વિમેન્સ પ્રીમિયર લીગની પહેલી જ મૅચમાં ગુજરાત જાયન્ટ્સે આપેલા ૨૦૨ રનના ટાર્ગેટને ચાર વિકેટે ૧૮.૩ ઓવરમાં ચેઝ કરી બતાવ્યો રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ : બન્ને ટીમે ૧૬ સિક્સર ફટકારીને પહેલી વાર આ ટુર્નામેન્ટની એક મૅચમાં ૪૦૦થી વધુ રન બનાવ્યા
વિમેન્સ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનની ઓપનિંગ સેરેમનીમાં આયુષમાન ખુરાનાએ જોરદાર પર્ફોર્મ કર્યું હતું.
પહેલી વાર ચાર શહેરોમાં યોજાઈ રહેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનની ગઈ કાલે વડોદરામાં ધમાકેદાર શરૂઆત થઈ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુની ટીમે પહેલી વાર હોમગ્રાઉન્ડ પર રમી રહેલી ગુજરાત જાયન્ટ્સને ૬ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી છે. ગુજરાતે પાંચ વિકેટ ગુમાવીને ૨૦૧ રન કર્યા હતા. ૨૦૨ રનના ટાર્ગેટને બૅન્ગલોરે ૧૮.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ચેઝ કરી ઇતિહાસ રચ્યો હતો.
ગુજરાતની વિકેટકીપર બેથ મૂની (૫૭ રન) અને કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે (૭૯ રન અણનમ) મોટી ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડ્યો હતો. બૅન્ગલોર માટે રેણુકા સિંહ સૌથી વધુ બે વિકેટ મેળવી શકી હતી. પહેલી ૧૦ ઓવરમાં ટીમનો સ્કોર બે વિકેટે ૬૯ રન હતો, પણ છેલ્લી ૧૦ ઓવરમાં ટીમે ૩ વિકેટ ગુમાવીને ૧૩૩ રન જોડ્યા હતા.
ADVERTISEMENT
ગુજરાતની કૅપ્ટન ઍશ્લી ગાર્ડનરે (બે વિકેટ) બૅન્ગલોરની કૅપ્ટન સ્મૃતિ માન્ધનાને આ ફૉર્મેટમાં સૌથી વધુ નવમી વાર આઉટ કરીને હરીફ ટીમનો આત્મવિશ્વાસ તોડ્યો હતો, પણ ટીમની અનુભવી અને સ્ટાર ઑલરાઉન્ડર એલીસ પેરીએ ૩૪ બૉલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી ૫૭ રનની અને વિકેટકીપર રિચા ઘોષે ૨૭ બૉલમાં સાત ચોગ્ગા અને ૪ છગ્ગાની મદદથી ૬૪ રનની અણનમ ઇનિંગ્સ રમીને ઐતિહાસિક રન ચેઝ કર્યા હતા. ત્રીજી સીઝનની પહેલી જ મૅચમાં બન્ને ટીમના પ્લેયર્સે કુલ ૧૬ સિક્સર ફટકારી હતી.
WPLમાં પહેલી વાર બની આ ઘટના

વિકેટકીપર રિચા ઘોષે ૨૭ બૉલમાં ૬૪ રન અને કનિકા આહુજાએ ૧૩ બૉલમાં આક્રમક ૩૦ રન બનાવ્યા હતા.
આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર ૨૦૦ પ્લસ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ થયો છે. આ પહેલાં ૨૦૨૪માં દિલ્હીમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત સામે હાઇએસ્ટ ૧૯૧ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ મૅચમાં બન્ને ટીમે કુલ ૪૦૩ રન કર્યા હતા. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર એક મૅચમાં ૪૦૦ પ્લસ રન થયા છે. આ પહેલાં ૨૦૨૩માં મુંબઈમાં ગુજરાત અને બૅન્ગલોરની મૅચમાં હાઇએસ્ટ ૩૯૧ રન બન્યા હતા.


