કોહલીએ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં ૧૧ મૅચમાં ૭૬૫ રન બનાવ્યા હતા, પરંતુ એ પછી તેને આ ફૉર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે
વિરાટ કોહલીએ ગઈ કાલે નિર્ધારિત સમય કરતાં બે કલાક વહેલા સ્પિનર્સ સામે નેટ-પ્રૅક્ટિસ કરી હતી.
સુનીલ ગાવસકરે ફરી સ્ટાર બૅટર વિરાટ કોહલીના પ્રદર્શન અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોહલીને વન-ડેમાં સતત છ વખત સ્પિન બોલરોએ આઉટ કર્યો છે. ગાવસકર કહે છે, ‘આનું મુખ્ય કારણ એ છે કે તેના બૅટનો ચહેરો ખુલ્લો રહે છે. ઑસ્ટ્રેલિયામાં જ્યારે તે ફાસ્ટ બોલરોનો સામનો કરી રહ્યો હતો ત્યારે પણ આવું થઈ રહ્યું હતું. તેણે આને રોકવું જ પડશે. જો તે સતત એક જ પ્રકારની બોલિંગ પર આઉટ થઈ રહ્યો હોય તો એ ચિંતાનો વિષય છે.’
કોહલીએ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં ૧૧ મૅચમાં ૭૬૫ રન બનાવ્યા હતા, પરંતુ એ પછી તેને આ ફૉર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. ત્યારથી તેણે છ વન-ડે ઇનિંગ્સમાં ૨૨.૮૩ની ઍવરેજથી ફક્ત ૧૩૭ રન બનાવ્યા છે, જેમાં એક ફિફટીનો સમાવેશ થાય છે. કોહલીના આજના પ્રદર્શન પર સૌની નજર રહેશે, કારણ કે ICC ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ભારત તરફથી વિરાટે ૧૪ ઇનિંગ્સમાં સૌથી વધુ ૬૪૫ રન કર્યા છે.

