સાક્ષી મલિકના આરોપ સામે વિનેશ ફોગાટે મોટિવેશનલ અને બબીતા ફોગાટે જડબાતોડ જવાબ આપ્યો
સાક્ષી મલિક
ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર પહેલી ભારતીય મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે પોતાની બુક ‘વિટનેસ’માં સાથી કુસ્તીબાજો પર ચોંકાવનારાં નિવેદનો આપીને નવો વિવાદ ઊભો કર્યો છે. રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના પ્રદર્શન પર વાત કરતાં સાક્ષીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેતા અને કુસ્તીબાજ બબીતા ફોગાટે અન્ય નેતા તીરથ રાણા સાથે મળીને હરિયાણામાં આંદોલનની પરવાનગી અપાવી હતી જેથી તેને WFIના પ્રમુખ બનવાની તક મળી શકે.’
૩૨ વર્ષની સાક્ષીએ પોતાનાં મિત્રો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પર પણ આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમની નજીકના લોકો દ્વારા આપવામાં આવેલી લાલચને કારણે ૨૦૨૩ની એશિયન ગેમ્સની સિલેક્શન ટ્રાયલમાં ભાગ ન લેવાની છૂટ સ્વીકારીને આંદોલનને નબળું બનાવ્યું હતું; પણ અંતે વિનેશ એશિયન ગેમ્સ પહેલાં ઇન્જર્ડ થઈ, બજરંગ મેડલ જીતવામાં અસફળ રહ્યો અને સાક્ષી એશિયન ગેમ્સમાં ભાગ ન લઈ શકી. સાક્ષીના આરોપ સામે વિનેશે મોટિવેશનલ અને બબીતાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
બબીતા ફોગાટે શું જવાબ આપ્યો?
તમારા પોતાના ચારિત્ર્યથી ચમકો, ઉધાર લીધેલું અજવાળું ક્યાં સુધી ચાલશે? કોઈને વિધાનસભા મળી, કોઈને પદ મળ્યું; દીદી, તમને કંઈ નથી મળ્યું; અમે તમારી પીડા સમજી શકીએ છીએ. પુસ્તક વેચવા માટે તમે પોતાનું ઈમાન વેચી દીધું.
વિનેશ ફોગાટે શું કહ્યું?
લાલચ શેની? તમારે સાક્ષીને પૂછવું જોઈએ. જો બહેનોની તરફેણમાં બોલવાને લાલચ કહેવાય તો મારામાં એ લાલચ છે અને એ સારી વાત છે. જો દેશનું પ્રતિનિધિત્વ કરીને ઑલિમ્પિક મેડલ લાવવાને લાલચ કહેવાય તો એ સારી લાલચ છે.