અમેરિકાએ આપેલો ૧૨૯ રનનો ટાર્ગેટ વેસ્ટ ઇન્ડીઝે ૧૦.૫ ઓવરમાં ચેઝ કર્યો :
નિકોલસ પૂરન
બાર્બેડોઝમાં ગઈ કાલે T20 વર્લ્ડ કપ 2024ના યજમાન દેશો અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ પહેલી વખત T20 ઇન્ટરનૅશનલમાં સામસામે ટકરાયા હતા. અમેરિકન ટીમે ટૉસ હારીને પ્રથમ બૅટિંગ કરતાં ઑલઆઉટ થઈને ૧૨૮ રન બનાવ્યા હતા જેને વેસ્ટ ઇન્ડીઝની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને ૧૦.૫ ઓવરમાં ૧૩૦ રન બનાવીને ચેઝ કરી લીધા હતા. ફરી એક વાર ગુજરાતી કૅપ્ટન મોનાંક પટેલ વગર ઊતરેલી અમેરિકન ટીમને સતત બે હાર મળતાં એ સેમી ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
અમેરિકાની ટીમ સામે વેસ્ટ ઇન્ડીઝના ટૉપ ઓર્ડરે પંચાવન બૉલ પહેલાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. એ બાકી બૉલના સંદર્ભમાં આ T20 વર્લ્ડ કપ સીઝનની સૌથી મોટી જીત હતી. આન્દ્રે રસેલે આ મૅચમાં ૩ વિકેટ લીધી હતી અને ચાર ઓવરમાં ૧૯ રન આપીને ૩ વિકેટ લેનાર રૉસ્ટન ચેઝ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર-બૅટર નિકોલસ પૂરન આ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવી રહ્યો છે. નિકોલસ પૂરન જાણે ક્રિસ ગેઇલના બધા રેકૉર્ડ તોડવા નીકળ્યો હોય એવું લાગી રહ્યું છે. હાલમાં જ તેણે T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ સિક્સર અને રનનો વેસ્ટ ઇન્ડીઝ માટે બનાવેલો ગેઇલનો રેકૉર્ડ તોડ્યો હતો. અમેરિકા સામે ૨૭ રન ફટકારનાર નિકોલસ પૂરને આ ઇનિંગ્સમાં ત્રણ સિક્સર ફટકારીને યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલનો વધુ એક રેકૉર્ડ તોડ્યો હતો. ૧૭ સિક્સર સાથે તે એક T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બૅટર બની ગયો હતો. આ પહેલાં ૨૦૧૨માં ક્રિસ ગેઇલ દ્વારા ૧૬ સિક્સર ફટકારવામાં આવી હતી.
વેસ્ટ ઇન્ડીઝને રિપ્લેસમેન્ટ ફળ્યું
અમેરિકા સામેની મૅચ પહેલાં વેસ્ટ ઇન્ડીઝને મોટો ફટકો પડ્યો હતો, કારણ કે બ્રેન્ડન કિંગ અનફિટ હોવાથી ટુર્નામેન્ટથી બહાર થઈ ગયો હતો. તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થનાર શાઇ હોપે પહેલી જ મૅચમાં ધમાલ મચાવી હતી. તેણે અમેરિકાના બોલર્સ સામે ૨૧૦.૨૬ના સ્ટ્રાઇક-રેટથી ૩૯ બૉલમાં ૮૨ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે ૪ ફોર અને ૮ સિક્સર ફટકારી હતી. તેણે ઓપનિંગ પાર્ટનર જૉન્સન ચાર્લ્સ (૧૫ રન) સાથે ૬૭ રન અને નિકોલસ પૂરન સાથે ૬૩ રનની પાર્ટનરશિપ કરી હતી.
412
આટલી સિક્સર સાથે T20 વર્લ્ડ કપ 2024 સૌથી વધુ સિક્સરવાળી સીઝન બની


