્ધથી અમેરિકામાં જો મંદી આવશે તો એની ભારતીય IT અને ફાર્માઉદ્યોગ પર મોટી અસર પડશે. ભારતીય IT કંપનીઓની મોટા ભાગની આવક અમેરિકા અને યુરોપમાંથી આવે છે. ફાર્મા ક્ષેત્રે પણ એવું જ છે. ઘણી મોટી ભારતીય ફાર્મા કંપનીઓ અમેરિકન માર્કેટમાં સારી રીતે ઘૂસેલી છે જેની મોટી અસર ઉદ્યોગો પર પડી શકે છે.
તામિલનાડુએ રૂપિયાનું પ્રતીક હટાવીને લડાઈ વધારી
એમ. કે. સ્ટૅલિન
લોકસભાના સીમાંકન અને હિન્દી ભાષાને કથિત રીતે દક્ષિણ ભારતના લોકોના માથે મારવાના વિવાદમાં તામિલનાડુએ ઘી હોમ્યું છે. તામિલનાડુ સરકારે કેન્દ્રની BJP સરકારની મંશાનો વિરોધ કરવા માટે રાજ્યના બજેટના લોગોમાંથી સત્તાવાર ભારતીય રૂપિયાના પ્રતીક ‘₨’ ને કાઢી નાખીને તામિલ અક્ષર મૂક્યો છે. દેશમાં પહેલી વાર કોઈ રાજ્યએ રૂપિયાનું પ્રતીક બદલ્યું છે. ચીફ મિનિસ્ટર એમ. કે. સ્ટૅલિન દ્વારા રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવે એ પહેલાં આ પગલું લેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને તામિલનાડુ સરકાર વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. મોદી સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી રહી છે. એમાં અંગ્રેજી, હિન્દી અને મરાઠીનો સમાવેશ થાય છે. તામિલનાડુ સરકાર હિન્દીની વિરુદ્ધ છે.
રૂપિયાના પ્રતીકમાં ફેરફાર વિશે કેન્દ્ર તરફથી કોઈ સ્પષ્ટ સૂચનાઓ નથી. રૂપિયાને રાષ્ટ્રીય પ્રતીક તરીકે માન્યતા આપવામાં આવી હોત તો માત્ર કેન્દ્ર સરકારને જ એમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર હોત, પરંતુ રૂપિયાનું પ્રતીક રાષ્ટ્રીય પ્રતીકોની યાદીમાં નથી.
એવી સ્થિતિમાં એવું સ્પષ્ટ રીતે કહેવું મુશ્કેલ છે કે તામિલનાડુ સરકારનું આ પગલું કાયદાનું ઉલ્લંઘન છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે એમ. કે. સ્ટૅલિને રાજ્યની સ્વાયત્તતાનો ઝંડો ફરકાવ્યો છે અને કેન્દ્ર તેમ જ રાજ્યો વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ એનો મુદ્દો ફોકસમાં આણ્યો છે.
BJPએ આનો વિરોધ કરીને સ્ટૅલિનને મૂર્ખ ગણાવ્યા છે, જ્યારે કેન્દ્રીય નાણાપ્રધાને પૂછ્યું કે જ્યારે ૨૦૧૦માં પ્રતીક બનાવવામાં આવ્યું ત્યારે DMKએ એનો વિરોધ કેમ ન કર્યો. નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘રાજ્યના બજેટમાં ‘₨’ જેવા રાષ્ટ્રીય પ્રતીકને દૂર કરવું શપથની વિરુદ્ધ છે. એ ભારતીય એકતાને નબળી પાડે છે અને પ્રાદેશિક ગૌરવના બહાને અલગતાવાદને પ્રોત્સાહન આપે છે.’
રૂપિયાના આ પ્રતીકને સત્તાવાર રીતે ૨૦૧૦માં કૉન્ગ્રેસની આગેવાની હેઠળની UPA સરકાર હેઠળ અપનાવવામાં આવ્યું હતું, જેમાં DMKનો સહયોગી તરીકે સમાવેશ થતો હતો. BJPએ સ્ટૅલિનના નેતૃત્વવાળી સરકાર પર દંભ અને રાજકીય ખેલનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ પગલાનો હેતુ ચૂંટણીમાં લાભ લેવા માટે હિન્દીવિરોધી ભાવનાઓને ભડકાવવાનો છે.
સ્ટૅલિને બુધવારે કેન્દ્રમાં ‘ફાસીવાદી’ BJP સરકાર પર આકરા પ્રહારો કરતાં શિક્ષણનીતિને ‘ભગવાનીતિ’ ગણાવી હતી અને કહ્યું હતું કે DMK ભગવા પક્ષ સામે ઝૂકશે નહીં, ભલે એમાં જીવ આપવો પડે. સ્ટૅલિને કહ્યું છે કે DMK કેન્દ્રમાં BJPના નેતૃત્વવાળી સરકારનો વિરોધ કરવા અને એની સામે લડવા માટે આખા દેશને એકત્ર કરશે.
રસપ્રદ વાત એ છે કે ૨૦૧૦માં દેવનાગરીમાં રૂપિયાનું પ્રતીક DMKના ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર ઉદય કુમાર ધર્મલિંગમે કર્યું હતું. તેઓ ભારતીય લિપિઓમાં ઊંડો રસ ધરાવતા ગ્રાફિક ડિઝાઇનર અને ટાઇપોગ્રાફર છે. તેમની ડિઝાઇન ૩૩૦૦થી વધુ એન્ટ્રીઓમાંથી પસંદ કરવામાં આવી હતી, જેનો હેતુ ભારતીય ચલણ માટે એક અનન્ય ઓળખ બનાવવાનો હતો.
સંસદના ચૂંટણીપંચની વિશ્વસનીયતા વિશે સવાલો
રાહુલ ગાંધી
સંસદનું બજેટસત્ર મતદારયાદીમાં કથિત વિસંગતતા અને ચૂંટણીપ્રક્રિયાની વિશ્વસનીયતાના સવાલો સાથે શરૂ થયું છે. વિપક્ષી દળોએ અગાઉ EVM અને હવે મતદારયાદી પર સવાલ ઉઠાવ્યા છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને મતદારયાદીમાં ગોટાળા વિશે સંસદમાં વિગતવાર ચર્ચાની માગ કરી હતી.
શૂન્યકાળમાં તેમણે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સહિત દરેક રાજ્યમાં વિપક્ષે એક અવાજમાં પ્રશ્નો ઉઠાવ્યા છે. સમગ્ર વિપક્ષ માગ કરી રહ્યો છે કે મતદારયાદીની ચર્ચા થવી જોઈએ.’ બાદમાં રાહુલ ગાંધીએ એક પોસ્ટ લખી હતી કે ‘મહારાષ્ટ્રની મતદારયાદીમાં વિસંગતતાઓ વિશે મેં પત્રકાર-પરિષદ યોજી એને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ પારદર્શકતા વિશે અમે ચૂંટણીપંચને જે માગણીઓ કરી હતી એ હજી સુધી પૂરી થઈ નથી. પ્રશ્નો આજે પણ એ જ છે.’
તેમણે પશ્ચિમ બંગાળનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે ‘હવે મતદારયાદીમાં નામોની નકલના નવા પુરાવા સામે આવ્યા છે, જે નવા અને ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. લોકશાહી અને બંધારણનાં મૂલ્યોની રક્ષા માટે આ ચર્ચા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’
લોકસભામાં કથિત ‘ખામીયુક્ત’ મતદારયાદીનો મુદ્દો ઉઠાવતાં તૃણમૂલ કૉન્ગ્રેસના સભ્ય કલ્યાણ બૅનરજીએ ચૂંટણીપંચ સામે કાર્યવાહીની માગ કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણીપંચ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવામાં ‘નિષ્ફળ’ રહ્યું છે.
શૂન્યકાળ દરમિયાન તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ ‘ડુપ્લિકેટ’ મતદાર ઓળખપત્રોના ઘણા કેસોનો મુદ્દો ઉઠાવ્યો છે. ચૂંટણીપંચે એનો એકરાર કરતાં કહ્યું હતું કે એ ડુપ્લિકેટ મતદાર ઓળખ નંબરનો મુદ્દો ‘દાયકાઓ’ જૂનો છે અને આગામી ત્રણ મહિનામાં મુદ્દાને હલ કરશે.
કૉન્ગ્રેસના એમ્પાવર્ડ ઍક્શન ગ્રુપ ઑફ લીડર્સ ઍન્ડ એક્સપર્ટ્સ (ઈગલ)એ એક નિવેદનમાં કહ્યું, ‘કૉન્ગ્રેસ પાર્ટી ચૂંટણીપંચના આ નબળા અને બેવડા સ્પષ્ટીકરણને નકારી કાઢે છે અને ભારતમાં મતદારયાદીની પવિત્રતા પર સ્પષ્ટ ચર્ચાની તેની માગને પુનરાવર્તિત કરે છે. ચૂંટણીપંચે ચૂંટણીપ્રક્રિયાને આગળ ધરીને નબળો બચાવ કર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે પંચને એ સ્વીકારવાની ફરજ પડી હતી કે તેની મતદારયાદીઓ ખામીયુક્ત અને અવિશ્વસનીય છે.’

