વૅલેન્ટાઇન્સ ડે તો ગયો. આજે પ્રેમ વિશેની વાતો અને પુસ્તકોની વાત કરવી છે.
પ્રતીકાત્મક તસવીર
વૅલેન્ટાઇન્સ ડે તો ગયો. આજે પ્રેમ વિશેની વાતો અને પુસ્તકોની વાત કરવી છે. ‘સાચા પ્રેમની વ્યાખ્યા તો દરેકની અલગ-અલગ હોય, પણ મારી દૃષ્ટિએ તો વર્ષોનાં વર્ષ વીતી જાય છતાં પ્રેમ એવો ને એવો નદીના પ્રવાહની જેમ વહેતો રહે એ સાચો પ્રેમ. પ્રેમમાં શરત એ હોય છે કે કોઈ શરત હોવી ન જોઈએ, કારણ કે પ્રેમ કરવાનો નથી હોતો; એ તો ઋણાનુબંધ, કોઈ આપણા હૃદયમાં પ્રવેશ કરે એ ધન્ય ઘડી... શુભ ઘડી.’ પ્રખ્યાત કલાકાર અને લેખિકા અરુણા દેવ રચિત કલાત્મક પુસ્તક ‘લિ. હું તારો છું’માં આ વાક્યો લખાયેલાં છે. પ્રેમ વિશે જાણીતા તમામ કવિઓ અને લેખકોની લોકપ્રિય બનેલી કવિતાઓ, ગઝલો અને પંક્તિઓ રજૂ કરતું પુસ્તક ‘પ્રેમ વિશે’ ૨૦૦૧માં પ્રકાશિત થયું હતું (સંકલન : હેમંત ઠક્કર). આ પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું હતું. આજે પાંચમી આવૃત્તિ ચાલી રહી છે. કવિ સુરેશ દલાલે ‘લાગી કટારી પ્રેમની રે’ પુસ્તકનું સંપાદન કર્યું હતું, જેમાં જાણીતાં પ્રણયકાવ્યોનો સમાવેશ કર્યો હતો. જાણીતાં પત્રકાર અને લેખિકા સોનલ પરીખે ‘પ્રેમ જેવું કંઈક’ પુસ્તક લખ્યું છે જેમાં સ્ત્રી-પુરુષના સંબંધો અને પ્રેમ વિશેના લેખો છે. બીજું એક પુસ્તક ‘પ્રેમનાં પુષ્પોનું મધુર સિંચન’ પણ છે જેમાં શૂન્ય પાલનપુરીથી હિતેન આનંદપરા સહિતના લગભગ તમામ લોકપ્રિય ગઝલકારોની પ્રેમ વિશેની ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોનલ પરીખ લખે છે, ‘પ્રેમની વાત આવે છે ત્યારે પોતાને શું અને કેવી રીતે જોઈએ છે એ તો આપણે વિચારીએ જ છીએ પણ હું કેવી રીતે વધારે આપું, કેવી રીતે મારી અંગત યોગ્યતા વધારું એ પણ વિચારીએ તો? પ્રેમ એક ભવ્ય ક્રાન્તિ છે, જેમાં બે વિકસિત અને ઉમળકાભર્યાં પાત્રો પોતાના આગવાપણાનો ભોગ આપ્યા વગર એક થાય છે. કોઈ પણ સંબંધમાં જ્યારે બિનશરતી પ્રેમ ઉમેરાય છે ત્યારે એને એક નવું પરિમાણ મળે છે. સોલમેટ શોધવાની ચિંતા ન કરો. પહેલાં પોતાને શોધો. પ્રેમ એક એવી અવસ્થા છે જેમાં તમારા કરતાં બીજી વ્યક્તિનો આનંદ વધારે મહત્ત્વનો હોય છે.’ સંબંધના છોડને માટે કદર, સ્વીકાર અને લાગણી આ ત્રણ બાબત હવા, પાણી અને સૂર્યપ્રકાશ જેટલી જ મહત્ત્વની છે. લોકપ્રિય કવિ ઉદયન ઠક્કર લખે છે, ‘વહેલા નજરે ના ચડે પવન અને બીજો પ્રેમ... જોઈ શકો તો પૂછજો ચોખ્ખા છે કે કેમ?’ તો પ્રખ્યાત પત્રકાર અને લેખિકા નંદિની ત્રિવેદી લખે છે, ‘ટુ લવ અને ટુ બી લવ્ડ’ દરેક સ્ત્રી અને પુરુષનું નમણું શમણું રહ્યું છે. એટલે જ પ્રેમ જિંદગીમાં અનેક રંગો બતાવતો હોવા છતાં માણસના જીવનમાં પ્રેમનું મહત્ત્વ ઘટ્યું નથી એટલું જ નહીં, પ્રેમ વગર કોઈને ચાલ્યુંય નથી. આવી સપ્તરંગી લાગણીને કોઈ અવગણી શકે?
- હેમંત ઠક્કર
( લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે )


