Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



'ઝરૂખો'માં બે નવલકથાઓ વિશે રસપ્રદ ચર્ચા થઈ

13 July, 2024 05:43 IST | Mumbai

'ઝરૂખો'માં બે નવલકથાઓ વિશે રસપ્રદ ચર્ચા થઈ

છેલ્લા ચૌદ વર્ષથી બોરીવલીમાં શ્રી સાઇલીલા વેલ્ફેર ટ્રસ્ટના 'ઝરૂખો'માં મહિનાના પહેલા શનિવારે સાહિત્યના વિવિધ કાર્યક્રમનું આયોજન થાય છે.નવાં સર્જકો,નવો વિષય અને નવી વાતો સાહિત્યના ભાવક તેમજ ચાહક શ્રોતાજનો સમક્ષ રજૂ થાય છે. આ વખતે ઉપક્રમ હતો કે બે નવલકથાકાર તેમની નવલકથા વિશે વાત કરે અને બે સર્જક/ વિવેચક એનો આસ્વાદ કરાવે, એને વિવેચનાત્મક રીતે જુએ પણ ખરા! કાર્યક્રમની શરૂઆતમાં લેખિકા મમતા પટેલ રજૂ થયાં. તેમણે તેમની નવલકથા 'ધખતો સૂરજ'ની સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં કહ્યું , ' નવલકથા લખવી આસાન નથી.મેં એક એક શબ્દને ચૂંટ્યો અને એ બધાંજ શબ્દોને મોતીની જેમ એક માળામાં પરોવતી ગઈ અને પહેલી નવલકથા લખાઈ 'ધખતો સૂરજ'. આપણે ખુદને ભૂલીને બીજા પાત્રોમાં ભળી જવું પડે છે. એમાં કલ્પનાઓના રંગો ભરવા પડે છે. ઘણીવાર હું દિવસો સુધી કંઈ લખી ન શકું ને ઘણીવાર એટલો મૂડ આવી જાય કે કલમ સડસડાટ ઉપડે ને લખ્યા જ કરું.તેઓ કહે છે મારી આસપાસ કંઈ ઘટના બને કે હું તરત ડાયરીમાં લખી લેતી. ને એમાંથી સમયાંતરે વાર્તાને ઓપ આપતી.મમતાબેન તેમનાં લેખન કાર્ય વિશે જણાવતાં કહે છે ,' લેખિનીએ મને લખતી કરી.એ થકી હું આજે ચાર પુસ્તકોનું સર્જન કરી શકી. મારી સર્જન પ્રક્રિયામાં લેખિનીનો મહત્વનો ફાળો છે. મારા પરિવારનું પણ ખૂબ મહત્વનું યોગદાન છે.મારી વાર્તાઓ અખબાર તથા સામાયિકોમાં અવાનવાર પ્રકાશિત થતી રહે છે, પુરસ્કાર મળતા રહે છે ને હું પ્રોત્સાહિત થતી રહું છું'

મમતાબેને એમની સર્જન પ્રક્રિયા વિશે ટૂંકમાં જણાવી એમની નવલકથાના અમુક અંશોનું વાચિકમ કર્યું. એમની બંન્ને દીકરીઓ પણ હાજર હતી. ત્યારબાદ નવલકથા 'ધખતો સૂરજ'નું વિવેચન જાણીતા વાર્તાકાર,વિવેચક તેમજ સંપાદક કિશોરભાઈએ કર્યું .' 'ધખતો સૂરજ ' પ્રેમકથા છે , ત્યાગ અને સમર્પણની કથા છે ,ત્રીજી વ્યક્તિ કથન કેન્દ્ર પદ્ધતિએ અને પારંપરિક સ્વરૂપમાં રજૂ થયેલી નવલકથા નાયિકાનાં મનોભાવને ધ્યાનમાં રાખીને લખાઈ છે. નાયિકા મીનુ સંવેદનશીલ છે. એ દ્રષ્ટિકોણથી વાર્તાની રજુઆત થઈ છે.નવલકથામાં નવીનતા એ છે કે વાર્તાનો અંત શરુમાં જ આપી દીધો છે.આરંભથી અંત સુધી લેખિકા વાચકને વાર્તારસમાં જકડી રાખવામાં સફળ રહ્યાં છે.' વાચિકમમાં જે નોંધનીય આલેખન રજૂ થયું એ પણ માણો. 'આપણું જીવન પણ સેન્ડવીચ જેવું જ છે ને, કેટકેટલું પીસાઈ જાય છે. જીવન બે સંબંધો વચ્ચે, ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચે તો ક્યારેક બે વ્યક્તિઓની અલગ અલગ સમજણ વચ્ચે પીસાય છે ' ૧૬૦ પાનાની નવલકથામાં ક્યાંય વિરામ આવતો નથી, એ સળંગ કહેવાઈ છે એ વાત કિશોરભાઈએ નોંધી.

