વર્લ્ડ ચૅમ્પિયન આ સીઝનમાં પહેલી વાર અવ્વલ નહીં, ૧૦૦ ટકા ફિટ નહોતો ઃ ડાયમન્ડ લીગના છેલ્લા રાઉન્ડમાં બીજા નંબરે રહ્યો ઃ આ મહિને ફાઇનલમાં, એશિયાડમાં સુવર્ણ જીતવા મક્કમ છે
નીરજ ચોપરા
પાંચ દિવસ પહેલાં વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં ભાલાફેંકની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતેલો ભારતનો પચીસ વર્ષનો લશ્કરી જવાન નીરજ ચોપડા ગુરુવારે ઝુરિકમાં ડાયમન્ડ લીગ મીટમાં જરાક માટે પ્રથમ સ્થાન ચૂકી ગયો હતો. તેણે ભાલો વધુમાં વધુ ૮૫.૭૧ મીટર દૂર ફેંક્યો હતો અને બીજા નંબર પર રહી ગયો હતો. જોકે હવે ૧૭ સપ્ટેમ્બરે અમેરિકામાં ડાયમન્ડ લીગની ફાઇનલ યોજાશે જેમાં નીરજ ગોલ્ડ મેડલ જીતવા દૃઢ છે. એના લગભગ એક કે બે અઠવાડિયાંમાં ચીનની એશિયન ગેમ્સમાં પણ નીરજ ભાલાફેંકનો ગોલ્ડ જીતવા આશાવાદી છે.
નીરજે ગઈ કાલે પત્રકારોને કહ્યું હતું કે ‘હવે બન્ને સ્પર્ધા માટે બહુ સમય નથી બચ્યો. મને ખબર છે મારે ખૂબ ટ્રાવેલિંગ કરવું પડશે, પરંતુ મારે કંઈ પણ પ્રકારની ઈજા વગર બન્નેમાં ભાગ લેવો છે.’
રવિવારની વિશ્વસ્પર્ધામાં ભાગ લીધા પછી નીરજનાં ખભા અને પીઠમાં દુખાવો હતો. ગુરુવારે ઝુરિકમાં ડાયમન્ડ લીગના છેલ્લા રાઉન્ડમાં ચેક રિપબ્લિકનો યાકુબ વાદલેહ ૮૫.૮૬ મીટરના થ્રો સાથે પ્રથમ નંબર પર આવ્યો હતો. એ રીતે, જો નીરજે ભાલો માત્ર ૦.૧૬ મીટર દૂર ફેંક્યો હોત તો તે પહેલા સ્થાને આવ્યો હોત. નીરજે ૨૦૨૨ના સાલની ડાયમન્ડ લીગ ટ્રોફી જીતી લીધી હતી. આ વર્ષની ડાયમન્ડ લીગના મે-જૂનના પહેલા બન્ને રાઉન્ડ જીત્યો હતો. તેણે ગુરુવારે પહેલા થ્રોમાં ભાલો ૮૦.૭૯ મીટર દૂર ફેંક્યો હતો. પછીના બે પ્રયાસમાં ફાઉલ થતાં તે પાંચમા સ્થાને ધકેલાયો હતો. જોકે ચોથા પ્રયાસમાં તેણે ભાલો ૮૫.૨૨ મીટર દૂર ફેંક્યો હતો. પાંચમા પ્રયત્નમાં તેનાથી ફરી ફાઉલ થયો હતો, પણ છેલ્લે છઠ્ઠા અટૅમ્પમાં ભાલો ૮૫.૭૧ મીટર દૂર ફેંકીને તેણે બીજું સ્થાન હાંસલ કર્યું હતું.
5
ગુરુવારે ડાયમન્ડ લીગની લૉન્ગ જમ્પની હરીફાઈમાં ભારતનો મુરલી શ્રીશંકર ૭.૯૯ મીટરના કૂદકા સાથે છેક આટલામાં સ્થાને રહી ગયો હતો. ગ્રીસનો ટેન્ટૉગ્લોઉ ૮.૨૦ મીટરના જમ્પ સાથે નંબર-વન હતો.
ADVERTISEMENT
રવિવારે વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં નીરજભાઈઅે ગોલ્ડ જીતી લીધો અેનો મને બેહદ આનંદ થયો. બીજી ખુશી અે વાતની હતી કે ભારત અને પાકિસ્તાનના બન્ને દેશના અૅથ્લીટ
પ્રથમ બે સ્થાને આવ્યા. ક્યારેક તે અને ક્યારેક
હું ગોલ્ડ જીતતા રહીશું.
અર્શદ નદીમ
હરિયાણાના ઘરે પાકિસ્તાનના હરીફ નદીમને લંચ માટે બોલાવ્યો
નીરજ ચોપડા અને પાકિસ્તાનનો અર્શદ નદીમ ભાલાફેંકની સ્પર્ધાના સ્થળે કટ્ટર હરીફ છે, પરંતુ ઑફ-ધ-ફીલ્ડ તેમની વચ્ચે બહુ સારી મિત્રતા છે. નીરજે નદીમને હરિયાણામાં પોતાના ઘરે તેને લંચ માટે આમંત્રિત કર્યો છે. ગયા વર્ષે કૉમનવેલ્થ ગેમ્સમાં નદીમ ૯૦.૧૮ મીટરના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે એ સ્પર્ધામાં ભાગ નહોતો લીધો. રવિવારે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સની ફાઇનલમાં નીરજે ૮૮.૧૭ મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. નદીમ ૮૭.૮૨ મીટરના થ્રો સાથે બીજા નંબર પર આવીને સિલ્વર જીત્યો હતો. એ હરીફાઈ પછી નીરજ તિરંગા સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપી રહ્યો હતો ત્યારે તેણે નજીકમાં ઊભેલા નદીમને બોલાવ્યો હતો અને નદીમ તેની બાજુમાં ભારતીય ધ્વજની નજીક ઊભો રહ્યો હતો. પછીથી નીરજે પત્રકારોને કહ્યું હતું કે ‘નદીમ પાસે તેના દેશનો ધ્વજ નહોતો એટલે મને થોડું દુઃખ થયું અને એટલે જ મેં તેને કહ્યું કે મારી બાજુમાં આવી જા.’

