Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શું આપણે જીવન જીવી રહ્યા છીએ કે સમય આપણા માધ્યમથી જીવી રહ્યો છે?

શું આપણે જીવન જીવી રહ્યા છીએ કે સમય આપણા માધ્યમથી જીવી રહ્યો છે?

Published : 12 October, 2026 02:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમયને આપણે ઘડિયાળના કાંટામાં શોધીએ છીએ, પરંતુ સમય પોતાનો પરિચય આપણને અનુભૂતિના રૂપમાં કરાવીને ચાલ્યો જાય છે

લેખક જ્યોતિષવિશારદ અને ઍસ્ટ્રો-મેટાફિઝિસિસ્ટ છે અને ભવન્સ કૉલેજમાં જ્યોતિષશાસ્ત્રના પ્રોફેસર છે

What’s On My Mind?

લેખક જ્યોતિષવિશારદ અને ઍસ્ટ્રો-મેટાફિઝિસિસ્ટ છે અને ભવન્સ કૉલેજમાં જ્યોતિષશાસ્ત્રના પ્રોફેસર છે


આપણે સૌ માનીએ છીએ કે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ, પણ વાસ્તવિકતા શું છે? આપણે સપનાં જોઈએ છીએ, નિર્ણયો લઈએ છીએ, સફળતા મેળવવા પ્રયત્ન કરીએ છીએ અને ભવિષ્ય માટે અનેક યોજનાઓ બનાવીએ છીએ; પરંતુ ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે કે આપણા જીવનમાં જે કંઈ બની રહ્યું છે એમાં ખરેખર કેટલી બાબતો આપણા નિયંત્રણમાં છે?
આપણે ક્યારે જન્મ લઈશું, કયા પરિવારમાં જન્મ લઈશું, જીવનમાં કઈ વ્યક્તિઓને મળીશું અને ક્યારે કયા સંજોગોનો સામનો કરીશું એ બધું શું આપણે નક્કી કર્યું હોય છે? એ આપણા હાથમાં છે? ઘણી વાર જીવનમાં એવી ઘટનાઓ બને છે જેની આપણે કલ્પના પણ નથી કરી હોતી. ક્યારેક એક જ ક્ષણ જીવનની દશા અને દિશા બન્ને બદલી નાખે છે, જ્યારે ક્યારેક વર્ષોની મહેનત પછી પણ પરિણામ સ્વરૂપે ખાલીપા સિવાય કશું મળતું નથી.

તો પછી પ્રશ્ન થાય છે : શું આપણે ખરેખર આપણા જીવનના સર્જક છીએ કે પછી કોઈ વિશાળ સમયપ્રવાહનો એક ભાગ છીએ? સમયને આપણે ઘડિયાળના કાંટામાં શોધીએ છીએ, પરંતુ સમય પોતાનો પરિચય આપણને અનુભૂતિના રૂપમાં કરાવીને ચાલ્યો જાય છે. બાળપણમાં એક વર્ષ ખૂબ લાંબું લાગતું હતું, જ્યારે આજે અનુભવોનાં પાનાં પાછળ વાળીને જોઈએ છીએ ત્યારે જાણે આખાં વર્ષો પળવારમાં પસાર થઈ ગયાં હોય એવું લાગે છે. સમય બદલાતો રહે છે, પરિસ્થિતિઓ બદલાતી રહે છે અને એની સાથે આપણે પણ બદલાતા રહીએ છીએ.



અહીં જ જ્યોતિષનો એક ઊંડો પ્રશ્ન સામે આવે છે. જ્યોતિષમાં ગ્રહોની ગતિ અને સ્થિતિના આધારે સમયને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ શું સમયને સમજવાનો અર્થ માત્ર ભવિષ્યમાં શું બનશે એ જાણવું છે કે પછી સમય અને જીવન વચ્ચેના સંબંધ વિશે વધુ ઊંડાણપૂર્વક વિચારવું અને એને સમજવું પણ એનો હેતુ હોઈ શકે છે?


જો જીવનની દરેક પરિસ્થિતિ આપણા નિયંત્રણમાં નથી તો શું આપણે માત્ર નિયતિના હાથની કઠપૂતળી છીએ? કદાચ નહીં. આપણે દરેક ઘટના પસંદ કરી શકતા નથી, પરંતુ એનો સામનો કેવી રીતે કરવો એ વિશે વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા પ્રભુએ આપણને આપી છે.

જો સમય અને સંજોગો આપણા જીવનને પ્રભાવિત કરે છે તો આપણા નિર્ણયોનું સ્થાન શું છે? કદાચ જીવનનું રહસ્ય આ જ બે સત્ય વચ્ચે ક્યાંક રહેલું છે : સમય સતત વહેતો રહે છે અને આપણે એની સાથે બદલાતા રહીએ છીએ. સવાલ માત્ર એટલો નથી કે સમય આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે, પરંતુ એ પણ છે કે આ સમગ્ર પ્રવાહમાં આપણે કોણ છીએ? આપણે પોતાની જાતને કેટલી સારી રીતે ઓળખીએ છીએ?


કદાચ આપણે જીવન જીવી રહ્યા છીએ, પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનમાંથી પસાર થઈ રહેલા સમયને આપણે ખરેખર સમજી પણ રહ્યા છીએ? શું એ તો આપણા માધ્યમથી આપણી અંદર જીવી નથી રહ્યોને?

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK