નેધરલૅન્ડ્સ સામેની મૅચ જોવા નેપાલીઓ ઊમટી પડ્યા
ડૅલસના ગ્રૅન્ડ પ્રેરી સ્ટેડિયમમાં ઊમટેલા નેપાલના ફૅન્સ
T20 વર્લ્ડ કપ 2024ની સાતમી મૅચમાં નેધરલૅન્ડ્સે નેપાલને ૬ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી. ડૅલસના ગ્રૅન્ડ પ્રેરી સ્ટેડિયમમાં નેધરલૅન્ડ્સના કૅપ્ટન સ્કૉટ ઍડ્વર્ડ્સે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બોલર્સ ટિમ પ્રિંગલ અને લોગાન વૅન બીકની શાનદાર બોલિંગના કારણે નેધરલૅન્ડ્સે નેપાલને ૧૦૬ રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. જવાબમાં નેધરલૅન્ડ્સે મેક્સ ઓ’ડાઉડની અણનમ અડધી સદીની મદદથી ૧૮.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટિમ પ્રિંગલ (૩ વિકેટ)ને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે નેધરલૅન્ડ્સની ટીમ ગ્રુપ Dમાં સાઉથ આફ્રિકા પછી બીજા ક્રમે આવી ગઈ છે.
૧૦ વર્ષ બાદ T20 વર્લ્ડ કપ રમી રહેલા નેપાલની ટીમે આ ટુર્નામેન્ટનો તેમનો લોએસ્ટ સ્કોર બનાવ્યો હતો, પણ મૅચ દરમ્યાન નેપાલની રાજધાની કાઠમાંડુથી લઈને અમેરિકાના ડૅલસ સુધી નેપાલ ક્રિકેટ ટીમને અેના ફૅન્સનો ભારે સપોર્ટ મળ્યો હતો. હજારો ફૅન્સને કારણે ગ્રૅન્ડ પ્રેરી સ્ટેડિયમ મિની નેપાલમાં ફેવાઈ ગયું હતું. ભારતની જેમ પાડોશી દેશ નેપાલમાં પણ ક્રિકેટનો ક્રેઝ છેલ્લાં કેટલાંક વર્ષોથી વધ્યો છે.