ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
રવિ શાસ્ત્રી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ચોથી ટેસ્ટ-મૅચ પહેલાં તેને ઑસ્ટ્રેલિયામાં રમવા માટે અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. એ વિશે રવિ શાસ્ત્રી કહે છે, ‘સાચું કહું તો મીડિયામાં જે ચાલી રહ્યું હતું એનાથી હું ઘણો આશ્ચર્યચકિત હતો કે આખરે મોહમ્મદ શમી સાથે થયું શું? જો તે આવી રહ્યો છે તો તે ક્યાં છે? મને ખબર નથી કે તે ભારતીય ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં કેટલા સમયથી છે. તેની સ્થિતિ વિશે યોગ્ય વાતચીત થઈ શકી હોત.’
જો મારે નક્કી કરવાનું હોત તો હું તેને ઑસ્ટ્રેલિયા લઈ આવ્યો હોત એમ જણાવતાં શાસ્ત્રી કહે છે, ‘જો તે ત્યાં હોત તો આપણે મેલબર્ન અને સિડની ટેસ્ટ-મૅચનાં પરિણામ આપણી તરફેણમાં લાવી શક્યા હોત. મેં તેને ટીમનો ભાગ બનાવ્યો હોત અને તેની સામે મેડિકલ ટીમ રહે એવી ખાતરી કરી હોત અને પછી જો ત્રીજી ટેસ્ટ-મૅચ સુધીમાં આપણને લાગ્યું કે ના, આ પ્લેયર બાકીની સિરીઝમાં રમી શકશે નહીં તો મેં તેને જવા દીધો હોત. હું તેને ટીમ સાથે લાવ્યો હોત, શ્રેષ્ઠ ફિઝિયો દ્વારા તેનું નિરીક્ષણ કરાવ્યું હોત અને ઑસ્ટ્રેલિયામાં રહેલા ઇન્ટરનૅશનલ ફિઝિયોની શ્રેષ્ઠ સલાહ પણ મેળવી હોત અને તે કેવું પ્રદર્શન કરી રહ્યો છે એ જોતો હોત.’
ADVERTISEMENT
બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં રેકૉર્ડબ્રેક દર્શકોની પ્રશંસા કરી શાસ્ત્રી અને પૉન્ટિંગે
બૉર્ડર-ગાવસકર ટ્રોફી દરમ્યાન ભારતના રવિ શાસ્ત્રી અને ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગે હાજર રહેલા દર્શકોની રેકૉર્ડબ્રેક સંખ્યાની પ્રશંસા કરી છે. રવિ શાસ્ત્રીએ ધ ICC રિવ્યુમાં કહ્યું, ‘જ્યારે ટીવી હોય, ઓટીટી પ્લૅટફૉર્મ હોય, તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય એ છતાં મેલબર્નમાં ૩,૭૫,૦૦૦ લોકોનું ટેસ્ટ ક્રિકેટ જોવા આવવું અને પછી સિડનીમાં એનું પુનરાવર્તન કરવું એ વાસ્તવિકતાની બહાર છે.’
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન પૉન્ટિંગે શાસ્ત્રીનું સમર્થન કરતાં કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ-સિરીઝ જોવા માટે આવનાર લગભગ ૮,૩૭,૦૦૦ લોકોની સંખ્યા અવિશ્વસનીય છે. પર્થ ટેસ્ટ માત્ર ચાર દિવસ ચાલી હતી. ઍડીલેડ અને સિડની ટેસ્ટ માત્ર ત્રણ દિવસ ચાલી હતી. જો આ તમામ ટેસ્ટ-મૅચ પાંચ દિવસ સુધી ચાલી હોત તો આ આંકડો ઘણો મોટો હોત. હવે ઑસ્ટ્રેલિયન ટીમની ઇંગ્લૅન્ડ-ટૂર પર નજર રાખીશું કે કઈ સિરીઝ વધુ દર્શકોને આકર્ષે છે.
જો આંકડા સરખા નહીં હોય તો બૉર્ડર-ગાવસકર ટ્રોફી દર્શકોના દૃષ્ટિકોણથી સૌથી મોટી રાઇવરલી ગણાશે એમાં કોઈ શંકા નથી.’