સંચાલનનો આગળનો દોર હાથમાં લેતાં સંજય પંડ્યા કહે છે પચાસ કે એંસી વર્ષ પહેલાં જે લખાતું હતું તેનો વાચક વર્ગ વધુ હતો. કેમ કે પહેલાં રેડીઓ, ટીવી, મોબાઈલ જેવાં કોઈ માધ્યમો ન હતાં. માટે વાંચન તરફ લોકો વધુ વળતાં. આજે અનેક માધ્યમો ઉપલબ્ધ છે માટે વાંચન તરફ લોકો વળતાં નથી. નવલકથા લખાવી પણ ઓછી થઈ છે. સંજયભાઈએ બીજા લેખક અનિલ રાવલનો ટૂંકમાં પરિચય એમના શબ્દોમાં જ આપતાં કહ્યું: 'માણસની ઓળખ એક જ રહે, પણ વરસો વીતે એમ એમનો પરિચય બદલાતો રહે છે.' અનિલભાઈ તેમની સર્જન પ્રકિયા વિશે જણાવતાં કહે છે , 'સપનાં કંઈ ઓર હતાં પણ જિંદગીની નાવ બીજે જ લાંગરી. મૂળ નાટક અને સંગીતનો જીવ. અભિનયમાં ઊંડી રુચિ.એ બધું થોડો સમય થયું. બી. કોમ થયો પણ આંકડાઓ સાથે બિલકુલ જામ્યું નહીં .મારા ખાસ મિત્ર ,પત્રકારત્વની લાંબી મજલના સાથી પ્રફુલ શાહે થોડાં વરસો પહેલાં હિન્દીમાં લખેલી એક કાપલી મારા હાથમાં મૂકી અને કહ્યું; આના પરથી નવલકથા લખી શકાય પણ ઘણું રિસર્ચ કરવું પડે. કાપલી સાચવીને મૂકી દીધી. પત્રકારત્વનો જીવ એમ થોડો બેસી રહે ? જાસૂસીતંત્ર, એની ગુપ્ત કામગીરી વિશે રિસર્ચ કર્યું. ખૂબ વાચ્યું,શોધ્યું અને ટપકાવ્યું. મારે કેટલાંક સત્યો કાલ્પનિક રૂપે ઉજાગર કરવાં હતાં.અને ફાઈનલી વિદેશી ધરતી પર રહીને, જીવ હથેળી પર રાખીને દેશકાજે દેશની સલામતી માટે ગુપ્ત કામગીરી બજાવવા નીકળી પડેલા આપણાં અનામી એજન્ટોની દિલધડક રોમાંચક વાત બયાં કરતી નવલકથા ' ઓપરેશન તબાહી' નું અવતરણ થયું. સત્ય ઘટનાની એક નાનકડી કાપલીએ નવલક્થાનું સ્વરૂપ લઈ લીધું. એમ અનિલભાઈએ સર્જન પ્રક્રિયા વિશે ખૂબ રસપ્રદ વાત કરી.ને એમણે મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેનો પણ આભાર માન્યો.

અનિલભાઈ કહે છે કે વાર્તા લખો ત્યારે વાર્તાનો અંત પહેલાં મગજમાં હોવો જોઈએ તો તમે સારી વાર્તા લખી શકો. ત્યારબાદ કવિ,વાર્તાકાર તેમજ વિવેચક સંદીપભાઈ ભાટિયાએ 'ઓપરેશન તબાહી' નવલકથાનું વિવચન કરતાં કહ્યું, ' ડિટેક્ટિવ નવલકથા લખો તો વાચકો ભરપૂર મળે પણ ઇનામો ન મળે. આ નવલકથામાં દરેક પાત્રો યુનિક છે. એટલાં બધાં પાત્રો છે કે હું નામ ભૂલી જાઉં, મારે અનિલભાઈને ફોન કરવો પડે. એમણે શોલે ફિલ્મ સાથે સરખામણી કરતાં કહ્યું એમાં પણ ઘણાં પાત્રો છે પણ બધાંજ પાત્રો યુનિક છે. એમ 'ઓપરેશન તબાહી' નવલકથામાં પણ દરેક પાત્રોને ન્યાય મળ્યો છે. આ નવલકથા પરથી ચારથી પાંચ ફિલ્મ તો બની જ શકે. સતાવન પ્રકરણ સુધી લેખક દોડાવે છે. આપણે હાંફ્યા વગર દોડતા રહીએ ,વાંચતા રહીએ ,મૂકવાનું મન ન થાય એટલી સરસ નવલકથા છે.' પ્રશ્નોતરીનો દોરમાં ત્રણ ચાર પ્રશ્નો શ્રોતા તરફથી આવ્યા જેના સંતોષકારક જવાબ બંન્ને લેખકોએ આપ્યા.

કવિ વાર્તાકાર સતીશ વ્યાસ, હેમંત કારિયા, કલાકાર અરવિંદ વેકરિયા, પ્રતિમા પંડ્યા, નીલાબેન સંઘવી, પ્રીતિ જરીવાલા,ગીતા ત્રિવેદી,સ્મિતા શુકલ,પૂર્ણાબેન મોદી,અંજના ભાવસાર,જ્યોતિ ઓઝા,અનિલભાઈ રાવલના પત્ની ગોપીબેન , સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલ તથા અન્ય ભાવકો અને ચાહકોની હાજરી હતી . કવિ સંજય પંડ્યાએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અહેવાલ : સ્મિતા શુકલ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK