આજે જેમ ઘરે-ઘરે દૂધ ડિલિવર થાય છે એમ એક જમાનામાં કોલસા પહોંચતા, જાણીને નવાઈ લાગશે કે અત્યારે કોલસાની વધતી માગથી એના વેપારીઓ ખુશ નથી કારણ કે વધારાની માગને પહોંચી વળવાની તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી.
મુંબઈનો કોલસા ઉદ્યોગ કાળા કોલસાથી બ્લૅક ગોલ્ડ સુધી
જાણીને નવાઈ લાગશે કે અત્યારે કોલસાની વધતી માગથી એના વેપારીઓ ખુશ નથી કારણ કે વધારાની માગને પહોંચી વળવાની તેમની પાસે કોઈ વ્યવસ્થા નથી. એક જમાનામાં શહેરના વિકાસનું કેન્દ્રબિંદુ મનાતી કોલસાની ઇન્ડસ્ટ્રી અત્યારે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મથી રહી છે એવામાં અચાનક હવે ઊઠેલી કોલસાની માગ સાથે આ વ્યવસાયની જટિલતાઓ વિશે વાત કરીએ
‘યસ, અમારી પાસે પુષ્કળ ડિમાન્ડ છે પરંતુ એ ડિમાન્ડ પૂરી કેમ કરવી? તમે વિચાર કરો કે જે બિઝનેસને સમયનો એવો માર લાગ્યો કે ૮૦ ટકા બિઝનેસ ખતમ થઈ ગયો. ૨૦૦માંથી માંડ ૨૦ વેપારી મુંબઈમાં કોલસાનો વેપાર કરનારા બચ્યા છે. અમે અમારું કામકાજ જરૂરિયાત પૂરતું અને ઓછું કરી નાખ્યું છે. આખો વ્યવસાય મજૂરો આધારિત છે ત્યારે વધેલી માગને પૂરી કરવાની વ્યવસ્થા અમારી પાસે નથી. અમે તો ઇચ્છીએ છીએ કે યુદ્ધ પૂરું થાય અને ગૅસ-સપ્લાય નૉર્મલ થાય કારણ કે અત્યારે જે સંજોગો ઊભા થયા છે એમાં અમને કોઈ મોટો લાભ થઈ નથી રહ્યો, ઊલટાનું સ્ટ્રેસ વધ્યું છે.’
ADVERTISEMENT
એક સમયે પારાવાર દબદબો ધરાવતા ૧૯૫૩માં શરૂ થયેલા બૉમ્બે ચારકોલ મર્ચન્ટ્સ અસોસિએશનના અગ્રણી પારસ વોરાના આ શબ્દો છે. પારસભાઈ ત્રણ પેઢીથી કોલસાના વ્યવસાયમાં સક્રિય છે. તેમના દાદાજીએ મુંબઈમાં કોલસાના ટ્રેડર તરીકે કામ શરૂ કર્યું હતું. આજે તેમનું અસોસિએશન માત્ર કાગળ પર રહ્યું છે. મુંબઈમાં હવે આંગળીના વેઢે ગણી શકાય એટલા વેપારીઓ રહ્યા છે જે કોલસાના વ્યવસાયમાં અકબંધ હોય. સપનાના શહેર મુંબઈને એક સમયે ઍક્ટિવ રાખવા માટે એની રગમાં કોલસો દોડતો એવું કહી શકાય. જ્યારે મુંબઈમાં ગૅસની પાઇપલાઇન નહોતી કે ગૅસ-સિલિન્ડરનો વપરાશ શરૂ થયો નહોતો અને વીજળી માત્ર શ્રીમંતોના ઘર સુધી મર્યાદિત હતી ત્યારે આ શહેરના મજૂરોની સગડી અને મિલોનાં બૉઇલર કોલસાથી જ ધમધમતાં હતાં. આજે મુંબઈમાં અચાનક કોલસાની માગમાં આવેલો ઉછાળો ચર્ચામાં છે. ૧૯૭૮ પછી પહેલી વાર કોલસાની જરૂરિયાત ઊભી થઈ છે. ગૅસ-સિલિન્ડરની અછત અને વધતા ભાવોએ હોટેલમાલિકોને ફરીથી કોલસા તરફ વળવા મજબૂર કર્યા છે. જથ્થાબંધ વેપારીઓ એને બ્લૅક ગોલ્ડ કહી રહ્યા છે કારણ કે માગની સરખામણીએ પુરવઠો ઘણો ઓછો છે ત્યારે આ આખી ઇન્ડસ્ટ્રીના ઇતિહાસથી લઈને વર્તમાનની સફરને માણીએ..

વિપુલ જોગી, કોલસાના ટ્રેડર
ભવ્ય ઇતિહાસ
મુંબઈમાં કોલસાના વેપારનો પાયો બ્રિટિશ શાસન દરમિયાન નખાયો હતો. ૧૯મી સદીના મધ્યમાં જ્યારે રેલવે અને સ્ટીમ એન્જિનની શરૂઆત થઈ ત્યારે બ્રિટિશરોને પ્રચંડ માત્રામાં બળતણની જરૂર પડી. બ્રિટિશરોએ દરિયાકાંઠે આવેલા શિવડી વિસ્તારને કોલ ડેપો તરીકે વિકસાવ્યો. અહીંથી જ આખા મુંબઈમાં લાકડાં અને કોલસાનો પુરવઠો વિતરીત થતો હતો. લાલબાગ અને પરેલની કાપડ મિલોમાં કામ કરતા હજારો મજૂરો માટે ચાલી બાંધવામાં આવી હતી. આ દરેક રૂમમાં એક નાની સગડી રાખવાની જગ્યા હતી. એ સમયે લાકડાનો કોલસો જ રસોઈ માટેનું એકમાત્ર સસ્તું સાધન હતું. શિવડીના જૂના ડેપોથી શરૂ થયેલી આ સફર આજે ઍમૅઝૉન પર વેચાતા મોંઘા ચારકોલ પાઉડર સુધી પહોંચી છે. કોલસો કદાચ હવે બળતણ તરીકે ઓછો વપરાય છે પણ એની ઉપયોગિતા ક્યારેય ખતમ નહીં થાય. મુંબઈની ગલીકૂંચીઓમાં હજી પણ સળગતા કોલસાની સુગંધ આ શહેરના જીવંત હોવાની સાક્ષી પૂરે છે. જોકે કોલસાના ધુમાડાથી થતા પ્રદૂષણને કારણે સુપ્રીમ કોર્ટ અને નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ અગાઉ ઘણી બેકરીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
વેપારીઓની આજની સ્થિતિ
કોલસાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે ૧૯૭૮ પછી સર્વાઇવલ વૉર શરૂ થઈ અને એક સમયે દબદબાભેર આ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓએ પોતાનું કામકાજ સંકેલીને બીજા વ્યવસાયમાં જવું પડ્યું. ૧૯૪૫માં કંપની શરૂ કરનારા ત્રણ પેઢીથી ચારકોલ એટલે કે ઘરેલુ બળતણ તરીકે ઉપયોગમાં લેવાતા કોલસાનો વેપાર કરતા વિપુલ જોગી મુંબઈના અગ્રણી હોલસેલર છે. તેમનાં પોતાનાં ગોડાઉન છે અને માત્ર મુંબઈમાં જ નહીં પણ ભારતભરમાં તેઓ કોલસાનું ટ્રેડિંગ કરે છે. અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં વિપુલભાઈ કહે છે, ‘આપણે ત્યાં દેશભરમાંથી કોલસા આવે છે અને એનું વિતરણ પણ દેશભરમાં જુદી-જુદી જગ્યાએ થાય છે. યસ, ડિમાન્ડ અત્યારે ત્રીસથી ચાલીસ ટકા વધી છે અને એને અમે જેમતેમ પૂરી કરવાના પ્રયાસો કરીએ છીએ. અમે લોકોએ વધતી ડિમાન્ડને પગલે મનફાવે એવા ભાવ લેવાનું શરૂ કર્યું હોય એ વાત ખોટી છે. ૩૦-૩૫ રૂપિયે કિલો મળતા કોલસાનો ભાવ અત્યારે ૪૫થી ૫૦ રૂપિયે કિલો પહોંચ્યો છે, કારણ કે એના કામ સાથે સંકળાયેલા મજૂરોથી લઈને સપ્લાયરોએ ભાવ વધાર્યો છે. આમાં ટ્રેડર તરીકે અમારા જેવા લોકોને કોઈ લાભ નથી થઈ રહ્યો. તમે વિચાર કરો કે હજી થોડાક સમય પહેલાં જ મુંબઈ મહાનગરપાલિકાએ કોલસાને બળતણ તરીકે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેણે ઑલરેડી આ વ્યવસાયને ટકાવી રાખવા મથી રહેલા વેપારીઓના માથે છેલ્લો ઘા કર્યો હતો. ઘણી હોટેલો અને રેસ્ટોરાંમાં જે અમારી સપ્લાય જતી એ બંધ થઈ ગઈ. કેટલાય વેપારીઓ ખતમ થઈ ગયા. આજે જ્યારે ફરી ગૅસ-સપ્લાયની કમી થઈ ત્યારે એ જ ટ્રેડિશનલ કોલસા યાદ આવ્યાને? તમે જ જેને નેસ્તનાબૂદ કરી દીધી એ ઇન્ડસ્ટ્રી હવે આ વધેલી ડિમાન્ડને પૂરી કરવા માટે મરણિયા પ્રયાસ કરે એ દેખીતી વાત છે. આગળ કહ્યું એમ આર્થિક લાભ નથી પણ એની વચ્ચે કેટલાય પરિવારો, રેસ્ટોરાંના માલિકોની જરૂરિયાતને જોતાં અમે ખેંચાઈને પણ ડિમાન્ડ પૂરી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ, કારણ કે વાત ફાયદાની નહીં પણ માનવતાની છે. આજે આ જ કોલસાને કારણે કેટલીયે રેસ્ટોરાંને જીવનદાન મળ્યું છે, કેટલાયે મજૂરોની નોકરી સચવાયેલી છે. બહારના ભોજન પર નિર્ભર કેટલાય શ્રમિકો અને લોકોને ભોજન મળી રહ્યું છે. કોલસા પર કેટલાય ગ્રામીણ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારો નિર્ભર છે ત્યારે એને સપોર્ટ આપવાને બદલે સરકારે એને નેસ્તનાબૂદ કરવાની દિશામાં જ પગલાં લીધાં હતાં અને આજે એ જ ઇન્ડસ્ટ્રી ખરા સમયે કામ આવી રહી છે.’

પારસ વોરા, બૉમ્બે ચારકોલ મર્ચન્ટ્સ અસોસિએશનના અગ્રણી
અહીં ઉલ્લેખનીય છે કે વિપુલભાઈની કંપની હોટેલો ઉપરાંત તાતા સ્ટીલ, બિરલા ગ્રુપ, સેન્ચુરી રેયૉન જેવી કંપનીઓને પણ તેમની ફૅક્ટરીના કામ માટે ચારકોલ સપ્લાય કરે છે. મુંબઈમાં મુખ્યત્વે તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન વગેરે જગ્યાઓએથી ચારકોલ એટલે કે લાકડિયો કોલસો આવે છે. કોલસાનો એક બીજો પણ પ્રકાર છે જેનો ઉપયોગ ઈંધણ તરીકે ઇન્ડસ્ટ્રિયલ ઉદ્દેશ્યથી થાય છે.
