મૅન્ચેસ્ટર સિટીને લીડ અપાવ્યા બાદ મેડિટેશનની મુદ્રામાં બેસી ગયો : સીઝનમાં સૌથી વધુ ૪૪ ગોલના વિક્રમની બરાબરી કરનાર નૉર્વેના ખેલાડીને મેસી-રોનાલ્ડો સાથે સરખાવાયો
English Premier League
નૉર્વેના અર્લિંગ હાલાન્ડે શનિવારે બાઇસિકલ-કિકથી ગોલ કર્યા પછી મેડિટેશનની સ્ટાઇલમાં બેસીને ગોલ સેલિબ્રેટ કર્યો હતો.
નૉર્વેનો નંબર-વન ફુટબોલર અર્લિંગ હાલાન્ડ પ્રોફેશનલ ફુટબૉલમાં વર્ષ દરમ્યાન ઘણા ગોલ કરતો હોય છે, પણ શનિવારે સાઉધમ્પ્ટનમાં મૅન્ચેસ્ટર સિટી વતી તેણે સાઉધમ્પ્ટન સામે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ)ની મૅચમાં કમાલ કરી હતી. તેણે ૪૫મી મિનિટે ગોલ કરીને સિટીને ૧-૦થી લીડ અપાવી હતી, પણ ૧૩ મિનિટ પછી (૫૮મી મિનિટે) જૅક ગ્રિલિશે ગોલ કર્યા બાદ ૧૦ મિનિટ પછી (૬૮મી મિનિટે) જૅક ગ્રીલિશના જ પાસમાં હાલાન્ડે ઍક્રોબૅટિક સ્ટાઇલમાં વધુ એક ગોલ કરીને સિટીને ૨-૦થી સરસાઈ અપાવી હતી.
બાઇસિકલ-કિક, સિઝર-કિક
ADVERTISEMENT
બાવીસ વર્ષના હાલાન્ડે બીજો જે ગોલ કર્યો એ બાઇસિકલ-કિક અને સિઝર-કિક તરીકે જાણીતો છે. તે અગાઉ પણ આ અદ્ભુત સ્ટાઇલમાં ગોલ કરી ચૂક્યો છે. ગોલ કર્યા પછી મેડિટેશન (ધ્યાન)ની મુદ્રામાં બેસીને તેણે ગોલ સેલિબ્રેટ કર્યો હતો. સિટીએ છેવટે આ મૅચ ૪-૧થી જીતી લીધી હતી.
હાલાન્ડે યોગાસનની તાલીમ લીધી છે જેનો વિડિયો પણ ખૂબ વાઇરલ થયો છે. તસવીર એ. એફ. પી./પી. ટી. આઇ.
સીઝનનો ૪૪મો ગોલ
અર્લિંગ હાલાન્ડે શનિવારે સીઝનનો ૪૪મો ગોલ કર્યો હતો. એક સીઝનમાં તમામ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારાઓમાં તેણે મૅન્ચેસ્ટર યુનાઇટેડના ભૂતપૂર્વ ખેલાડી રુડ વૅન નિસ્ટેલરુઇ (૨૦૦૨-’૦૩) અને લિવરપુલના મોહમ્મદ સાલાહ (૨૦૧૭-’૧૮)ની બરોબરી કરી હતી.
મૅન્ચેસ્ટર સિટીના કોચ પેપ ગ્વાર્ડિયોલાએ મૅચ પછી બીબીસીને કહ્યું કે ‘હાલાન્ડે જે રીતે ગોલ કર્યો એ કરવો જરાય આસાન નથી. સાથીએ પાસ કરેલો બૉલ હવામાં જ હોય ત્યારે બાઇસિકલ-કિકથી એને ગોલપોસ્ટની દિશામાં મેદાન પર પછાડીને અંદર પધરાવી દેવો એ જરાય સહેલું નથી. હું તો હાલાન્ડને લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની લેવલનો ફુટબોલર માનું છું.’
મેસીએ પીએસજીને જિતાડી
શનિવારે ફ્રાન્સના નીસ શહેરમાં ફ્રેન્ચ લીગની નીસ ક્લબ સામેની મૅચમાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) વતી લિયોનેલ મેસીએ ૨૬મી મિનિટે ગોલ કર્યો હતો. પછીથી તેણે ૭૬મી મિનિટે પાસ કરેલા બૉલમાં સર્જિયો રામોસે ગોલ કર્યો હતો અને પીએસજીનો ૨-૦થી વિજય થયો હતો.