હુસેન સાગર લેક પાસે ઇલેક્ટ્રિક કાર માટે તૈયાર કરાયો વિશેષ ટ્રૅક, વિજેતાઓ શૅમ્પેનની બૉટલ ફોડીને ઉજવણી નહીં કરે
મહિન્દ્રની ઇલેક્ટ્રિક કાર સાથે ઍક્ટર રામ ચરણ. અને રેસ પહેલાં આયોજિત ટ્રાયલ દરમ્યાન દોડતી કાર
દેશમાં આજે પહેલી વખત ફૉર્મ્યુલા ઈ-રેસમાં ઇલેક્ટ્રિક કાર દોડશે. આ સ્પર્ધાનું આયોજન તેલંગણની રાજધાની હૈદરાબાદમાં કરવામાં આવ્યું છે. પહેલી વખત દેશમાં વિશ્વપ્રસિદ્ધ ફૉર્મ્યુલા ઈ-કાર રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેસ માટે હૈદરાબાદમાં ૨.૮૩૫ કિલોમીટર લાંબો રેસ-ટ્રૅક તૈયાર કરવામાં આવ્યો છે. આ રેસ-ટ્રૅક હૈદરાબાદના હુસેન સાગરથી લુમ્બિની પાર્ક સુધીનો છે. જોકે આ રેસ-ટ્રૅક સીધો નથી. ૧૮ સ્થળોએ રેસ કારે વળાંક લેવો પડશે. ગઈ કાલે રેસ માટે વૉર્મઅપ પ્રૅક્ટિસ પણ થઈ હતી, જેમાં એક કારનો અકસ્માત પણ થયો હતો. જોકે થોડા સમય બાદ સ્પર્ધા ફરી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે ૧૦.૪૦ વાગ્યાથી રેસ શરૂ થશે અને ફાઇનલ રાઉન્ડ બપોરે બે વાગ્યાથી ૪.૩૦ વાગ્યા સુધી હશે. વળી સ્થાનિક લાગણીઓને માન આપતાં સ્પર્ધાના વિજેતા શૅમ્પેનની બૉટલ નહીં ફોડે.
ADVERTISEMENT
હૈદરાબાદના હુસેન સાગર નજીક રેસ માટે કરવામાં આવેલી વ્યવસ્થા.