વર્લ્ડ ચૅમ્પિયન બનવા બદલ નીરજને ગોલ્ડ મેડલ સાથે મળ્યા ૫૮ લાખ રૂપિયા
નીરજ ચોપડા ભાલાફેંકમાં ભારત વતી મોટી સ્પર્ધાઓમાં સાત ગોલ્ડ અને બે સિલ્વર મેડલ જીત્યો છે. એક સ્પર્ધામાં તે પ્રથમ નંબરે આવ્યો હતો. મે, ૨૦૨૩માં તેણે નંબર-વનનો રૅન્ક મેળવ્યો હતો.
રવિવારે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ભાલો ૮૮.૧૭ મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવો ઇતિહાસ રચનાર નીરજ ચોપડાએ એ દિવસે બીજા નંબરે આવેલા પાકિસ્તાનના હરીફ ખેલાડી અર્શદ નદીમ સાથેની પોતાની મિત્રતાની વાત કરી એ પછી સોમવારે નીરજનાં મમ્મી સરોજદેવીએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં પાકિસ્તાન સાથેની મૈત્રીની ઝલક આપી હતી.
નદીમે સર્વશ્રેષ્ઠ પ્રયાસમાં ભાલો ૮૭.૭૨ મીટર દૂર ફેંક્યો હતો અને તે સિલ્વર મેડલ જીત્યો હતો. તેને હરાવ્યા બાદ સુવર્ણચંદ્રક મેળવ્યા પછી નીરજે કહ્યું કે ‘અર્શદ નદીમે પણ આ સ્પર્ધામાં ઘણું સારું પર્ફોર્મ કર્યું એની મને ખુશી છે. ફાઇનલ પછી અમે બન્ને મળ્યા હતા અને ઘણી વાતચીત કરી હતી. તેણે પણ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે ઍથ્લેટિક્સમાં અને ખાસ કરીને ભાલાફેંકમાં આપણા બન્ને દેશના ઍથ્લીટ્સ હવે બહુ સારું પર્ફોર્મ કરી રહ્યા છે. અગાઉ યુરોપના ઍથ્લીટ્સ જ ટોચના સ્થાને રહેતા હતા, પણ હવે આપણા બે દેશના ઍથ્લીટ્સ મોખરે આવી રહ્યા છે.’
ADVERTISEMENT
નીરજથી અડધા મળ્યા નદીમને
નીરજ ચોપડાને વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ રોકડ ઇનામમાં ૭૦,૦૦૦ ડૉલર (અંદાજે ૫૮ લાખ રૂપિયા) મળ્યા છે. સિલ્વર મેડલિસ્ટ પાકિસ્તાનના અર્શદ નદીમને ૩૫,૦૦૦ ડૉલર (૨૯ લાખ રૂપિયા) અને બ્રૉન્ઝ મેડલિસ્ટ ચેક રિપબ્લિકના યાકુબ વાલેચને ૨૨,૦૦૦ ડૉલર (૧૮ લાખ રૂપિયા) મળ્યા છે.
નીરજનાં મમ્મીએ શું કહ્યું?

નીરજ ચોપડાનાં મમ્મી સરોજદેવી.
પચીસ વર્ષનો નીરજ ચોપડા હરિયાણાનો છે અને ભારતીય લશ્કરમાં સૂબેદાર છે. તમારા પુત્ર નીરજે પાકિસ્તાનના નદીમને હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો એ દૃષ્ટિએ નીરજની સિદ્ધિને તમે કેટલી મોટી ગણો છો? એવું એક પત્રકારે પૂછતાં નીરજ ચોપડાનાં મમ્મી સરોજદેવીએ કહ્યું કે ‘દેખોજી, મૈદાન મેં જાઓગે તો સારે ખિલાડી હી કહલાતે હૈં. કોઈના કોઈ તો જીતેગા. ઉસ મેં પાકિસ્તાન, હરિયાણા કી કોઈ બાત નહીં. બડી ખુશી કી બાત હૈ ઔર જો પાકિસ્તાન સે જીતા હૈ ઉસકે લિયે ભી હમ ખુશ હૈં.’
