BJP માટે ગુજરાતમાં હૅટ-ટ્રિક કરવાના સંજોગો વચ્ચે કૉન્ગ્રેસનાં ગેનીબહેન ઠાકોર બનાસકાંઠામાં બાજી મારી ગયાં અને ઇતિહાસ રચી દીધો
ગેનીબહેન ઠાકોર
BJP માટે ગુજરાતમાં હૅટ-ટ્રિક કરવાના સંજોગો વચ્ચે કૉન્ગ્રેસનાં ગેનીબહેન ઠાકોર બનાસકાંઠામાં બાજી મારી ગયાં અને ઇતિહાસ રચી દીધો : લોકોની વચ્ચે જઈને કામ કરનારાં નેતા તરીકેની ઇમેજને કારણે લોકોએ તેમને સામે ચાલીને ચૂંટણી લડવા પૈસા પણ આપ્યા, જે જવલ્લે જ બને
‘બહેન-દીકરીઓ તેમની ઇચ્છા વ્યક્ત કરી કોઈ માગણી કરે અને એ પૂરી કરવામાં આવે એ સંસ્કૃતિ-પરંપરાને બનાસકાંઠાના મતદારોએ સાચવી રાખીને મને વિજય અપાવ્યો છે.’
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલા અબાસણા ગામની એક દીકરી જેને આજે લોકો પ્રેમથી ‘બનાસની બેન, ગેનીબેન’ તરીકે બોલાવે છે તે ગ્રામીણ મહિલા ગેનીબહેન ઠાકોરે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતાં અને ધબકતી રાખતાં લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર અકલ્પનીય વિજય મેળવ્યા બાદ આમ કહ્યું હતું.
કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે જનતા પાસેથી ૧૦૦ અને ૨૦૦ રૂપિયાનો ફાળો એકઠો કરીને લોકસભાની ચૂંટણી લડનારાં એક ગ્રામીણ મહિલા છેલ્લાં ૧૦ વર્ષથી કેન્દ્રમાં સત્તાસ્થાને રહેલી અને ગુજરાત જેનો ગઢ ગણાય છે એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સબળ નેતૃત્વ સામે જોરદાર લડત આપીને જીતી પણ શકે છે. ગુજરાતની આ ગ્રામીણ નારીએ સમાજની વચ્ચે રહીને પાછીપાની કર્યા વગર અઢારે વર્ણનો સાથસહકાર લઈને ચૂંટણીજંગ જીતતાં ભલભલા મોંઢામાં આંગળાં નાખી ગયાં છે એટલું જ નહીં; ગુજરાત તો ઠીક, દેશમાં અને વિદેશમાં ‘બનાસની બેન, ગેનીબેન’નું નામ જાણીતું બન્યું છે.
ગુજરાતમાં BJPનાં મૂળિયાં ઊંડે સુધી ઊતરી ગયાં છે. ગુજરાત વિધાનસભામાં ૧૫૬ વિધાનસભ્યો તો ખાલી BJPના હતા અને હવે એમાં બીજા પાંચ વિધાનસભ્યોનો ઉમેરો થતાં ૧૬૧ વિધાનસભ્યો તો BJPના છે તેમ જ છેલ્લી બે ટર્મ એટલે કે ૧૦ વર્ષથી ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો પર BJPના ઉમેદવારોને મતદારોએ ખોબલેખોબલા ભરીને મત આપીને જિતાડ્યા હતા. આ વખતે ગુજરાતમાં BJPએ સતત ત્રીજી વાર લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતીને હૅટ-ટ્રિક કરવા કમર કસી હતી અને તમામ બેઠકો જીતવા માટે કોઈ કસર છોડી નહોતી. એમ છતાં બનાસકાંઠા લોકસભાની બેઠક BJP જીતી શકી નહીં. ગેનીબહેન ઠાકોરે આ બેઠક પરથી તેમનાં પ્રતિસ્પર્ધી, BJPનાં ઉમેદવાર ડૉ. રેખા ચૌધરી સામે ૩૦,૪૦૬ મતની લીડ સાથે જીત મેળવતાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર સતત ત્રણ વખત વિજય મેળવવાના BJPના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું અને BJPની હૅટ-ટ્રિક થતી રોકી છે.
દૂરવર્તી શિક્ષણ પ્રોગ્રામ હેઠળ BA સુધીનો અભ્યાસ કરનાર અને હાલ ભાભર રહેતાં ૪૮ વર્ષનાં ગેનીબહેન ખેતી, ઘરકામ અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે. ‘મિડ-ડે’એ તેમને પૂછ્યું કે ચૂંટણી જીતવી તમારા માટે કેટલી ટફ હતી? ત્યારે આ ગ્રામીણ મહિલાએ નિખાલસ રીતે કહ્યું, ‘એવું મને ખબર ન હોય, પણ ચૂંટણી જીતવા માટે મહેનત કરી અને બધું થઈ ગયું અને હું ચૂંટણી જીતી ગઈ. લોકોએ મને સ્વૈચ્છિક ફાળો આપીને મદદ કરી એ માટે સૌનો આભાર.’
બનાસકાંઠા લોકસભા બેઠક પરથી વિજય મેળવ્યા બાદ મતદારોનો આભાર માનતાં ગેનીબહેને કહ્યું હતું કે ‘બનાસકાંઠાના મતદારોએ વોટ અને નોટ આપ્યાં છે અને મામેરું માગ્યું હતું તે મામેરું મતદારોએ ભર્યું છે ત્યારે તેમનો આભાર માનું છું. બનાસકાંઠાની જનતાએ ભરોસો મૂક્યો છે અને ‘બનાસની બેન, ગેનીબેન’નું સૂત્ર લોકોએ આપીને સાર્થક કર્યું છે. જનતાને મેં વાયદા આપ્યા છે એને પૂરા કરવા માટે પ્રયાસ કરીશ.’
ગામની દીકરીની જીત થતાં ગામવાસીઓએ ગેનીબહેન ઠાકોરનું અદકેરું સ્વાગત કરીને ઘોડે બેસાડ્યાં હતાં
બનાસકાંઠા લોકસભા બેઠક જીતવા માટે બેશક ગેનીબહેન ઠાકોરની સખત મહેનત અને લોકો વચ્ચે જઈને કામ કરતાં નેતા તરીકેની તેમની સમાજમાં રહેલી ઉમદા છાપ ઉપરાંત કૉન્ગ્રેસના આગેવાનો, કાર્યકરો, સમાજના જુદા-જુદા વર્ગના લોકો ઉપરાંત કેટલાક અગ્રણીઓનો ફાળો મહત્ત્વનો બની રહ્યો હતો એમાંના એક કલોલ અને કડી વિધાનસભા મતવિસ્તારના કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય બળદેવજી ઠાકોરને ‘મિડ-ડે’એ પૂછ્યું કે ગેનીબહેનનો વિજય થયો એમાં પ્રતિસ્પર્ધીઓને કેવી ફાઇટ આપી, કેવી રીતે ચૂંટણીનું કૅમ્પેન ચલાવ્યું? ત્યારે તેમણે કહ્યું, ‘ફાઇટની તો ખરેખર વાત થાય એવી નથી. જ્યારે બૅન્ક-ખાતાં બંધ કર્યાં હોય, આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એવા સંજોગોમાં સાથે રહેવાનું, ચૂંટણી જીતવા પ્લાનિંગ કરવાનું, મતવિસ્તારના આગેવાનોને સમજાવવાના, કેવી રીતે ગેનીબહેન ચૂંટણી જીતે એ બધીયે વ્યવસ્થાના ભાગરૂપે મને જવાબદારી સોંપી હતી એ જવાબદારી મેં નિભાવી છે. હું ઓછામાં ઓછો સવા મહિનો બનાસકાંઠામાં રહ્યો હતો. ત્યાં કૉન્ગ્રેસના નાનાથી માંડીને તમામ કાર્યકરોને એક સ્ટેજ પર લાવીને સમજાવ્યા અને બધા એક થઈને ચૂંટણી લડ્યા એનું પરિણામ આવ્યું છે.’
ચૂંટણી જીતવા માટે પ્રચારકાર્ય સહિતનાં કામો કરવાં કેટલાં અઘરાં થઈ ગયાં હતાં એ મુદ્દે તેમણે આક્ષેપ કરતાં એમ પણ કહ્યું કે ‘ચૂંટણીમાં બૅન્ક, ડેરી, સરકારી તંત્ર, પોલીસ તંત્ર સામે ઝઝૂમીને આ રિઝલ્ટ લાવવું એ કેવડી મોટી વાત કહેવાય. સખત મહેનત કરી. સમાજને પણ લોકો માટે લડી શકે એવા ઉમેદવાર મળ્યા છે. બિલકુલ તૂટફૂટ કર્યા વગર ઘણાબધાએ સપોર્ટ કર્યો એના પરિણામના ભાગરૂપે આ બન્યું જેમાં બધાનો સહયોગ મળ્યો. કૉન્ગ્રેસના આગેવાન તરીકે મને નિરીક્ષક તરીકે મૂક્યો હોય ત્યારે મારી જવાબદારી હોય અને અમને લાગ્યું કે બેન થોડા મત માટે ન રહી જાય એટલે મહેનત કરી.’
પ્રિયંકા ગાંધી સાથે ગેનીબહેન ઠાકોર અને ગુજરાત કૉન્ગ્રેસના આગેવાનો
ગેનીબહેન ઠાકોર હિંમતવાન મહિલા નેતા છે. શુક્રવારે તેઓ તેમના ગામ અબાસણા ગયાં ત્યારે વતનમાં લોકોએ તેમને અદકેરો આવકાર આપી ઘોડા પર બેસાડીને વહાલ વરસાવ્યું હતું અને ગામમાં પરિવારજનોએ તથા વડીલોએ ઝાંસીની રાણીની જેમ કામ કરવા અને લોકોનું રક્ષણ કરવા સાથે લોકોનાં કામ સારી રીતે કરી શકાય એ માટે આશીર્વાદ આપ્યા હતા.
ગુજરાતની ૨૬ બેઠકોમાંથી બનાસકાંઠાની બેઠક પર ગુજરાતની જ નહીં, દિલ્હીના નેતાઓની પણ નજર રહેલી હતી અને એનું કારણ પણ ગેનીબહેન જ હતાં; કેમ કે BJPના નેતાઓ પણ સારી રીતે જાણતા હતા કે ગેનીબહેન લોકો વચ્ચે જઈને કામ કરનારાં જનપ્રતિનિધિ છે, લોકો તેમની સામે પ્રશ્ન કરી શકે છે અને કામ માટે તેમને સાદ પણ પાડે છે. લોકોનાં કામ થાય કે ન થાય, પણ એ માટે તેઓ પ્રયાસ કરતાં રહ્યાં છે એટલે જ ગેનીબહેન ઠાકોર છેલ્લી બે ટર્મથી વાવ વિધાનસભા મતવિસ્તારનાં વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે. ઉત્તર ગુજરાતમાં ગેનીબહેન ઠાકોર કૉન્ગ્રેસનો એક ચહેરો છે એમ કહેવામાં જરા પણ ખોટું નહીં લેખાય. લોકોની વચ્ચે જઈને કામ કરનાર નેતા તરીકેની તેમની ઇમેજ ઊભરી આવી છે. રાજકીય અને સામાજિક કાર્યોથી સમાજમાં તેમણે અમીટ છાપ છોડી છે અને એટલે જ કદાચ મતદારોને ગેનીબહેન ‘આપણાં બેન’ લાગ્યાં હશે અને ‘બનાસની બેન, ગેનીબેન’નું બિરુદ આપીને હોંશે-હોંશે મતદારોએ તેમને બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ચૂંટ્યાં છે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર વિજય થયા બાદ ગેનીબહેન ઠાકોરને સમર્થકોએ વધાવી લીધાં હતાં
ગેનીબહેને તેમના મતવિસ્તારમાં ચારેકોર ફરીને પ્રચંડ પ્રચાર કર્યો. નાસીપાસ થયા વગર BJP સહિતના પક્ષોના ઉમેદવારો સામે ઝીંક ઝીલીને ઝઝૂમ્યાં. કોઈ પણ જાતના ખચકાટ કે ગભરાટ વગર સભાઓ ગજવી, બેધડક બોલ્યાં અને ફાળો પણ માગ્યો. બનાસની આ બહેને પ્રતિસ્પર્ધી સામે જોરદાર લડત આપી અને પરિણામ આપણી સામે છે કે બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ગેનીબહેન ઠાકોરની જીત થતાં ૧૦ વર્ષ પછી કૉન્ગ્રેસ માટે ગુજરાતમાં લોકસભા બેઠકો પર વિજય મેળવવાનું ખાતું ખૂલ્યું છે. તેમના વિજયને કારણે ગુજરાત કૉન્ગ્રેસમાં પ્રાણ ફૂંકાયા છે. કાર્યકરો અને આગેવાનો એક વિજય માટે રાહ જોઈ રહ્યા હતા એ વિજય નજરે પડતાં ગુજરાત કૉન્ગ્રેસમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી સહિત કૉન્ગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપરાંત સમાજે પણ ગેનીબહેનના વિજયને ગર્વથી વધાવ્યો છે. હવે બનાસની બેનનો અવાજ લોકસભામાં પ્રજા માટે ગુંજશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://static.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)