પ્રત્યેક ખેલાડીને બે લાખ રૂપિયાનું ઇનામ ઃ મોદીઅે ટીમને આપ્યાં અભિનંદન
ઓમાનમાં ગઈ કાલે પાકિસ્તાનને ફાઇનલમાં પરાસ્ત કરીને ચોથી ટ્રોફી સાથે નવો ઇતિહાસ રચનાર ભારતીય જુનિયર હૉકી ટીમ. પી.ટી.આઇ.
ઓમાનના સાલાલાહમાં ગુરુવારે રાતે ભારતીય ટીમે મેન્સ જુનિયર એશિયા કપ હૉકીની થ્રિલિંગ ફાઇનલમાં દમદાર પર્ફોર્મ કરીને કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને ૨-૧થી પછાડીને ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું. એ સાથે, ઉત્તમ સિંહના સુકાનમાં રમેલી ભારતીય ટીમે આ સ્પર્ધામાં ચોથી વાર વિજેતાપદ મેળવીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો છે. અગાઉ
પાકિસ્તાન સૌથી વધુ ત્રણ વિજેતાપદ સાથે મોખરે હતું. ૨૦૧૫ની સાલ પછી આઠ વર્ષે આ સ્પર્ધાનું આયોજન થયું હતું. ૨૦૧૫માં પણ ભારત ટ્રોફી જીત્યું હતું. સેમી ફાઇનલમાં ભારતે સાઉથ કોરિયાને ૯-૧થી હરાવ્યું હતું અને પાકિસ્તાનની ટીમ મલેશિયાને ૬-૨થી હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે ભારતે કુલ ૫૦ ગોલ કર્યા અને એની વિરુદ્ધ ફક્ત ૪ ગોલ થયા હતા.
ગઈ કાલે પાકિસ્તાન સામેની મૅચમાં અંગદ બિર સિંહે ૧૩મી મિનિટમાં અને અરાઇજીત સિંહ હુન્ડાલે ૨૦મી મિનિટમાં ગોલ કર્યો હતો. પાકિસ્તાન વતી અબ્દુલ બશરતે ૩૭મી મિનિટમાં ગોલ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ શશીકુમાર મોહિત હૉનેનાહલ્લીઅે જબરદસ્ત ડિફેન્સ સાથે પાકિસ્તાની ટીમનો વધુ અેક પણ ગોલ નહોતો થવા દીધો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીઅે પાકિસ્તાનને હરાવીને ચૅમ્પિયન બનેલી ભારતની જુનિયર હૉકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પહેલાં ભારતીય ટીમ ૨૦૦૪, ૨૦૦૮ અને ૨૦૧૫માં ચૅમ્પિયન બન્યું હતું.
હૉકી ઇન્ડિયાઅે વિજેતા ટીમના પ્રત્યેક ખેલાડી માટે બે લાખ રૂપિયાનું અને સપોર્ટ સ્ટાફના દરેક મેમ્બર માટે અેક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.