219
નીરજ ચોપડાની બ્રૅન્ડ-વૅલ્યુ ૨૦૨૨ની સાલમાં આટલા કરોડ રૂપિયા હોવાનું ક્રૉલના સેલિબ્રિટી બ્રૅન્ડ વૅલ્યુએશન રિપોર્ટમાં જણાવાયું હતું.
119
હૉકીના લેજન્ડ મેજર ધ્યાનચંદની ગઈ કાલે આટલામી જન્મજયંતી હતી અને એ નિમિત્તે નૅશનલ સ્પોર્ટ્સ ડે ઊજવાયો હતો. સ્પોર્ટ્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે દેશના મેડલવિજેતા અને આશાસ્પદ ખેલાડીઓ તથા એથ્લીટ્સને બિરદાવ્યા હતા.
ગોલ્ડનમૅન નીરજ ચોપડા પાસે ૧૨ બ્રૅન્ડ્સ છે, હજી વધશે
નીરજ ચોપડા બે વર્ષ પહેલાં ટોક્યો ઑલિમ્પિક્સની ભાલાફેંકની હરીફાઈમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો ત્યાર બાદ તેને એક પછી એક જાણીતી બ્રૅન્ડ માટેના એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ મળવા માંડ્યા હતા. એક-એક બ્રૅન્ડનો કરાર મેળવવાની સાથે તેને લાખો રૂપિયા મળ્યા હતા. હાલમાં તે ઍન્યુઅલ એન્ડોર્સમેન્ટ ફી તરીકે ૪ કરોડ રૂપિયા લે છે. આજે તેની પાસે તાતા લાઇફ ઇન્શ્યૉરન્સ, જિલેટ, કન્ટ્રી ડિલાઇટ, નાઇકી અને કોકા કોલા સહિત ઘણી જાણીતી બ્રૅન્ડ્સ છે. બ્રૅન્ડ્સ માર્કેટના નિષ્ણાતોના મતે નીરજ હવે ભાલાફેંકમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ગયો હોવાથી તેને અનેક નવી બ્રૅન્ડ્સ માટેના કૉન્ટ્રૅક્ટ મળશે.
વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવવા બદલ નીરજ ચોપડાને હાર્દિક અભિનંદન. વર્લ્ડ ઍથ્લેટિક્સના મંચ પર
તિરંગો સૌથી ઊંચે લહેરાયો એટલે ભારત માટે એ યાદગાર દિવસ હતો. : નીતા અંબાણી
દિલ્હી પોલીસનો વાહનચાલકોને મેસેજ : ‘દિલ જીતો, ચલાન નહીં’
ઘણી વાર દેશમાં કોઈ સીમાચિહ્નરૂપ ઘટના બને કે દેશના કોઈ ખેલાડી કે ઍથ્લીટે મોટી સિદ્ધિ મેળવી હોય તો દિલ્હી પોલીસ પોતાના શહેરના વાહનચાલકો માટે ટ્વિટર પર સલાહ આપતો સંદેશ અચૂક પોસ્ટ કરે છે. નીરજ ચોપડા ભાલાફેંકમાં નવો વર્લ્ડ ચૅમ્પિયન બન્યો એને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે મીડિયામાંના મેસેજમાં ‘નીરજ ચોપડા જેવા બનો. દિલ્હી જીતો, ચલાન નહીં’ એવી કૅપ્શન સાથે પોસ્ટમાં આ મુજબ લખ્યું હતું : ડ્રાઇવર્સ અને રાઇડર્સને કહેવાનું કે તમે કંઈ નીરજનો ભાલો નથી અને વાઇટ લાઇન ક્રૉસ કરશો તો તમને પૉઇન્ટ કે મેડલ નથી મળવાના.


