Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કે પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થીના રેકૉર્ડિંગ વખતે કિશોરકુમારે ગીતકાર અનજાન પાસે શું ફરિયાદ કરી?

કે પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થીના રેકૉર્ડિંગ વખતે કિશોરકુમારે ગીતકાર અનજાન પાસે શું ફરિયાદ કરી?

Published : 09 February, 2025 03:47 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

અનજાન કામ માટે પ્રોડ્યુસરોની ઑફિસોમાં આંટા મારતા હતા એ સમયે તેમણે ‘ડિસ્કો ડાન્સર’નાં ગીતો લખવાની ઑફરનો સ્વીકાર કર્યો.

બપ્પી લહેરી,કિશોરકુમાર, અનજાન, પ્રકાશ મહેરા

વો જબ યાદ આએ

બપ્પી લહેરી,કિશોરકુમાર, અનજાન, પ્રકાશ મહેરા


કવિ અને ગીતકાર વચ્ચે મૂળભૂત ફરક છે અભિવ્યક્તિની આઝાદીનો.  કવિ કોઈ પણ જાતની બંદિશ વિના પોતાને જે કહેવું હોય એ કહી શકે છે. એ જ કવિ જ્યારે ગીતકાર તરીકે ફિલ્મનું ગીત લખે છે ત્યારે એક ચોક્કસ ફ્રેમવર્કમાં રહીને તેણે પોતાની વાતની રજૂઆત કરવી પડે છે. કવિ પાસે મુક્ત મને આકાશમાં વિહાર કરવાની છૂટ છે. ગીતકારે એક દાયરામાં રહીને પોતાને મળેલી મર્યાદિત સ્વતંત્રતામાં જ વાતને રજૂ કરવાની હોય છે. કવિ પોતાને માટે લખતો હોય છે, જ્યારે ગીતકાર બીજાને માટે.

આપણે વાત કરતા હતા ગીતકાર અનજાનની. એક કિસ્સો યાદ આવે છે. અનજાન કામ માટે પ્રોડ્યુસરોની ઑફિસોમાં આંટા મારતા હતા એ સમયે તેમણે ‘ડિસ્કો ડાન્સર’નાં ગીતો લખવાની ઑફરનો સ્વીકાર કર્યો. બી. સુભાષની ફિલ્મનો વિષય તેમને માટે મુશ્કેલ હતો, પરંતુ હાથમાં આવેલી ફિલ્મ નથી છોડવી એમ વિચારીને તેમણે હા પાડી. ફિલ્મ માટે અનજાને ‘થીમ સૉન્ગ’ લખવાનું હતું. ગીતનું મુખડું તો સરળતાથી લખાઈ ગયું ‘I am a disco dancer, ઝિંદગી મેરા ગાના, મૈં ઇસી કા દીવાના, તો ઝૂમો ઓ નાચો, ઓ મેરે સાથ નાચો ગાઓ’, પરંતુ ત્યાર બાદ અંતરામાં શું લખવું એની મૂંઝવણમાં અનજાન પરેશાન હતા. તેમણે  ડિરેક્ટર બી. સુભાષને વાત કરી. તેમણે કહ્યું, ‘થોભો, આનો કોઈ ઉકેલ શોધું છું.’



એક દિવસ બી. સુભાષ ફ્લોરા ફાઉન્ટન પાસે જૂની બુક્સ વેચતા સ્ટૉલ પર ગયા, જ્યાં બોની એમ. બીટલ્સ અને માઇકલ જૅક્સનની રેકૉર્ડ્સની બુકલેટ્સ વેચાતી હતી. નજર ફેરવતાં તેમની નજર માઇકલ જૅક્સનની એક પંક્તિ પર પડી ‘My mother says I used to sing when I was not able to talk, I used to dance when I was not able to walk.’ તેમણે અનજાનને કહ્યું કે કદાચ તમને આમાંથી પ્રેરણા મળશે. તરત અનજાનને અંતરાના શબ્દો મળ્યા. તેમણે લખ્યું, ‘યે લોગ કહતે હૈં મૈં તબ ભી ગાતા થા જબ બોલ પાતા નહીં થા, યે પાંવ મેરે તો તબ ભી થિરકતે થે જબ ચલના આતા નહીં થા’ અને ત્યાર બાદ પૂરું ગીત લખાયું જે અત્યંત લોકપ્રિય થયું. 


કવિ કરતાં ગીતકારનું કામ મુશ્કેલ એટલા માટે છે કે તેણે પોતાના માટે નહીં, પણ ફિલ્મની વાર્તા માટે, હીરો માટે, હિરોઇન માટે, કૉમેડિયન માટે, પ્રોડ્યુસર-ડિરેક્ટર માટે લખવું પડે છે. આ કામ કઠિન છે. દરેક પાસે આ હુન્નર નથી હોતો. એક કૃતિ પોતાને માટે બનાવી અને પોતે રાજી થવું એ અલગ વાત છે, પરંતુ એક કૃતિ બીજા માટે બનાવવી અને સૌને પસંદ આવે એ કસબ કેળવવો આસાન નથી. રાજ કપૂરની ભવિષ્યવાણીની જેમ ૧૫ વર્ષના સંઘર્ષ બાદ ગીતકાર અનજાન પાસે લોકપ્રિય ગીતો લખવાની હથોટી આવી હતી.

એ અલગ વાત છે કે જીવનના આખરી પડાવ પર તેમને એ વાતનો મલાલ હતો કે તેમણે પોતાની કલમ સાથે દુષ્કર્મ કર્યું છે. સંજોગોને આધીન, પોતાની ઇચ્છા વિરુદ્ધ અમુક ગીતો લખવાનો તેમને પસ્તાવો હતો. તેઓ કહેતા કે એક કવિ તરીકે સમાજ પ્રત્યે તેમનું એક દાયિત્વ હતું એ નિભાવવામાં તેઓ અમુક સમયે નિષ્ફળ ગયા હતા.


બે વર્ષ પહેલાં સંગીતકાર આણંદજીભાઈની ૯૦મી વર્ષગાંઠની ઉજવણી નેહરુ સેન્ટરના  ઝેડ ગાર્ડનમાં થઈ જ્યાં મારી મુલાકાત અનજાનના પુત્ર ગીતકાર સમીર સાથે થઈ. એ રાતે અત્યંત મિલનસાર અને મૃદુ સ્વભાવ ધરાવનાર ગીતકાર સમીર સાથે થોડી વાર વાતો કરવાનો મોકો મળ્યો. એ દરમ્યાન પિતા અનજાનને યાદ કરતાં તેમણે બે કિસ્સા શૅર કર્યા, એ તેમના જ શબ્દોમાં શૅર કરું છું...

 ફિલ્મ ‘નમક હલાલ’ના ગીત ‘કે પગ ઘૂંઘરુ બાંધ મીરા નાચી થી’નું રેકૉર્ડિંગ હતું. કિશોરકુમાર આવ્યા અને પિતાજીને કહે, ‘અનજાન, જલદી ગાના લિખા.’ પાપા કહે, ‘લિખિએ, ‘બુઝુર્ગોને કહા અપને પૈરોં મેં....’ વો એક-એક લાઇન લિખતે થે ઔર બીચ-બીચ મેં પાપા કી ઔર દેખતે થે. ૧૦-૧૫ મિનિટ પછી ગીત લખવાનું પૂરું થયું એટલે કિશોરદા પ્રકાશ મહેરાને કહે છે, ‘પ્રકાશ, યે ગાના મૈં નહીં ગાઉંગા.’ પછી પાપાને ફરિયાદ કરતાં કહે છે, ‘મૈં બુઢ્ઢા હો ગયા હૂં ઔર તુમ ઇતને લંબે ગાને લિખકર લાતે હો, મૈં કૈસે ગાઉંગા? એક શૅર ખતમ હોતા હૈ ઔર વેરિયેશન આતા હૈ. ફિર એક શૅર આતા હૈ. કૈસે ગાઉંગા?’ પ્રકાશ મહેરાએ કહ્યું, ‘દાદા, હો જાએગા, આપ ટેન્શન મત લો.’

 કિશોરદા ગાવાના મૂડમાં નહોતા. કહે, ‘નહીં, મુઝસે નહીં હોગા. અચ્છા, એક બાત બતા. ઇતને  લંબે ગાને મુઝસે ક્યું ગવાતા હૈ?’ જવાબ મળ્યો, ‘દો કારણ હૈ. એક આપ બહુત લંબા પૈસા માગતે હો તો મુઝે લગતા હૈ કિ છોટા ગાના ગવાઉંગા તો મેરા પૈસા વેસ્ટ હો જાએગા. દૂસરા, મેરા હીરો ઇતના લંબા હૈ કી ઉસકો છોટે ગાને દેતા હૂં તો મુઝે મઝા નહીં આતા...’ આમ કહીને કિશોરદાને મનાવ્યા. બે-અઢી કલાક રિહર્સલ ચાલ્યા બાદ પહેલો ટેક લેવાનો સમય આવ્યો. માઇક પર તેમણે જે રીતે આલાપ લીધો ત્યારે થયું કે ક્યા આવાઝ હૈ. રિહર્સલ દરમ્યાન જે મસ્તી-મજાક પર ઊતરી ગયા હતા ત્યારે  લાગ્યું કે આજે રેકૉર્ડિંગ પૂરું નહીં થાય, પરંતુ પહેલા જ ટેકમાં ગીત ઓકે થયું. He is genius. ત્યારે જ અમને સૌને ખાતરી હતી કે આ ગીત હિટ છે.’ (આ ગીતમાં જે સરગમ છે એ પંડિત સત્યનારાયણ મિશ્રાના સ્વરમાં રેકૉર્ડ થઈ છે.)

સમીર અનજાનનો એક ઇન્ટરવ્યુ મારી પાસે છે જેમાં તે કહે છે, ‘મારા પિતા નહોતા ઇચ્છતા કે હું ફિલ્મલાઇનમાં આવું. મેં તેમને એ બાબતે પૂછ્યું તો કહે, ‘તેમણે જે લાંબો સંઘર્ષ કર્યો અને વર્ષો બાદ માન્યતા મળી એને કારણે તેમના મનમાં થોડો કચવાટ હતો. તેઓ કહેતા કે આ લાઇનમાં સફળતાની કોઈ ગૅરન્ટી નથી. અહીં તનતોડ મહેનત કર્યા બાદ પણ સફળતા મળશે જ એ કહેવાય નહીં. ધારો કે સફળતા મળે તો પણ એ કેટલી ટકશે એનો કોઈ ભરોસો નથી. દરેક પિતા પોતાના પુત્રના ભવિષ્ય માટે ચિંતિત હોય છે એટલા માટે જ તેઓ હું મુંબઈ આવું એ માટે રાજી નહોતા.’

પરંતુ સમીર અનજાનની નિયતિમાં અભૂતપૂર્વ સફળતા લખાયેલી હતી. તેમના નામે ફિલ્મોમાં સૌથી વધુ ગીતો લખવા માટેનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપિત થયો છે. તેમની જીવનકથની પણ અત્યંત રસપ્રદ છે. તેમના વિશે ભવિષ્યમાં વિગતવાર લખવાનો ઇરાદો છે.

ગયા અઠવાડિએ આણંદજીભાઈના ઘરે ડિનર પર ગીતકાર અનજાનની વાતો નીકળી. તેમણે કહ્યું કે ‘વર્ષો પહેલાં પુત્ર સમીરે પિતા અનજાનનાં લખેલાં ગીતોનાં પુસ્તકના લોકાર્પણ નિમિત્તે પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યારે અમારી મુલાકાત થયેલી. એ દિવસોમાં તેમની યાદદાસ્ત અત્યંત નબળી થઈ હોવાને કારણે ખાસ કોઈને ઓળખતા નહોતા. લોકો તેમને અભિનંદન આપતા, પણ તેમના તરફથી કોઈ પ્રતિભાવ નહોતો મળતો. મેં હાથ મિલાવી આદત મુજબ ગાલ ખેંચીને અભિનંદન આપ્યાં ત્યારે તરત ઓળખી ગયા. સમીરને નજીક બોલાવી કહે, ‘ઇનકા ખાસ ખ્યાલ રખના, ઠીક સે ખિલાના-પિલાના. ઇનકા બહુત ખાયા હૈ હમને.’ કેવા-કેવા લોકો હતા. આજે એ દિવસોની યાદ આવે છે અને દિલ ભરાઈ આવે છે.’

આણંદજીભાઈની વાત સાંભળીને એક ક્વોટેશન યાદ આવી ગયું, ‘One gentle touch is equal to thousand loving words.’ મૌનની જેમ સ્પર્શની ભાષા પણ એટલી જ બોલકી હોય છે.

ગીતકાર અનજાનનાં અનેક ગીતો કલ્યાણજી-આણંદજીના સંગીતમાં રેકૉર્ડ થયાં અને  અત્યંત લોકપ્રિય થયાં. ‘રોતે હુએ આતે હૈં સબ, હસતા હુઆ જો જાએગા’ના રચયિતાએ ૧૯૯૭ની ૧૩ સપ્ટેમ્બરે અંતિમ વિદાય લીધી. એ સમયે સમીર અનજાન ગીતકાર તરીકે અઢળક નામ અને દામ કમાઈ ચૂક્યા હતા. એ વાતમાં શક નથી કે અંતિમ ઘડીએ અનજાનના ચહેરા પર એક વાતનો સંતોષ હશે કે પુત્રે ‘મુકદ્દર કા સિકંદર’ બનીને પિતાનું સપનું સાકાર કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2025 03:47 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK