આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચ મૅચ રમશે
ભારતીય પુરુષ હૉકી ટીમ
ભારતીય પુરુષ હૉકી ટીમે ગઈ કાલે યજમાન ચીન સામે ૩-૦થી શાનદાર જીત મેળવીને એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીની શાનદાર શરૂઆત કરી હતી. ભારત તરફથી સુખજિત સિંહ (૧૪મી મિનિટ), ઉત્તમ સિંહ (૨૭મી મિનિટ) અને અભિષેક નૈન (૩૨મી મિનિટ)એ ગોલ કર્યા, જ્યારે ચીન એક પણ ગોલ કરી શક્યું નહીં. ઑલિમ્પિક્સમાં સતત બીજો બ્રૉન્ઝ જીતીને આવેલી ભારતીય ટીમે પહેલી મૅચમાં મજબૂત ડિફેન્સનું પ્રદર્શન કર્યું હતું.
ગઈ કાલની અન્ય મૅચોમાં મલેશિયા-પાકિસ્તાનની મૅચ ૨-૨થી અને જપાન-કોરિયાની મૅચ ૫-૫થી ડ્રૉ રહી હતી. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ચાર ટાઇટલ જીતનારી એકમાત્ર ટીમ ભારતની આજે પૂલ-૧માં જપાન સામે બીજી મૅચ રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમ ગ્રુપ સ્ટેજમાં પાંચ મૅચ રમશે. સેમી ફાઇનલ મૅચ ૧૬ સપ્ટેમ્બરે અને ફાઇનલ મૅચ ૧૭ સપ્ટેમ્બરે રમાશે.