બિહારના ૭૨ વર્ષના બિઝનેસમૅન અને વેદાન્તા ગ્રુપના ચૅરમૅન અનિલ અગરવાલે IPL વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
અનિલ અગરવાલ
બિહારના ૭૨ વર્ષના બિઝનેસમૅન અને વેદાન્તા ગ્રુપના ચૅરમૅન અનિલ અગરવાલે IPL વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. પટનામાં જન્મેલા આ બિઝનેસમૅને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર હિન્દીમાં એક મોટો સંદેશ લખ્યો હતો જેમાં તેમણે IPLમાં બિહારની ટીમ બનાવવા માટેનું સૂચન કર્યું હતું.
અનિલ અગરવાલે લખ્યું હતું કે ‘શું તમને નથી લાગતું કે ચેન્નઈ, મુંબઈ અને કલકત્તાની જેમ બિહાર પણ પોતાની એક અજોડ ટીમને લાયક છે? બિહારની ધરતીએ દેશને ઈશાન કિશન, વૈભવ સૂર્યવંશી અને સાકિબ હુસેન જેવા ઘણા અસાધારણ ક્રિકેટર આપ્યા છે, પરંતુ એક વાત હંમેશાં મને પરેશાન કરે છે કે આપણા બિહારે હજી સુધી ક્રિકેટમાં એ ઓળખ કેમ મેળવી નથી જેના આપણે હકદાર છીએ?’
તેમણે આગળ લખ્યું હતું કે ‘મારું હંમેશાં સપનું અને પ્રયાસ રહ્યાં છે કે બિહારના યુવાનોને દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની સંપૂર્ણ તક મળે અને આપણા ખેલાડીઓને બિહારમાં જ વિશ્વસ્તરીય માળખાગત સુવિધા અને સમર્થન મળે. મને પૂરો વિશ્વાસ છે કે જો આપણાં બાળકોને યોગ્ય પ્રેરણા અને સુવિધા મળે તો આપણા બિહારમાંથી ઊભરતી ટીમ વિશ્વની શ્રેષ્ઠ ટીમ બનશે.’
અંતે અનિલ અગરવાલે લખ્યું હતું કે ‘હું આ પ્રયાસમાં બિહારના યુવાનો સાથે મજબૂત રીતે ઊભો છું. બિહારની ક્રિકેટ-ટીમ અને એના ખેલાડીઓને અહીં આગળ વધારવા માટે હું મારા તરફથી બિનશરતી સમર્થન પૂરું પાડીશ. મારા માટે બિહાર ફક્ત એક રાજ્ય નથી, એ એક લાગણી છે અને હવે સમય આવી ગયો છે કે આપણી ભૂમિની પ્રતિભા મેદાનમાં ચમકે.’
