૮૭.૮૬ મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો ભારતીય સ્ટાર, ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે ૮૭.૮૭ મીટરના થ્રો સાથે ટાઇટલ જીત્યું
નીરજ ચોપડા
બેલ્જિયમના બ્રસેલ્સમાં ભારતનો સ્ટાર જૅવલિન થ્રોઅર નીરજ ચોપડા ડાયમન્ડ લીગ ટાઇટલ એક સેન્ટિમીટરથી ચૂકી ગયો. શનિવારે સીઝનની ફાઇનલમાં ૮૭.૮૬ મીટરના થ્રો સાથે સતત બીજી વાર બીજું સ્થાન મેળવ્યું છે. બે વારનો ઑલિમ્પિક્સ મેડલ વિજેતા નીરજ ૨૦૨૨માં આ ટાઇટલ જીત્યો હતો, જ્યારે ગયા વર્ષે તે બીજા સ્થાને રહ્યો હતો. ગ્રેનેડાનો ઍન્ડરસન પીટર્સ જે પૅરિસ ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો તે ૮૭.૭૮ મીટરના થ્રો સાથે આ ઇવેન્ટ જીત્યો છે. જ્યારે જર્મનીના જુલિયન વેબરે ૮૫.૯૭ મીટરના થ્રો સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.
નીરજ ચોપડાના છ પ્રયાસમાં ત્રણ ૮૬ મીટર પ્લસના થ્રો રહ્યા, જ્યારે ત્રણ થ્રો ૮૩ મીટર સુધીના રહ્યા હતા. તેણે ફાઇનલમાં ત્રીજા પ્રયાસમાં ૮૭.૮૬ મીટરનો થ્રો કર્યો હતો. સાત ખેલાડીઓની આ ફાઇનલ જીતનાર પીટર્સને ડાયમન્ડ લીગ ટ્રોફી અને ૩૦,૦૦૦ ડૉલર મળ્યા છે, જ્યારે બીજા સ્થાને રહેવા બદલ નીરજ ચોપડાને 12,૦૦૦ ડૉલરની ઇનામી રકમ મળી છે. આ સાથે જ પ્રતિષ્ઠિત ડાયમન્ડ લીગ અને ઇન્ટરનૅશનલ ઍથ્લેટિક્સ સીઝન પણ ૧૪ તબક્કાઓ પછી સમાપ્ત થઈ.
હાથમાં ફ્રૅક્ચર હોવા છતાં ફાઇનલ રમ્યો આ હરિયાણાનો ખેલાડી
ADVERTISEMENT
ડાયમન્ડ લીગ ફાઇનલના કલાકો બાદ નીરજ ચોપડાએ સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે લખ્યું હતું કે ‘હું પ્રૅક્ટિસ દરમ્યાન ઘાયલ થયો હતો અને ‘એક્સ-રે’થી જાણવા મળ્યું કે મારા ડાબા હાથના કાંડા અને આંગળીઓ વચ્ચેના ભાગના હાડકામાં ફ્રૅક્ચર છે. મારા માટે આ વધુ એક પીડાદાયક પડકાર હતો, પરંતુ મારી ટીમની મદદથી હું બ્રસેલ્સમાં હાજરી આપી શક્યો.’ જમણા હાથે જૅવલિન થ્રો કરતા સમયે જમીનને સ્પર્શતો ડાબો હાથ ફૉલો થ્રુ માટે મહત્ત્વનો હોય છે.
તેણે આગળ લખ્યું હતું કે ‘આ વર્ષની છેલ્લી ટુર્નામેન્ટ હતી. હું મારી પોતાની અપેક્ષાઓ પ્રમાણે રમી શક્યો નહીં, પરંતુ મને લાગે છે કે એ એક સત્ર હતું જેમાં હું ઘણું શીખ્યો. હવે હું સંપૂર્ણ રીતે ફિટ છું અને વાપસી કરવા અને રમવા માટે તૈયાર છું.’
આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ટોક્યો આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ નીરજ ચોપડા માટે મુખ્ય ઇવેન્ટ બની રહેશે.