આરોગ્યપ્રદ છે કોલસા
બ્રિટિશ સરકારે શિવડીમાં કોલ ડેપો શરૂ કર્યો. એક જમાનામાં અને ઈવન આજે પણ એસેન્શિયલ કૉમોડિટી ઍક્ટમાં સામેલ થતી આઇટમમાં લાકડિયા કોલસાનો સમાવેશ થયેલો છે. બૉમ્બે ચારકોલ મર્ચન્ટ્સ અસોસિએશનના પારસ વોરા કહે છે, ‘તમે વિચાર કરો કે સેંકડો વેપારીમાંથી આજે મુંબઈમાં લગભગ અઢારથી ૨૦ વેપારી અને શિવડીમાં લગભગ સિત્તેરેક વેપારીઓ આ બિઝનેસને ટકાવી રાખવાના પ્રયાસ કરે છે. ૧૯૭૮માં ગૅસના બાટલા આવ્યા એ પછી ગરીબોનું ભોજન કોલસા પર રંધાતું, જે પણ ધીમે-ધીમે પ્રદૂષણના નામે સરકારે બંધ કરાવ્યું. છેલ્લે બેકરી અને રેસ્ટોરાંમાં પણ કોર્ટના આદેશથી કોલસાના વપરાશ પર પ્રતિબંધ મુકાયો પરંતુ કોઈએ ફૅક્ટ-ચેક કર્યું જ નહીં. વારંવાર વેપારીઓ વતી અમે સરકારને સમજાવવાના પ્રયાસ કર્યા કે બળતણ તરીકે કોલસાના ઉપયોગથી નહીં પણ કેટલીક બેકરીઓમાં સસ્તા ભાવે મળતા જૂના ફર્નિચરનાં લાકડાંનો ઉપયોગ થાય છે અને એ જ્યારે સળગે છે ત્યારે એના પર લગાવેલી પૉલિશ અને ટાર્નિશ હવામાં ભળે છે અને એનાથી પૉલ્યુશન થાય છે. કોલસાથી એવું પ્રદુષણ નથી થતું. ઇન ફૅક્ટ, કોલસામાં રંધાતું ભોજન ધીમે-ધીમે રંધાય છે અને ભોજનનાં પોષક તત્ત્વો જળવાઈ રહે છે. કોલસો પોતે બળીને ખાખ થાય છે ભોજનને પૌષ્ટિક રાખવા માટે. દેશના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલિસ્ટને ત્યાં કોલસા પર રંધાયેલી રસોઈ બને છે. હું એમ નથી કહેતો કે ગૅસને બદલે કોલસો વાપરો પરંતુ જ્યાં કોલસાની જરૂર હોય ત્યાં એને વાપરવાની છૂટ મળવી જોઈએ. એક જમાનામાં કોલસો નેસેસિટી ગણાતો. આજે જેમ ઘરે-ઘરે દૂધની ડિલિવરી થાય છે એમ એક જમાનામાં દરેક ઘરે રોજ અમુક કિલો કોલસો પહોંચાડવામાં આવતો.’
ઈશ્વર ગુપ્તા, સમ્રાટ હોટેલના માલિક
હોટેલમાં કોલસાનો ઉપયોગ
મુંબઈની ઘણી રેસ્ટોરાંમાં પહેલાં તંદૂરી ભોજન માટે કોલસાની સગડીનો ઉપયોગ થતો, પરંતુ કોર્ટના આદેશ પછી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા નોટિસો મોકલીને એ બંધ કરાવ્યું. કોલસો પ્રદૂષણ કરે છે એ કારણ હતું. જોકે આજે ફરી રેસ્ટોરાંમાલિકોએ કોલસા સાથે હાથ મિલાવવા મજબૂર થવું પડ્યું છે. દહિસર ચેકનાકા પાસે ૩૮ વર્ષથી સપના રેસ્ટોરાં ધરાવતા પ્રમોદ કામથને ત્યાં દિવસના દોઢ સિલિન્ડર જેટલો ગૅસનો વપરાશ હતો. છેલ્લા એક અઠવાડિયાથી ગૅસનાં સિલિન્ડર ન મળતાં હોવાથી તેમણે ઇન્ડક્શન અને કોલસા બળતણ તરીકે વાપરવા પડે છે. પ્રમોદ કામથ કહે છે, ‘અમે તાબડતોબ કોલસાની સગડીઓ ખરીદી છે. ઇન્ડક્શન્સના ભાવ મોંઘા થઈ ગયા છે. હજી કેટલા દિવસ ગૅસની અછત રહેશે એ ખબર નથી ત્યારે અમારી રેસ્ટોરાંમાં કામ કરતા લોકોને સાચવવા અને રેસ્ટોરાંનું કામકાજ ખોરવાઈ ન જાય એટલે ભોજન બનાવવું જ પડે. કોલસા પર રસોઈ બનવામાં સમય લાગતો હોય છે એટલે બલ્કમાં અમે દાળ, ભાત જેવી આઇટમો બનાવી લઈએ છીએ. તંદૂરી આઇટમો આપીએ છીએ. બાકી મેનુ પચાસ ટકા અડધું કરી નાખ્યું છે. ચાઇનીઝ આઇટમની અમારે ત્યાં ખૂબ ડિમાન્ડ હતી પરંતુ અત્યારે એ મેનુ પર સંપૂર્ણ બ્રેક મારી દીધી છે. અમારે ત્યાં ઍટ અ ટાઇમ છ સિલિન્ડર હતાં પરંતુ અત્યારે છેલ્લું એક સિલિન્ડર બચ્યું છે જેનો ઉપયોગ અમે અતિ ઇમર્જન્સી માટે કરીએ છીએ. ઘીની જેમ અત્યારે ગૅસ વાપરીએ છીએ.’

