કહે છે કે એક સમય મારું અસ્તિત્વ બોજ બની ગયું હતું
રૉબિન ઉથપ્પા
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્રેહામ થૉર્પે હાલમાં આત્મહત્યા કરી લીધી હતી. તેના પરિવારે પુષ્ટિ કરી હતી કે તે ડિપ્રેશનથી પીડિત હતો. તેણે ઘણી સારવાર કરાવી, પરંતુ તેના માનસિક સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર થયો નહીં.
૩૮ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રૉબિન ઉથપ્પાએ પોતાની યુટ્યુબ ચૅનલ પર ડિપ્રેશન વિશે વાત કરતાં મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ભૂતકાળમાં પણ આપણે એવા ઍથ્લીટ્સ અને ક્રિકેટરો વિશે સાંભળ્યું છે જેમણે ડિપ્રેશનને કારણે પોતાનો જીવ લીધો હતો. હું પોતે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થયો છું. હું એ હકીકતથી વાકેફ છું કે આ કોઈ સુંદર યાત્રા નથી. એ કમજોર, કંટાળાજનક અને બોજારૂપ લાગે છે.’
ADVERTISEMENT
પોતાના મુશ્કેલ સમયને યાદ કરતાં ઉથપ્પાએ કહ્યું હતું કે ‘મને યાદ છે કે ૨૦૧૧માં હું એક વ્યક્તિ તરીકે કોણ બની ગયો એની મને એટલી શરમ હતી કે હું મારી જાતને અરીસામાં જોઈ શકતો નહોતો. હું જાણું છું કે એ ક્ષણોમાં હું કેટલો ખોવાઈ ગયો હતો. મારું અસ્તિત્વ બોજ બની ગયું હતું. હું જીવનમાં હેતુપૂર્ણ બનવાથી કેટલો દૂર ભટકી ગયો હતો.’
રૉબિન ઉથપ્પાએ વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૧ વચ્ચેના તેના જીવનના સૌથી સંઘર્ષપૂર્ણ દિવસોને યાદ કર્યા, જ્યારે તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. તેણે આ પરિસ્થિતિમાંથી પસાર થતા લોકોને કહ્યું, પરિસ્થિતિ ગમે એવી હોય, મારી જેમ તમે પણ ડિપ્રેશનમાંથી બહાર આવી જ શકો છો.