મેસીની ભૂતપૂર્વ ક્લબે ગિન્ડોઆન માટે બાયઆઉટ ક્લોઝ તરીકે ૩૫૬૫ કરોડ રૂપિયાની રકમ નક્કી કરી : સિટીની ટીમ ગિન્ડોઆનના સુકાનમાં તાજેતરમાં ત્રણ ટાઇટલ જીતી
ઇલ્કાય ગિન્ડોઆન
મૅન્ચેસ્ટર સિટી ક્લબની ટીમ તાજેતરમાં યુરોપિયન સૉકરમાં ઉપરાઉપરી ત્રણ ટાઇટલ જીતી છતાં ટીમને એ સિદ્ધિ અપાવવામાં મોટી ભૂમિકા ભજવનાર કૅપ્ટન અને મિડફીલ્ડર ઇલ્કાય ગિન્ડોઆન આ ટીમ છોડીને બાર્સેલોનાની ટીમમાં જોડાઈ રહ્યો છે. તે ૭ વર્ષથી સિટી ક્લબની ટીમમાં હતો. તેની ગણના વિશ્વના હાલના શ્રેષ્ઠ મિડફીલ્ડર્સમાં થાય છે. બાર્સેલોનાએ ગિન્ડોઆનના બાયઆઉટ ક્લોઝ તરીકે ૪૩૫ મિલ્યન ડૉલર (૩૫૬૫ કરોડ રૂપિયા)ની રકમ નક્કી કરી છે. જોકે તેનું ફ્રી ટ્રાન્સફર થઈ રહ્યું હોવાથી બાર્સેલોના ક્લબે મૅન્ચેસ્ટર સિટી ક્લબને કોઈ ટ્રાન્સફર ફી આપવી નહીં પડે.
એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ મંજૂર નહોતો
ADVERTISEMENT
એવું મનાય છે કે સિટીની ટીમે ગિન્ડોઆનને વધુ એક વર્ષનો કૉન્ટ્રૅક્ટ ઑફર કર્યો હતો, પરંતુ ગિન્ડોઆન પોતાની ફૅમિલીની સલામતી માટે લાંબા સમયગાળાનો કૉન્ટ્રૅક્ટ ઇચ્છતો હતો.
૧૨ ટાઇટલ જીતી ચૂક્યો છે
ગિન્ડોઆન ૨૦૧૬માં બોરુસિયા ડોર્ટમન્ડ ટીમમાંથી મૅન્ચેસ્ટર સિટીમાં જોડાયો હતો. તેના નામે પાંચ ઇંગ્લિશ પ્રીમિયર ટાઇટલ, બે ફેડરેશન અસોસિએશન કપ, ચાર ઇંગ્લિશ લીગ કપ અને એક ચૅમ્પિયન્સ લીગ ટ્રોફી છે.
મેસી ન મળતાં ગિન્ડોઆનને કૉલ
વર્લ્ડ કપ ચૅમ્પિયન લિયોનેલ મેસી ૨૦૦૩થી ૨૦૨૧ સુધી બાર્સેલોના ટીમમાં હતો. બાર્સેલોના ક્લબને માથે મોટું દેવું છે. આ ક્લબે તાજેતરમાં મેસીને પાછો બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્લબને સફળતા નહોતી મળી અને મેસી હવે ઇન્ટર માયામી ટીમમાં જોડાઈ રહ્યો છે. મેસી ફરી હાથમાં ન આવતાં બાર્સેલોનાએ ગિન્ડોઆનને બોલાવ્યો છે.