પ્રમોદ કામથ, સપના રેસ્ટોરાંના માલિક
જરૂરિયાત હોવા છતાં કેટલીક રેસ્ટોરાં હવે કોલસા તરફ વળવું કે નહીં એની અસમંજસમાં છે. સાઉથ મુંબઈની ગુજરાતી થાળી માટેની ફેમસ રેસ્ટોરાં સમ્રાટ હોટેલના માલિક ઈશ્વર ગુપ્તા કહે છે, ‘૫૩ વર્ષમાં પહેલી વાર આવો સમય અમે જોઈ રહ્યા છીએ. અમારે ત્યાં પાઇપ્ડ ગૅસ છે પરંતુ એના વપરાશમાં વીસ ટકાની કટૌતી કરવાનો આદેશ અમને પણ મળી ગયો છે. સ્વાભાવિક રીતે ગૅસ સિવાય અત્યારે કોઈ પર્યાય હોય તો એ કોલસો છે પરંતુ તેઓ ઉપયોગ અત્યારે નથી કરી રહ્યા. ગૅસનો વપરાશ ઘટાડવા અમે કેટલાંક પગલાં લીધાં છે. જેમ કે ઢોસા અમે નથી આપી રહ્યા. સાંજે ચારથી સાતમાં પરાંઠાં બંધ કરી દીધાં. થાળીના મેનુમાંથી ફરસાણ અને સ્વીટ બંધ કરી દીધાં. ઢોસા માટે સતત તવો ચાલુ રાખવો પડે, પરાંઠાંનો ઑર્ડર આવે કે ન આવે પણ ગૅસ ચાલુ રહે જેથી એ વપરાશ ઘટાડ્યો છે. સારું છે કે કસ્ટમર સમજી રહ્યા છે પરંતુ ક્યાં સુધી આમ ચાલશે? ઇન ફૅક્ટ, અમે ખરેખર પ્રાર્થના કરીએ છીએ સંજોગો સુધરે, કારણ કે યુદ્ધ ચાલુ રહ્યું તો આ સ્થિતિ વધુ બદતર થઈ શકે અને એમાં અમારી પાસે ઈંધણના વપરાશના અન્ય પર્યાયોને અપનાવવા પડે એવું પણ બની શકે.’

મુંબઈમાં હવે કચરા અને ખેતીના અવશેષોમાંથી મશીન દ્વારા ગ્રીન ચારકોલ બનાવવાની ફૅક્ટરીઓ શરૂ થઈ રહી છે. આ કોલસો પરંપરાગત લાકડાના કોલસા કરતાં ઓછો ધુમાડો કરે છે અને લાંબો સમય ચાલે છે.
મુંબઈ અને કોલસા વચ્ચેનો સંબંધ
મુંબઈના ગનપાઉડર અને કોલસાનો સંબંધ
બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈના માઝગાવ વિસ્તારમાં દારૂગોળો બનાવવાની ફૅક્ટરી હતી. દારૂગોળો બનાવવા માટે કોલસો એક મુખ્ય ઘટક છે. એ સમયે ખાસ પ્રકારના નરમ લાકડામાંથી બનાવેલો કોલસો અહીં સપ્લાય કરવામાં આવતો હતો. મુંબઈના સંરક્ષણમાં આ કોલસાએ અપ્રત્યક્ષ રીતે મોટી ભૂમિકા ભજવી હતી.

નાના ચોક વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં ગૅસના બદલે કોલસા દ્વારા રસોઈ બનાવાઈ રહી છે. તસવીર : આશિષ રાજે
શિવડી અને જંગલ
તમને જાણીને નવાઈ લાગશે કે શિવડીમાં આજે જ્યાં કોલ ડેપો છે ત્યાં ૧૮મી સદીમાં ઘણું મોટું જંગલ હતું. બ્રિટિશરોએ આખું જંગલ કાપીને એને કોલસામાં ફેરવી નાખ્યું હતું જેથી શહેરની સ્ટીમર અને ટ્રેનો ચાલી શકે. આજે પણ શિવડીની જમીન ખોદતાં ઘણા વિસ્તારોમાં જૂના કોલસાના અવશેષો મળી આવે છે.
સળગતા તળાવની દંતકથા
જૂના મુંબઈના વડીલો વાતો કરતા કે મુંબઈના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં (ખાસ કરીને ડૉકની આસપાસ) કોલસાનો એટલો મોટો જથ્થો જમીનમાં દટાયેલો હતો કે ક્યારેક ઉનાળામાં ભીષણ ગરમીને કારણે જમીનની અંદર આપમેળે આગ લાગતી અને ધુમાડા નીકળતા. લોકો એને જાદુઈ આગ માનતા પણ એ વાસ્તવમાં કોલસાની ડસ્ટનું દહન હતું.
ઈરાની કૅફેનું સ્મોકી મસાલા ચાય સીક્રેટ
મુંબઈની પ્રખ્યાત ઈરાની કૅફેની જૂની રેસિપીમાં ચા કે મસ્કા-બન બનાવતી વખતે જે કોલસાનો ઉપયોગ થતો હતો એ ખાસ બાવળના લાકડાનો કોલસો હતો. ઈરાની હોટેલમાલિકોનું માનવું હતું કે બાવળનો કોલસો ધીમી આંચ આપે છે જેનાથી ચાનો મસાલો બળતો નથી પણ ધીરે-ધીરે ઊકળે છે. આજે ગૅસ પર એ સ્વાદ મળવો મુશ્કેલ છે.
કોલસા મજૂર અને મુંબઈની બોલી
મુંબઈની ‘ટપોરી’ કે ‘મુંબૈયા’ હિન્દી-ગુજરાતી મિશ્રિત બોલીમાં કોલસાના વેપાર સાથે જોડાયેલા અનેક શબ્દો આવ્યા છે. જેમ કે જે કામ અઘરું હોય એને કોયલે કી દલાલી જેવી કહેવતો સાથે જોડવામાં આવતું. મુંબઈનાં બંદરો પર કોલસો ઉતારનારા મજૂરો અને વેપારીઓને કોયલાવાલા કહેવાતા જે પાછળથી ઘણી અટકોમાં ફેરવાઈ ગઈ.
કોલસો અને મુંબઈની બેકરી
મુંબઈનાં પાંઉ આખી દુનિયામાં ફેમસ છે. એનું રહસ્ય એ હતું કે જૂની બેકરીઓમાં ભઠ્ઠી ગરમ કરવા માટે લાકડાના કોલસાનો ઉપયોગ થતો. જ્યારે ઇલેક્ટ્રિક અવન આવ્યાં ત્યારે પાંઉનો પેલો સૉફ્ટ અને સુગંધિત સ્વાદ બદલાઈ ગયો. આજે પણ દક્ષિણ મુંબઈની ૨-૩ ગણીગાંઠી બેકરીઓ છૂપી રીતે કોલસાનો ઉપયોગ કરે છે જેથી એ જૂનો સ્વાદ જળવાઈ રહે.
